Wednesday, 23 October 2024

ગીતામૃતમ્..બ્રહ્મસાક્ષાત્કાર માટેની યોગ્યતા શું છે?*

 

ગીતામૃતમ્..બ્રહ્મસાક્ષાત્કાર માટેની યોગ્યતા શું છે?*

 

બ્રહ્મસાક્ષાત્કાર માટેની યોગ્યતા શું છે તથા જ્ઞાનની પરાનિષ્ઠા પ્રાપ્ત કરવા કઇ સાધન સામગ્રીની જરૂરીયાત છે તેને બતાવતાં શ્રીમદ ભગવદ ગીતા(૧૮/૫૧-૫૩)માં ભગવાન કહે છે કે જે વિશુદ્ધ સાત્વિકી બુદ્ધિથી યુક્ત,વૈરાગ્યને આશ્રિત,એકાંતનું સેવન કરવાવાળો અને નિયમિત ભોજન કરવાવાળો અલ્પાહારી સાધક,ધૈર્યપૂર્વક ઇન્દ્રિયોનું નિયમન કરીને,શરીર-વાણી અને મનને વશ કરીને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ..આ પાંચ વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષને છોડીને નિરંતર ધ્યાનયોગ પરાયણ થઇ જાય છે, આવો ભક્ત અહંકાર,સામર્થ્ય,દર્પ,કામ,ક્રોધ અને પરિગ્રહને છોડીને મમતારહિત તથા શાંત થઇને બ્રહ્મ સાક્ષાત્કારને પાત્ર બની જાય છે.

 

જે પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તેની બુદ્ધિ વિશુદ્ધ સાત્વિક હોવી જોઇએ..પૂર્વાર્જિત પાપોના સંસ્કારોથી રહિત અંતઃકરણને વિશુદ્ધ બુદ્ધિ કહે છે.જેવી રીતે સંસારી લોકો રાગપૂર્વક વસ્તુ કે વ્યક્તિને આશ્રિત રહે છે,એમને પોતાનો આશ્રય કે સહારો માને છે એવી જ રીતે સાંખ્યયોગનો સાધક વૈરાગ્યને આશ્રિત રહે છે એટલે કે જનસમુદાય તથા સ્થાન વગેરે સાથે તેની સ્વાભાવિક જ નિર્લિપ્તતા બનેલી રહે છે.લૌકિક અને પારલૌકિક તમામ ભોગોથી તેનો દ્રઢ વૈરાગ્ય હોય છે.

 

એકાંતમાં રહેવાથી સાધના વધુ થશે,મન ભગવાનમાં સારી રીતે લાગશે,અંતઃકરણ નિર્મળ થશે.એકાંત સેવનમાં રૂચિ થવી એ ઉત્તમ છે પરંતુ તેનો આગ્રહ ના હોવો જોઇએ.એકાંત અમૃત છે અને એકાંત વિષ પણ છે.જેનામાં વૈરાગ્ય હોય તથા પ્રભુભજનમાં મન લાગતું હોય તેના માટે એકાંત અમૃત છે પણ જેનામાં વૈરાગ્ય જ ના હોય અને પ્રભુભજનમાં રસ ન હોય તેવી વ્યક્તિ માટે એકાંત ઝેરનું કામ કરે છે તેવી વ્યક્તિએ સમૂહમાં રહેવું જોઇએ.એકાન્તની ત્રણ કક્ષાઓ છેઃજનશૂન્યતા-જીવશૂન્યતા અને સ્મૃતિ શૂન્યતા.

 

જનશૂન્યતા એટલે જ્યાં માણસો રહેતાં ન હોય,માણસો હોય તો સંબંધ હોય.સંબંધ હોય તો રાગ-દ્વેષ થાય.રાગ-દ્વેષ થાય તો અશાંતિ થાય પણ કોઈ માણસ જ ન હોય તો કોઈ સંબંધ જ ન થાય.

 

જીવશૂન્યતા એટલે વ્યક્તિ નિર્જન વનમાં રહે તો જનશૂન્ય સ્થળ મળે પણ ત્યાં બીજા જીવો તો હોય છે.ખાસ કરીને પશુ-પક્ષીઓ વગેરે હોય છે.માણસ માણસને ઝંખે છે તેમાં પણ વિજાતીય માણસની ઝંખના વધુ રહેતી હોય છે અને તે જો ન મળે તો પછી પશુ-પક્ષીઓ વગેરે જીવો પ્રત્યે આકર્ષણ થાય છે તેથી તે હરણાં કૂતરાં વગેરે પશુઓને પાળીને તેમની સાથે સંબંધ કેળવે છે પણ જ્યાં આવાં પશુ-પક્ષીઓ વગેરે જીવો પણ ન રહેતા હોય તેવા જીવશૂન્ય પ્રદેશમાં રહે તો તે જીવશૂન્ય એકાન્ત કહેવાય.

 

સ્મૃતિશૂન્યતા એટલે જ્યાં જન અને જીવો ન હોય પણ ત્યાં આંતરિક સ્મૃતિઓ જાગી ઊઠે.અંતઃકરણ સ્મૃતિઓનો મહાભંડાર છે.જ્યારે અનુભવહીનતાવાળો કાળ હોય છે ત્યારે સ્મૃતિઓ ખીલી ઊઠતી હોય છે.તમે કશો જ અનુભવ ન કરો.સંબંધહીન જીવન અનુભવહીન જીવન થઈ જતું હોય છે.આવા કાળમાં પેલા ભંડારમાં પડેલો સ્મૃતિઓનો જથ્થો ખીલવા માંડે છે.એક પછી એક નવાંનવાં પડ ખૂલે છે અને જીવાત્મા તેમાં તન્મય થઈ જાય છે.તેમાં પણ તીવ્ર રાગાત્મક અને તીવ્ર દ્વેષાત્મક સ્મૃતિઓ બહુ પ્રબળ હોય છે,તે તો હજાર મુખોથી જાગી ઊઠતી હોય છે તેને શૂન્ય કરવી એ અત્યંત કપરી વસ્તુ કહેવાય પણ સાધક સ્મૃતિઓથી પણ શૂન્ય થઈ જાય તો સ્મૃતિશૂન્ય એકાન્ત કહેવાય.

 

ઓછો આહાર લેનારો.અહીં શબ્દ ઉપર ધ્યાન દેવા જેવું છે.ગીતા નિરાહારી એટલે કે આહાર વિનાનો નથી કહેતી.આખી ગીતામાં ક્યાંય આહાર ત્યાગની વાત કરી નથી.અત્યાહારી ક્યારેય સાધક ન થઈ શકે. અત્યાહારીનાં ત્રણ રૂપ છેઃએક જ સમયે ખૂબ દબાવીને જમે,વારંવાર જમે પણ ખૂબ દબાવીને જમે અને ન પચે તેટલું જમે.આ ત્રણ દોષોથી જે મુક્ત હોય એટલે કે જે ભલે એક વાર કે બેવાર જમે પણ હળવો આહાર ઓછી માત્રામાં લે તો તેને નિદ્વાન્તંન્દ્રા સતાવે નહિ તેથી લધ્વાશી કહ્યું છે.

 

સાંસારીક ગમે તેટલાં પ્રલોભનો સામે આવવા છતાં પણ બુદ્ધિને પોતાના ધ્યેય પરમાત્માતત્વથી વિચલિત ન થવા દેવી આવી દ્રઢ સાત્વિકી બુદ્ધિના દ્વારા ઇન્દ્રિયોનું નિયમન કરવું.શરીર-વાણી અને મનને વશમાં કરવાં બહુ જ જરૂરી છે એટલે શરીરથી વૃથા ન ફરવું,જોવા-જાણવાના શોખ માટે કોઇ પ્રવાસ ના કરવો,વાણીથી વૃથા વાતચીત ના કરવી,આવશ્યક લાગે તો જ બોલવું,અસત્ય ના બોલવું,નિંદા-ચુંગલી ના કરવી.મનથી રાગપૂર્વક સંસારનું ચિંતન ના કરતાં પરમાત્માને જાણીને પરમાત્માનું ચિંતન કરવું.

 

વાણીનો સંયમ કરવો.બને તો મૌન રહેવું અથવા ઓછું બોલવું અથવા જરૂરી હોય એટલું જ બોલવું. શરીરને ચંચળ ન થવા દેવું,અનુકૂળ આવે તેવા યોગ્ય આસનમાં સ્થિર થઇ મનને સ્થિર કરવું.

 

વધુમાં વધુ સમય ધ્યાનમાં લગાવવું,ધ્યાનના સમયે બહારના જેટલા સબંધો છે કે જે વિષયરૂપથી આવે છે અને જેનાથી સંયોગજન્ય સુખ થાય છે.શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવો જોઇએ કારણ કે વિષયોનું રાગપૂર્વક સેવન કરવાવાળો ધ્યાનયોગની સાધના કરી શકતો નથી.ધ્યાન પોતાના ઇષ્ટદેવ/ગુરૂદેવનું કરવું,ઇષ્ટદેવને જોયા કરવા,તેમની સાથે મનોરાજ્ય કરવું.મનોરાજ્ય એટલે માનસિક વ્યવહાર કરવો.જેમ વ્યક્તિ પોતાના પ્રિયતમ સાથે માનસિક વાર્તાલાપ અને વ્યવહાર કરતો હોય છે તેમ ભક્ત પણ પોતાના ભગવાન સાથે માનસિક વાર્તાલાપ કરવો,વ્યવહાર કરવો. આવી તન્મયતા દ્રઢ થતાં થતાં તન્મય જગત દેખાવા લાગે છે.જેમ આશિકને ચારે તરફ માશૂકા જ દેખાતી હોય છે તેમ ભક્તને પણ ચારે તરફ પોતાનો પ્રભુ જ પ્રભુ દેખાવા લાગે છે આ મનોરાજ્ય છે.

 

સાંસારીક વસ્તુઓ ખુબ કામની,ઉપયોગી અને મહત્વની છે એવો જે ભાવ છે તેનું નામ રાગ છે અને તેની પ્રાપ્તિમાં કોઇ વિઘ્ન નાખે તેના પ્રત્યે દ્વેષ થાય છે.

 

જેને વૈરાગ્ય જોઈતો હોય તેણે વૈરાગ્યમંત્રોની સાધના કરવી જોઈએ.લાંબો સમય થાક્યા વિના આનો જાપ કરવામાં આવે તો વૈરાગ્યવૃત્તિ ખીલવા લાગે છે પણ યાદ રહે આવા સાધકને સંસારવૃત્તિ મંદ થવાથી સંસાર નિરસ થઈ શકે છે.નિત્ય શબ્દ બતાવે છે કે આ પ્રક્રિયા સતત નિત્ય થવી જોઈએ,થોડો સમય નહિ.

 

ગુણોના લીધે પોતાનામાં જે એક વિશેષતા દેખાય છે તેને અહંકાર કહે છે.બળજબરીથી મનમાન્યુ કરવાનો જે આગ્રહ હોય છે તેને બળ કહે છે.સ્થાવર-જંગમ મિલ્કતની વિશેષતાને લીધે જે ઘમંડ થાય છે તેને દર્પ કહે છે.ભોગપદાર્થો તથા અનુકૂળ પરિસ્થિતિ મળે એ ઇચ્છાનું નામ કામ છે.પોતાના સ્વાર્થ અને અભિમાનમાં ઠેસ લાગતાં બીજાઓનું અનિષ્ટ કરવા માટે જે દાહાત્મક વૃત્તિ પેદા થાય છે તેને ક્રોધ કહે છે. ભોગબુદ્ધિથી સુખ-સાહ્યબી માટે ચીજોનો જે સંગ્રહ કરવામાં આવે છે તેને પરીગ્રહ કહે છે.

 

પોતાની પાસે નિર્વાહ પુરતી વસ્તુઓ છે અને કર્મ કરવા માટે શરીર-ઇન્દ્રિયો વગેરે જે સાધનોમાં મમતા ના થાય,પોતાનું શરીર વગેરે જે આપણને પ્રિય લાગે છે તે બધાં નિરંતર ઉપલબ્ધ રહે તેવી ઇચ્છા ના થવી એ નિર્મમ થવું કહેવાય છે.અસત્ સંસારની સાથે સબંધ રાખવાથી જ અંતઃકરણમાં અશાંતિ,ક્ષોભ વગેરે પેદા થાય છે.જડતા સાથે સબંધ વિચ્છેદ થતાં અશાંતિ પાસે આવતી નથી પછી રાગ-દ્વેષ ન રહેવાથી સાધક હરહંમેશાં શાંત રહે છે.મમતારહિત અને શાંત મનુષ્ય પરમાત્માપ્રાપ્તિનો અધિકારી બની જાય છે. જ્યાંસુધી અસત્ પદાર્થો સાથે સબંધ રહે છે ત્યાંસુધી પરમાત્મ પ્રાપ્તિનું સામર્થ્ય આવતું નથી.

 

મૂળ વાત સાક્ષાત્કારની છે.ગીતા બ્રહ્મસાક્ષાત્કારમાં માને છે પણ તેની સાધના દ્વારા માને છે.કોઈ માથે હાથ મૂકે અને સાક્ષાત્કાર થઈ જાય અથવા કોઈના શક્તિપાતથી સાક્ષાત્કાર થઈ જાય તેવું નથી માનતી. આ શ્ર્લોકોમાં ગીતાએ સાક્ષાત્કારી થવા માટેની સાધના બતાવી છે.જેમાં આટલા નકાર બતાવ્યા છેઃ તે નિરહંકારી હોય,પોતાના બળ એટલે સામર્થયના ભારથી મુક્ત હોય,ઘમંડી ન હોય,કામી-ક્રોધી ન હોય, અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરનારો ન હોય અને તેને કોઈ વસ્તુ પ્રત્યે મોહ-માયા ન હોય..આવો શાંત ભક્ત કે સાધક હોય તો તે બ્રહ્મસાક્ષાત્કારની યોગ્યતાવાળો થઈ શકે.ગીતા લક્ષણો વિના કશું જ પ્રાપ્ત કરાવતી નથી,બધી સિદ્ધિઓનાં તરત જ લક્ષણો બતાવે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment