Wednesday, 23 October 2024

ભગવાન ક્યાં રહે છે? અને ભગવાન શું કરે છે?

 

ભગવાન ક્યાં રહે છે? અને ભગવાન શું કરે છે?

 

શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૧૫)માં ભગવાન કહે છે કે હું જ સૌ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છું અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન અને અપોહન(સંશય વગેરે દોષોનો નાશ થાય છે.બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું.વેદોના તત્વનો નિર્ણય કરવાવાળો અને વેદોને જાણનાર પણ હું જ છું.ગીતા(૧૦/૨૦)માં ભગવાન કહે છે કે તમામ પ્રાણીઓના અંતઃકરણ(હ્રદય)માં સ્થિત આત્મા પણ હું જ છું.

 

એક બ્રાહ્મણ હતા જે નગરજનોના ઘેર જઇ પૂજાપાઠ કરી પોતાનો જીવન નિર્વાહ કરતા હતા.એકવાર આ બ્રાહ્મણને નગરના રાજા રાજમહેલમાં પૂજા માટે બોલાવે છે.પૂજા પછી રાજાએ બ્રાહ્મણને એક પ્રશ્ન પુછ્યો કે બ્રાહ્મણ દેવ ! આપ ભગવાનની પૂજા કરો છો તો મને એ બતાવો કે ભગવાન ક્યાં રહે છે? તેમની નજર કંઇ તરફ હોય છે? અને ભગવાન શું કરે છે? રાજાનો પ્રશ્ન સાંભળીને બ્રાહ્મણને નવાઇ લાગે છે અને કેટલોક સમય વિચાર કરીને કહે છે કે હે રાજન ! આ પ્રશ્નના જવાબ માટે મને થોડોક સમય આપો.

 

રાજાએ બ્રાહ્મણને એક મહિનાનો સમય આપ્યો.બ્રાહ્મણ દરરોજ એ વિચારમાં ખોવાયેલો રહેતો કે આનો જવાબ શું હશે? સમય પસાર થઇ રહ્યો હતો.હવે થોડા દિવસો જ બાકી રહ્યા હતા.બ્રાહ્મણની ચિંતા વધવા લાગી અને જવાબ ન મળવાથી બ્રાહ્મણ દુઃખી થવા લાગ્યો.એક દિવસ બ્રાહ્મણને ચિંતિત જોઈને તેમના પુત્રે કહ્યું કે પિતાજી તમે આટલા દુઃખી કેમ છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે બેટા ! થોડા દિવસ પહેલા હું પૂજા કરવા માટે રાજમહેલમાં ગયો હતો.હું પૂજા કરીને જ્યારે પરત ફરી રહ્યો હતો ત્યારે રાજાએ મને પુછ્યું હતું કે ભગવાન ક્યાં રહે છે? ભગવાન શું કરી શકે છે? અને ભગવાનની નજર કંઇ તરફ હોય છે? તે સમયે રાજાના પ્રશ્નનો જવાબ મને ખબર ન હોવાથી આ પ્રશ્નનો જવાબ આપવા મેં સમય માંગ્યો હતો.રાજાએ મને એક મહિનાનો સમય આપ્યો હતો જે પુરો થવા આવ્યો છે છતાં મારી પાસે આ પ્રશ્નોના જવાબ નથી તેથી હું ચિંતિત છું.

 

બ્રાહ્મણની વાત સાંભળીને તેમના પુત્રે કહ્યું કે પિતાજી ! તમે મને રાજ દરબારમાં સાથે લઈ જાઓ.હું રાજાને આ પ્રશ્નોનો જવાબ આપીશ.બ્રાહ્મણ તેના પુત્રને લઇને રાજમહેલમાં જઇ રાજાને કહ્યું મારો પુત્ર તમારા પ્રશ્નનો જવાબ આપશે.રાજાએ બ્રાહ્મણના પુત્રને પ્રશ્નો પૂછ્યા કે ભગવાન ક્યાં રહે છે? તેમની નજર કંઇ તરફ હોય છે? અને ભગવાન શું કરે છે? બ્રાહ્મણ પુત્રે રાજાને કહ્યું કે રાજન ! તમારા રાજ્યમાં પ્રથમ અતિથિનો આદર-સન્માન કરવામાં આવતું નથી? આ સાંભળીને રાજાને થોડી શરમ લાગી તેથી બાળકને સન્માન સાથે સ્થાન આપવામાં આવ્યું અને તેને પીવા માટે દૂધનો ગ્લાસ લાવવામાં આવે છે.છોકરાએ દૂધનો ગ્લાસ હાથમાં પકડીને દૂધમાં આંગળી નાખી તેમાં ફેરવી અને વારંવાર દૂધ બહાર કાઢીને તેને જોવા લાગ્યો.આ જોઈ રાજાએ પૂછ્યું કે આપ શું કરો છો?

 

બાળકે કહ્યું કે મેં સાંભળ્યું છે કે દૂધમાં ઘી હોય છે,હું એ જોઇ રહ્યો છું કે દૂધમાં ઘી ક્યાં છે? તમારા રાજ્યના દૂધમાંથી તો ઘી જ ગાયબ છે ત્યારે રાજાએ કહ્યું કે દૂધમાં ઘી હોય છે પણ દેખાતું નથી.જ્યારે દૂધને જમાવીને દહીં બનાવવામાં આવે પછી દહીને વલોવવામાં આવે છે ત્યારે જ માખણ મળે છે અને માખણને ગરમ કરવામાં આવે છે ત્યારે ઘી પ્રાપ્ત થાય છે.બ્રાહ્મણ પુત્રે કહ્યું કે મહારાજ ! આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે.જેમ દૂધમાંથી દહીં અને પછી દહીંને વલોવવાથી માખણ મળે છે અને માખણને ગરમ કરવાથી ઘી મળે છે તેવી જ રીતે પરમાત્મા દરેક જીવની અંદર વિદ્યમાન હોય છે પણ તેને પામવા માટે સાચી ભક્તિની આવશ્યકતા હોય છે.મનથી ધ્યાનપૂર્વક ભક્તિ કરવાથી આત્મામાં છુપાયેલા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે.સદગુરૂની કૃપાથી જ મનમાં વિદ્યમાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને આ જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભૂલો-સંશયો દૂર થાય છે.ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂ વિના ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત થઇ શકતું નથી.આપણી ચારે બાજું નિરાકાર પ્રભુ પરમાત્મા વિધમાન છે,તે ૫હેલાં ૫ણ સાથે હતા.આજે પણ સાથે છે અને હંમેશા સાથે જ રહેવાના છે તેમછતાં ગુરૂની કૃપા વિના તેને પામી શકતા નથી.જેવી રીતે દર્પણમાં ચહેરો અને દૂધમાં ઘી સમાયેલું છે.તેવી જ રીતે આ નિરાકાર પ્રભુ ૫રમાત્મા આ સૃષ્ટિમાં સમાયેલા છે.તેના માટે સદગુરૂની કૃપાથી જ્ઞાનદ્રષ્ટિ પ્રાપ્ત કરવાની જરૂર છે.

 

બ્રાહ્મણના પુત્રના જવાબથી રાજા ખુશ થાય છે અને કહે છે કે હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપો કે ભગવાનની નજર કંઇ તરફ હોય છે? બ્રાહ્મણપૂત્રે કહ્યું કે રાજન ! હું આનો જવાબ પણ આપીશ પરંતુ તેના માટે મારે એક મીણબત્તીની આવશ્યકતા છે.રાજાએ તરત જ મીણબત્તી મંગાવી અને બ્રાહ્મણપૂત્રને આપી. છોકરાએ મીણબત્તી પ્રગટાવીને કહ્યું કે રાજન ! તમે મને કહો કે આ મીણબત્તીનો પ્રકાશ કઈ દિશામાં છે? રાજાએ કહ્યું કે તેનો પ્રકાશ બધી દિશામાં એક સમાન છે તેવી જ રીતે પરમાત્મા સર્વદ્રષ્ટા છે અને તેમની નજર તમામ પ્રાણીઓના કર્મોની તરફ ઉપર હોય છે.સદગુરૂ જે ઇશ્વરનાં દર્શન કરાવે છે તેનું સ્વરૂપ અજર-અમર, નિરંજન નિર્ગુણ-નિરાકાર, અવ્યક્ત,અખંડ-અવિનાશી, સર્વદ્રષ્ટા,સર્વશક્તિમાન જડચેતનમાં વ્યાપ્ત અમારી અંગસંગ અને સ્થિર છે.ઇશ્વર પ્રેમ સ્વરૂપ હોવાથી પ્રેમથી પ્રગટ થાય છે.રામાયણ કહે છે કે હરી વ્યાપક સર્વત્ર સમાના,પ્રેમ તે પ્રગટ હોઇ મેં જાના..

 

બાળકના જવાબથી રાજા અત્યંત પ્રસન્ન થાય છે અને અંતિમ પ્રશ્નનો જવાબ સાંભળવા ઉત્સુક બને છે.રાજાએ કહ્યું કે મારા છેલ્લા પ્રશ્નનો જવાબ આપો કે ભગવાન શું કરી શકે છે? ત્યારે બાળકે કહ્યું કે આ પ્રશ્નનો જવાબ હું ચોક્કસ આપીશ પણ તેના માટે મને આપની જગ્યાએ સિંહાસન ઉપર બેસાડવો પડશે અને તમારે મારી જગ્યાએ બેસવું પડશે.રાજાને જવાબ જાણવાની ઉત્સુકતા હતી તેથી તેમને સહમતિ આપી બાળકને રાજાના સિંહાસન ઉપર બેસાડવામાં આવે છે.બાળક કહે છે કે રાજન ! આપના અંતિમ પ્રશ્ન કે ભગવાન શું કરી શકે છે? તેનો આ જવાબ છે.મારા જેવા રંકને રાજ સિંહાસન ઉપર બેસાડી શકે છે અને આપ જેવા મહાન રાજાને મારી જગ્યાએ ઉભા કરી દીધા છે એટલે કે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે-આ તમારા અંતિમ પ્રશ્નનો જવાબ છે.

 

રાજા બ્રાહ્મણપૂત્રના જવાબથી ઘણા પ્રસન્ન થાય છે અને તેમને પોતાનો સલાહકાર બનાવી દે છે. ભગવાન દરેક જીવના હ્રદયમાં નિવાસ કરે છે.પરમાત્માની સાથે પ્રેમ કરીશું તો તે આપણને યોગ્ય માર્ગ બતાવશે જેનાથી અમે સત્યના રસ્તે ચાલી શકીશું,જેનાથી અમારી અંદરની શક્તિ સાથે જોડાઇ શકીશું કે જે અમારી અંદર જ વિદ્યમાન છે પરંતુ અમે તેને ઓળખી શકતા નથી.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment