Thursday, 19 June 2025

જગતએ પરમાત્માનો મોટામાં મોટો ચમત્કાર

 

જગતએ પરમાત્માનો મોટામાં મોટો ચમત્કાર

આજકાલ મનુષ્યની બુદ્ધિ બગડેલી છે તેથી શાસ્ત્રનાં વચન સમજી શકતો નથી.ઋષિ-મુનિઓએ જે લખ્યું છે તે બરાબર છે.પુસ્તકો વાંચી જ્ઞાની થઇ ગયેલાઓ વાતો બહુ કરે ચર્ચા બહુ કરે પણ ભક્તિ ના કરે કે સાધન ના કરે તો અનુભવ ક્યાંથી થાય? બહુ ભણેલા જ્ઞાની લોકો એક શબ્દના અનેક અર્થ કરે છે.વધુ પડતા તર્ક કરે છે.કહે છે કે પહેલાં તમારા પ્રભુ કંઇક ચમત્કાર કરે પછી હું તેમની પૂજા કરૂંજાદુગરને પૈસાની જરૂર છે એટલે ચમત્કાર બતાવે છે.કોઈ મહાત્મા કદીક જો બુદ્ધિ પુર્વક ચમત્કાર બતાવે તો તે પણ પૈસાના પુજારી હશે.ઈશ્વરને કોઈની કે કશાની જરૂર નથી તો પછી તે શું કામ ચમત્કાર બતાવે? જેમને જરૂર છે તે ખુબ શ્રદ્ધાથી ઈશ્વરના સેવા સ્મરણ કરે તો પછી જીવનમાં કેવું પરિવર્તન થાય છે તે જુઓ તે અનુભવ એ સહુથી મોટો ચમત્કાર છે.

વ્યવહારનો કાયદો છે કે પહેલાં ચમત્કાર પછી નમસ્કાર પણ ઈશ્વરને ત્યાં પહેલાં નમસ્કાર પછી ચમત્કાર. ચમત્કાર વિના જ નમસ્કાર એ વિનય છે માનવતા છે. ચમત્કાર પછી નમસ્કાર એ જ્ઞાનનું અભિમાન છે.જરા વિચાર કરો..આ જગત એ જ મોટો ચમત્કાર છે.ફૂલમાં સુગંધ કેવી રીતે રાખી હશે? એક નાનાં બીજમાંથી એક મોટો વડ કોણ બનાવે છે? બાળક માટે માતાના સ્તનમાં દૂધ કોણ તૈયાર કરે છે? (ક્યાંય બહાર લેવા જવાની જરૂર નહિ,ગરમ કરવાની જરૂર નહિ કે ખાંડ નાખવાની જરૂર નહિ) મોરના ઈંડામાં અને પતંગિયામાં આટઆટલા રંગ કોણ પૂરે છે? દરિયા કિનારે ખારા પાણી આગળ ઉભેલી નારિયેળીના નારિયેલમાં મીઠું પાણી કેવી રીતે અને કોણ ભરે છે? આ આખું જગત પરમાત્માના અનેક ચમત્કારોથી ભરપુર છે છતાં ભણેલા માણસો પોતાને બુદ્ધિશાળીમાં ગણાવતા મનુષ્યો ચમત્કારની આશા રાખી બેઠા હોય છે. બહુ ભણેલો ના હોય હોય તો તે ચમત્કાર વગર પણ નમસ્કાર કરે છે.અભણ મનુષ્ય શ્રદ્ધા રાખે છે.બહુ ભણેલાને શ્રદ્ધા થતી નથી.વ્યવહારમાં પણ શ્રદ્ધા રાખવી પડે છે. ડોક્ટરોના બધા કેસ સારા થતાં જ હોય છે તેવું હોતું નથી તેમ છતાં તે સારૂં કરશે જ એવી શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરને જઈ કોઈ કહે કે પહેલાં ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહિ.ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો તે દવા આપે નહિ અને દવા પેટમાં ન જાય ત્યાં સુધી રોગ જતો નથી.આવી જ રીતે સેવા માર્ગમાં પરમાર્થમાં શ્રદ્ધા રાખવી પડે છે.

બહુ ભણેલાના મનમાં કુતર્કો થાય છે કે ભગવાન ક્યાં આરોગે છે? જો આરોગતા હોય તો પ્રસાદ ઓછો કેમ થતો નથી? પરમાત્મા રસ-સ્વરૂપ છે રસ-ભોક્તા છે.ભગવાનને ભોગ ધરાવો તે તેમાંથી રસ-સાર ખેંચી લે છે રસરૂપે આરોગે છે એટલે ભોગ સામગ્રી ઓછી થતી નથી.પ્રસાદ ઓછો થતો નથી. એક ગુલાબના ફૂલનું વજન કરો પછી તેણે પચાસ વાર સુંઘો અને ફરી તેનું વજન કરો તો તેનું વજન ઓછું થતું નથી તેથી એમ કેમ કહેવાય કે સુવાસ લીધી નથી?

જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં પરમાત્મા પરોક્ષ રીતે રસરૂપે સુગંધ રૂપે આરોગે છે પણ જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે.મીરાંબાઈ ભોગ ધરતા તે પરમાત્મા પ્રત્યક્ષ આરોગતા. આપણા જેવા સાધારણ માનવીઓ જે ભોગ ધરે તેમાંથી પરમાત્મા રસ ખેંચી લે છે,સુગંધ ખેંચી લે છે. અત્યારના જમાનામાં તો જો ભગવાન ખરેખર આરોગવા લાગે તો કોઈ ભોગ ધરાવે કે કેમ તેમાં શંકા છે. અભણને શ્રદ્ધા હોય છે પણ બહુ ભણેલાઓને શ્રદ્ધા થતી નથી તે બહુ તર્ક ઉભા કરે છે પણ ભક્તિના આરંભમાં શ્રદ્ધા રાખવી જ પડે છે.શ્રદ્ધા વગર ભક્તિ થતી નથી.ભક્તિ વધે પછી અનુભવ થાય છે અને આ અનુભવ એ જ મોટોમાં મોટો ચમત્કાર છે.પ્રેમથી નમસ્કાર થાય તો ચમત્કાર જોવા મળે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment