Saturday 5 March 2022

 

ત્યાગનું રહસ્ય

એકવાર મહર્ષિ નારદ જ્ઞાનનો પ્રચાર કરતાં કરતાં એક ઘનઘોર વનમાં જાય છે. ત્યાં તેમણે એક ઘટાદાર સેમરનું ઝાડ જોયું તો આરામ કરવા માટે ત્યાં રોકાઇ ગયા. શિતળ છાયામાં આરામ કરીને નારદજીને આનંદ થયો અને તે ઝાડના વૈભવની પ્રસંશા કરવા લાગ્યા.નારદજીએ પુછ્યું કે વૃક્ષરાજ..તમારો આટલો વૈભવ કેવી રીતે સ્થિર રહી શક્યો છે? ૫વન તમોને નુકશાન કેમ પહોંચાડી શકતા નથી? સેમરના વૃક્ષે હસતાં હસતાં જવાબ આપ્યો કે ભગવન.. બિચારા પવનનું કોઇ સામર્થ્ય નથી કે તે મારો વાળ વાંકો કરી શકે, તે કોઇપણ રીતે મને નુકશાન પહોચાડી શકે તેમ નથી.

નારદજીને લાગ્યું કે સેમર વૃક્ષ અભિમાનના નશામાં આવાં વચન બોલે છે,આ તેમને ઉચિત ન લાગતાં તે દેવલોકમાં જાય છે. દેવલોકમાં જઇને નારદજીએ પવન દેવને કહ્યું કે સેમર વૃક્ષ અભિમાનમાં આવીને આપની નિંદા કરે છે તો તેનું અભિમાન દૂર કરવું જોઇએ.૫વનદેવને પોતાની નિંદા કરનાર ઉ૫ર ક્રોધ આવે છે અને આ વૃક્ષને ઉખાડી ફેંકી દેવા માટે પ્રબળ પ્રવાહથી આંધી તોફાન લઇને રવાના થાય છે.સેમર વૃક્ષ મોટો તપસ્વી,પરો૫કારી અને જ્ઞાની હતો,તેને ભાવી સંકટની સૂચના અગાઉથી મળી ગઇ હતી એટલે પોતાને બચાવવા માટે તરત જ ઉપાય કરી લીધો.તેને પોતાની ઉ૫રનાં તમામ પાન અને ડાળીઓને ખંખેરીને એક ઠુંઠું બની ગયો.પવનદેવ આવ્યા અને ઘણા પ્રયત્નો કર્યા છતાં તેનું કંઇ બગાડી શક્યા નહી તેથી નિરાશ થઇને ચાલ્યા જાય છે.

કેટલાક દિવસ બાદ નારદજી આ સેમર વૃક્ષની હાલત જોવા માટે તે વનમાં જાય છે તો સિમર વૃક્ષ ૫હેલાં ના જેવું જ હર્યુ-ભર્યું ઉભું હતું.આ જોઇ નારદજીને નવાઇ લાગે છે.નારદજીએ સેમર વૃક્ષને પુછ્યું કે પવનદેવે તને ધરાશાઇ કરવા તમામ પ્રયત્નો કર્યા છતાં તૂં સહી સલામત છે તેનું રહસ્ય શું છે? વૃક્ષે નારદજીને પ્રણામ કરીને નમ્રતાપૂર્વક કહ્યું કે ઋષિરાજ.. મારી પાસે આટલો મોટો વૈભવ છે પરંતુ હું તેના મોહથી બંધાયેલો નથી.સંસારની સેવા કરવા માટે મેં આટલા બધા પાન-ડાળીઓ ધારણ કરી છે ૫રંતુ મને જ્યારે જરૂરીયાત લાગે ત્યારે આ તમામ વૈભવ કોઇપણ પ્રકારના હિચકિચાહટ વિના ત્યાગી ઠુંઠ બની જાઉં છું, મને વૈભવનો ગર્વ નથી એટલે મેં પવનની અપેક્ષા મારૂં સામર્થ્ય વધુ બતાવ્યું અને ૫રીણામ સ્વરૂપે નિલિપ્ત કર્મયોગના કારણે પવનની પ્રચંડ ટક્કર સહન કરીને જેવું હતું તેવું જ ઉભું છું.’’

નારદજી સમજી ગયા કે સંસારમાં વૈભવ રાખવો,ધનવાન હોવું એ ખોટું નથી,તેનાથી ઘણા શુભ કાર્યો થાય છે.ધનના અભિમાનમાં ડૂબી જવું અને તેનો મોહ રાખવો એ ખરાબ છે.જો કોઇ વ્યક્તિ ધનવાન હોવા છતાં પણ મનથી પવિત્ર રહે તો તે સાધુ જ કહેવાય છે.આવા જલમાં કમલની જેમ નિર્લિપ્ત રહેનાર કર્મયોગી સાધુના માટે ઘર એ જ તપોભૂમિ છે.

ત્યાગની બે વિચારધારા છેઃ સંસારને છોડે તો મનુષ્ય પોતે પોતાને જાણી શકે છે અને જો પોતે પોતાને જાણી લે તો પછી સંસાર આપોઆપ છુટી જાય છે.પહેલી વિચારધારા ભ્રાંત છે.સંસારને છોડવાથી મનુષ્ય પોતે પોતાને જાણી શકતો નથી કારણ કે સંસારને છોડવાથી સંસારના હોવાપણાનો ભ્રમ બનેલો રહે છે. સત્ય એ છે કે આત્માનું જ્ઞાન ન હોવાથી સંસાર દેખાય છે.જો પૂર્ણ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની કૃપાથી મનુષ્ય આત્મદર્શન કરી લે તો સંસારની સત્તા દેખાતી નથી.

ત્યાગનો અર્થ જો કામ ક્રોધ લોભ મોહનો ત્યાગ હોય,મનની ચંચળતા,અહતા-મમતા કે અશાંતિનો ત્યાગ હોય તો તેનો ત્યાગ કરવાનું કામ ખુબ સારૂં છે.ત્યાગમાં સૌથી મોટી આવશ્યકતા છે વૈરાગ્ય. વૈરાગ્ય વિના ત્યાગ થઇ શકતો નથી અને થાય તો ટકતો નથી. વિવેક દ્વારા આપણે સમજી શકીએ છીએ કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પ્રભુ પરમાત્માને જાણવા એ છે. પ્રભુને જાણ્યા બાદ જ સાચું સુખ-શાંતિ મળે છે અને પછી પ્રભુ ઉ૫ર પ્રિતિ થાય છે અને ત્યારબાદ જ દુનિયાના પદાર્થો ઉપરથી આસક્તિ-મમતા દૂર થાય છે તેને વૈરાગ્ય કહે છે.

કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.મનુષ્યને કર્મો નથી બાંધતાં, ૫રંતુ કર્મોમાં રાગ-દ્વેષ જ બાંધે છે. શરૂઆતમાં માણસ અશુભ કર્મોનો ત્યાગ કરે ત્યારબાદ તે શુભકર્મોનો ત્યાગ કરે. જ્યાં સુધી આ૫ણે શુભ કર્મો છોડતા નથી ત્યાંસુધી અશુભ કર્મો ૫ણ છૂટતાં નથી.જે શુભ અને અશુભ બન્ને કર્મો છોડે તેની જવાબદારી ભગવાન ઉપાડે છે, તેનાથી શુભની આસક્તિ નહી અને અશુભની ઘૃણા નહિ. ભોગી સંસારને જ ૫રમાત્મા સમજી લે છે અને જે ૫રમાત્મા છે તેનો ત્યાગ કરી દે છે.યોગી ૫રમાત્માને સંસારથી વિ૫રીત સમજે છે તેથી તે સંસારનો ત્યાગ કરી દે છે.સ્થિર બુદ્ધિ થવામાં કામનાઓ જ બાધક થાય છે આથી કામનાઓના ત્યાગથી જ સ્થિર બુદ્ધિ થઇ શકે છે.જેને મમત્વનો ત્યાગ કર્યો છે તથા લોભ અને મોહને છોડી દીધા છે તે કામ-ક્રોધથી રહીત માનવ ૫રમ૫દને પ્રાપ્ત  કરે છે.વિદ્વાન માણસે બાહ્ય વિષયોનાં સુખની ઈચ્છાનો ત્યાગ કરી, મહાન સંત ગુરૂદેવને શરણે જઈ એમના ઉપદેશને બરાબર સમજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો.આત્મજ્ઞાનના અભ્યાસમાં તત્પર ધીર વિદ્વાનોએ સર્વ કર્મોનો ત્યાગ કરી સંસારરૂપી બંધનથી છૂટવા માટે પ્રયત્ન કરવા.ત્યાગ એટલે બીજાના સુખ માટે પોતાનું સુખ સ્વેચ્છાએ જતું કરવું. ત્યાગ પ્રદર્શન માટે હોતો નથી,ત્યાગ એક લાગણી છે. "ત્યાગ ન ટકે રે વૈરાગ વિના,કરીએ કોટિ ઉપાય,અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય.."

પવિત્ર અવતારવાણીમાં કહ્યું છે કેઃ

જગમાં રહીને સૌની સાથે બધાં જ કામ વ્યવહાર કરો,

પરીવારને સગા-સબંધી સૌની સાથે પ્યાર કરો.

પરંતુ એ ના ભુલો હ્રદયથી અસલ કયું ઠેકાણું છે,

ચાર દિવસ રહીને આ જગમાં પાછા કયાં જવાનું છે.

સર્વ દિશામાં વાસ છે જેનો પલપલ એનું ધ્યાન ધરો,

કહે અવતાર સૂનો ગુરૂસેવક સંતોનું સન્માન કરો..

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment