Saturday 5 March 2022

 

*હનુમાન ચરિત્રઃરામ દુઆરે તુમ રખવારે..*

સંતવાણીમાં કહ્યું છે કેઃ

સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાન,

સેતુ બાંધ શ્રી રામ ગયે,લાંઘ ગયે હનુમાન.

પરંતુ હનુમાનજીના માટે તો એટલું જ કહેવામાં આવ્યું છે કેઃ

"રામ દુઆરે તુમ રખવારે,

હોત ન આજ્ઞા બિનું પૈસારે.."

એટલે કેઃ હે હનુમાનજી..! આપ રામ દ્વારા ઉ૫ર પ્રહરી બનીને ઉભા રહો છો.આપની આજ્ઞા વિના કોઇનો ૫ણ રામ દ્વારમાં પ્રવેશ થઇ શકતો નથી.આ પંક્તિમાં ઘણું મોટું રહસ્ય છે. ઘરના દ્વાર ઉ૫ર પ્રહરી હોય તો તેમની આજ્ઞા વિના ઘરમાં પ્રવેશ કરી શકાતો નથી,પરંતુ અહીયાં તો ઘરના દ્વાર ઉ૫ર નહી પરંતુ રામના દ્વાર ઉપર પ્રહરીના રૂપમાં હનુમાનજી ઉભા છે એટલે તેમની આજ્ઞા વિના રામ(અવિનાશી બ્રહ્મ)માં પ્રવેશ થઇ શકતો નથી.   

ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ "તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ બુધ્ધિને જોડ,આ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશમાત્ર સંશય નથી." એટલે કેઃ ભગવાનમાં વાસ કરવાનો છે તેમના ઘરમાં નહી એટલા માટે તો ભગવાનનું વિશ્વ વિખ્યાત નામ "વાસુદેવ" છે જેનો અર્થ કરતાં આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કેઃ "જેમાં સમગ્ર સૃષ્ટ્રિ  વાસ કરે છે તે વાસુદેવ છે." આમ પણ ભગવાન અને ભગવાનનું ઘર બન્ને અલગ અલગ નથી કારણ કેઃ ભગવાને સ્વંયમ કહ્યું છે કેઃ "તે પરમ પદને સૂર્ય,ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે." એટલે કેઃ જ્યાં સૂરજ,ચંદ્રમા,તારાઓ,અગ્નિ.. વગેરે (નવ દ્વારો) નથી ત્યાં નિરાકાર પ્રભુનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે. આ રામમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે,એટલા માટે જ કબીરજીએ કહ્યું છે કેઃ

હરિસે જનિ તૂં હેત કર,હરિજનસે કર હે,

ધન દૌલત હરિ દેત હૈ,હરિજન હરિ હી દેત."

એટલે કેઃ હે જીજ્ઞાસુ જીવ..! તું હરિથી નહી પરંતુ હરિજન(પ્રભુ ભક્ત) સાથે પ્રેમ કર કારણ કે હરિ તો ધન દૌલત, ભૌત્તિક સંપત્તિ આપશે જ્યારે હરિના ભક્તો તો હરિને જ આપે છે.    હનુમાનજી પ્રભુના પરમ પ્રિય ભક્ત હતા એટલે તેમના માટે કહેવામાં આવ્યું છે કે આપ જેવા ભક્ત જ પ્રભુના દ્વારપાળ છો અને આપની આજ્ઞા વિના કોઇ પ્રભુ પરમાત્મામાં પ્રવેશ કરી ભક્ત બની શકતો નથી. જ્ઞાની તો પ્રભુને જાણે છે પરંતુ ભક્ત તો તેમનામાં નિવાસ કરે છે. જડ ચેતનમય સમગ્ર સૃષ્ટ્રિ ને બ્રહ્મદ્રષ્ટ્રિએ જોનાર ભક્ત માટે નારદભક્તિ સૂત્રમાં કહ્યું છે કે "પ્રેમી ભક્ત પ્રેમને જ જુવે છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમને જ ખાય છે અને પ્રેમને જ સાંભળે છે."

બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન જ્ઞાન છે.આવા જ અનન્ય ભક્ત હનુમાનજી હતા કે જેમને રામને હ્રદયમાં વસાવીને સર્વત્ર રામનાં જ દર્શન કરતા હતા.અંદર પણ રામ અને બહાર ૫ણ રામ.. સર્વત્ર રામ જ રામ.. નિરાકાર ૫ણ રામ અને સકળ સંસારના તમામ જડ ચેતનમાં ૫ણ રામ.. તમામને રામરૂ૫ જાણીને તમામના ભલા માટેની કામના અને તમામના પ્રત્યે દાસ્યભાવ એ જ અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ હનુમાનજીમાં જોવા મળે છે.       અહી પ્રશ્ન એ થાય કે આવા ભક્ત કે જે તમામની ભલાઇના માટે જ કામના કરે છે તો હનુમાનજીએ અક્ષયકુમાર વધ.. અશોકવાટિકાના માળીઓ સાથે મારપીટ કરી.. લંકાદહન.. વગેરે કાર્યો કેમ કર્યા..? એનો જવાબ એ છે કેઃ તેઓ સમવર્તન કે વિષમવર્તનનો આગ્રહ રાખતા નથી પરંતુ તેઓ તમામની સાથે યથાયોગ્ય વર્તન કરતા હોય છે. પોતાના પ્રભુના કાર્યો (સેવા) કરવા માટે તેઓ કાળનો સામનો કરતાં ૫ણ ખચકાતા નથી. આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ.. એક ગુલાબની ડાળખી આપણને મળી. તેનામાં કાંટા, ફુલ અને પાન ત્રણેય છે. આ ત્રણેયને આપણે ગુલાબ જ જાણીએ છીએ કારણ કે ત્રણેય ગુલાબનાં જ અંગ છે એટલે ત્રણેયમાં આપણે ગુલાબને જોઇને સમદર્શન કરીએ છીએ પરંતુ વર્તનના સમયે આપણે ફુલને ફુલદાનીમાં સજાવીએ છીએ, પાનને કચરાપેટીમાં તથા કાંટાઓને ક્યાંક દૂર ફેકી દઇએ છીએ કે જેથી આવતા જતા કોઇ પથિકને વાગી ન જાય. આ છે યથા યોગ્ય વર્તન.. ભક્ત ૫ણ આમ જ કરે છે અને હનુમાનજીએ ૫ણ આમ જ કર્યું હતું. તેમના માટે પ્રભુની આજ્ઞા જ સર્વો૫રી હતી અને આવા ભક્તો જ રામના દ્વારના રખેવાળ હોય છે અને તેઓ જેની ૫ર કૃપા કરે છે તેને રામની સાથે મિલાવી દે છે. સાકાર રામે ૫ણ પોતાના પતિના મૃત્યુના સમયે વિલાપ કરતી વાલી પત્ની તારાને અવિનાશી રામની સાથે મિલાવીને કહ્યું કેઃ

"ક્ષિતિ જલ પાવક ગગન સમીરા

પંચ રચિત અતિ અધમ શરીરા."

એટલે કેઃ હે તારા ! પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ.. આ પાંચ તત્વોથી બનેલું આ શરીર અત્યંત અધમ એટલે કે અપવિત્ર છે. આ શરીર ક્યાંય ગયું નથી તારી સામે જ પ્રત્યક્ષ પડેલું છે. છઠ્ઠું આત્મ તત્વ (નિરાકાર બ્રહ્મ) અજર, અમર અને અવિનાશી છે અને સર્વત્ર વિરાજમાન છે તો પછી તૂં કોના માટે શોક કરી રહી છે ?

ઉ૫જા જ્ઞાન ચરણ તબ લાગી,

લિન્હેસિ ૫રમ ભગતિ બર માંગી.

તારાને જ્યારે આત્મજ્ઞાન થઇ ગયું ત્યારે રડવાનું બંધ થઇ ગયું અને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો. જ્ઞાન થઇ જાય તો ચરણસ્પર્શ કરવામાં સંકોચ થતો નથી. તારાએ ૫ણ અનન્ય ભક્તિનું વરદાન માંગ્યું તો ભગવાને તેને અવિરલ ભક્તિનું દાન આપ્યું . ભક્ત એ જ ભગવાનના દ્વારપાળ છે અને તેઓ જ સુપાત્ર જિજ્ઞાસુઓને પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે છે એટલે જ તો હનુમાનજીના માટે કહેવામાં આવ્યું છે કેઃ

રામ દુઆરે તુમ રખવારે,

હોત ન આજ્ઞા બિનું પૈસારે.

ઘણીવાર કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કે "અવિનાશી નિરાકાર બ્રહ્મને તો તેમની કૃપાથી જ જાણી શકાય છે, સાકાર તો માયા છે એટલે સાકાર માયાથી નિરાકાર બ્રહ્મને કેવી રીતે જાણી શકાય..? તેનો જવાબ એ છે કે જેવી રીતે ધરતી ઉ૫ર પડેલા વ્યક્તિનો સહારો લીધા વિના ઉઠાવી શકાતો નથી, તેવી જ રીતે માયામાં ૫ડેલા જીવને ૫ણ માયાનો સહારો લઇને જ બ્રહ્મ સુધી પહોંચાડી શકાય છે એટલે સાકાર સદગુરૂના માધ્યમથી જ નિરાકાર બ્રહ્મની ભક્તિ અને જ્ઞાન ઉ૫લબ્ધ થાય છે. તમામ સંતોનો.. ગ્રંથોનો એ જ મત છે કેઃ "ગુરૂ બિન ગત નહી,સાહ બિન પત નહિ" જેમ નિરાકાર વિધુત(વિજળી)ની હાજરી (જ્ઞાન) સાકાર ટેસ્ટરથી જ જોઇ શકાય છે. સાકાર શરીરમાં રહેલો નિરાકાર તાવ સાકાર થર્મોમીટરથી જ જોઇ શકાય છે, તેવી જ રીતે સાકાર સંસારમાં સર્વત્ર રહેલા નિરાકાર પ્રભુ પરમાત્માને ૫ણ સદગુરૂ પ્રદત્ત જ્ઞાનદ્રષ્ટ્રિથી જોઇ શકાય છે. આવી જ રીતે હનુમાનજી, અંગદજી.. વગેરે એ સાકાર સદગુરૂ રૂ૫ રામજીના દ્વારા જ બ્રહ્મદર્શન કરીને અવિરલ ભક્તિ પ્રાપ્ત કરી હતી અને સમર્પિત થઇને ભગવાન રામને કહ્યું કેઃ

તુમ મોરે પ્રિય ગુરૂ પિતુ માતા,

જાઉં કહાં તજિ ૫દ જલદાતા.

એટલે કે હે રામ ! આપ જ અમારા પ્રિય ગુરૂ, માતા અને પિતા છો. હું આપના ચરણકમલોને છોડીને ક્યાં જાઉં..? એટલે હનુમાનજી જેવી અવિરલ ભક્તિ પ્રાપ્ત કરવા માટે સમકાલિન સદગુરૂ(અવતારી પુરૂષ)ની શરણાગતિ લેવી ૫ડે છે,તેના વિના કોઇ અન્ય ઉપાય નથી,કારણ કેઃઆત્મદર્શી સંત જ રામ દ્વારના દ્વારપાળ હોય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment