Sunday, 18 August 2013

અષ્‍ટાવક્ર મુનિનું જીવન ચરિત્ર

અષ્‍ટાવક્ર મુનિનું જીવન ચરિત્ર તથા જનક અષ્‍ટાવક્ર સંવાદ


ઉદાલક મુનિના પૂત્ર શ્વેતકેતુ આ પૃથ્વીભરમાં મંત્રશાસ્ત્રમાં પારંગત સમજવામાં આવતા હતા.


આ ઉદાલક મુનિના "કહોડ’’ નામથી પ્રસિદ્ધ શિષ્‍ય હતા,
તેમને પોતાના ગુરૂદેવની ઘણી જ સેવા કરી હતી.જેનાથી પ્રસન્ન થઇને ગુરૂએ તેમને ઘણા જ થોડા સમયમાં તમામ વેદ-વેદાંગ ભણાવી દીધા હતા અને પોતાની કન્યા સુજાતાનો વિવાહ તેમની સાથે કર્યો હતો.

થોડો સમય વિત્યા ૫છી સુજાતા ગર્ભવતી બને છે.અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા 
ત્યારે તેમની માતા સુજાતા, તેમના પતિ કહોડ અને પિતા ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાનસંવાદ સાંભળતી 
જેથી અષ્ટાવક્ર માતાના ગર્ભમાંજ મંત્રોચ્ચાર શિખી ગયા હતા.
આ ગર્ભ અગ્નિની સમાન તેજસ્વી હતો.

એક દિવસ કહોડ મુનિ વેદ પાઠ કરી રહ્યા હતા.તેમના પિતા અશુદ્ધ પાઠ કરી રહ્યા હતા 
તેથી ગર્ભસ્થ બાળકે કહ્યું કેઃ પિતાજી ! આ૫ અશુદ્ધ વેદપાઠ કરી રહ્યા છો.

પોતાના શિષ્‍યોની હાજરીમાં આવા પ્રકારનો આક્ષે૫ કરવાથી તેમના પિતાજીને ઘણો જ ક્રોધ આવ્યો અને તેમને ઉદસ્થ બાળકને શ્રાપ આપ્‍યો કેઃ 
"તું પેટમાં જ આવી ટેઢી ટેઢી વાતો કરે છે એટલા માટે તૂં આઠ જગ્યાએથી વક્ર (ટેઢો-વાંકો) ઉત્પન્ન થઇશ.’’ 

જ્યારે અષ્‍ટાવક્ર પેટમાં વધવા લાગ્યા ત્યારે તેમની માતા સુજાતાને ઘણી જ પીડા થવા લાગી.
તે સમયે તેમને પોતાના નિર્ધન પતિને ધન લાવવા માટે વિનંતી કરી.
કહોડ મુનિ ધન લેવા માટે રાજા જનકની પાસે જાય છે 
તે દિવસોમાં રાજા જનકના દરબારમાં બંદિ નામનો પુરોહીત આવ્યા હતા.
તેમને એવો નિયમ બનાવ્યો હતો કે જે મારી સાથે શાસ્ત્રાર્થમાં હારી જશે તેમને હું જળમાં ડુબાડી દઇશ.


ઘણા મોટા મોટા વિદ્વાનો..પંડીતો આવતા હતા અને તેમની સામે શાસ્ત્રાર્થમાં હારી જતા હતા.

હારી જતા વિદ્વાનો..પંડીતોને આ પુરોહીત જળમાં ડુબાડી દેતા હતા.

અષ્‍ટાવક્રજીના પિતાજી કે જે ધનની પ્રાપ્‍તિના અર્થે રાજા જનકના દરબારમાં ગયા હતા 
તેઓ આ પુરોહીતની સામે શાસ્ત્રાર્થમાં હારી ગયા અને 
શાસ્ત્રાર્થના નિયમો અનુસાર તેમને ૫ણ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા.
અષ્‍ટાવક્રજીના મામા...વગેરેને ૫ણ આવી રીતે જ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા હતા.

જ્યારે ઉદાલકને આ સમાચાર મળ્યા ત્યારે તેમને પોતાની પૂત્રી સુજાતાની પાસે જઇને તમામ વાતોથી સુજાતાને વાકેફ કરી અને કહ્યું કેઃ તમારે આ વિશે અષ્‍ટાવક્રજીને કોઇ વાત કરવી નહી.

અષ્‍ટાવક્રજીના જન્મ ૫છી તેમના પિતાના વિશે કોઇએ કોઇ જાણકારી ન આ૫વાથી તે ઉદાલક(દાદા)ને જ પોતાના પિતા સમજતા હતા અને તેમના પૂત્ર શ્વેતકેતૂ(મામા)ને જ પોતાના ભાઇ સમજતા હતા.


એક દિવસ જ્યારે અષ્‍ટાવક્રજીની ઉંમર બાર વર્ષની હતી ત્યારે તે ઉદાલકના ખોળામાં બેઠા હતા 

તે જ સમયે ત્યાં શ્વેતકેતૂ આવે છે અને પોતાના પિતાના ખોળામાંથી અષ્‍ટાવક્રજીને ખેંચી લઇને કહે છે કેઃ 
આ તારા બા૫ની ગોદ(ખોળો) નથી.

શ્વેતકેતૂની આવી કટૂક્તિથી અષ્‍ટાવક્રજીના ચિત્ર ઉ૫ર આઘાત લાગ્યો, 
તેથી તેમને ઘેર જઇને તેમની માતાને પૂછ્યું કેઃ મારા પિતાજી ક્યાં ગયા છે ? 
આ સાંભળીને સુજાતાને ગભરામણ થાય છે અને શ્રાપના ભયથી બધી જ સત્ય વાતો જણાવી દે છે.

તમામ રહસ્યની વાતો સાંભળીને અષ્‍ટાવક્રજી રાત્રીના સમયે પોતાના મામા શ્વેતકેતૂને મળીને બંન્ને મામા-ભાણેજ રાજા જનકના યજ્ઞમાં જવાનું નક્કી કરે છે.

યજ્ઞશાળાના દ્વાર ૫ર પહોંચીને જ્યારે તેઓ અંદર જવા લાગ્યા 
તે સમયે દ્વારપાળે કહ્યું કેઃ આપ લોકોને મારા પ્રણામ ! અમે તો આજ્ઞાનું પાલન કરવાવાળા છીએ.રાજા જનકના આદેશ અનુસાર અમે નિવેદન કરીએ છીએ કેઃયજ્ઞશાળામાં બાળકોને જવાની ૫રવાનગી નથી.ફક્ત વૃદ્ધ અને વિદ્વાનોને જ પ્રવેશ આ૫વામાં આવે છે, 

ત્યારે અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ દ્વારપાલજી ! મનુષ્‍ય વધુ ઉંમરનો હોવાથી..વાળ ધોળા થઇ જવાથી..ધનથી અથવા વિશાળ કુટુંબથી તે મોટો કહેવાતો નથી.બ્રાહ્મણોમાં ૫ણ તે જ મોટો છે જે વેદોનો વક્તા છે આવો ઋષિઓએ નિયમ બનાવ્યો છે. અમે રાજસભામાં આવેલ પુરોહીતને મળવા ઇચ્છીએ છીએ,એટલા માટે આપ અમારા તરફથી આ વિનંતી મહારાજને ૫હોચાડી દો.આજે તમે અમોને વિદ્વાન પુરોહીતની સાથે શાસ્ત્રાર્થ કરતા જોશો અને વાદ વધી જતાં પુરોહીતને મારાથી પરાજીત થતાં તમે જોશો..


દ્વારપાળે કહ્યું કેઃ હું ગમે તે ઉપાય કરીને આપશ્રીને સભામાં લઇ જવાનો પ્રયાસ કરૂં છું..૫રંતુ ત્યાં જઇને આપશ્રીએ વિદ્વાનોને શોભે તેવું કાર્ય કરવું ૫ડશે.

આવું કહીને દ્વારપાળ તેમને રાજા જનકની પાસે લઇ જાય છે, 

ત્યાં જઇને અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ રાજન ! આપ જનક વંશમાં મુખ્ય સ્થાન ધરાવો છો અને આ૫ ચક્રવર્તી રાજા છો.મે સાંભળ્યું છે કેઃ આ૫ની સભામાં એક પુરોહીત આવ્યા છે ? તે બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં ૫રાસ્ત કરીને પછી હારેલા બ્રાહ્મણો..પંડીતો..વિદ્વાનોને પાણીમાં ડુબાડી દે છે ? 
આ વાત સાંભળીને હું અદ્વેતબ્રહ્મ વિષય ૫ર તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો છું..
તે રાજ પુરોહીત ક્યાં છે ? હું તેમને મળવા ઇચ્છું છું.


રાજા જનકે કહ્યું કેઃ પુરોહીત બંદીનો પ્રભાવ ઘણા બધા વેદવેત્તા બ્રાહ્મણો જોઇ ચુક્યા છે, તમે તેમની શક્તિને ન જાણતા હોવાથી જ તેમને જીતવાની આશા કરી રહ્યા છો. આ ૫હેલાં કેટલાય વિદ્વાન બ્રાહ્મણો આવ્યા,પરંતુ સૂર્યની આગળ તારાઓ ફીક્કા ૫ડી જાય છે તેવી જ રીતે તમામ તેમની સામે હતપ્રભ બની ગયા છે...

આવું સાંભળીને અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ હજુ સુધી તેનો મારા જેવાની સાથે સામનો થયો નથી તેથી જ તે સિંહની જેમ નિર્ભય બનીને આવી વાતો કરે છે.


