રામચરીત માનસમાં વર્ણવેલ...કળિયુગનાં લક્ષણો
કળિકાળ
ઘણો જ કઠિન છે તેમાં નર નારી પા૫ ૫રાયણ(પાપોમાં મગ્ન) થઇ જાય છે.કળિયુગના પાપોએ
બધા ધર્મોને ગ્રસી લીધા છે,સદગ્રંથો લુપ્ત
થયા છે,દંભીઓએ પોતાની બુદ્ધિ થકી કલ્પનાઓ કરી
કરીને ઘણા બધા પંથો ઉભા કરી દીધા છે.બધા લોકો મોહને વશ થયેલા છે.શુભ કર્મોને લોભે
ગળી લીધા છે.કળિયુગમાં ચાર વર્ણોનો કે આશ્રમોનો ધર્મ રહેતો નથી.કળિયુગમાં ચાર
વર્ણોનો કે આશ્રમોનો ધર્મ રહેતો નથી.તમામ નર નારીઓ વેદ વિરૂધ્ધ આચરણોમાં રૂચી
ધરાવે છે.રાજાઓ પ્રજાનું ભક્ષણ કરનારા છે અને વેદની આજ્ઞાને કોઈ માનતું નથી.લોકો
જેને જે રૂચે તે માર્ગ પકડી લે છે.અત્યંત ચાપલ્યથી જે બોલતો હોય તે પંડિત લેખાય
છે.જે માણસ ખોટાં કર્મો શરૂ કરવામાં તથા દંભમાં તત્પર હોય તેને જ સર્વ લોકો સંત
કહે છે.જે પર ધનનું હરણ કરી જાણે તે ચતુર ગણાય છે.જે દંભ કરે તે મોટો સદાચારી ગણાય
છે,જે ખોટું બોલી જાણતો હોય તથા મશ્કરી કરી
જાણતો હોય તે ગુણવાન ગણાય છે.
કળિયુગમાં
જે આચાર રહિત હોય તથા વેદના માર્ગથી દૂર ગયો હોય તે જ્ઞાની તથા વૈરાગ્યવાળો કહેવાય
છે.જેને પોતાના નખ તથા જટા વધારી હોય તેને તપસ્વી ગણવામાં આવે છે.જે માણસ અશુભ
વેશને તથા ખોપરી વગેરે..અશુભ ભુષણોને ધારણ કરે છે તથા ભોજનમાં ભક્ષ કે અભક્ષનો
વિવેક કરતો નથી તે માણસ કળિયુગમાં યોગી તથા સિધ્ધજન કહેવાઈને પૂજાય છે.કળિયુગમાં
જે માણસ બીજાઓનું ખરાબ કરવાની ટેવવાળો હોય તેને મોટાઈ તેમજ માન્યતા મળે છે.જે માણસ
મન વચન કર્મથી લબાડ હોવા છતાં સારૂં બોલી જાણતો હોય તે વકતા કહેવાય છે.
સર્વ પુરૂષો સ્ત્રીઓને વશ થઈને તેમની આસપાસ
વાંદરાઓની પેઠે નાચે છે.શૂદ્ર લોકો બ્રાહ્મણોને જ્ઞાનનો ઉપદેશ આપે છે અને જનોઈ
ધારણ કરી મોટાં મોટાં કુત્સિત દાન લે છે.સર્વ લોકો કામી,ક્રોધી, લોભી,દેવ
વિરોધી,બ્રાહ્મણ વિરોધી,વેદ
વિરોધી અને સંત વિરોધી હોય છે.અભાગણી સ્ત્રીઓ ગુણોના ઘરરૂપ અને રૂપાળા પતિનો પણ
ત્યાગ કરી દઈને પર પુરૂષોને સેવે છે.સૌભાગ્યવતી સ્ત્રીઓ આભૂષણો પહેરતી નથી અને
વિધવાઓ નવા નવા શણગાર સજે છે.કળિયુગમાં ગુરૂઓ અંધ જેવા હોય છે અને શિષ્યો બહેરા
હોય છે,તેથી ગુરૂઓ પોતાના કે શિષ્યોના કુલક્ષણોને
જોતા નથી અને શિષ્યો ગુરૂઓને ધન દેવા છતાં તેમના ઉપદેશને સ્વીકારતા કે સાંભળતા જ
નથી.જે ગુરૂ શિષ્યોના ધનને હરે પણ તેના શોકને-અજ્ઞાનને હરે નહી તે ગુરૂ ઘોર નરકમાં
પડે છે.મા-બાપ પોતાના બાળકોને છોડી દે છે અને પોતાની પાસે રાખે તો ભકિત વગેરે..કંઈ
જ શિખવતાં નથી અને ફકત પેટ ભરાય તેવું જ શિક્ષાણ આપે છે.
કળિયુગમાં
તમામ નર નારીઓના મુખે બહ્મજ્ઞાન વિનાની બીજી વાતો કરતાં જ નથી,પરંતુ
જયારે ધનનો પ્રસંગ આવી પડે ત્યારે એક કોડીના ખાતર પણ લોભને વશ થઈ બ્રાહ્મણોનો તથા
ગુરૂઓનો પણ ઘાત કરતાં પાછાં પડતાં નથી.શૂદ્રો બ્રાહ્મણો સાથે વિવાદમાં ઉતરી પડે છે
અને કહેતા હોય છે કે:''શું અમે
તમારાથી કંઈ કમ છીએ? જે બ્રહ્મને
જાણે છે તે જ સાચો બ્રાહ્મણ છે'' એમ કહીને તેમને
ધમકાવે છે અને આંખો દેખાડે છે. જે પારકી
સ્ત્રી પ્રત્યે આસકિત રાખે,કપટ કરવામાં
ચતુરાઈ દાખવે છે,મોહ-દ્રોહ તથા
મમત્વમાં લપેટાયેલ છે તે લોકો જ અભેદવાદી(બ્રહ્મ અને જીવને એક કહેવાવાળા) જ્ઞાનીઓ
કહેવાય છે.
કળિયુગના
બ્રહ્મચારીઓ આમ તો પોતે ભ્રષ્ટ્ર જ હોય છે પણ બીજાઓ સત્યના માર્ગનું પાલન કરતા હોય
તેમને પણ ભ્રષ્ટ્ર કરે છે.કુતર્કો ચલાવીને વેદવિહિન વર્ણાશ્રમ ધર્મોને દૂષિત
કરનારા લોકો એક એક નરકમાં એક એક કલ્પ સુધી પડે છે.જેની આજીવિકાનાં સાધન ના હોય તેઓ
પણ પોતાની સ્ત્રીના મરણ પછી અથવા ઘરની સંપત્તિનો નાશ થતાં ભોજનના સુખના સ્વાદ માટે
મુંડ મુંડાવી સંન્યાસી બની જાય છે. આવા સંન્યાસીઓ બ્રાહ્મણોના હાથથી પોતાના પગ
પૂજાવે છે અને પોતાના હાથથી જ પોતાના આલોક અને પરલોકને ભ્રષ્ટ કરે છે.શૂદ્રો વિવિધ
જપ-તપ અને વ્રત કરે છે અને ઉત્તમ આસનો પર બેસીને પુરાણોની કથા વાંચે છે.સર્વ માણસો
એવા તો કલ્પિત આચારો પાળે છે કે તેમની અપાર અનીતિ વર્ણવી શકાતી નથી.કળિયુગમાં સર્વ
લોકો વર્ણશંકર થઈ જાય છે.વેદોમાં વર્ણવેલી ધર્મની મર્યાદાઓનો ભંગ કરે છે, પાપો
આચરે છે અને દુ:ખ,ભય, રાગ,શોક
તથા વિયોગના અધિકારી બને છે.કળિયુગમાં વૈરાગ્ય તથા વિવેકથી સંયુકત હરિ ભકિતનો
માર્ગ કે જે શ્રુતિ સંમત છે તે પ્રમાણે ના વર્તતાં મોહને વશ થયેલા લોકો અનેક
પ્રકારના નવા નવા પંથ પર ચાલે છે.કળિયુગમાં સંન્યાસીઓ ઘણું ધન એકઠું કરીને ઘરને
સજાવે છે, તેમનામાં વૈરાગ્ય હોતો નથી કારણ કે
તે તો વિષયોથી હરાઈ ચુકયો હોય છે.તપસ્વી ધનવાન બન્યા અને ગૃહસ્થ બન્યા દરિદ્ર.
કુળવતી
અને સતી નારીને પુરૂષ ઘરમાંથી દૂર કરે છે,ચારીત્રશીલ
નારીને ત્યજીને ઘરમાં દાસીઓને વસાવે છે.પૂત્રો પોતાના માતા પિતાને ત્યાં સુધી જ
માને છે કે જયાંસુધી સ્ત્રીનું મુંખડું ના જોયું હોય, જયારથી
સસરાનું ઘર વહાલું લાગ્યું ત્યારથી પોતાનું કુટુંબ શત્રુરૂપ થઈ જાય છે.રાજાઓ
પાપાચારી થઈ ગયા,તેમનામાં
ધર્મનું નામ રહેતું નથી,તેઓ પ્રજાને
હંમેશાં વગર વાંકે દંડ આપીને તેમની સદાય વિડંમણા દુર્દશા કર્યા કરે છે.કળિયુગમાં
ધનવાન લોકો મલીન હોવા છતાં પણ કુલિન ગણાય છે.તપસ્વીપણામાં માત્ર ઉઘાડા રહેવાનું જ
બાકી રહે છે અને જેઓ વેદો તથા પુરાણોને માનતા નથી તેઓ હરિ સેવક તથા સંત કહેવાય
છે.કળિયુગમાં કવિઓનાં ટોળે ટોળાં ફર્યા કરે છે પણ તેમને કોઈ ઉદાર દાતા કે કવિતા
સાંભળવાવાળા મળતા નથી.ગુણીજનોની નિંદા કરનારાઓના સમુહ હોય છે.ગુણીઓની વાતો સંભળાતી
નથી એટલે કે ગુણવાના કોઈ હોતા જ નથી.વારંવાર દુષ્કાળો પડે છે તથા અન્ન વિના સૌ
લોકો ભુખથી મરે છે. કળિયુગમાં કપટ,દંભ,હઠ,દ્રેષ,પાખંડ,કામ,ક્રોધ,મદ તથા
લોભ..વગેરે દુષ્ટ વિકારો જગતમાં વ્યાપી રહે છે.
કળિયુગમાં
લોકો જે કંઈ જપ,તપ,યજ્ઞ,વ્રત
કે દાન કરે છે તે તમામ તામસી જ કરે છે.મેઘ પૃથ્વી ઉપર વરસતો નથી અને વરસે તો પણ
વાવેલાં ધાન્યો બરાબર જામતાં નથી.સ્ત્રીઓ ફકત કેશરૂપી જ ભૂષણોવાળી અને ઝાઝી
ભુખવાળી થઈ જાય છે.લોકો નિર્ધન દુ:ખી તથા ઘણી આસકિતવાળા થઈ જાય છે. સર્વે લોકો
સુખની ઈચ્છા રાખે છે પરંતુ મૂઢતાના લીધે ધર્મ પર રૂચી રાખતા નથી.સર્વની બુદ્ધિ ઓછી
તથા કઠોર થઈ જાય છે અને તેમનામાં કોઈપણ જાતની કોમળતા હોતી નથી.કળિયુગમાં માણસો
રોગથી પિડાય છે. તેમને ભોગોનું સુખ મળતું નથી.સર્વ લોકો કારણ વગર જ અભિમાન તથા
વિરોધ કરે છે.માનવ જીવનની સરેરાશ આયુષ્ય પચાસ વર્ષની થઈ જાય છે.તેમાં પણ એટલો બધો
અહંકાર હોય છે કે જાણે કલ્પાંત સુધી પણ મરવાનું ના હોય..કળિયુગમાં સર્વ માણસો
બેહાલ બની જાય છે.કોઈપણ માણસ પોતાની નાની બહેન કે દિકરીનો પણ વિચાર કરતા
નથી.લોકોમાં સંતોષ હોતો નથી,શિતળતા હોતી
નથી.જાતિ કે કુજાતિ સૌ કોઈ માંગતા જ ફરે છે.બધાં જ ભિખારી બની જાય છે.ઈર્ષા,કઠોરતા,છળ તથા
લોલુપતા સર્વ લોકોમાં ભરપુર રહે છે.સમતા જતી રહે છે.તમામ લોકો વિયોગ તથા શોકથી માર્યા
જાય છે.વર્ણાશ્રમ ધર્મના આચારો નષ્ટ થઈ જાય છે.ઈન્દ્દિયોનું દમન કે દાન,દયા
અને સમજણ કોઈનામાં પણ રહેતાં નથી.ચારેય બાજુ જડતા તથા પ્રપંચ નજરે પડે છે.મૂર્ખતા
તથા ઠગાઈ વધી જાય છે.સ્ત્રીઓ તથા પુરૂષો સૌ કોઈ પોતાનાં શરીરનાં પાલન પોષણમાં જ
લાગેલાં રહે છે.જેઓ પારકાની ભરપુર નિન્દા કરવામાં લાગેલાં રહે છે તેઓ જ ચારે બાજુ
નજરે પડે છે.
કળિકાળ
એ તો પાપો તથા અવગુણોનું ધામ છે,પરંતુ
કળિયુગમાં એક ખાસ ગુણ વધ્યો છે કે..જેમાં વગર પરિશ્રમે પ્રભુનું ભજન કિર્તન કરવાથી
જ ભવબંધનમાંથી છુટકારો મળી જાય છે.સતયુગ,ત્રેતાયુગ અને
દ્વાપરયુગમાં જે ગતિ પૂજા-યજ્ઞ અને યોગથી પ્રાપ્ત થાય છે તે ગતિ કળિયુગમાં એકમાત્ર
ભગવાનનું નામ સ્મરણ કરવાથી થાય છે.સતયુગમાં સૌ યોગીઓ તથા વિજ્ઞાનીઓ જન્મે છે અને
હરિ ભજન-ધ્યાન કરીને તે બધા ભવસાગર તરી જાય છે.ત્રેતાયુગમાં મનુષ્યો અનેક પ્રકારના
યજ્ઞો કરે છે અને તે બધા કર્મો પ્રભુને સમર્પિત કરીને ભવસાગર તરી જાય છે.દ્વાપરયુગમાં
ભગવાનના ચરણોની પૂજા કરીને મનુષ્યો ભવસાગર તરી જાય છે,પરંતુ
કળિયુગમાં તો ફકત શ્રી હરિ પરમાત્માની ગુણગાથાઓનું ગાન કરવાથી મનુષ્યો ભવસાગર તરી
જાય છે.કળિયુગમાં યોગ,યજ્ઞ કે જ્ઞાન
કશું નથી.ફકત ભગવાના ગુણોનું કિર્તન એ જ મોટો આધાર છે માટે
જે માણસો બીજા સઘળા ભરોસા છોડી દઈને ભગવાનને ભજે છે તથા પ્રેમમય થઈને ભગવાનના
ગુણોને ગાય છે તેઓ સંસાર સાગરને તરી જાય છે,તેમાં શંકા
નથી.નામ-સુમિરણનો પ્રતાપ કળિયુગમાં પ્રત્યક્ષ છે.કળિયુગનો એક પવિત્ર મહિમા એ પણ છે
કે માનસિક પુણ્યતા મળે છે, પરંતુ માનસિક
પાપ થતાં નથી.
જો
મનુષ્ય સાચો વિશ્વાસ સેવે તો કળિયુગના જેવો તો બીજો યુગ જ નથી.આ યુગમાં ભગવાનના
નિર્મળ ગુણોનો મહિમા ગાઈ ગાઈને મનુષ્ય કોઈપણ જાતના પરિશ્રમ વિના જ સંસારરૂપી
સમુદ્ર સહેલાઈથી તરી જાય છે.ધર્મના ચાર ચરણ:સત્ય-દયા-તપ અને દાન પ્રસિધ્ધ છે કે
જેમાં દાનરૂપી એક ચરણ જ કળિયુગમાં પ્રધાનરૂપે છે.કોઈપણ ઉદ્દેશથી આપવામાં આવેલ દાન
કલ્યાણ કરનારૂં છે.ભગવાનની માયાથી પ્રેરિત થઈને સૌના હ્રદયમાં બધાય યુગોના ધર્મો
સદાય રહે છે.શુધ્ધ સત્વગુણ-સમતા-વિજ્ઞાન અને મનની પ્રસન્નતા..આ બધાં લક્ષાણો
સતયુગના પ્રભાવ સમાન છે.સત્વગુણ અધિક હોય,કંઈક અંશે
રજોગુણ હોય, કર્મોમાં પ્રિતિ હોય,બધી
રીતે સુખ મળતું હોય-એ ત્રેતાયુગનાં લક્ષાણો છે.રજોગુણ વિશેષ હોય,સત્વગુણ
ઘણો ઓછો હોય,કંઈક પ્રમાણમાં વિશેષ તમોગુણ હોય,મનમાં
આનંદ તેમજ ભય હોય..આ દ્વાપરયુગનાં લક્ષાણો છે.તમોગુણનું આધિકય હોય અને રજોગુણ થોડો
હોય,ચારેય બાજુ વેર તથા વિરોધનું વાતાવરણ
ગાજતું હોય..આ જ કળિયુગનો પ્રભાવ જાણવો.પંડિતો યુગોના આ પ્રભાવને મનમાં જાણી
સમજીને અને તેથી અધર્મ છોડીને ધર્મમાં પ્રિતિ કરે છે.
No comments:
Post a Comment