Monday, 31 January 2022

 

મનુષ્‍ય ન ઇચ્છતો હોવા છતાં પાપનું આચરણ કેમ કરે છે?   

       શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્‍ણને પ્રશ્ન પૂછે છે કેઃમનુષ્‍ય ન ઇચ્છતો હોવા છતાં જબરજસ્તીથી જોડાયેલા હોય તેમ કોનાથી પ્રેરાઇને પાપનું આચરણ કરે છે ? (ગીતાઃ૩/૩૬)

       વિચારવાન પુરૂષ પા૫ કરવા ઇચ્છતો નથી કેમ કેઃપાપનું પરિણામ દુઃખ હોય છે અને દુઃખને કોઇપણ મનુષ્‍ય ઇચ્છતો નથી,પરંતુ હૈયામાં સાંસારીક ભોગ અને સંગ્રહની ઇચ્છા જ તમામ પાપોનું મૂળ છે.પાપવૃત્તિના ઉત્પન્ન થવાથી વિચારશીલ પુરૂષ તે પાપને જાણતો હોવાથી તેનાથી દુર રહેવા ઇચ્છે છે, છતાં ૫ણ તે એ પાપમાં એવી રીતે લાગી જાય છે કે જેવી રીતે કોઇ તેને પાપમાં જોડી રહ્યું હોય ! આથી એવું જણાય છે કેઃ પાપમાં લગાવવાવાળું કોઇ બળવાન કારણ છે. દુર્યોધને કહ્યું છે કે.. જાનામિ ધર્મ ન ચ મેવ પ્રવૃત્તિ,જાનામિ અધર્મ ન ચ મેવ નિવૃત્તિ. હું ધર્મને સારી રીતે જાણું છું પરંતુ તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને અધર્મને ૫ણ જાણું છું પરંતુ તેનાથી મારી નિવૃત્તિ થતી નથી.મારા હ્રદયમાં રહેલો કોઇ દેવ જ છે કે જે મારી પાસે આવું કરાવડાવે છે,તેવું જ હું કરૂં છું. દુર્યોધન દ્વારા કહેવાયેલો એ "દેવ" વસ્તુતઃ "કામ" એટલે કે સુખભોગ અને સંગ્રહની કામના છે. જેનાથી મનુષ્‍ય વિચારપૂર્વક જાણતો હોવા છતાં ૫ણ ધર્મનું પાલન અને અધર્મનો ત્યાગ કરી શકતો નથી.અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય એ છે કેઃ અશ્રધ્ધા,અસૂયા,દુષ્‍ટ ચિત્તતા,મુઢતા,પ્રકૃતિ(સ્વભાવ)ની પરવશતા,રાગ,દ્રેષ,સ્વધર્મમાં અરૂચિ અને ૫રધર્મમાં રૂચિ... આ પૈકી ક્યું કારણ છે કે જેના લીધે મનુષ્‍ય વિચારપૂર્વક ન ઇચ્છતો હોવા છતાં ૫ણ પાપમાં પ્રવૃત થાય છે..?

       અર્જુનના આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન કહે છે કેઃ "રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે,એ બહુ જ ખાવાવાળો અને મહાપાપી છે,એ વિષયમાં તું એને જ વૈરી જાણ.સાંસારીક પદાર્થોને સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે,જેનાથી અંતઃકરણમાં તેનું મહત્વ દ્રઢ થઇ જાય છે,પછી એ જ પદાર્થોનો સંગ્રહ કરવાનો અને એના વડે સુખ લેવાની કામના ઉત્પન્ન થાય છે. ફરી કામનાથી પદાર્થોમાં રાગ વધે છે.આ ક્રમ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી પાપકર્મોથી સર્વથા નિવૃત્તિ થતી નથી. મારૂં મનગમતું થાઓ.. આ જ કામના છે.ઉત્પત્તિ વિનાશશીલ જડ પદાર્થોના સંગ્રહની ઇચ્છા,સંયોગજન્ય સુખની ઇચ્છા,સુખની આસક્તિ.. આ બધા "કામ" ના જ રૂ૫ છે.પાપ કર્મ ક્યાંક "ક્રોધ" ને વશીભૂત થઇને કરવામાં આવેલું દેખાય છે.બન્નેથી અલગ અલગ પાપો થાય છે.વાસ્તવમાં "કામ" એટલે કેઃ ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોની કામના.. પ્રિતિ અને આકર્ષણ જ તમામ પાપોનું મૂળ છે.કામનાની પૂર્તિ થતાં "લોભ" ઉત્પન્ન થાય છે. "જિમિ પ્રતિ લાભ લોભ અધિકાઇ" અને કામનામાં વિઘ્ન પહોંચતાં વિઘ્ન પહોચાડનાર ઉપર "ક્રોધ" ઉત્પન્ન થાય છે.જો વિઘ્ન પહોચાડવાવાળો પોતાથી અધિક બળવાન હોય તો ક્રોધ ઉત્પન્ન ન થતાં "ભય" ઉત્પન્ન થાય છે.

       કર્મ અને વિકર્મ (નિષિધ્ધ કર્મ)-બન્નેય કામનાના કારણે થાય છે. કામનાના કારણે "કર્મો" થાય છે અને કામનાના અધિક વધવાથી "વિકર્મો" થાય છે.કામનાના  કારણે જ અસતમાં આસક્તિ દ્રઢ થાય છે. કામનાઓની પૂર્તિ સંસારમાં આજ સુધી કોઇની થઇ નથી.આપણી તો વાત જ શું ભગવાનશ્રી રામના પિતા(દશરથ રાજા)ની ૫ણ કામના પૂરી નથી થઇ..!! આથી કામનાઓની પૂર્તિ થવી અસંભવ છે પરંતુ કામનાઓનો ત્યાગ કરવો અસંભવ નથી..

       કામનાઓના ચાર ભેદ છેઃ શરીર નિર્વાહ માત્રની આવશ્યક કામનાઓને પુરી કરી દેવી, એવી કામનામાં ચાર વાતોનું હોવું આવશ્યક છે. જે કામના વર્તમાનમાં ઉત્પન્ન થઇ હોય જેમ કેઃભૂખ લાગતાં ભોજનની કામના, જેની પૂર્તિની સાધન સામગ્રી વર્તમાનમાં ઉ૫લબ્ધ હોય, જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું સંભવ ન હોય, જેની પૂર્તિથી પોતાનું તથા બીજાઓનું કોઇનું ૫ણ અહિત ન થતું હોય, જે કામના વ્યક્તિગત તેમજ ન્યાયયુક્ત હોય અને જેને પુરી કરવાનું આપણા સામથ્યની બહાર હોય તેને ભગવાનને અર્પણ કરીને દૂર કરવી.

કોઇ વૈરી એવો હોય છે જે ભેટ પૂજા અથવા અનુનય વિનયથી શાંત થઇ જાય,પરંતુ આ કામ એવો વૈરી છે જે કશાયથી શાંત થતો નથી.. "બુઝે ન કામ અગ્નિ તુલસી કહું વિષયભોગ બહું ઘી તે" જેવી રીતે ધન મળતાં ધનની કામના વધતી જ જાય છે,તેવી જ રીતે જેમ જેમ ભોગ મળતા જાય છે તેમ તેમ કામના  વધતી જ જાય છે.કામના જ તમામ પાપોનું કારણ છે.ચોરી,લૂંટ,હિંસા..વગેરે તમામ પાપો કામનાથી જ થાય છે.કામના ઉત્પન્ન થતાં જ મનુષ્‍ય પોતાના કર્તવ્યથી,પોતાના સ્વરૂ૫થી અને પોતાના ઇષ્‍ટ(ભગવાન)થી વિમુખ થઇ જાય છે અને નાશવાન સંસારની સન્મુખ થઇ જાય છે.નાશવાનના સન્મુખ થવાથી પાપો થાય છે અને પાપોના ફળ સ્વરૂપે નરકોની તથા નીચ યોનિયોની પ્રાપ્‍તિ થાય છે.સંયોગજન્ય સુખની કામનાથી સંસાર સત્ય પ્રતિત થાય છે.વાસ્તવિક તત્વથી વિમુખ થયા વિના કોઇ સાંસારીક ભોગ ભોગવી જ શકતો નથી અને રાગપૂર્વક સાંસારીક ભોગ ભોગવવાથી મનુષ્‍ય પરમાત્માથી વિમુખ થઇ જ જાય છે.ભોગબુધ્ધિથી સાંસારીક ભોગ ભોગવવાવાળો પુરૂષ પોતાનું તો પતન કરે છે.ભોગ્ય વસ્તુઓનો દુર ઉ૫યોગ કરીને તેમનો નાશ કરે છે.

       કામનાને નષ્‍ટ કરવાનો મુખ્ય અને સરળ ઉપાય છેઃબીજાઓની સેવા કરવી,તેમને સુખ પહોંચાડવું. અહંતા(પોતાને શરીર માનવું),મમતા(શરીર..વગેરે પદાર્થોને પોતાના માનવા) અને કામના(અમુક વસ્તુઓ મને જાય તેવો ભાવ) - આ ત્રણેયથી જીવ સંસારમાં બંધાય છે.. "આ પાપ છે"-એવું જાણવા છતાં ૫ણ મનુષ્‍ય પાપમાં પ્રવૃત થાય છે..તો આ જાણકારીનો પ્રભાવ આચરણમાં ન આવવાનું કારણ શું ? તેનું વિવેચન કરતાં ભગવાન કહે છે કેઃ

"જેવી રીતે ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઇ જાય છે તથા જેવી રીતે ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેવી જ રીતે કામના દ્વારા આ જ્ઞાન(વિવેક) ઢંકાયેલું રહે છે."  વિવેક બુધ્ધિમાં પ્રગટ થાય છે. કામના ઉત્પન્ન થતાં જ વિચાર કરવો કે આપણે જે વસ્તુની કામના કરીએ છીએ તે વસ્તુ આપણી સાથે હંમેશાં રહેવાવાળી નથી.તે વસ્તુ પહેલાં ૫ણ આપણી પાસે ન હતી અને પછી પણ આપણી સાથે નહી રહે તથા વચમાં ૫ણ તે વસ્તુનો આપણાથી નિરંતર વિયોગ થઇ રહ્યો છે.આવો વિચાર કરવાથી કામના રહેતી નથી.

       શાસ્ત્રો અનુસાર પરમાત્માની પ્રાપ્‍તિમાં ત્રણ દોષ બાધક છે. મળ..વિક્ષેપ અને આવરણ. આ દોષો અસત (સંસાર)ના સબંધથી જ ઉત્પન્ન થાય છે.અસતનો સબંધ કામનાથી થાય છે.આથી મૂળ દોષ કામનાનો જ છે.કામનાનો નાશ થતાં જ અસત સાથે સબંધ વિચ્છેદ થઇ જાય છે અને વિવેક પ્રગટ થઇ જાય છે. ભગવાન કહે છે કેઃ આ અગ્નિની સમાન કદી તૃપ્‍ત ન થવાવાળો અવિવેકીઓના નિત્ય વૈરી આ કામ દ્વારા મનુષ્‍યનો વિવેક ઢંકાયેલો છે.. જેવી રીતે અગ્નિમાં અનુકૂળ આહૂતિ આપતા રહેવાથી અગ્નિ ક્યારેય તૃપ્ત થતો નથી ઉલ્ટાનો વધતો જ જાય છે તેવી જ રીતે કામનાને અનુકૂળ ભોગ ભોગવતા રહેવાથી કામના ક્યારેય તૃપ્‍ત થતી નથી,ઉલ્ટાની વધતી જ રહે છે.ભોગ અને સંગ્રહની કામના ક્યારેય પુરી થતી નથી.જેટલા ૫ણ ભોગ અને પદાર્થો મળતા રહે છે તેટલી જ તેમની ભૂખ વધે છે,કારણ કેઃ કામના જડની હોય છે એટલા માટે જડના સબંધથી તે ક્યારેય દૂર થતી જ નથી.

જેટલું ધન મળે છે તેટલી જ દરીદ્રતા (ધનની ભૂખ) વધે છે.વાસ્તવમાં દરીદ્રતા તેની જ દૂર થાય છે જેને ધનની ભૂખ નથી. "ચાહ ગઇ ચિન્તા મિટી મનુઆ બેપરવાહ,જિનકો કછું ન ચાહિએ સો શાહન કા સાહું.." વાસ્તવમાં ધન એટલું બાધક નથી,જેટલી બાધક તેની કામના છે.જડના સબંધથી થવાવાળી સુખની ઇચ્છાને કામ કહે છે. અપ્રાપ્‍તને પ્રાપ્‍ત કરવાની ઇચ્છાએ કામના છે.અંતઃકરણમાં જે અનેક સુક્ષ્‍મ કામનાઓ દબાયેલી રહે છે તેને વાસના કહે છે.વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ સ્પૃહા છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતી દેખાવી એ આસક્તિ છે.વસ્તુ મળવાની સંભાવના રાખવી એ આશા છે અને અધિક વસ્તુ મળી જાય એ લોભ કે તૃષ્‍ણા છે.વસ્તુની ઇચ્છા અધિક વધવાથી યાચના થાય છે.આ બધા કામ ના જ રૂ૫ છે.કોઇપણ શત્રુનો નાશ કરવા માટે તેના રહેવાના સ્થાનોની જાણકારી હોવી આવશ્યક છે. કામ પાંચ સ્થાનોમાં દેખાય છે.પદાર્થોમાં,ઇન્દ્રિયોમાં,મનમાં,બુધ્ધિમાં તથા માનેલા અહમમાં જ રહે છે.આ કામના જીવને  બાંધવાવાળી છે.

ભગવાન કામને મારવાની રીત બતાવતા રહીને તેને મારવાની આજ્ઞા આપતાં કહે છે કેઃ "તૂં સૌથી પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળા મહાન પાપી કામને અવશ્ય બળપૂર્વક મારી નાખ, ઇન્દ્રિયોને (સ્થુળ શરીર)થી ૫ર(શ્રેષ્‍ઠ) સબળ પ્રકાશક વ્યાપક તથા સુક્ષ્‍મ) કહે છે.ઇન્દ્રિયોથી પર મન છે,મનથી ૫ર બુધ્ધિ છે અને જે બુધ્ધિથી ૫ણ ૫ર છે તે આત્મા છે. આ રીતે બુધ્ધિથી પર આત્માને જાણીને પોતાના દ્વારા પોતાની જાતને વશ કરીને તું કામરૂપી દુર્જેય શત્રુને મારી નાખ.. ભગવાનથી વિમુખ થઇને સંસારની કામના કરવી એ જ બધા પાપોનું મુખ્ય કારણ છે.કામના આસક્તિથી ઉત્પન્ન થાય છે.કામના ના હોય તો પાપ થવાની સંભાવના જ રહેતી નથી.

No comments:

Post a Comment