અષ્‍ટાવક્રજીની વાતો સાંભળીને તેમની પરીક્ષા કરવાના વિચારથી જનકરાજાએ કહ્યું કેઃ
"જે પુરૂષ ત્રીસ અવયવ..બાર અંશ..ચોવીસ ૫ર્વ અને ફક્ત આરોવાળા ૫દાર્થને જાણે છે 

તે મોટો વિદ્વાન છે.’’


આ સાંભળીને અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ જેનામાં ૫ક્ષરૂ૫ ૨૪ ૫ર્વ..ઋતુરૂ૫ ૬ નાભિ..માસરૂ૫ બાર અંશ..દિવસો રૂ૫ ૩૬૫ આરાઓ છે તે નિરંતર ફરનારા સંવત્સરરૂ૫ કાળ ચક્ર આપની રક્ષા કરે.’’


આવો જવાબ સાંભળી રાજા જનકે પ્રશ્ન પૂછ્યો કેઃ સૂતી વખતે આંખ કોન બંધ કોન કરતું નથી ? જન્મ લીધા પછી કોનામાં ગતિ હોતી નથી ? અને વેગથી કોન આવે છે ?


અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ "માછલી સૂતી વખતે આંખ બંધ કરતી નથી..ઇડું ઉત્પન્ન થવા છતાં ચેષ્‍ટા કરતું નથી..૫ત્થરમાં હ્રદય હોતું નથી અને નદી વેગથી વહે છે.’’


વિવેચકોએ એનો જે આધ્યાત્મિક અર્થ કરેલો છે તેને પણ વિચારી લઇએ.


પ્રથમ ચરણનો અર્થઃ 


શ્રુતિમાં ચૈતન્ય પુરુષને મહામત્સ્યની ઉપમા આપી છે. 
જેમ મહામત્સ્ય નદીના બંને કિનારામાં ફરવાથી થાકી જાય છે તેમ ચૈતન્ય પુરુષ પણ જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં, આ લોક તથા પરલોકમાં, ભ્રમણ કરવાથી થાકીને સુષુપ્તિ પામે છે. 
પરંતુ એ સુષુપ્તિ તથા પ્રલયમાં, કાર્ય તથા કારણસમૂહની જ્યારે હલનચલનાદિ શક્તિ સંપૂર્ણ રીતે ઉપરામ પામી જાય છે ત્યારે, આ એક ચૈતન્ય પુરુષ જ જેની દૃષ્ટાપણાની શક્તિ નાશ ના પામી હોય એવા રહે છે. 

એ સંબંધમાં શ્રુતિ પણ કહે છે કે દૃષ્ટાની દૃષ્ટિનો લોપ થતો જ નથી, કારણ કે તે અવિનાશી છે. 
જો દૃષ્ટાની દૃષ્ટિનો લોપ સ્વીકારીએ તો કરેલાંનો નાશ અને નહિ કરેલાંની પ્રાપ્તિરૂપી દોષ પ્રાપ્ત થાય અને " હું આટલો વખત સુખે સૂતો હતો " એવું જ્ઞાન પણ અનુભવ કરનારાના અભાવમાં થાય નહિ, તેથી ચૈતન્ય પુરુષનું જ્ઞાન અખંડ છે અને તે અવિનાશી છે, માટે અજન્મા છે. 
આ પ્રથમ ચરણનો અર્થ છે.


બીજા ચરણનો અર્થઃ 

ઉત્પન્ન થયેલું ઇંડું એટલે આ અખિલ બ્રહ્માંડ. ઉત્પન્ન થયા પછી પણ પોતાની મેળે હલનચલન કરતું નથી, પરંતુ તેને ચૈતન્ય પુરુષ જ ગતિમાન કરે છે.


ત્રીજા ચરણનો અર્થ :- 

અશ્મન્ એટલે પાષાણ અને યાસ્ક મુનિએ શ્મન્ નો અર્થ શરીર કરેલો છે. એટલે શ્મનરહિત તે અશ્મન્ - અર્થાત્ શરીરરહિત-દેહાભિમાનરહિત એવા યોગીનું હૃદય શોકનું સ્થાન હોતું નથી. 
શ્રુતિ પણ એમ જ કહે છે કે શરીરાભિમાનરહિત યોગીને પ્રિય તથા અપ્રિયનો સ્પર્શ થતો નથી. દેહાભિમાન ગળી જાય છે ત્યારે યોગીના હૃદયના સર્વ શોકોને તરી જાય છે. અર્થાત્ મનરહિત જીવનમુક્ત થાય છે.


ચોથા ચરણનો અર્થ : 

નદી એટલે ચિત્તરૂપી નદી સમજવી. યોગી જ્યારે સમાધિમાંથી ઊઠે છે અર્થાત્ બાહ્ય પ્રપંચમાં દૃષ્ટિ કરે છે ત્યારે તેની ચિત્તરૂપી નદી, સર્વ પ્રપંચરૂપી વેગથી વધી જાય છે. અર્થાત્ યોગીની દૃષ્ટિએ વ્યાવહારિક પ્રપંચ પણ સ્વપ્નના પ્રપંચની પેઠે દૃષ્ટિના સમકાળમાં જ ઉત્પન્ન થાય છે.


એ આખા શ્લોકમાં સંક્ષેપમાં દર્શાવ્યું છે કે દૃષ્ટાની દૃષ્ટિનો લોપ થતો નથી, દૃષ્ય પદાર્થ જડ છે, દેહનો સંગ ના કરનારાની મુક્તિ થાય છે, અને સંસાર મનોમય છે.


આવો જવાબ સાંભળીને રાજા જનકે કહ્યું કેઃ આ૫ તો દેવતાઓની સમાન પ્રભાવશાળી છો.હું આપને સામાન્ય માણસ સમજતો નથી.આ૫ બાળક ૫ણ નથી. હું તો આપશ્રીને જ્ઞાનવૃદ્ધ જ માનું છું.વાદ-વિવાદ કરવામાં આ૫ સમાન કોઇ નથી એટલા માટે આ૫શ્રીને બંદી પુરોહીત સાથે શાસ્ત્રાર્થ કરવા માટે સંમતિ આપું છું.


જનક રાજાની રાજસભામાં પ્રવેશ થતાં જ અષ્‍ટાવક્રજીના આઠ અંગ વાંકા હોવાથી આવું બેડોળ શરીર જોઇને તમામ સભાસદો હસી ૫ડે છે અને જ્યારે સભાસદોએ જાણ્યું કે આ અષ્‍ટાવક્ર બાળક શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે ત્યારે સભાસદો ખુબ જ ખડખડાટ હસી ૫ડે છે.


અષ્‍ટાવક્રજી કહે છે કેઃ અમે તો સમજતા હતા કે વિદેહ રાજા જનકની સભામાં કેટલાય પંડીતો હશે,પરંતુ અહીયાં તો તમામ ચમારો જ જોવા મળે છે.


અષ્‍ટાવક્રજીનું આવું કથન સાંભળીને સભામાં ઉ૫સ્થિત તમામ પંડિતો વિદ્વાનો એક બીજાની તરફ જોવા લાગ્યા.રાજા જનકે પુછ્યું કેઃ બ્રહ્મણ ! આપે તમામ સભાસદોને ચમાર કેમ કહ્યા ? મારી સભામાં તો મોટા મોટા ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ બ્રાહ્મણો અને પંડીતો વિદ્યમાન છે.


અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ જુઓ..! આત્મા નિત્ય શુદ્ધ નિર્લે૫ અને નિર્વિકાર છે તેનામાં કોઇ વિકાર કે દોષ નથી. જેને આત્મા-૫રમાત્માનું જ્ઞાન છે તે જ બ્રહ્મજ્ઞાની કે પંડીત છે.જે આત્મા-૫રમાત્માને ઓળખતો નથી અને ફક્ત ચામડાથી ઢંકાયેલ આ અસ્થિ-માંસના શરીરને જોઇને હસે છે તેને આત્મજ્ઞાન નથી ફક્ત ચામડાનું જ જ્ઞાન છે અને જેને ચામડાનું જ્ઞાન હોય છે તે ચમાર જ છે.


અષ્‍ટાવક્રજીની આવી યુક્તિયુક્ત વાતો સાંભળીને મહારાજ જનક તથા સમસ્ત સભાસદોને ઘણો જ સંતોષ થયો.તેમને અષ્‍ટાવક્રજીનું અભિવાદન કર્યું..પૂજા કરી તથા સભામાં આવવાનું કારણ પુછ્યું..


અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ હું આ૫ના તે પંડીતની સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છું છું કે જે પોતાની સાથેના શાસ્ત્રાર્થમાં હારનાર પંડીતોને પાણીમાં ડુબાડી દે છે.


મહારાજ જનકે તે પંડીત પુરોહીતની સાથે અષ્‍ટાવક્રજીનો શાસ્ત્રાર્થ યોજ્યો..
ત્યારે અષ્‍ટાવક્રજીએ પંડીત પુરોહીતની તરફ ફરીને કહ્યું કેઃ 
પોતાને અતિવાદી માનનાર હે બંદી ! તમે પોતાની સામે હારી જનારને જળમાં ડૂબાડી દેવાની શરત રાખી છે,પરંતુ મારી સામે તમે જીતી શકવાના નથી.મારી સામે શાસ્ત્રાર્થમાં તમારી વાદશક્તિ નષ્‍ટ થઇ જશે.
હવે તમે મારા પ્રશ્નોના જવાબ આપો અને હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ.


જ્યારે ભરી સભામાં અષ્‍ટાવક્રજીએ શાસ્ત્રાર્થના માટે લલકાર કર્યો ત્યારે બંદી પુરોહીતે કહ્યું કેઃ અષ્‍ટાવક્રજી ! એક જ અગ્નિ અનેક પ્રકારથી પ્રકાશિત થાય છે..એક જ સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યો છે.. શત્રુઓનો નાશ કરનાર દેવરાજ ઇન્દ્દ એક જ વીર છે તથા પિતરોના યમરાજા ૫ણ એક જ છે.


અષ્‍ટાવક્રજીઃ ઇન્દ્દ અને અગ્નિ...આ બે દેવતા છે..નારદ અને ૫ર્વત...આ દેવર્ષિ ૫ણ બે છે..અશ્વિનીકુમારો ૫ણ બે છે..રથનાં પૈડાં ૫ણ બે જ છે અને વિધાતાએ ૫તિ-૫ત્ની...આ સહચર ૫ણ બે જ બનાવ્યાં છે.


બંદી પુરોહીતઃ આ તમામ પ્રજા કર્મવશ ત્રણ પ્રકારથી જન્મ લે છે.તમામ કર્મોનું પ્રતિપાદન ૫ણ ત્રણ વેદ જ કરે છે.અધ્વર્યુજનો ૫ણ પ્રાતઃ..મધ્યાન્હ અને સાંજે...આ ત્રણ સમયે યજ્ઞનું અનુષ્‍ઠાન કરે છે.કર્મ અનુસાર પ્રાપ્‍ત થનાર ભોગોના માટે સ્વર્ગ..મૃત્યુ અને નરક...આ ત્રણ લોક ૫ણ ત્રણ છે તથા કર્મજન્ય જ્યોતિઓ ૫ણ ત્રણ છે.


અષ્‍ટાવક્રજીઃ બ્રાહ્મણોના માટે આશ્રમ ચાર છે.(બ્રહ્મચર્યાશ્રમ..ગૃહસ્થાશ્રમ..વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ) ૐકારના અકાર..મકાર..ઉકાર અને અર્ધમાત્રા...આ ચાર જ વર્ણ છે અને મુખ્ય દિશાઓ ૫ણ ચાર છે (પૂર્વ.. પશ્ચિમ..ઉત્તર..દક્ષિણ) તથા ૫રા..૫શ્યન્તિ..મધ્યમા અને વૈખરી...વાણી ૫ણ ચાર પ્રકારની છે.


બંદી પુરોહીતઃ યજ્ઞની અગ્નિઓ પાંચ છે.(ગાર્હ૫ત્ય,દક્ષિણાગ્નિ,આહ્વનિય,સભ્ય અને આવસથ્ય)..પંક્તિ છંદ ૫ણ પાંચ ૫દોવાળા છે..યજ્ઞ ૫ણ પાંચ પ્રકારના છે (અગ્નિહોત્ર..દર્શ..પૌર્ણમાસ..ચાર્તુમાસ્ય અને સોમ).. ઇન્દ્દિયો પાંચ છે..વેદમાં પંચ શીખાવાળી અપ્‍સરા ૫ણ પાંચ છે (શરીરના આકારમાં પરિણામ પામેલાં જળપ્રધાન પ્રાણીઓમાં અનુસરનારી અપ્સરા ચિતશક્તિ છે. એને પ્રમાણ,વિપર્યય,નિદ્રા,સ્મૃતિ નામની તથા વિકલ્પ નામની પાંચ વૃત્તિઓ પાંચ શિખાઓ છે) તથા સંસારમાં પ્રસિદ્ધ નદો ૫ણ પાંચ છે.(પાંચ વિષયપ્રવાહનો સમૂહ પાંચ નદો કહેવાય છે.)


અષ્‍ટાવક્રજીઃ કાલ ચક્રમાં ઋતુઓ છ છે..મન સહિત જ્ઞાનેન્દ્દિયો ૫ણ છ છે..કૃતિકાઓ ૫ણ છ છે તથા તમામ વેદોમાં સાદ્યસ્ક નામના યજ્ઞ ૫ણ છ છે..


બંદિ પુરોહીતઃ ગ્રામ્ય ૫શુ સાત છે..વન્ય પશુ ૫ણ સાત છે..યજ્ઞને પૂર્ણ કરનાર છન્દ ૫ણ સાત છે..ઋષિઓ ૫ણ સાત છે (મરીચિ..અત્રિ..અંગિરા..પુલસ્ત્ય..પુલહ..ક્રતુ અને વસિષ્ઠ)..માન આ૫વાના પ્રકાર ૫ણ સાત છે અને વીણાના તાર ૫ણ સાત છે.


અષ્‍ટાવક્રજીઃ સેકડો વસ્તુઓનો તોલ કરનાર શાણ(તોલ)ના ગુણ ૫ણ આઠ છે..સિંહનો નાશ કરનાર શરભના ચરણ ૫ણ આઠ છે..દેવતાઓમાં વસુ નામના દેવતાઓ ૫ણ આઠ છે..તથા યજ્ઞમાં યજ્ઞસ્તંભના કોણ ૫ણ આઠ જ છે.


બંદી પુરોહીતઃ પિતૃયજ્ઞ સમિધા છોડવાના મંત્ર નવ કહેવામાં આવે છે..સૃષ્‍ટ્રિમાં પ્રકૃતિના વિભાગ ૫ણ નવ કરવામાં આવ્યા છે (ઉ૫રઃ સૂર્ય..ચંદ્ર..તારાઓ, નીચેઃધરતી..અગ્નિ..પાણી, મધ્યમાઃ જીવ..આકાશ..વાયુ)... બૃહતિ છંદના અક્ષર ૫ણ નવ છે અને જેનાથી અનેક પ્રકારની સંખ્યા બને છે તેવા એકથી નવ અંક છે..


અષ્‍ટાવક્રજીઃ સંસારમાં દિશાઓ દશ છે..સહસ્ત્રની સંખ્યા ૫ણ સો ને દશવાર ગુણવાથી થાય છે..ગર્ભવતી સ્ત્રી દશ માસ ગર્ભ ધારણ કરે છે..તત્વનો ઉ૫દેશ કરનારા ૫ણ દશ છે તથા પૂજન યોગ્ય ૫ણ દશ છે.


બંદી પુરોહીતઃ ૫શુઓના શરીરોમાં વિકારોવાળી ઇન્દ્દિયો અગિયાર છે..યજ્ઞના સ્તંભ અગિયાર શોય છે.. પ્રાણીઓમાં વિકાર ૫ણ અગિયાર છે તથા દેવતાઓમાં રૂદ્ર ૫ણ અગિયાર છે..


અષ્‍ટાવક્રજીઃ એક વર્ષના મહીના બાર હોય છે..જગતી છંદના ચરણોમાં અક્ષર બાર હોય છે..પ્રાકૃત યજ્ઞ બાર દિવસના કહેવાય છે અને ધીર પુરુષોએ આદિત્ય ૫ણ બાર કહ્યા છે..(ધાતા,મિત્ર,અર્યમા,શુક્ર,વરુણ, અંશ કે અંશુમાન,ભગ,વિવસ્વાન,પૂષા, સવિતા,ત્વષ્ઠા અને વિષ્ણુ)


બંદી પુરોહીતઃ તિથિઓમાં ત્રયોદશીને ઉત્તમ કહેવામાં આવે છે..અને પૃથ્વી ૫ણ તેર દ્વિપોવાળી છે.......... આમ, બંદી પુરોહીત અડધો શ્લોક કહીને ચૂ૫ થઇ ગયા..


તેથી અષ્‍ટાવક્રજીએ શેષ અડધો શ્ર્લોક પુરો કરતાં કહ્યું કેઃ અગ્નિ..વાયુ અને સૂર્ય...આ ત્રણેય દેવતાઓ તેર દિવસના યજ્ઞમાં વ્યા૫ક છે અને વેદોમાં ૫ણ તેર આદિ અક્ષરોવાળા અતિછંદ કહેવામાં આવ્યા છે.


આટલું સાંભળતાં જ બંદીનું મુખ નીચે થઇ ગયું અને ઉંડા વિચારમાં ૫ડી ગયા, પરંતુ અષ્‍ટાવક્રજીના મુખમાંથી શબ્દોની હારમાળા ચાલુ હતી.આ જોઇ સભામાંના બ્રાહ્મણો હર્ષ ધ્વનિ કરતાં કરતાં અષ્‍ટાવક્રજીની પાસે જઇને તેમનું સન્માન કરવા લાગ્યા.


અષ્‍ટાવક્રજીએ રાજા જનકને કહ્યું કેઃ આ પંડીત મારી સાથેના શાસ્ત્રાર્થમાં હારી ગયા છે તેમની સામે હારનાર અનેક બ્રાહ્મણોને તેમને પાણીમાં ડુબાડી દીધા છે તો હવે આ બંદી પુરોહીતની ૫ણ તેવી દશા થવી જોઇએ.


પુરોહીતે કહ્યું કેઃ મહારાજ ! હું જલાધિશ વરૂણનો પૂત્ર છું.

મારા પિતાને ત્યાં ૫ણ આ૫ની જેમ જ બાર વર્ષે પૂર્ણ થાય તેવો યજ્ઞ થઇ રહ્યો છે 
એટલા માટે મેં પાણીમાં ડુબાડી દેવાના બહાને ૫સંદગીના શ્રેષ્‍ઠ બ્રાહ્મણોને વરૂણલોક મોકલી આપ્‍યા છે. 

અષ્‍ટાવક્રજી મારા માટે પૂજનીય છે તેમની કૃપાથી પાણીમાં ડુબીને હું મારા પિતાજીના લોકમાં ઉ૫સ્થિત થઇશ.આ ચર્ચા ચાલતી હતી ત્યાં જ પાણીમાં ડુબાડી દેવામાં આવેલ તમામ બ્રાહ્મણો વરૂણ દેવ દ્વારા સન્માનિત થઇ પાણીમાંથી બહાર નીકળી રાજા જનકની સભામાં ઉ૫સ્થિત થયા.

તે બ્રાહ્મણોમાં કહોડ કે જે અષ્‍ટાવક્રજીના પિતા હતા તેમને કહ્યું કેઃ 
મનુષ્‍ય આવા જ કામોના માટે પૂત્રોની કામના કરે છે 
જે કામને હું ના કરી શક્યો તે મારા પૂત્રએ કરી દેખાડ્યું. 
રાજન ! ક્યારેક ક્યારેક દુર્બળ મનુષ્‍યને ૫ણ બળવાન અને મૂર્ખને ત્યાં ૫ણ વિદ્વાન પૂત્ર ઉત્પન્ન થાય છે.ત્યારબાદ અષ્‍ટાવક્રજીએ પોતાના પિતાનું પૂજન કર્યું તથા પોતાના મામા શ્વેતકેતુ સહીત પોતાના આશ્રમમાં ગયા.

આશ્રમમાં ૫હોચ્યા ૫છી કહોડે અષ્‍ટાવક્રજીને કહ્યું કેઃ તમે સભંગા નદીમાં સ્નાન કરો. અષ્‍ટાવક્રજીએ સભંગા નદીમાં ડૂબકી લગાવી કે તુરંત જ તેમનાં તમામ અંગો સીધાં થઇ ગયાં.આમ,એક જ ધર્માત્મા સત્પુરૂષ ઉત્પન્ન થાય તો તે સમસ્ત કૂળનો ઉદ્ધાર કરી દે છે.

આ લેખમાં ઉભા થયેલા નીચેના પ્રશ્નોના જવાબ આપશ્રીની પાસે છે ?


Ø વેદમાં પંચ શીખાવાળી અપ્‍સરા પાંચ છે તે કઇ ?
Ø કૃતિકાઓ છ છે કઇ ?
Ø ગ્રામ્ય ૫શુ સાત છે કયા ?
Ø વન્ય પશુ સાત છે કયા ?
Ø માન આ૫વાના પ્રકાર સાત છે કયા ?
Ø તત્વનો ઉ૫દેશ કરનારા દશ છે કયા ?
Ø પૂજન યોગ્ય દશ છે કયા ?
Ø પ્રાણીઓમાં વિકાર અગિયાર છે કયા ?
Ø દેવતાઓમાં રૂદ્ર અગિયાર છે કયા ?
Ø પૃથ્વી તેર દ્વિપોવાળી છે કયા ?


વિશેષઃ


અષ્ટાવક્ર (अष्‍टवक्र) પ્રાચિન ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ,બે પગ,બે ઘુંટણ,છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જે જ્ઞાન આપ્યું એ અષ્ટાવક્ર ગીતા તરીકે જાણીતું છે.


ઋષિ ઉદ્દાલક કે જેમનો ઉલેખ છાંદોગ્ય ઉપનિષદમાં છે, તેઓ વેદ જ્ઞાન આપવા આશ્રમ ચલાવતા હતા. આ આશ્રમમાં ઋષિ કહોડ અત્યંત યોગ્ય અને તેમના પ્રિય શિષ્ય હતા. ઋષિ ઉદ્દાલકે તેમની પુત્રી સુજાતાનાં લગ્ન તેમના શિષ્ય કહોડ સાથે કર્યા. અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા, તેમના પતિ કહોડ અને પિતા ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાનસંવાદ સાંભળતી જેથી અષ્ટાવક્ર માતાના ગર્ભમાંજ મંત્રોચ્ચાર શિખી ગયા હતા.


એક વખત ઋષિ કહોડ મંત્રોચ્ચાર વખતે ખોટો ઉચ્ચારણ કરી રહ્યા હતા, તો અષ્ટાવક્ર માતાના ગર્ભમાંથી હલચલ કરી ઉચ્ચારણ ખોટું છે એમ જણાવા પ્રયત્ન કર્યો. આનાથી તેમના પિતાને લાગ્યું કે બાળક અભિમાની છે અને ગુસ્સામાં શ્રાપ આપ્યો કે બાળક આઠ અંગે વાંકુ જન્મે.


અષ્ટાવક્રના જન્મ બાદ, સુજાતાના આગ્રહના કારણે ઋષિ કહોડ રાજા જનકના દરબારમાં ગયા જ્યાં જનક રાજા પંડિતોની જ્ઞાન સભા બોલાવી તત્વજ્ઞાનની ચર્ચા કરાવતા. અનેક વખત આવી ચર્ચાઓ ભિન્ન વિચારધારા વાળા પંડિતો વચ્ચે સ્પર્ધાનું સ્વરૂપ લઇ લેતી અને હારનાર પ્રતિદ્વંદ્વીને જીતેલા વ્યક્તિની આકરી શરતોનું પાલન કરવું પડતું. ઋષિ કહોડે, વરુણપુત્ર બંદી સાથે સ્પર્ધા કરી અને હારી ગયા. બદીની શરતો મુજબ તેમને ગંગા નદીમાં જળસમાઘી લેવી પડી. અષ્ટાવક્રનો ઉછેર ત્યારબાદ ઋષિ ઉદ્દાલક પોતાના પુત્રની જેમ કરવા લાગ્યા. ઋષિ ઉદાલકનો એક પુત્ર શ્વેતકેતુ અષ્ટાવક્રની ઉંમરનો જ હતો. અષ્ટાવક્ર એમજ સમજતા કે ઉદ્દાલક તેમના પિતા છે અને શ્વેતકેતુ તેમનો ભાઈ. જ્યારે અષ્ટાવક્ર બાર વર્ષના હતા અને ઉદ્દાલકના ખોળામાં બેઠા હતા ત્યારે શ્વેતકેતુએ તેમને ખેંચી નીચે ઉતાર્યા અને કહ્યું કે જઇને પોતાના પિતાના ખોળામાં બેસે. આ ઘટના પછી તેમને પોતાની માતા પાસેથી પિતાની જળસમાધી વિષે જાણવા મળ્યું. અષ્ટાવક્રએ નક્કી કર્યું કે તેઓ પિતાની હારનો બદલો પંડિત બંદી પાસેથી લેશે.


અષ્ટાવક્ર અને શ્વેતકેતુ રાજા જનકના દરબારમાં જાય છે. જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે. આ ચર્ચામાં બન્ને પ્રતિદ્વન્દ્વીઓએ એકથી શરુ કરી વારાફરતી અંકો પર સિઘ્ર છંદ રચના કરવાની હોય છે. આ છંદો અંકોના તત્વજ્ઞાન સંબંધી અર્થો માટે જાણીતા છે. તેરમા અંક માટે બંદી ફક્ત અડધો જ છંદ રચી શક્યા. આ અધુરા છંદને અષ્ટાવક્રએ પુરો કરી બતાવ્યો અને સ્પર્ધા જીતી ગયા. સ્પર્ધાની શરત મુજબ બંદીએ અષ્ટાવક્રની કોઇ પણ એક ઇચ્છા પુરી કરવાની હોય છે. અષ્ટાવક્ર જણાવે છે કે તેમની ઇચ્છા બંદી જળસમાધી લે તેમ છે જેવી રીતે બંદીએ અષ્ટાવક્રના પિતા કહોડ પાસે લેવડાવી હતી તેમ જ. આ સાંભળી બંદી એક રહસ્ય ઉજાગર કરે છે કે તે જલ દેવતા વરૂણનો પુત્ર છે અને તેના પિતા વરૂણના યજ્ઞ માટે યોગ્ય બ્રાહ્મણો પસંદ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. કારણકે તે સમયે વરૂણનો યજ્ઞ પણ પુરો થયો હતો, બંદી અષ્ટાવક્રના પિતા સહીત બધા બ્રાહ્મણોને મુક્ત કરી દે છે અને તેઓ રાજા જનકના દરબારમાં હાજર થાય છે. અષ્ટાવક્રના પિતા અષ્ટાવક્ર અને શ્વેતકેતુ સાથે આશ્રમ પાછા ફરે છે, ત્યાં સુજાતાની હાજરીમાં અષ્ટાવક્રને સામંગ નદીમાં સ્નાન કરવા જણાવે છે જેથી અષ્ટાવક્રના અંગ સીધા થઇ જાય છે.


બાદમાં અષ્ટાવક્ર એક જાણીતા તત્વવેતા બને છે અને મિથિલા જઇ રાજા જનકને આત્મા સંબંધી જ્ઞાન આપે છે.



1 comment:

  1. ભાગવત મુજબ ૧૧-રુદ્ર
    Srimad Bhagavatam 3.12.12

    'manyur manur mahinaso
    mahan chiva ritadhvajah
    ugrareta bhavah kalo
    vamadevo dhritavratah'

    Lord Brahma said: My dear boy Rudra, you have eleven other names: Manyu, Manu, Mahinasa, Mahan, Siva, Ritadhvaja, Ugrareta, Bhava, Kala, Vamadeva and Dhritavrata.

    ReplyDelete