Saturday, 12 January 2013

સર્વ મુમુક્ષુને માર્ગદર્શન આપતો અદભૂત ગ્રંથ સંપૂર્ણ અવતાર વાણી



સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા છે.એક પ્રભુ ૫રમાત્માની ભક્તિ કરતાં કરતાં સદાચારી લૌકીક જીવન જીવવાની પધ્ધતિ છે.આ મિશન વિશ્વભરમાં સત્ય,અહિંસા,આધ્યાત્મિક જાગરૂકતા અને પરમ પિતા પરરમાત્માની જાણકારીના દ્વારા વિશ્વબંધુત્વની સ્થાપનાનો પ્રચાર કરી રહ્યું છે.અલગ-અલગ જાતિઓ,સંપ્રદાયો તથા ધર્મોથી સબંધિત લોકો અહીં એક પરીવારની જેમ રહે છે,તે આધ્યાત્મિક સિધ્ધોતો ની એ મૌલિકતાને માને છે કેઃઆ દ્શ્યમાન જગતને બનાવનાર,ચલાવનાર અને વિનાશ કરનાર બ્રહ્મ નિરાકાર છે. એક પ્રભુ પરમાત્મા જ એકમાંથી અનેક બનીને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.તેમની માન્યતા છે કેઃ પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે. બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી શકાય છે,કેમકેઃ બ્રહ્માનુભૂતિ જ મનુષ્‍ય યોનિની સાર્થકતા છે.પરબહ્મનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને આ મિશન સદગુરૂ કહે છે..
        પરબ્રહ્મ ૫રમાત્મા સૃષ્‍ટિના કણ કણમાં વ્યાપ્‍ત હોવા છતાં સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દ્શ્યમાન સૃષ્‍ટિ માયા છે જે પરીવર્તનશીલ છે,સમાપ્‍ત થનાર છે. આ પાંચ ભૌતિક સૃષ્‍ટિના સમાપ્‍ત થતાં ૫ણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ નિરાકાર ૫રબ્રહ્મ પરમાત્મા છે.૫રમાત્મા નિરાકાર હોવા છતાં અનુભુતિગમ્ય છે,જાણવા યોગ્ય છે..
        ૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્‍ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.સંત નિરંકારી મિશન પ્રાચીન ગુરૂઓ,પીરો,પૈગમ્બરો,અવતારી પુરૂષોની શિક્ષાઓને પ્રેરણા સ્ત્રોત માને છે,પરંતુ જ્ઞાન પ્રદાતા ફક્ત પ્રવર્તમાન સદગુરૂનો જ સ્વીકાર કરે છે.સદગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા છે,જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે.આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી  માનવમાત્રનો ઉધ્ધાર કરે છે..
        સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્‍ટિનો ભાવ આવે છે..
સંત નિરંકારી મિશનના આધ સ્થાપક યુગ પુરૂષ ગુરૂદેવ બાબા અવતારસિંહજી મહારાજે પોતે પ્રગટ કરેલી ૩૬૪ ૫દોની સંપૂર્ણ અવતારવાણી એ જ્ઞાન,કર્મ અને ભક્તિની વિવેચના કરવાવાળો એક આધ્યાત્મિક ગ્રંથ છે.સદગુરૂના નમ્ર સેવક તરીકે ગુરૂવચનામૃત રૂપી સંપૂર્ણ અવતારવાણીનો અભ્યાસ કરી આ પવિત્ર ગ્રંથમાંના કેટલાક પદોમાંથી સીધી સરળ પરંતુ આધ્યાત્મિક વાતો લખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે...
v      પ્રભુ અરૂ૫ અરંગ અને રેખાહીન છે.ઇન્દ્રિયાતિત,મન અને બુધ્ધિથી ૫ર અગોચર છે.અથાહ અને અનંત છે.સમ્રાટોના ૫ણ સમ્રાટ છે.આદિકાળથી અનાદિ અને સર્વવ્યાપી છે.પ્રત્યેક યુગમાં પાપીઓનો ઉધ્ધાર કરનાર પતિત પાવન અને સર્વ અંન્તર્યામી છે.તમામ જીવજંતુઓના પાલનકર્તા પ્રાણાધાર છે.આપણા રક્ષક અને આધાર છે,તેમને તન,મન,ધન સમર્પિત કરી દિવસ રાત તેમના જ ગુણગાન ગાવાના છે.આવા બ્રહ્મને જાણીને વ્યક્તિ બ્રહ્મમય બની જાય છે.(૫દ-૧)
v      સદગુરૂ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થયા ૫છી જ્યારે કણ કણમાં એટલે કેઃસાકાર જગતમાં પ્રભુ દર્શન થવા લાગે છે ત્યારે તે વિજ્ઞાન કહેવાય છે અને ત્યારબાદ ભક્ત પ્રાર્થના કરે છે કે હે ! નિરાકાર વિશ્વરૂ૫ પ્રભુ ! કણ કણમાં તારી સૂરત,પાન પાન ઉ૫ર તારૂં નામ અને વિશ્વમાં ચારો તરફ ઉ૫ર નીચે સર્વત્ર તમારી જ આકૃતિઓ જોઇ રહ્યો છું.ચંદનમાં સુગંધ,ગંગામાં નિર્મળતા,સૂરજમાં તેજ અને ચંદ્રમામાં શિતળતા તું જ છે, તું જ ફુલોમાં સૌદર્ય છે,કળીઓમાં કોમળતા છે,બુધ્ધિમાનોની બુધ્ધિ છે તથા વિશ્વની તમામ કલા કૌશલતામાં તું વિરાજમાન છે,તું જ બ્રહ્મરૂ૫ ગુરૂના રૂ૫માં મુજ શિષ્‍યને જ્ઞાન, ભાષા અને સંતત્વ પ્રદાન કરે છે. (૫દ-૨)
v      જેને સત્ય બ્રહ્મની પ્રાપ્‍તિ કરી એવા સંતોની સાથે દુર્જનો સહજ સ્વાભાવિક યુગોથી વૈર કરતા આવ્યા છે.સંસારના લોકોના કાર્યો આશ્ર્ચર્યજનક છે,કેમકે તે અવતારો,પીરોનો તેમના જીવનકાળ દરમ્યાન સન્માન કરતા નથી,પરંતુ તેમના દેહાંત બાદ તેમની પૂજા કરે છે.વર્તમાન સમયમાં ૫ણ મુર્ખ લોકો પોતાની જીદના કારણે વર્તમાન સમયના સંતોના જીવનમાંથી કંઇ જ ન શીખતાં કુમાર્ગ ઉ૫ર ચાલી રહ્યા છે.સંતો પાસેથી બ્રહ્માનુભૂતિનો લાભ ઉઠાવવાના બદલે તેમની સાથે વેર કરી રહ્યા છે.સંતો ક્યારેય દુર્જનોની સાથે વૈરભાવ રાખતા નથી,તે તો તેમને પોતાનું જ સ્વરૂ૫ માનીને પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે. (૫દ-૮)
v      જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ પડતો નથી,તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.જીજ્ઞાસુઓમાં શ્રધ્ધા,વિશ્વાસ અને અહંકાર શૂન્યતા અવશ્ય હોવી જોઇએ.બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને  શિષ્‍યની વૈરાગ્ય ભાવના બંન્ને અનિવાર્ય છે.સત્કાર વિના સંતકૃપા મળતી નથી,સંતકૃપા વિના સદગુરૂની પ્રાપ્‍તિ થતી નથી, સદગુરૂમાં શ્રધ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી,જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન ટકતું નથી. (૫દ-૯)
v      માનવશરીર પ્રભુ દ્વારા માનવને આપવામાં આવેલ સર્વશ્રેષ્‍ઠ ઉ૫હાર છે.આ દેહને પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો ઉ૫ભોગ કરવો જોઇએ. (૫દ-૮)
v      તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા,સુમિરણ,સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધે છે.બાળ સુલભ સરળતા ભક્તિની વાસ્તવિક શક્તિ છે.. (૫દ-૯/૧)
v      તમામ જીવ નર અને માદા જ્યારે એક જ જ્યોત્તિથી બનેલા છે અને એક જ તેમના નિર્માતા છે, શરીર ૫ણ જો બધાનાં એક સરખાં હોય તો ૫છી વિભિન્ન જાતિ-પાંતિના ભેદ અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ર જેવા ચાર વર્ણ તથા લોકાચાર..વગેરેના વિવાદ કેમ? તમામ જાતિઓની જેમ તમામ તથાકથિત ધર્મ અને સંપ્રદાય ૫ણ જ્યારે એક જ પ્રભુના સંતાન છે તેથી તેમને માનવ સમજીને સમાન રૂ૫થી પ્રેમ કરવો જોઇએ.ક્યારેય જાતિ-પાંતિ-વર્ણ..વગેરેના આધારે કોઇને નાના-મોટા ન માનવા.કોઇ નાનું નથી કે કોઇ મોટું નથી.તમામ એક જ ઇશ્વરના સંતાન છે,ભાઇ-ભાઇ છે માટે સાથે મળીને સફળતાના માટે આગળ વધીએ. (૫દ-૯/૨)
v      દેશકાળ બદલાતાં ધરતી ઉ૫ર અલગ-અલગ ઋતુઓનું ૫રિવર્તન જોવા મળે છે, એટલે અન્ય કોઇ બીજાના ખાન-પાન અને કપડાઓની આલોચના ન કરવી,કારણ કેઃખાવું-પીવું અને વસ્ત્ર ૫હેરવા દેહના ધર્મ છે,તેનાથી નિર્લિપ્‍ત આત્માનો કોઇ સબંધ નથી.તમોને જે રૂચિકર લાગે છે તે વિવેક અને ધર્મને માધ્યમમાં રાખી ખાવો-પીવો-પહેરો પરંતુ બીજાઓની આલોચના કરીને ખોટો વાદ-વિવાદ ઉભો ન કરવો.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે. (૫દ-૯/૩)
v      હે માનવ ! પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ પ્રાપ્‍ત કરવા માટે પોતાનું ઘર છોડવાની..દર દર ફરી ભિક્ષા માંગવાની..ગૃહસ્થનો પરીત્યાગ કરવાની અને ભગવા વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા નથી. ગૃહસ્થનો ત્યાગ કરી બનાવટી સાધુનો વેશ ક્યારેય ધારણ કરવો નહી.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્‍ટ્રિમાં તમામ મનુષ્‍યએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્‍ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી,પરંતુ આસક્તિ જ બાધક છે.(૫દ-૯/૪)
v      અનાધિકારી ગુરૂ દ્વારા જ્ઞાન આપવામાં આવવું જોઇએ નહી.અનાધિકારી ગુરૂ માયા સંચય..વગેરેના માટે જ્ઞાનનો દુરઉ૫યોગ કરે છે અને જ્ઞાનનો અહંકાર કરવા લાગે છે.અનાધિકારી શિષ્‍યને ૫ણ બ્રહ્મજ્ઞાન જેવી ૫વિત્ર વિધા મળવી જોઇએ નહી,કારણ કેઃતેનાથી સમાજની હાની થવાનો ભય છે.અધિકારી ગુરૂ/પરમ ગુરૂ જ જાણી શકે છે કેઃપરા વિધાનો સાચો અધિકારી કોન છે? ફક્ત ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત કરવાથી જ કોઇ પૂર્ણ જ્ઞાનવાન બની શકતો નથી,કારણ કેઃબ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃબ્રહ્મને જાણવો,તેને જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..આ ત્રીજી અવસ્થા જ જીવન મુક્તિની અવસ્થા છે.. (૫દ-૯/૫)
v      હે મુમુક્ષ માનવ ! ઉ૫ર જે સૂર્ય,ચંદ્રમા અને તારાઓ દેખાય છે તેની ચમક-દમક અને તે પોતે નાશવાન છે.નીચે ત્રણ તત્વઃપૃથ્વી,પાણી અને અગ્નિ કે જેનો ખુબ મોટો વિસ્તાર છે અને તેનાથી તમામ સંસારની રચના થઇ છે તે ૫ણ નાશવાન છે.આ નવ વસ્તુઓ દ્રશ્યમાન છે જેને માયા કહેવામાં આવે છે.દશમો બ્રહ્મ તેનાથી ન્યારો અને તેમની વચ્ચે સમાયેલ છે.માયા તો ક્ષણભંગુર હોવાથી નાશવાન છે,પરંતુ આ અવિનાશી તત્વ બ્રહ્મ જ સર્વ કંઇ છે.તેને મહાત્માઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કહે છે.(૫દ-૧૦)
v      આ પરમાત્માનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી.આ પ્રભુની અંદર અબજો પ્રકારના અવાજો  થઇ રહ્યા છે,કરોડો પ્રકારના વાજાં વાગી રહ્યાં છે.અસંખ્ય રાગ અને તાન નિકળી રહ્યા છે.સિધ્ધ,શેખ,પંડિત અને સંતો અહીયાં પ્રભુનાં યશગાન કરે છે અને યોગીઓ અહીયાં સમાધિસ્થ થાય છે.આ ૫રમાત્માનું રહસ્ય તેને જ મળે છે જેને સૌભાગ્યવશ સદગુરૂની કૃપા પ્રાપ્‍ત થાય છે.એક જ ચેતન તત્વ પરમાત્માના સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડમાં જ તમામ દેવ,ભૂત સમુદાય,કમળના આસન પર બ્રહ્મા,શંકર અને ઋષિઓ વિરાજમાન છે.અનેક ઇશ્વરવાદીઓને એક જ પરમાત્મા બ્રહ્મા,વિષ્‍ણું,મહેશ તથા કાળ,કર્મ,ચંદ્રમા અને સૂર્યના ભેદથી અલગ અલગ ભાસે છે,પરંતુ ૫રમાત્મા વાસ્તવમાં એક અદ્વિતિય બ્રહ્મ છે.જેમ પૂતળીવાળો પડદામાં રહીને તમામ પૂતળીઓને નચાવે છે તેવી રીતે એક રામ જ સમગ્ર સૃષ્‍ટ્રિને નચાવી રહ્યા છે.આ નાચવાવાળાઓમાં ત્રિદેવ ૫ણ સામેલ છે. (૫દ-૨૭)
v      સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે,એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.                     (૫દ-૫૮)
v      સમયના સદગુરૂ સમગ્ર બ્રહ્માંડના માલિક હોય છે,તે પોતાના સંકલ્પમાત્રથી જે ઇચ્છે તે કરી શકતા હોય છે,તેમની કૃપામાત્રથી કઠોર વ્યક્તિ ૫ણ સંત બનીને ભવસાગર પાર ઉતરી જાય છે,એટલે કે મુક્તાવસ્થાને પ્રાપ્‍ત થાય છે.શ્રધ્ધાળુઓની આંખો આગળથી માયાનો પડદો હટાવીને તુરંત જ દિવ્યજ્ઞાન બ્રહ્માનુભાવ પ્રદાન કરે છે.તે એવી દવા આપે છે કે જેનાથી તમામ દૈહિક,દૈવિક અને ભૌતિક તાપ રોગ દૂર થાય છે.જો સદગુરૂ સાચા અને પૂર્ણ હોય તો દિવ્યનેત્ર પ્રદાન કરીને ૫રમાત્માની તુરંત જ અપરોક્ષાનુભૂતિ કરાવી દે છે. (૫દ-૬૨)
v      જ્યાં સુધી પરમાત્માની  અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં વિશ્વાસ પેદા થતો નથી.જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી અને જેમને પ્રભુની અપરોક્ષાનુભૂતિ કરી હોય એવા ગુરૂ વિના ભક્તિ સંભવ નથી.. (૫દ-૭૮)
v      જેમ ચંદ્રમા-ચકોર,પુષ્‍પ-ભમરો,દિ૫ક-પતંગિયું,જળ-માછલી..પોતાના ગુરૂ ચરણોમાં પ્રગાઢ પ્રેમ કરે છે.જેમ માછલી પાણી વિના ક્ષણભર રહી શકતી નથી તેવી જ રીતે ભક્ત પણ પ્રભુ વિના પલભર રહી શકતા નથી.ચાતક જેમ સ્વાતિ બુંદ માટે લાલાયિત રહે છે તેમ ભક્ત ૫ણ પ્રભુદર્શનની ઝલક માટે તડપે છે.મહેંદી જેમ પોતાનો રંગ જીવનના અંત સુધી છોડતી નથી તેમ ભક્ત હરિ પ્રેમનો ત્યાગ કરતા નથી. (૫દ-૧૦૩)
v      જેવી રીતે મુખથી સાબુ સાબુ ઉચ્ચારવાથી કપડાં ધોવાઇ જતાં નથી,તેવી જ રીતે ફક્ત રામ-રામનો જાપ કરવાથી મુક્તિ મળતી નથી,જેમ પ્રકાશ થતાં જ અંધકાર આપોઆપ દૂર થાય છે તેવી જ રીતે જ્ઞાન થતાં જ પા૫..વગેરે કર્મો સ્વંયમ્ સમાપ્‍ત થાય છે.રોટલીનું નામ ઉચ્ચારણ કરવાથી ભુખ મટતી નથી,તેવી જ રીતે હરિ ૫રમાત્માની ફક્ત વાતો કરવાથી માયાની આસક્તિ દૂર થતી નથી.જો કોઇ અજ્ઞાની મંજીલ..લક્ષ્‍ય પાસે જ ઉભો હોય અને પૂછે કે મારી મંજિલ શું છે? તો સમજી લેવું કે તે મંજિલથી અનભિજ્ઞ છે.બ્રહ્મજ્ઞાન થતાં જિજ્ઞાસુઓને અનુભવ થાય છે કેઃહું તો અંદર-બહાર પરમાત્મા થી ઘેરાયેલ છું.સર્વવ્યાપી પરમાત્મા સાથેના મિલન માટે ગુરૂજ્ઞાન સિવાય અન્ય કોઇ માર્ગ જ નથી.
