Wednesday 28 August 2024

પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?

 પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?

શ્રાદ્ધમાં પિતૃઓનું મનપસંદ ભોજન બનાવીને જો બ્રાહ્મણ,સંત-મહાપુરૂષો અને પરીવારના તમામ સદસ્યોને ભેગા કરીને જમાડવામાં આવે તો તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી પરંતુ આપણી વચ્ચેથી વિદાય લીધેલ આપણા પૂર્વજો કે જેમને આપણા માટે તેમને પોતે જીવનમાં તકલીફો વેઠીને અમોને સુખ મળે,અમે જીવનમાં પ્રગતિ કરીએ તે માટે જે કર્મ કર્યા તેમને કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાભાવથી યાદ કરવાનું પર્વ છે.

જે તૃપ્તિ આપ એક મનુષ્યને જીવતાં જીવ આપી શકો છો તે તૃપ્તિ આપ તેના મરણોપરાંત હજારોનું દાન,પુણ્ય કે પૂજાપાઠથી આપી શકતા નથી એટલા માટે મરણોપરાંત શ્રાદ્ધ કર્મથી ઉત્તમ એ છે કે જીવતાં જીવ વડીલોની સેવા કરવી.

શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી બન્યો છે.શ્રદ્ધામાં ઘણી શક્તિ છે તે પત્થરને દેવતા બનાવે છે.શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ બહેન દિકરી કે ભાણેજને જે કંઇ આપવામાં આવે તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેવો વિશ્વાસ રાખવો.જે લોકો શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તેમના પિતૃઓ પ્રસન્ન થાય એટલે દેવતાઓ અને પ્રભુ પરમાત્મા પણ સંતુષ્ટ થઇને તેમને આયુષ્ય સંતાન ધન સ્વર્ગના સુખો અને મોક્ષ પ્રદાન કરે છે.

દુનિયામાં તમામ જગ્યાએ તમામ ધર્મો અને જાતિના લોકો કોઇને કોઇ રૂપમાં મૃતકોનું શ્રાદ્ધ કરે છે. મૃતકોની યાદમાં સ્મારકો અને મકબરા બનાવેલ જોવા મળે છે.પૂર્વજોના નામે ગામ શહેર ફળિયા સંસ્થા મકાન કૂવા તળાવ મંદિર કે મિનારા બનાવીને તેમને લાંબો સમય સુધી યાદ કરવામાં આવે છે.તેમની યાદમાં પુણ્ય તીથીઓ ઉજવવામાં આવે છે.શ્રાદ્ધમાં પિતૃઓના નામથી વૃક્ષારોપણ કરવું જોઇએ કે જેનાથી અનેક લોકોને લાભ થાય.

અમારો સમાજ ઘણો ભૌતિકવાદી બની ગયો છે.સ્વાર્થ વિના કોઇને મદદ કરવા ઇચ્છતો નથી.શ્રાદ્ધ પક્ષમાં અમારા પૂર્વજોના નિમિત્તે બીજાઓને જે કંઇ દાન કે ભોજન કરાવવામાં આવે છે તેનાથી સમાજના ગરીબ અને જરૂરીયાતમંદોને મદદ મળે છે તથા સમાજમાં સહયોગ અને સમન્વયની ભાવના જાગે છે.

ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો ગણાય છે.આ દિવસોમાં આપણા પૂર્વજો,ઋષિમુનિઓ અને સંતોના તર્પણ અને તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાના દિવસો છે. તર્પણ એટલે તેમને તૃપ્ત કરવા,સંતુષ્ટ કરવા.તેમને આપેલ સંસ્કારોથી ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા પ્રયત્ન કરીએ.પૂર્વજોની આબરૂ અને પ્રતિષ્ઠા વધે એવું જીવન જીવીશું તો તે પ્રસન્ન થશે. 

વર્તમાન સમયમાં વડીલો સમાજની મુખ્ય ધારાથી દૂર થતા જઇ રહ્યા છે.જે અમારા પરીવારનું અંગ હતા,જેનું લોહી અમારી નાડીઓમાં વહે છે,જેમને અમોને સંસ્કાર અને શિક્ષણના માધ્યમથી અમોને જીવન જીવતા શિખવ્યું છે તેઓ જ્યારે હયાત નથી ત્યારે તેમના કરેલા ઉપકારને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા જોઇએ, તેઓ જે પણ યોનિમાં હોય તે યોનિમાં તેમને દુઃખ ના પડે,સુખ-શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું,તેમના પ્રત્યે અમારી કૃતજ્ઞતા પ્રગટ કરવાનું નિમિત્ત શ્રાદ્ધ છે.આમ કરવાથી અમારી આવનારી નવી પેઢીમાં સાંસ્કૃતિક વિચારધારાની સાથે સાથે વડીલોનું સન્માન કરવાની ભાવના જાગૃત થશે.

માન્યતા એવી છે કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓની ઇચ્છા અતૃપ્ત રહેવાથી તેઓ કુટુંબીજનોને ત્રાસ આપે છે.સામાન્યપણે દર વર્ષે પિતૃઓના મૃત્યુની તીથીએ શ્રાદ્ધ કરવામાં આવે છે.મૃત્યુતીથી ખબર ન હોય તો અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.વર્તમાન સમયમાં લોકો ભક્તિ સેવા સુમિરણ સત્સંગ કરતા ન હોવાથી માયામાં ફસાઇને મૃત્યુ પછી તેમનો લિંગદેહ અતૃપ્ત રહે છે જે મૃત્યુલોકમાં અટવાય છે જેમની ઇચ્છાઓ શ્રાદ્ધ વિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવવી એ શ્રાદ્ધ કરવા પાછળનો મુખ્ય હેતુ છે.

જેના ઘરમાં સતત ઝગડા થતા હોય,એકબીજા સાથે અણબનાવ,નોકરી ન મળવી,ઘરમાં પૈસો ન ટકવો,ઘરના કોઇ સભ્યને ગંભીર માંદગી થવી,તમામ સંજોગો અનુકૂળ હોવા છતાં વિવાહ ન થવો,પતિ-પત્ની વચ્ચે અણબનાવ,ગર્ભધારણ ન થવો,વારંવાર ગર્ભપાત થઇ જવો,વિકલાંગ બાળક જન્મવું કે કુટુંબના કોઇ સભ્યને વ્યસન લાગવું..આવી ઘટના બને તો સમજવું કે ઘરના પિતૃઓ નારાજ છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)


પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવું જોઇએ.

 

પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવું જોઇએ.

 

શ્રદ્ધા પરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે.શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે.જેમને આપણી ઉપર ઉપકાર કર્યો હોય,જેમના દ્વારા આપણને કંઈ લાભ થયો છે તેમના પ્રત્યે આદર પ્રગટ કરવો,તેમના પ્રત્યે કૃતજ્ઞ હોવું એ શ્રદ્ધાળુનું પરમ કર્તવ્ય છે.શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી.શ્રાદ્ધ એટલે પૂર્વજોનું કૃતજ્ઞતા,શ્રદ્ધા અને આદર સહિત સ્મરણ કરવું.ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુઘીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો કહેવાય છે.શ્રાદ્ધ એટલે શુદ્વ સંકલ્પોની શ્રદ્વાંજલિ.આપણા પૂર્વજો જેઓ આપણી વચ્ચેથી શરીર છોડીને ગયા છે એમની પાછળ કરવામાં આવતી શ્રદ્વાપૂર્વકની વિઘિ.

 

કબીરજીનો એક પ્રસંગ છે કે એકવાર કબીરના ગુરૂ રામાનંદજી કહે છે કે આપ ગાયનું દૂઘ લઈ આવો  જેથી આજે આપણે શ્રાદ્ધ કરીએ.કબીરજી દૂધ લેવા જાય છે ત્યાં રસ્તામાં એક ગાય મરેલી પડી છે તેને કબીરજી ઘાસ નાંખે છે અને રાહ જુએ છે કે ગાય ઉભી થાય અને મને દૂઘ આપે ! આ બાજુ તેમના ગુરૂજી કબીરજીની રાહ જોતા હતા.ઘણો સમય પસાર થયો છતાં તેઓ આવ્યા નહિ તો તેમને શોધવા ગુરૂજી પોતે જાય છે તો જુએ છે રસ્તામાં કબીરજી એક મૃત ગાય પાસે બેઠા હોય છે.ગુરૂજી  પૂછે છે કે આ શું કરો છો? ત્યારે કબીર કહે છે કે આ ગાય ઘાસ ખાય અને પછી દૂઘ આપે તો દૂધ લઇને આવીશ.ગુરૂજી કહે છે કે આ ગાય તો મરેલી છે એ ઘાસ કેવી રીતે ખાશે? ત્યારે કબીરજી કહે છે કે આપણે શ્રાદ્ધ કરીને વાસ નાંખીએ છીએ તો એ ભોજન મૃત પિતૃઓને કેવી રીતે પ્રાપ્ત થાય? આ પણ એક વિચારણીય બાબત છે.

 

વર્તમાન સમયમાં બુદ્ધિજીવીઓ શ્રાદ્ધની મશ્કરી કરે છે તેઓ માનવજીવનનો સાચો મર્મ સમજ્યા નથી.તેઓ કહે છે કે બ્રાહ્મણ કે બહેન દિકરી ભાણેજને ખવડાવીએ તે જો પિતૃઓને પહોંચતું હોય તો અમદાવાદમાં જેને ખાધું તે વડોદરામાં રહેનારને કેમ નથી પહોંચતું? આવી દલીલ કરે છે તેનો જવાબ એ છે કે ભારતની બેંકમાં જમા કરેલ નાણાં અમેરીકામાં રહેતા સ્વજનને ત્યાંની કરન્સીમાં મળી જાય છે. ગુજરાતના સ્વજનનો અવાજ મોબાઇલથી એવોને એવો જ દૂરદેશોમાં રહેનાર સાંભળી શકતા હોય તો ભાવ-ભક્તિ,શુદ્ધ અંતઃકરણ અને અનન્ય શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ પિતૃઓને તૃપ્ત કરે છે તેમાં શંકા નથી.

 

કહેવાનો ભાવ એ છે કે જીવતાં જીવત આપણે એવા કર્મ કરવા જોઈએ કે જેનાથી આપણા માતાપિતા કે વડીલો સંતુષ્ટ થાય,ખુશ થાય,રાજી થાય,આર્શીવાદ આપે પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે આવા પુત્ર અથવા સંતાનો કેટલા? જીવતાં-જીવ આપણે આપણા માતાપિતાને વૃદ્વાશ્રમોમાં મુકી આવીએ છીએ.જો માતાપિતા આપણી સાથે રહેતા હોય તો પણ એમની સાથે સારો વ્યવહાર કરતા નથી તેમ છતાં મા-બાપ પોતાના સંતાનો માટે કયારેય ખરાબ ઈચ્છતા નથી,તેઓ હંમેશા એ જ આર્શિવાદ આપે છે કે દિકરા ખુશ અને સુખી રહેજે.

 

શ્રાદ્ધમાં કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે? તેની પાછળ પણ વિજ્ઞાન છે.આપણા ૠષિ મુનીઓએ આ વિજ્ઞાનની વાતોને ઘર્મ સાથે જોડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.આ દિવસોમાં કાગડા ઈંડા મૂકે છે એને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે.આ કાગડો વડ અને પીપળો કે જે ચોવીસ કલાક પ્રાણવાયુ આપે છે એના બીજ ખાય છે એના પેટમાં એની પ્રોસેસ થાય છે પછી એની ચરક જયાં પડે છે ત્યાં વડ કે પીપળાના છોડ ઉગે છે.આમ મનુષ્ય જાતિને બચાવવા ઓકિસજન મળી રહે તે માટે કાગડાને બચાવવા જરૂરી છે એટલે કાગડાને કાગવાસ નાંખવામાં આવે છે.

 

ભાદરવા મહિનામાં શરીરમાં પિત્તની વૃદ્ધિ થતી હોય છે એટલે આયુર્વેદ પ્રમાણે દૂઘ અને ચોખાની ખીર બનાવીને આરોગવામાં આવે તો આ પિત્તનું શમન થાય છે એટલે દૂઘ-પાક ખાવાનો મહિમા છે.

માતા-પિતા અને ગુરૂનો ઉપકાર આપણી ઉપર સૌથી વધારે છે તેના બદલામાં તેમના પ્રત્યે અખૂટ શ્રદ્ધા રાખી તેમને મનુષ્ય દેહધારી દેવતા માનવા અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી.આ કૃતજ્ઞતા ભાવ મનમાં રહે તે ખૂબ જ જરૂરી છે.પિતૃઓના મૃત્યુની પુણ્યતિથિના દિવસે શ્રાદ્ધ કરવાની એટલે તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાની વિધિ શાસ્ત્રોમાં બતાવી છે.

 

સત્કર્મ ભલે સ્વેચ્છાએ કર્યું હોય કે અનિચ્છાએ કે કોઈ વિશેષ હેતુ માટે કર્યું હોય તો પણ ઉત્તમ કર્મોનું ફળ ઉત્તમ જ મળે છે.શ્રાદ્ધ નિમિતે જે દાનધર્મ કરવામાં આવે છે તેનું ફળ તે સ્વર્ગીય વ્યક્તિને ભલે મળે કે ના મળે પરંતુ દાન કરનાર વ્યક્તિ માટે તે કલ્યાણકારક છે.સત્કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી.શ્રાદ્ધની મહત્તા એટલા માટે સ્વીકારવી જોઈએ કે શ્રાદ્ધના રીવાજના કારણે અનિચ્છાએ પણ લોકો ધર્મકાર્ય કરવા વિવશ બને છે.

 

શ્રાદ્ધ દ્વારા શ્રદ્ધા જીવિત રહે છે.જીવિત પિતૃઓ અને ગુરૂજનો પ્રત્યે શ્રદ્ધા પ્રક્ટ કરવા માટે એમની અનેક પ્રકારે સેવાપૂજા કરી તેમને સંતુષ્ટ કરવા જોઇએ પરંતુ સ્વર્ગીય પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવા, પોતાની કૃતજ્ઞતા પ્રક્ટ કરવા કોઈ નિમિત્ત જરૂરી છે આ નિમિત્ત એ શ્રાદ્ધ છે.

 

આપણે ભગવાનના અવતારો દેવતાઓ ઋષિઓ મહાપુરૂષો અને પૂજનીય વડીલોની તિથિઓ ઉજવીએ છીએ,તેમના ગુણોનું વર્ણન કરીએ છીએ,એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમનાં ચરિત્રો અને વિચારોમાંથી પ્રેરણા મેળવવાની છે.

 

જો આપણા મનમાં એવો તર્ક ઉભો થતો હોય કે મૃત્યુ પામેલી વ્યક્તિએ તો બીજી જગ્યાએ જન્મ પણ લઈ લીધો હશે તો પછી તેમની તિથિ ઊજવવાનો શો અર્થ? આ તર્ક ખોટો છે.મનુષ્ય માટીનું રમકડું નથી કે જે તૂટી જવાથી કચરાના ઢગલામાં તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવે.તેમનો યશ યુગો સુધી રહે છે અને તે એટલું જ કામ કરે છે જેટલું જીવિત શરીર કરે છે.આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ, ભગવાન શ્રી કૃષ્ણ, પ્રહલાદ, સત્યવાદી હરિશ્ચંદ્ર, ધ્રુવ, દાનવીર કર્ણ, શિવાજી, રાણાપ્રતાપ, તપસ્વી તિલક, જગતગુરૂ શંકરાચાર્ય, ગૌતમ બુદ્ધ, મહાવીર, નાનક,કબીર વગેરે જીવિત નથી પરંતુ તેમનો યશોદેહ આજે પણ એટલું જ કામ કરે છે જેટલું જીવિત શરીર કરતું હતું.કરોડો વ્યક્તિઓને તેમના જીવનમાંથી પ્રેરણા અને પ્રકાશ પ્રાપ્ત થાય છે.

 

શ્રાદ્ધ અને તર્પણનો મૂળ હેતુ આપણી કૃતજ્ઞતા અને આત્મિયતાની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરવાનો છે.આ પ્રવૃત્તિઓ જીવિત અને જાગૃત રહે તે જગતની સુખ-શાંતિ માટે અત્યંત આવશ્યક છે.આવી આવશ્યક વૃત્તિઓનું પોષણ કરવા શ્રાદ્ધ જેવાં અનુષ્ઠાન જરૂરી છે.મૃત્યુ પામ્યા પછી જીવ નાશ પામતો નથી.તે કોઈને કોઈ રૂપમાં આ સંસારમાં રહે જ છે.એના પ્રત્યે બીજાઓની સદભાવના તથા દુર્ભાવના ખૂબ જ સહેલાઈથી પહોંચે છે.શ્રદ્ધા-કૃતજ્ઞતા આપણા ધાર્મિક જીવનની કરોડરજજુ છે.જો આ શ્રદ્ધા નીકળી જાય તો બધી જ ધાર્મિક ક્રિયાઓ વ્યર્થ,નિરસ અને પ્રયોજન વગરની બની જાય.

 

ભૌતિક્વાદી નાસ્તિક દ્રષ્ટિકોણ અને ધાર્મિક આસ્તિક દ્રષ્ટિકોણમાં મુખ્ય આ જ તફાવત છે.ભૌતિકવાદી નિરસ શુષ્ક ક્ઠોર દષ્ટિકોણવાળો માણસ સ્થુળ બુદ્ધિથી વિચારે છે કે પિતાજી મૃત્યુ પામ્યા હવે મારે અને એમને શું સંબંધ? જ્યાં હશે ત્યાં પોતાનાં કર્યા કર્મ ભોગવતા હશે,તેમના માટે હું શું કામ દુ:ખી થાઉ? આનાથી બિલ્કુલ ઊલટું ધાર્મિક દ્રષ્ટિવાળો માણસ સ્વર્ગીય પિતાના અગણિત ઉપકારોને યાદ કરીને કૃતજ્ઞતાના ભારથી નતમસ્તક બની જાય છે.તે ઉપકારમયી સ્નેહમયી સ્વર્ગીય મૂર્તિના નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું સ્મરણ કરતાં કરતાં એનું હૃદય ભરાઈ જાય છે,એનું હ્રદય પોકારે છે હે સ્વર્ગીય પિતૃઓ ! તમે ભલે સશરીર અહીયાં નથી પરંતુ તમારો આત્મા આ લોકમાં ક્યાંક તો હશે જ. તમારા ઋણથી દબાયેલો હું તમારાં ચરણોમાં શ્રદ્ધાની અંજલિ અર્પણ કરૂં છું.

 

ધાર્મિક કર્મકાંડ સ્થૂળ રીતે તો બહુ મહત્વ ધરાવતાં નથી પરંતુ તે બધાની પાછળ જે ભાવનાઓ રહેલી છે તે જ મહત્વની છે.આ ભાવનાઓ જ માણસને સુખી સમૃદ્ધ સ્વસ્થ સંપન્ન વૈભવશાળી યશસ્વી પરાક્રમી અને મહાન બનાવે છે.

 

જીવનમાં આપણા ઉપર ત્રણ ૠણ છે જે ચૂકવવાના હોય છેઃપિતૃૠણ-દેવૠણ અને ૠષિૠણ. જેમને આપણને જન્મ આપ્યો,જેમની કૃપાથી નાનાથી મોટા થયા,આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે જેને પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો તે પિતૃઓના ઋણમાંથી તેમને તૃપ્તિ થાય તેવું કરવાથી મુક્ત થવાય છે. દેવ(પ્રભુ પરમાત્મા)નું નિરંતર ધ્યાન પૂજન સેવા સુમિરણ સત્સંગ કરવાથી દેવના ઋણમાંથી મુક્ત થવાય છે. ઋષિઓના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાથી ઋષિઋણમાંથી મુક્ત થવાય છે.શ્રાદ્ધમાં મારે પણ મારા બાપ-દાદાઓની જેમ આ દુનિયા છોડીને જવાનું છે તે યાદ કરી સારા કર્મોનું ભાથું બાંધવાનું છે.

 

ઉપકારનો બદલો ચૂક્વવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ જેથી આપણી ઉપર રહેલો ઋણનો બોજો હલકો બને.જે ઉપકારી પૂજનીય આત્માઓ સ્વર્ગે સિધાવ્યા છે એમના પ્રત્યે મનમાં કૃતજ્ઞતા રાખવી જોઈએ અને સમય આવ્યે કૃતજ્ઞતા પ્રક્ટ કરવી જોઈએ.શ્રાદ્ધમાં ભાવના મહત્વની છે.શ્રદ્ધા અને ભાવનાનો આપણે ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Friday 16 August 2024

શિવાલયમાં સ્થિત પ્રતિકોનું આધ્યાત્મિક રહસ્ય

 

શિવાલયમાં સ્થિત પ્રતિકોનું આધ્યાત્મિક રહસ્ય

 

પ્રત્યેક શિવાલયમાં નંદી,કાચબો,ગણેશ, હનુમાન,જલધારા,નાગ.. જેવા રહસ્યમય પ્રતિક જોવા મળે છે.દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન,વાહન,પ્રતિકમાં સુક્ષ્મભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે.શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્ટિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને શરીરનું લક્ષ્ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ.

 

શિવનો અર્થ છે કલ્યાણ.તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો, તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે. શરીર નંદીની જેમ આત્માભિમુખ બને, શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ.સ્થિર તથા દ્રઢ રહીએ એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.

 

નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે.જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્મ શરીરનું એટલે કે મનનું માર્ગદર્શન કરે છે. અમારૂં મન કાચબા જેવું કવચધારી, સુદ્રઢ બનવું જોઇએ. જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને,કલ્યાણનું ચિન્તન કરે, આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે એટલે કે મનની ગતિ, વિચારોનો પ્રવાહ, ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે. કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી પરંતુ શિવ તરફ જ જાય છે. અમારૂં મન પણ દેહાભિમુખ નહી પરંતુ આત્માભિમુખ બનેલું રહે, ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે, શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ.

 

નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છેઃગણેશ અને હનુમાન.ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કે કલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે.

 

ગણેશનો આદર્શ છે બુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો એ જ એમનો સિધ્ધાંત છે તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે જેમકે અંકુશ- સંયમ-આત્મ નિયંત્રણનું, કમળ એ પવિત્રતા, નિર્લે૫તાનું, પુસ્તક એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા મોદક(લાડું) એ મધુર સ્વભાવનું પ્રતિક છે.શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે.આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.

 

હનુમાનજીનો આદર્શ છે વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે.અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પાત્રતા પ્રાપ્ત થાય છે. ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્તિ થાય છે પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્ત થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કે હું મોટો છું, શ્રેષ્ઠ  છું આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે.આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે. મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે. સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ(૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે, તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્મ જગત બહાર જ છુટી જાય છે ત્યાર પછી પોતાનામાં કારણ જગતની આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે તે અવર્ણનીય છે. શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.

 

શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે. અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે. હિમાલય જેવું શાંત..મહાન..સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી તપસ્વી અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે. ભસ્મ ચિત્તાભસ્મલે૫,આત્માનંદ નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે.કાળો નાગ-કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.

 

ત્રિદલ બિલિપત્ર ત્રણ નેત્ર ત્રિપુંડ ત્રિશૂલ..વગેરે સત્વગુણ,રજોગુણ અને તમોગુણ આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે. ત્રિકાય ત્રિલોક ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે.આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સ્થાનમાં ત્રિકુટી સહસ્ત્રચક્ર સહસ્ત્રદળ કમળ અમૃતકુંભ બ્રહ્મ કલશ આજ્ઞા ચક્ર શિવ પાર્વતી યોગ જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્તિની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે.વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્ય દર્શન અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે. ત્રિદેવ એટલે બ્રહ્મા વિષ્ણું મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છે અ-ઉ-મ આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર ૐ માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.

 

વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ શંખ ઘંટ ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કે આત્મસ્થ રહેવું. બ્રહ્મમાં રત રહેવું એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે. શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે તે જ્ઞાન ગંગા છે. સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા દિવ્ય બુદ્ધિ ગાયત્રી અથવા ત્રિકાળ સંન્ધ્યા જેની બ્રહ્મા વિષ્ણું મહેશ ઉપાસના કરે છે.

 

શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે. આમાં સંકેત એ છે કે એવા કલ્યાણમય..શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે. પ્રેરણા સહયોગિની છે.

 

શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે.ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્યનું પ્રતિક છે. શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ..ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્યની તરફ જ ગતિ કરે છે તેનું લક્ષ્ય ધ્રૃવની જેમ અવિચલ રહે છે. કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ, ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ. જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે. શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા.. પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ.

 

આમ શિવાલય સ્થિત આ પ્રતિકો-ચિન્હોના આધ્યાત્મિક રહસ્યનું ચિન્તન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારાં દર્શન પૂજન ઉપાસના વગેરેની યથાર્થ સાર્થકતા છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

તા.૫-૦૮-૨૦૨૪થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે તો આવો ભગવાન શિવના મંદિરમાં સ્થિત પ્રતિકોનું આધ્યાત્મિક રહસ્ય જાણીએ..

શિવલિંગ ઉપર ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે?

 

શિવલિંગ ઉપર ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે?

 

ભગવાન શિવનું નામ,ભસ્મ અને રૂદ્રાક્ષ ત્રણે ત્રિવેણી સમાન પરમ પુણ્યવાળાં માનવામાં આવે છે. ભગવાન શિવના પૂજનમાં ભસ્મ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.બાર જ્યોતિર્લિંગમાંથી ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે,આ પ્રાચિન પરંપરા છે.આવો શિવ પુરાણ અનુસાર શિવલિંગ ઉપર ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે તે જોઇએ..

 

શિવજીનું રૂપ નિરાળુ-અદભૂત અને અવિનાશી છે.ભગવાન શિવ જેટલા છે એટલા જ રહસ્યમયી છે. ભોળાનાથનું રહન-સહન,આવાસ,ગણ વગેરે તમામ દેવતાઓથી એકદમ અલગ છે.શાસ્ત્રોમાં દેવી-દેવતાઓને સુંદર વસ્ત્ર અને આભૂષણથી સજાવવામાં આવે છે.શિવજી હંમેશાં મૃગચર્મ ધારણ કરે છે અને શરીર ઉપર ભસ્મ લગાવે છે.

 

શિવજીનું પ્રમુખ વસ્ત્ર ભસ્મ છે કારણ કે તેમનું સમગ્ર શરીર ભસ્મથી ઢંકાયેલું રહે છે.શિવપુરાણ અનુસાર ભસ્મ સૃષ્ટિનો સાર છે.એક દિવસ સમગ્ર સૃષ્ટિ રાખના રૂપમાં પરિવર્તિત થાય છે.સત્યુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ પછી આ સૃષ્ટિનો વિનાશ થાય છે અને બ્રહ્માજી દ્વારા પુનઃસૃષ્ટિની રચના કરવામાં આવે છે.આ ક્રિયા અનવરત ચાલતી રહે છે.આ સૃષ્ટિનો સાર ભસ્મ છે જે શિવજી હંમેશાં ધારણ કરે છે. આનો અર્થ એ છે કે એક દિવસ આ સંપૂર્ણ સૃષ્ટિ શિવજીમાં વિલીન થઇ જાય છે.

 

શિવપુરાણ અનુસાર કપિલા ગાયના ગોબર,શમી પિપળો પલાશ વડ અમલતાસ અને બોરડીના વૃક્ષના લાકડાંને સળગાવવામાં આવે છે અને તે સમયે ઉચિત મંત્રોચ્ચાર કરીને જે ભસ્મ પ્રાપ્ત થાય છે તેને કપડાથી ગાળીને તૈયાર કરવામાં આવેલ ભસ્મ શિવજીને અર્પણ કરવામાં આવે છે.આ ભસ્મ જે મનુષ્ય ધારણ કરે છે તેને તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે,સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે એટલે શિવજીને અર્પિત કરેલ ભસ્મનું તિલક કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે તથા ત્વચા સબંધી રોગોમાં દવાનું કામ કરે છે.

 

ભસ્મ ધારણ કરનાર શિવ સંદેશ આપે છે કે પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળવા જોઇએ,જ્યાં જેવી હાલાત હોય તે પ્રમાણે પોતાને તેને અનુરૂપ બનાવી લેવું જોઇએ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

શિવલિંગ ઉપર શંખથી કેમ જળ ચઢાવવામાં આવતું નથી?

 

શિવલિંગ ઉપર શંખથી કેમ જળ ચઢાવવામાં આવતું નથી?

 

આપણે બધા જાણીએ છીએ કે પૂજન કાર્યમાં શંખનો ઉપયોગ કરવામાં આવે છે.લગભગ તમામ દેવી દેવતાઓને શંખથી જળ ચઢાવવામાં આવે છે પરંતુ શિવલિંગ ઉપર શંખથી જળ ચઢાવવામાં આવતું નથી. આ વિશે શિવપુરાણમાં શંખચૂડ નામના મહાપરાક્રમી દૈત્યની એક કથા આવે છે.

 

પૂર્વ સમયમાં બ્રહ્માજીના મરીચિ નામના પૂત્ર થયા.મરીચિથી કશ્યપ મુનિ થયા જે ઘણા જ ધર્મશીલ સૃષ્ટિકર્તા-વિદ્યાવાન અને પ્રજાપતિ હતા.દક્ષ પ્રજાપતિએ તેમને પ્રેમપૂર્વક પોતાની તેર દિકરીઓનું કન્યાદાન કર્યું.તેમને ઘણાં સંતાન થયાં તેનાથી જ સમગ્ર દેવતા તથા ચરાચર જગત ઉત્પન્ન થયેલ છે. કશ્યપની પત્નીઓમાં એક દનુ નામવાળી પત્ની હતી જે સુંદરતાની મૂર્તિ અને સાધ્વી હતી.દનુનાં અનેક બળવાન સંતાન થયાં તેમાં એક વિપ્રચિતિ નામનો દાનવ હતો જે મહાબળવાન અને પરાક્રમી હતો તેનો એક દંભ નામનો પૂત્ર કે જે ધાર્મિક,વિષ્ણુ ભક્ત અને જીતેન્દ્રિય થયો.દૈત્યરાજ દંભને લગ્ન પછી ઘણા વર્ષો સુધી સંતાન ના થયાં તેથી તેને શુક્રાચાર્યજીને ગુરૂ બનાવીને તેમની પાસેથી કૃષ્ણમંત્ર મેળવી પુષ્કર ક્ષેત્રમાં ઘોર તપસ્યા કરી.

 

ઘોર તપસ્યાના ફળસ્વરૂપ આ દૈત્યના માથામાંથી દુઃસહ તેજ નીકળીને ચારે બાજુ ફેલાઇ ગયું.આ તેજથી તમામ દેવતા અને મુનિજનો સંતપ્ત થાય છે તેથી તમામ દેવતાઓ ઇન્દ્રની આગેવાનીમાં ભગવાન વિષ્ણુ પાસે જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આપ સર્વે નિશ્ચિંત અને શાંત રહો તથા ભયભીત ના થાઓ.આ કોઇ ઉપદ્રવ નથી પરંતુ મારો પરમ ભક્ત દંભ નામનો દાનવ પૂત્રની ઇચ્છાથી તપ કરી રહ્યો છે એટલે હું તેને વરદાન આપીને શાંત કરીશ.દંભના તપથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુ પ્રગટ થઇ તેને વરદાન માંગવા કહે છે ત્યારે દંભે ત્રણે લોકમાં અજેય એક મહાપરાક્રમી પૂત્રનું વરદાન માંગ્યું.શ્રીહરિએ તથાસ્તુ બોલીને અંર્તધ્યાન થાય છે.

 

થોડા સમય બાદ તેની ભાગ્યવતી પત્ની ગર્ભ ધારણ કરે છે.સુદામા નામનો ગોવાળ જે ભગવાન કૃષ્ણનો મુખ્ય પાર્ષદ હતો તેને રાધાજીએ શ્રાપ આપ્યો હતો તે જ દંભની પત્નીના ગર્ભમાં આવે છે અને તેનો જન્મ થતાં મુનિઓને બોલાવીને બાળકના જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે અને તેનું નામ શંખચૂડ પાડવામાં આવે છે.શંખચૂડ બાલ્યાવસ્થામાં જ વિદ્યાભ્યાસ કરી અત્યંત તેજસ્વી બને છે.

 

શંખચૂડ યુવાન થતાં જૈગીષવ્ય મહર્ષિના ઉપદેશથી તે પુષ્કર ક્ષેત્રમાં તપ કરે છે.તે એકાગ્ર મન થઇને ઇન્દ્રિયો અને તેના વિષયોને જીતીને ગુરૂ દ્વારા આપવામાં આવેલ બ્રહ્મવિદ્યાનો જપ કરવા લાગ્યો.તેના તપથી પ્રસન્ન થઇને બ્રહ્માજીએ પ્રસન્ન થઇ વરદાન માંગવાનું કહેતાં શંખચૂડે કહ્યું કે મને દેવગણ જીતી ના શકે તેવું વરદાન આપો.બ્રહ્માજીએ તથાસ્તુ કહીને તેને વરદાન તથા દિવ્ય શ્રીકૃષ્ણકવચ આપ્યું તથા બદ્રીકાશ્રમમાં જઇને ત્યાં પતિની કામનાથી ધર્મધ્વજની કન્યા તુલસી તપ કરી રહી છે તેની સાથે વિવાહ કરી લેવાની આજ્ઞા આપી.

 

બ્રહ્માજીની આજ્ઞાથી તુલસી સાથે ગાંધર્વ વિવાહ કરી શંખચૂડ પોતાના નગરમાં આવે છે.તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યા બાદ તુલસી સાથે વિવાહની વાતો જાણી અસુરો ઘણા પ્રસન્ન થઇ ગુરૂ શુક્રાચાર્ય સહિત આવીને તેનું અભિવાદન કરે છે.દૈત્યોના કુલાચાર્ય શુક્રાચાર્ય શંખચૂડને ઉત્તમ આર્શિવાદ આપે છે તથા દેવો અને દાનવોનું વૃતાંત કહે છે.દેવ અને દાનવોના સ્વાભાવિક વેર,દેવતાઓના વિજ્ય,અસુરોના પરાજ્ય તથા દેવગુરૂ બૃહસ્પતિ દ્વારા દેવતાઓની સહાયતાની વાતો કહે છે.

 

ગુરૂ શુક્રાચાર્યે તમામ દાનવોની સંમતિ લઇને શંખચૂડને અસૂરોના અધિપતિ બનાવી રાજ્યપદ ઉપર બેસાડવામાં આવે છે.બ્રહ્મા અને વિષ્ણુના વરદાનના મદમાં ચૂર દૈત્યરાજ શંખચૂડે ત્રણે લોકોને જીતી લીધા. દેવતાઓ ત્રસ્ત થઇને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગે છે પરંતુ તેમને પોતે જ પોતાના ભક્ત દંભને ત્રણે લોકમાં અજેય એક મહાપરાક્રમી પૂત્રનું વરદાન આપ્યું હતું એટલે તેઓ કંઇ કરી શકે તેમ ના હોવાથી તમામ ભેગા થઇને ભગવાન શિવને પ્રાર્થના કરે છે.

 

ભગવાન શિવ દેવતાઓનાં દુઃખને દૂર કરવાનો નિશ્ચય કરીને શંખચૂડને મારવા માટે જાય છે પરંતુ દિવ્ય શ્રીકૃષ્ણકવચ અને તેની પત્ની તુલસીના પાતિવ્રત ધર્મના કારણે ભગવાન શિવ તેને મારી શકવામાં સફળ થતા નથી ત્યારે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ પાસેથી શ્રીકૃષ્ણકવચ દાનમાં લઇ લે છે.ત્યારબાદ શંખચૂડનું રૂપ ધારણ કરીને તુલસીના પાતિવ્રત ધર્મનો નાશ કરે છે તેથી યુદ્ધમાં શિવજી શંખચૂડને મારી નાખે છે.

 

શંખચૂડનું રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ તેના મહેલમાં જાય છે ત્યારે પોતાના સ્વામીને આવેલા જોઇને તેમના ચરણ પ્રક્ષાલન કરી પ્રણામ કરે છે અને યુદ્ધનો વૃતાંત પુછે છે.ત્યારબાદ જગત્પતિ રમાનાથે તુલસી સાથે શયન કરી રતિસુખ માણે છે.સાધ્વી તુલસીએ રતિસુખના સમયે સુખ-ભાવ અને આકર્ષણમાં ભેદ જોઇને તેને ખબર પડી જાય છે કે આ મારા સ્વામી શંખચૂડ નથી તેથી પુછે છે કે આપ કોન છો? તમે મારી સાથે કપટ કર્યું છે,મારા સતીત્વનો નાશ કર્યો છે એટલે હું તમોને શ્રાપ આપું છું.તે સમયે ભગવાન વિષ્ણુ શ્રાપના ભયથી પોતાના અસલ રૂપમાં દર્શન આપે છે.

 

તુલસી કહે છે કે આપનામાં થોડી પણ દયા નથી.આપનું મન પાષાણ સમાન છે.આપે મારા પતિવ્રત ભંગ કર્યું છે એટલે આપ પાષાણ બની જાઓ.ત્યારબાદ ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી શંખચૂડને મારી નાખ્યો.શંખચૂડ ભગવાન શિવની કૃપાથી શ્રાપ મુક્ત થઇ પોતાના પૂર્વરૂપને પ્રાપ્ત થયા.

 

ત્યારબાદ ત્યાં ભગવાન શિવ પ્રગટ થઇને કહે છે કે હે તુલસી ! તમે રડો નહી.દરેક વ્યક્તિએ તેના કર્મોનું ફળ ભોગવવું પડે છે.આ કર્મસાગર સંસારમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આપતું નથી.પૂર્વ સમયમાં તમે તપસ્યા કરી હતી તેના ફળસ્વરૂપ તમોને ભગવાન વિષ્ણુના દર્શન થયા છે.હવે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મહાલક્ષ્મી સમાન બનીને ભગવાન વિષ્ણુ સાથે નિત્ય રમણ કરો.તમારી છોડેલી કાયા એક નદીના રૂપમાં પરીવર્તિત થશે અને ભારતમાં પુણ્યસ્વરૂપિણી ગંડકી નદીના નામથી વિખ્યાત થશે અને તમે દેવપૂજનના સાધનના માટે પ્રમાણભૂત તુલસી વૃક્ષરૂપમાં ઉત્પન્ન થશો.આ ગંડકી નદીના કિનારે વિષ્ણુ પણ પાષાણ શાલીગ્રામના રૂપમાં સ્થિત રહેશે.

 

શંખચૂડના અસ્થિઓમાંથી એક પ્રકારની શંખજાતિ પ્રગટ થઇ.જો કે શંખચૂડ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો એટલે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને શંખથી ચઢાવવામાં આવતું જળ તેઓને અતિશય પ્રિય છે અને તમામ દેવતાઓને શંખથી જળ ચઢાવવામાં આવે છે પરંતુ ભગવાન શિવે શંખચૂડનો વધ કર્યો હતો એટલે શિવલિંગ ઉપર શંખથી જળ ચઢાવવામાં આવતું નથી.(યુદ્ધખંડ-સંહિતા શિવમહાપુરાણ)

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

શિવરાત્રિવ્રત માહાત્મ્યમાં શિકારી અને મૃગપરીવારની કથા

 

શિવરાત્રિવ્રત માહાત્મ્યમાં શિકારી અને મૃગપરીવારની કથા

 

શિવમહાપુરાણમાં ઋષિઓ સૂતજીને પુછે છે કે શિવરાત્રિવ્રત પહેલાં કોને કર્યું હતું અને અજ્ઞાનતાપૂર્વક પણ આ વ્રત કરવાથી કયું ઉત્તમ ફળ પ્રાપ્ત થયું હતું? સૂતજીએ કહ્યું કે આ વિષયમાં એક નિષાદનો સર્વ પાપનાશક ઇતિહાસ કહીશ.

પહેલાના સમયમાં એક વનમાં ગુરૂદ્રુહ નામનો બળવાન-નિર્દયી તથા ક્રૂરકર્મમાં તત્પર એક શિકારી પોતાના કુટુંબ સાથે રહેતો હતો.તે દરરોજ વનમાં જઇને પશુઓનો વધ કરતો હતો તથા ચોરી કરતો હતો. તેને બાળપણથી ક્યારેય કોઇ શુભ કર્મ નહોતા કર્યા.આ રીતે ઘણા વર્ષો વનમાં પસાર થયા.એકવાર શિવરાત્રીનો પવિત્ર દિવસ આવે છે પરંતુ આ દુષ્ટાત્માને તેનું જ્ઞાન નથી.તે દિવસે તેના ઘરડા ર્માં-બાપ ભૂખથી પિડીત થઇને ભોજન માંગે છે તે સાંભળીને તે ધનુષ્ય લઇને મૃગનો શિકાર કરવા માટે વનમાં ફરે છે.દૈવયોગથી તે દિવસે સૂર્યાસ્ત થવા છતાં કોઇ શિકાર મળતો નથી.

શિકારી વિચાર કરે છે ઘરમાં ઘરડા ર્માં-બાપ,બાળકો અને પત્ની ભૂખ્યાં છે તેની ચિંતા કરે છે અને ભોજનની વ્યવસ્થા વિના ઘેર જવું યોગ્ય ન લાગતાં તે એક તળાવના કિનારે આવીને બેસી જાય છે.કોઇ પ્રાણી જળ પીવા આવશે તે આશાએ તળાવના કિનારે આવેલ એક બિલિના વૃક્ષ ઉપર બેસે છે.રાતના પહેલા પ્રહરમાં એક હરણી તરસથી વ્યાકુળ બનીને આવે છે તેને મારવા ધનુષ્ય ઉપર બાણ ચઢાવે છે.

કોઇ પ્રાણી જળ પીવા આવે છે તે જોવા માટે તે બિલિના પાન તોડીને નીચે નાખે છે તથા સાથે લાવેલ પાણી પણ નીચે પડે છે કે જ્યાં એક શિવલિંગ હતું.આમ શિકારી દ્વારા પ્રથમ પ્રહરની શિવપૂજા અનાયાસે થઇ જતાં તેનાં તમામ પાપ બળી જાય છે.ભયથી વ્યાકુળ હરણી શિકારીને જોઇને કહે છે કે તમે શું કરવા ઇચ્છો છો તે સત્ય કહો? ત્યારે શિકારી કહે છે કે આજે સવારથી મારો આખો પરીવાર ભૂખ્યો છે.હું તને મારીને તેમને તૃપ્ત કરીશ.શિકારીના આવાં દારૂણ વચનો સાંભળીને હરણી કહે છે કે હે શિકારી ! મારા અનર્થકારી દેહના માંસથી તમોને સુખ પ્રાપ્ત થાય તો તેનાથી મોટું પુણ્ય કયું હોઇ શકે? પરંતુ તમોને એક વિનંતી કરૂં છું કે મારાં તમામ બાળકો આશ્રમમાં એકલાં છે તેમને મારા પતિ તથા બહેનને સોંપીને પાછી આવી જઇશ.

હે વનેચર ! મારી વાતને સત્ય માનો.શિકારી હરણીની વાતને સત્ય માનતો નથી તેથી હરણી આગળ કહે છે કે હું જે કહું છું તે સાંભળો. હું સોગંધ ખાઇને કહું છું કે જો હું ઘેર જઇને પરત ના આવું તો વેદવિક્રયી તથા ત્રિકાળ સંન્ધ્યા ઉપાસનાહીન બ્રાહ્મણને તથા પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સ્ત્રીને જે પાપ લાગે છે,જે મનુષ્ય પોતાની વિવાહિત પત્નીને છોડીને બીજી સ્ત્રી સાથે સમાગમ કરે છે,જે વેદધર્મનું ઉલ્લંઘન કરીને માનફાવે તેવા માર્ગે ચાલે છે,વિષ્ણુભક્ત થઇને શિવની નિંદા કરે છે તેને જે પાપ લાગે છે, શિવવિમુખને જે પાપ લાગે છે,ધર્મનું ઉલ્લંઘન કરનારને જે પાપ લાગે છે,વિશ્વાસઘાત અને છળ કરનારને જે પાપ લાગે છે તે તમામ પાપ મને લાગે..

શિકારીને વિશ્વાસ આવતાં તે હરણીને ઘેર જવાની રજા આપતાં તે જળપાન કરી ઘેર જાય છે.ત્યારબાદ તેની બહેન અને પછી તેનો પતિ વારાફરતી જળ પીવા આવે છે અને એ તમામ શિકારીને ઘેર જઇને પરત આવવા વચન આપે છે.આ રાત્રીએ અનાયાસે શિકારી દ્વારા ત્રણ વખત ત્રણ પ્રહરની શિવપૂજા થઇ જાય છે.

ત્યારબાદ તમામ હરણ-હરણી આશ્રમમાં ભેગાં થાય છે અને બાળકોને ધીરજ આપીને શિકારીને આપેલ વચન અનુસાર જવા માટે તૈયાર થાય છે ત્યારે બાળકો કહે છે કે તમારી જે ગતિ થશે તે અમારી થશે એટલે અમે પણ તમારી સાથે આવવાના છીએ.સમગ્ર પરીવાર સહિત આવેલાં હરણાંને જોઇને શિકારી બાણ ચઢાવે છે ત્યારે કેટલાંક બિલિપત્ર શિવલિંગ ઉપર પડે છે અને ચોથા પ્રહરની શિવપૂજા અનાયાસે થઇ જતાં તેનાં તમામ પાપ બળી જાય છે.હરણોના સમર્પણ જોઇને શિકારીને નવાઇ લાગે છે.શિવપૂજાના પ્રભાવથી તેને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

જ્ઞાનરહિત આ મૃગ ધન્ય છે,તે પરમ સન્માનનીય છે,જે પોતાના શરીરને પરોપકાર માટે આપવા તત્પર છે.મેં મનુષ્યજન્મ મળ્યા પછી શું પ્રાપ્ત કર્યું? મેં બીજાઓના શરીરને પીડા આપીને મારા શરીરનું પાલન કર્યું છે.પાપ કરીને કુટુંબીજનોનું પાલન-પોષણ કર્યું છે.મારી શું ગતિ થશે? મેં જન્મથી પાપ જ કર્યા છે.મારા આવા જીવનને ધિક્કાર છે.આવું જ્ઞાન પ્રાપ્ત થતાં શિકારીએ મૃગોને કહ્યું કે તમે ધન્ય છે હવે સુખરૂપ તમારે નિવાસે જાઓ.આમ કહેતાં ભગવાન શિવ પ્રસન્ન થઇને તેને દર્શન આપે છે અને વરદાન માંગવાનું કહેતાં તે શિવના ચરણોમાં નતમસ્તક થાય છે.

શિવજીએ પ્રસન્નચિત્તે ગુહ નામ આપીને દિવ્ય વરદાન આપતાં કહ્યું કે હવે તમે શ્રૃંગવેરપુરમાં શ્રેષ્ઠ રાજધાની બનાવીને દિવ્ય સુખોનો ઉપભોગ કરો.ત્યાં તમારા વંશની વૃદ્ધિ થશે અને તમારે ત્યાં ભગવાન શ્રીરામ પધારશે તેમની સાથે મિત્રતા કરી દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરશો.મૃગો પણ ભગવાન શિવનાં દર્શન કરીને શ્રાપમુક્ત થઇ સ્વર્ગલોક જાય છે.

આ ઘટના પછી શિવજી અર્બુદાચલ પર્વત ઉપર વ્યાઘેશ્વર નામથી પ્રસિદ્ધ થયા.જેમનાં દર્શન અને પૂજન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.અજ્ઞાનવશ શિવરાત્રી-વ્રત કરવાથી સાયુજ્ય મુક્તિ મળી તો જે ભક્તિભાવથી યુક્ત મનુષ્ય શિવરાત્રી-વ્રત કરે છે તે શુભ સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે.(શિવમહાપુરાણ)

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

શિવમહિમ્ન સ્ત્રોતનો ટૂંકસાર

 

મહાન શિવભક્ત પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોનો નાશ કરનારૂં ભગવાન શિવને અતિપ્રિય એવું

શિવમહિમ્ન સ્ત્રોતનો ટૂંકસાર

 

પુષ્પદંત દ્વારા શિવનિર્માલ્ય ઓળંગવાના કારણે તેની અદ્રશ્ય થવાની તથા ઉડવાની શક્તિ ગુમાવી હતી.પોતાની શક્તિઓ પાછી મેળવવા માટે પુષ્પદંતે ભગવાન શિવની પ્રશંસા કરવા એક સ્ત્રોત લખ્યું જે ઘણું જ સુંદર છે.જેને શિવમહિમ્ન સ્ત્રોત કહે છે.પુષ્પદંતે જ્યારે આ સ્ત્રોતનું ગાયન કર્યું તો ભગવાન શિવે પ્રસન્ન થઇને તેની અદ્રશ્ય થવાની શક્તિ તથા ઉડવાની શક્તિ પુનઃ પ્રદાન કરી.

 

શિવમહિમ્ન સ્ત્રોતમાં ૪૩ શ્ર્લોક છે.તેમાં સ્તુતિ કરતાં લખ્યું છે કે હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરૂષો જાણતા નથી કારણકે આપનું નિર્ગુણ સ્વરૂપ મન-વાણીથી પર છે તેમજ આપને પુરૂષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી.બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી.બ્રહ્માદિકની વાણી પણ તમને વર્ણવવા માટે સમર્થ નથી.પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે.

 

આપની મહિમા મન તથા વાણી વડે જાણવામાં આવતી નથી.આપના મહિમાનું શ્રુતિઓ ગૌરવપૂર્વક વર્ણન કરે છે.આપનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરૂષ શક્તિમાન નથી તેમજ આપ કોઈપણ પુરૂષને ઈન્દ્રિય ગોચર નથી.તમારૂં નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃત વગેરે ભાષાઓમાં શક્તિ નથી.

 

મારી સ્તુતિ તમને કોઈપણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીના રચાયિતા છો.વાણીના ભંડારરૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે?

 

તમારૂં રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે અને નિંદા પાપી પુરૂષોને લાગે છે પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.

 

પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે પરંતુ જડબુદ્ધિવાળાઓ જગતને ઉત્પન્ન કરવા બાબત શું ક્રિયા થતી હશે? તે ક્રિયા ક્યા પ્રકારની હશે? જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે? આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.

 

આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો.જે સાકાર વસ્તુઓ છે તેનો જન્મ હોય છે.જેમ ઘડો સાકાર છે તેથી તે ઉત્પત્તિમાન છે તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે? ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે? બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી.

 

વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે.સાંખ્ય વડે કપિલ,યોગશાસ્ત્ર દ્વારા પતંજલિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્ર દ્વારા ગૌતમ-કણાદ મુનિ તથા નારદ જેઓ નારદપંચરાત્રના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.

 

વિષયો ઝાંઝવાના જળ જેવા છે તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય-અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે.આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરૂં છું.

 

આપના ઐશ્વર્યનો અંત લેવા સારૂં બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા પરંતુ કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ.બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળતત્વના નિવાસ છે માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી અને એ બ્રહ્મા-વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે.

 

આપની સ્થિર ભક્તિ એવી છે કે રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે અર્પણ કર્યા હતાં.વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો.

 

ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો,જે જનો આપને વંદે છે તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.

 

આપે હળાહળ વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે.કામદેવનું બાણ ભાલા રહિત છે તેનું બાણ આ જગતમાં દેવ-અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે.આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિ દેવોની પેઠે વર્તવા લાગ્યો છે તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાળી નાખ્યુ.

 

આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભય સ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું.આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે તો પણ તે જગતની રક્ષા માટે જ છે.

 

આપના શરીર પર ગંગાનો પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે.આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે.

 

જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો.બળ-વિર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરૂષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.

 

આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા,તેમાં એક કમળ ઓછું હોવાથી પોતાના નેત્રકમળ અર્પણ કર્યું હતું.આવી દઢ ભક્તિને લીધે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.

 

તમે સર્વવ્યાપી છો,તમારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી.દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ કરવા બેઠા હતા.ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા છતાં દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો.યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ નિવડે છે.

 

પોતાની દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ જે નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી એવામાં આપે જોયું કે આ અધર્મ થાય છે માટે તેમને દંડ દેવો જોઈએ તેથી આપે વ્યાઘ નામક આર્દ્રા નક્ષત્રરૂપી શરને તેની પાછળ મૂક્યું હતું.આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.

 

દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યારપછી શિવને જ પતિ તરીકે વરવા બીજા જન્મે પાર્વતી થયાં.તેમણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા પણ તે વ્યર્થ નિવડ્યા.દેવોએ ધાર્યું કે યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ તેથી તે તાપને દૂર કરવા પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો.કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી દીધો.આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું.આ તમારૂં કાર્ય જેઓ મૂઢ છે તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.

 

સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું-કૂદવું અને ફરવું, ચિત્તાની રાખ શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી,આવા પ્રકારનું તમારૂં ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે છતાં તમારૂં વારંવાર જે સ્મરણ કરે છે તેને તમારૂં નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.

 

સત્ય બ્રહ્મને શોધવા માટે યોગીઓ મનને હૃદયમાં રોકીને યોગ-શાસ્ત્રમાં બતાવેલા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિથી બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે.સૂર્ય ચંદ્ર પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ રૂપે આપ જ છો તથા દરેકમાં આત્મારૂપે આપ જ છો.આમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરૂષો તમોને ઓળખે છે.

 

ત્રણ વેદો તમારૂં જ વર્ણન કરે છે.તમને અ-કારથી સ્થૂળ પ્રપંચરૂપી, ઉ-કારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મ-કારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે તથા યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.

 

પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદ્રશ્ય,સર્વને આધારરૂપ ફક્ત ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી-મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.

 

આખું જગત તમારામય છે.આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ-રજ અને તમસ આ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તમારા પદને પામવા માટે હું વારંવાર વંદન કરૂં છું.મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યોરૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે તો પણ તે આપનો અંત પામી શકતાં નથી.

 

દેવો-દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત,ચન્દ્રને કપાળમાં ધરનાર,ત્રિગુણોથી રહિત તમારૂં આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

 

નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે,તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે.અંતે શિવલોકમાં જાય છે તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય,દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.આપના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી.આ મહિમ્નસ્તોત્રજેવી બીજી કોઈ સ્તુતિ નથી.

 

દીક્ષા દાન તપ તીર્થ જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.

 

હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું.આપનું તત્વ કયું? અને આપ કેવા હોઈ શકો? તેની મને ખબર નથી. જે મનુષ્ય દિવસમાં એક-બે  કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે બધાં ય પાપોથી છુટીને શિવલોક જાય છે. જે કોઈ પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, ભગવાન શિવને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પિતા ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)