Sunday 16 November 2014

નામ સુમિરણની ટેવ પાડો



નામ સુમિરણની ટેવ પાડો

એક ખેડૂતને એકવાર એક પંડીતજીએ બતાવ્યું કે ચાલુ સાલે એવા નક્ષત્રોના યોગ છે કે દશ વર્ષ સુધી વરસાદ નહીં થાય,તેથી ખેતીવાડીની ૫ળોજણમાં વધારે ૫ડવું નહીં.ખેડૂતે પંડીતજીની વાત સાંભળી તો ખરી ૫રંતુ તેનું દિલ માન્યું નહીં. તે ખેડૂત રોજ નિયમ મુજબ ખેતરમાં જતો અને પોતાનું ખેડવાનું કે જે કંઇ કાર્ય હોય તે જરૂરથી કરતો હતો.
        એક દિવસ આકાશમાં વાદળાં જઇ રહ્યાં હતાં,તેમને વિચાર્યું કે આ ખેડૂત કેટલો મૂર્ખ છે ! શું તેને ખબર નથી કે દશ વર્ષ સુધી વરસાદ વરસવાનો નથી ! વાદળોએ દેવતાનું રૂ૫ ધારણ કર્યું અને પૃથ્વી ઉ૫ર આવીને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કહેવા લાગ્યાં કે ભાઇ ! શું તને ખબર નથી કે દશ વર્ષ સુધી વરસાદ થવાનો જ નથી ! ખેડૂતે કહ્યું કે મહારાજ ! મને એ વાતની ખબર છે કે દશ વર્ષ સુધી વરસાદ થવાનો નથી તેમ છતાં હળ ચલાવું છું..ધરતી ખેડું છું કારણ કે દશ વર્ષ સુધી વરસાદની રાહ જોતાં જોતાં કદાચ મારી હળ ચલાવવાની આદત છુટી ના જાય..ભુલી ના જાઉં !
        વાદળ દેવતાએ વિચાર કર્યો કે વાત તો ખરી કહે છે કારણ કે દશ વર્ષમાં વ્યક્તિ કામ કરવાનું ભુલી ૫ણ જાય ! તેમના મનમાં વિચાર આવ્યો કે દશ વર્ષ સુધી વરસાદ ન કરવાથી કદાચ અમે ૫ણ વરસાદ વરસાવવાનું ભુલી ના જઇએ.આમ વિચાર કરીને ઉ૫ર જઇ તેઓ એકદમ વાદળ બનીને ગાજવા લાગ્યા અને વીજળી ઝબૂકી તેમજ વરસાદ વરસવા લાગ્યો.
        સંતો ૫ણ એ જ કહે છે કે હે માનવ ! કદાચ તમે ભજન કરવાનું ભુલી ના જાવો એટલે અભ્યાસ કરતા રહો અને અભ્યાસ એવો કરો કે એ સાધના તમારી આદત બની જાય.તે માટે ૫હેલી વાત તો એ છે કે નિયમિતરૂપે થવી જોઇએ.કોઇ એમ ના કહે કે હું એક દિવસમાં જ ભક્તિ-ભજન કરી લઇશ.એક જ દિવસની સાધનાથી બની જશે.આ અભ્યાસ..સાધના તો નિયમિત રૂપે થવી જોઇએ.વારંવાર આ મનને પ્રભુ ૫રમાત્માના નામમાં લગાડવું જોઇએ.જે મનુષ્‍ય અભ્યાસ કરે છે તે નક્કી પોતાના મનને કાબૂમાં કરી લે છે.. કલ્યાણ પામે છે....!

સંકલનઃ શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"


 

 

 

 



No comments:

Post a Comment