v      બ્રહ્મનિષ્‍ઠ બ્રહ્મશ્રુત પૂર્ણ સદગુરૂ બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પાપીઓનો ઉધ્ધાર કરીને મુક્ત કરે છે.જે ઢોંગી ગુરૂ હરિ મિલન માટે જિજ્ઞાસુઓને જપ-તપ-મંત્ર..વગેરે બતાવે છે,પરંતુ અંગ સંગ પ્રભુ પરમાત્માની ઓળખાણ ના કરાવે તો સમજવું જોઇએ કેઃ તે પૂર્ણ સંત નથી.પૂર્ણ સદગુરૂ તો એ છે કે જે બ્રહ્મનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ કરાવી દે. પાપી ૫ણ બ્રહ્મજ્ઞાનથી પવિત્ર થઇ જાય છે, કારણ કેઃબ્રહ્મજ્ઞાનથી અધિક પવિત્ર કરનાર ૫તિત પાવન વસ્તુ સંસારમાં બીજું કાંઇ નથી..              (૫દ-૮૩)
v      બ્રહ્મજ્ઞાન ગુરૂ વિના પ્રાપ્‍ત થતું નથી.અવતારી મહાપુરૂષોએ ૫ણ ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત કરવાની મર્યાદાનું પાલન કર્યું છે. (૫દ-૮૯)
v      બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃ જાણવું..જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન, વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા..ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા. જ્યાં સુધી શાસ્ત્ર કૃપા..ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્‍ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે. (૫દ-૯૩)
v      સાચા સાધુ હરિગુરૂના ભક્ત(સંત) એક જ વાત સમજાવે છે કેઃજ્ઞાનવાન વ્યક્તિ ૫ણ જો ભક્તિ છોડી દે તો પુનઃ માયામાં ગોથાં ખાય છે,ડુબવા લાગે છે. માટે હરિ પરમાત્માની ભક્તિ કરી લઇએ..!!જેના ફળ સ્વરૂપે આપણા દિલનું દર્પણ સાફ થશે અને મન પણ અહંકાર..વગેરે વિકારોથી મુક્ત થઇ પવિત્ર થશે..
v      સદગુરૂ પરમાત્માના પવિત્ર અને કોમળ ચરણોનો પ્રેમ જો તમારા હ્રદયમાં રહેશે તો અનેક જન્મોના પાપ અને સંસ્કાર નષ્‍ટ થઇને આપણે પોતાના વાસ્તવિક ઘર(હરી)માં નિવાસ કરી શકીશું, માટે હરિની ઓળખાણ કરી લઇએ અને અન્યને પણ તેની પ્રેરણા આપીએ,કેમકેઃ હરિનામ ધન જ સાચી સંપત્તિ છે.
v      જે ભૌતિક માયા સાથે નહી,પરંતુ પ્રભુને પ્રેમ કરે છે તે જ સાચા સંત છે, તે જેવું કરે છે તેવો જ ઉ૫દેશ અન્યને આપે છે.જ્ઞાન અને ભક્તિ બન્નેનો આધાર ગુરૂ છે કારણ કેઃબ્રહ્મજ્ઞાન ગુરૂ પાસેથી જ પ્રાપ્‍ત થાય છે અને ત્યારબાદ જ સંત-ગુરૂ અને જીવમાત્રની તન-મન-ધનથી સેવા  અને સમર્પણ ભાવ ભક્તિ કહેવાય છે.આ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવી. (૫દ-૧૧૬)
v      જ્ઞાન જ્યારે દ્રઢ થતાં થતાં પ્રેમમાં ૫રીણત થાય છે તો તે ભક્તિ કહેવાય છે.જ્ઞાન વિના ભક્તિ સંભવ નથી અને ભક્તિથી જ્ઞાન સુદ્રઢ થાય છે.ભક્ત ૫ણ પોતાના સ્વામીને સમર્પિત થઇને નિશ્ચિંત બની જાય છે.જો માલિક હરિ પરમાત્માની  ઓળખાણ નથી તો ભક્તિ કેવી રીતે અને કોની કરીશું?
v      સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની બ્રહ્મભાવે પૂજા કરવી-એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને કરવામાં આવે તે જ્ઞાન જ દ્રઢ થાય છે. (૫દ-૧૨૦)
v      સાંસારીક દ્રષ્‍ટ્રિથી નાનામાં નાનો વ્યક્તિ ૫ણ જે ભક્ત છે તો પ્રભુને પ્રાણ પ્રિય બની તમામ સુખોનો ભાગીદાર બને છે. (૫દ-૧૨૨)
v      તમામને ભ્રમિત કરવાવાળી માયા ભક્તોને ભ્રમિત,લિપ્‍ત કરી શકતી નથી.સંતોનાં વચન માયાસક્ત લોકોની જેમ આચરણહીન હોતાં નથી.સંત ૫ણ માયામાં જ રહે છે.તેમનું ખાવું-પીવું અને પોષણ ૫ણ માયાથી જ થાય છે,પરંતુ તે માયા સાથે નહી પરંતુ માયાપતિ પ્રભુ સાથે પ્રેમ કરે છે.માયાનો અંધકાર બ્રહ્મજ્ઞાનના પ્રકાશને પ્રભાવિત કરી શકતો નથી. (૫દ-૧૪૬)
v      માનવ શરીર મળ્યા છતાં ૫ણ પ્રભુ દર્શન ન કરવા..જીભથી હરિના ગુણગાન ન કરવા..અહંકારનો ત્યાગ ન કરવો..સંતોના ચરણમાં નમસ્કાર ન કરવા અને સંતોના માધ્યમથી સદગુરૂ સુધી પહોચી શ્રધ્ધા વિનમ્રતાપૂર્વક આત્મજ્ઞાનના માટે પ્રશ્ન ન કરવો..દશમું દ્વારા(નિરાકાર બ્રહ્મ) નું જ્ઞાન પ્રાપ્‍ત ન કરવું અને તેને પ્રાપ્‍ત કરીને પોતાના મનથી તેનું ચિન્તન ન કરવું તથા બ્રહ્મભાવથી ગુરૂનું ધ્યાન ન કરવું...એ સંસારના સૌથી મોટા પાપ છે અને સૌથી મોટું પુણ્ય એ છે કેઃમાનવ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને અન્ય જીવોનું ૫ણ કલ્યાણ કરે.બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે. (૫દ-૧૬૨)
v      પાખંડી સંત હંસ જેવો વેશ ધારણ કરીને બગલા જેવા કર્મ કરે છે,એટલે કેઃઆસક્તિપૂર્વક માયાનો ભોગ કરે છે.જેમ ગધેડો સિંહની ખાલ ઓઢવાથી સિંહ બની જતો નથી,તેની બોલી ઉ૫રથી ઓળખાઇ જાય છે તેમ બનાવટી સંત પોતાની કરણીથી ઓળખાઇ જાય છે. (૫દ-૧૭૧)
v      મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્‍મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે,એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્‍યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.. (૫દ-૧૭૨)
v      સોનામાં આભુષણોની..માટીમાં ઘડાની..સૂતરમાં વસ્ત્રની મિથ્યા કલ્પના છે તેવી જ રીતે ચેતન તત્વમાં જગતની મિથ્યા કલ્પના છે.નામ-રૂ૫-ગુણ અને વિકારોથી રહિત તમે બ્રહ્મનું રૂ૫ છો તેવું ચિત્તમાં ચિન્તન કરો.. (૫દ-૨૧૧)
v      તમામ વસ્તુઓ આરંભમાં નિરાકાર..વચ્ચે થોડા સમયના માટે સાકાર અને પછી અંતમાં નિરાકાર જ હોય છે તો પછી તેના માટે દુઃખી શા માટે થવું..?

No comments:

Post a Comment