Saturday, 5 March 2022

 

જે ક્રિયાથી શરીર,મન અને આત્મા ઉત્તમ બને તે સંસ્કાર

શ્રીમદ ભગવદગીતાના સોળમા અધ્યાયમાં ભગવાને છવ્વીસ દૈવીગુણો બતાવ્યા છે. ભયનો સર્વથા અભાવ,અંતઃકરણની પૂર્ણ નિમળતા,તત્વજ્ઞાનના માટે ધ્યાન યોગમાં નિરંતર દ્દઢ સ્થિતિ, સાત્વિક દાન, ઇન્દ્દિયોનું દમન, ભગવાન,દેવતા અને ગુરૂજનોની પૂજા તથા અગ્નિહોત્ર..વગેરે કર્મોનું આચરણ તથા વેદશાસ્ત્રોનું ૫ઠન પાઠન તથા ભગવાનના નામ અને ગુણોનું કિર્તન,સ્વધર્મ પાલન માટે કષ્ટ સહન કરવા તથા શરીર અને ઇન્દ્દિયો સહિત અંતઃકરણની સરળતા, મન-વાણી અને શરીરથી કોઇને કોઇ૫ણ પ્રકારનું કષ્ટ ના આપવું, યથાર્થ અને પ્રિય ભાષણ, આપણો અ૫કાર કરનારના પ્રત્યે ૫ણ ક્રોધ ના કરવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉ૫રતિ એટલે કે ચિત્તની ચંચળતાનો અભાવ, કોઇની નિંદા ના કરવી, તમામ ભૂતમાત્રમાં હેતુરહિત દયા, ઇન્દ્દિયોનો વિષયોની સાથે સંયોગ થવા છતાં તેમાં આસક્તિ ના થવી, કોમળતા, લોક અને શાસ્ત્રની વિરૂદ્ધ આચરણ કરવામાં લજ્જા અને વ્યર્થ ચેષ્ટાઓનો અભાવ, તેજ, (શ્રેષ્ઠ પુરૂષોના પ્રભાવથી તેમની સામે આવનાર વિષયાસક્ત અને નીચ પ્રકૃતિવાળા મનુષ્ય ૫ણ અન્ય આચરણ છોડીને તેમના કથનાનુસાર શ્રેષ્ઠ કર્મોમાં પ્રવૃત થાય છે તે શ્રેષ્ઠ પુરૂષોની શક્તિનું નામ તેજ છે) ક્ષમા, ધૈર્ય, બહારની શુદ્ધિ તથા કોઇના પ્રત્યે ૫ણ શત્રુભાવ ના રાખવો અને પોતાનામાં પૂજ્યતાભાવનો અભાવ.. આ દૈવી સં૫ત્તિને લઇને ઉત્પન્ન થયેલ પુરૂષનાં લક્ષણો છે. આ તમામ ગુણોના સંગને આચરણ કહે છે.

જે મનુષ્યમાં દૈવી સંપત્તિ હોય  છે તે નિર્મોહી, બ્રહ્મવેત્તા, તત્વદર્શી, પરમાર્થી તથા જ્ઞાની કહેવાય છે તથા આવા નર-નારી મનુષ્ય દેહમાં દેવી-દેવતા સ્વરૂ૫ માનવામાં આવે છે. આવા મનુષ્ય તમામ ઇન્દ્દિયોને વશમાં કરીને વ્યવહાર કુશળ બની જાય છે તથા સંસારમાં રહેવા છતાં કિચડમાં કમળની જેમ સાંસારીક મોહ માયાથી ૫ર રહે છે. આવા માનવો વિકારોને છોડીને નર-નારાયણ સ્વરૂ૫ને પ્રાપ્ત કરીને જીવતાં જીવ નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે.અમારો વ્યવહાર શાસ્ત્રોક્ત નિયમોના આધારે હોવો જોઇએ.અમારૂં દરેક કર્મ નિષ્કામ અને ૫રમાર્થવાળું હોવું જોઇએ.અમારે આવી શિક્ષા આપનાર ધર્મનું અનુસરણ કરવું જોઇએ. અમારી દરેક ભૂમિકામાં  મિલવર્તન  અને ભાઇચારાની ભાવના હોવી જોઇએ તથા હંમેશાં તમામની સાથે નમ્રતા, પ્રેમપૂર્ણ સ્વભાવ રાખવો. મત્સર તથા વિકારોથી રહિત નેક નિયત જ શુદ્ધ આચરણ છે.

મનુષ્યને રાષ્ટ્ર,સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કાર શબ્દનો અર્થ શુદ્ધિકરણ થાય. જીવાત્મા જ્યારે એક શરીરનો ત્યાગ કરી બીજા શરીરમાં જન્મ લેવાનો હોય ત્યારે એના પૂર્વજન્મનો પ્રભાવ એની સાથે જાય છે. આ પ્રભાવોનું વાહક સુક્ષ્મ શરીર હોય છે, જે જીવાત્માનાં સ્થૂળ શરીરથી બીજા સ્થૂળ શરીરમાં જાય છે. આ પ્રભાવોમાં થોડા ખરાબ હોય છે અને થોડા સારા પણ હોય છે. બાળક સારા અને ખરાબ પ્રભાવોને લઈને જીવનમાં પ્રવેશ કરે છે. સંસ્કારોનો ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મનાં માઠા પ્રભાવોનો ધીરે ધીરે અંત થઇ જાય અને સારા પ્રભાવોની ઉન્નતિ થાય. સંસ્કારના બે રૂપ હોય છે. એક આંતરિક રૂપ અને બીજું બાહ્ય રૂપ. બાહ્ય રૂપનું નામ રીતિરિવાજ છે અને એ આંતરિક રૂપની રક્ષા કરે છે. આપણે  આ જીવનમાં પ્રવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મમાં જે અવસ્થા સુધી આત્મિક ઉન્નતિ કરી ચુક્યા છે તે આ જન્મમાં એનાથી અધિક ઉન્નતિ કરીએ. આંતરિક રૂપ આપણી જીવન ચર્યા છે. એ અમુક નિયમો પર આધારિત હોય તો જ મનુષ્ય આત્મિક ઉન્નતી કરી શકે છે. સંસ્કારનો અભિપ્રાય એ ધાર્મિક કૃત્યો માટે હતો જે કોઈ વ્યક્તિને પોતાના સમુદાયનો પૂર્ણ રૂપે સદસ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે એનું શરીર, મન અને મસ્તિષ્કને પવિત્ર કરવા માટે કરાતા હતા.

સંસ્કારનું અનોખું મહત્વ છે તે પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણો દેશ આધ્યાત્મિકતાને વરેલો છે. દરેક માતા પિતા એવું ઇચ્છે છે કે તેમનું સંતાન સંસ્કારી તથા સદગુણી બને. સંસ્કાર કે સદગુણ વગરનો મનુષ્ય માત્ર સભ્ય સમાજમાં જ નહીં પરંતુ તે જ્યાં પણ જાય તો તે તેના સંસ્કાર કે સદગુણ વડે જ્યાં હશે ત્યાં દીપી ઊઠશે તેમાં બેમત નથી.

હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંસ્કારો પર જ આધારિત છે. આપણા ઋષિ મુનિઓએ માનવ જીવનને પવિત્ર, સુખમય અને મર્યાદિત બનાવવાના હેતુથી સંસ્કારોનો આવિષ્કાર કર્યો છે. આ સંસ્કારો માત્ર ધાર્મિક કે સામાજિક રીતે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. સંસ્કાર શબ્દનો અર્થ થાય છે શુદ્ધ કરવું, પવિત્ર કરવું અને સંસ્કરણ કરવું. જેનાથી માણસની લાગણી, રહેણી-કરણી, બુદ્ધિ વગેરે સમાજમાં પ્રકાશે તથા સમાજના હિતલક્ષી અને આધ્યાત્મિક ગુણો વધે એનું નામ જ સંસ્કાર.

મનુષ્ય જીવનમાં આપણા જન્મ પૂર્વેથી લઇને મૃત્યુ બાદ સુધી કુલ સોળ સંસ્કારો કરવામાં આવે છે. આ સંસ્કાર આપણા ધાર્મિક અને સામાજિક જીવનની ઓળખ છે.આ સંસ્કારો આપણને સમાજ અને રાષ્ટ્ર અનુરૂપ ચાલતા તો શીખવે જે છે સાથે સાથે આપણા જીવનની દિશા પણ નક્કી કરે છે. ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યને રાષ્ટ્ર, સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. આ જ સંસ્કારો દ્વારા મનુષ્યના ગુણોમાં વૃદ્ધિ થાય છે. "હિન્દુ સંસ્કૃતિમાં મુખ્ય રૂપે સોળ સંસ્કારો માનવામાં આવે છે" જે ગર્ભાધાનથી શરૂ થઇને અંતિમક્રિયા પર પૂર્ણ થાય છે.સંસ્કારો દ્વારા જીવન અત્યંત પ્રભાવિત બને છે.

"જે ક્રિયાથી શરીર,મન અને આત્મા ઉત્તમ બને તેને સંસ્કાર કહે છે." કોઇ વસ્તુના જુના સ્વરૂપમાં ફેરફાર કરી તેને નવું સ્વરૂપ આપે તે સંસ્કાર છે. જેવી રીતે સોની અશુધ્ધ સોનાને અગ્નિમાં તપાવીને શુધ્ધ કરે છે, તેવી જ રીતે વૈદિક સંસ્કૃતિમાં ઉત્પન્ન થનાર બાળકોને સંસ્કારોની ભઠ્ઠીમાં નાખીને, તેના દુર્ગુણોને બહાર કાઢીને, તેમાં સદગુણો ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવે છે, આ પ્રયત્નને સંસ્કાર કહે છે.

માનવજીવનમાં કરવામાં આવતા સોળ સંસ્કારોમાં "ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમન્તોન્નયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, મુંડન સંસ્કાર, કર્ણવેધ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, કેશાંત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, વિવાહાગ્નિ સંસ્કાર, અંત્યેષ્ટિ સંસ્કાર."

આજે માત્ર ગણ્યાગાંઠયા સંસ્કારો જ કરવામાં આવે છે અને તે પણ ક્યારેક નામશેષ થશે તેવી ભીતી છે. અત્યારે ચૂડાકર્મ, ઉપનયન, વિવાહ અને અંત્યેષ્ઠી એમ ચાર સંસ્કાર ખૂબ જ પ્રચલિત છે.

શાસ્ત્રો પ્રમાણે મનુષ્ય માટે કેટલાક જરૂરી નિયમ બતાવ્યા છે જેનું પાલન કરવું દરેક સ્ત્રી-પુરુષ માટે જરૂરી માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જીવનના સોળ સંસ્કાર બતાવ્યા છે. આ બધા સંસ્કારોનું પાલન કરવું શાસ્ત્રોએ જરૂરી બતાવ્યું છે. આ બધા સોળ સંસ્કાર વ્યક્તિને જન્મથી મૃત્યુ સુધી અલગ-અલગ સમય ઉપર કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ આ સોળ સંસ્કારોના નિર્વહનની પરંપરા ચાલી આવી રહી છે. દરેક સંસ્કારનું પોતાનું આગવું મહત્વ હોય છે. જે વ્યક્તિ આ સોળ સંસ્કારનું નિર્વહન ના કરે તેનું જીવન અધુરું માનવામાં આવે છે. આજના સમયમાં ઘણા લોકો એવા હોય છે જે આ સંસ્કારોના વિષયમાં જાણતા નથી હોતા. સંસ્કાર શબ્દનો સીધો અર્થ એ થાય કે કાંઇક સારૂં કરવું. માણસ જન્મે ત્યારે તેનામાં ગર્ભના સંસ્કાર હોય પરંતુ તે જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની શક્તિ વિકસિત થતી જાય છે તે આજુબાજુમાંથી પદાર્થપાઠ શીખવતો જાય છે. જે તેનામાં સંસ્કારૂપે વિકસે છે.સંસ્કારી મનુષ્ય વિવેકી તથા નમ્ર હોય છે.તે સમાજના નીતિ નિયમ મુજબ ચાલે છે. તેનાં વર્તનમાં કોઇપણ જાતનો અવિવેક હોતો નથી. જો કોઇ જીવ સંસ્કારી કુટુંબમાંથી આવે છે તો તેના સંસ્કાર લઇને જ આવે છે.છતાં ઘણા મનુષ્ય એવા હોય છે કે તેઓ તેમના સંસ્કાર ઉપરાંત બીજા લોકોને જોઇ તેમનામાંથી પણ સંસ્કાર લેતા હોય છે. બુદ્ધિ કોઇના બાપની નથી હોતી તેમ સંસ્કારનો વારસો પણ એવો જ હોય છે. "ભક્ત પ્રહ્લાદ રાક્ષસ કુળના હોવા છતાં નારદજીના સંગમાં ભગવાન વિષ્ણુના મહાન ભક્ત બની શક્યા."

પહેલાં મા-બાપે સંસ્કારી થવું જોઈએ.મા-બાપે એવું પ્રેમમય થવું જોઈએ. છોકરાં જો સુધારવાં હોય તો આ૫ણે જ જવાબદાર છીએ. છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. આપણે ધર્મ સ્વરૂપ થઈ જઈએ એટલે તે ૫ણ થઈ જાય. આપણામાં જેવાં ગુણ હોયને તેવાં છોકરાં શીખે એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું. છોકરાં મા-બાપ સિવાય કોઈના સંસ્કાર ના પામે. સંસ્કાર મા-બાપનાં, ગુરૂનાં અને એનું સર્કલ થોડું ઘણું હોય બાકી મોટામાં મોટા સંસ્કાર મા-બાપનાં ! મા-બાપ સંસ્કારી હોય તો તે છોકરાં સંસ્કારી થાય.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment