Thursday, 19 June 2025

જગતગુરૂ આદિ શંકરાચાર્ય વિરચિત ભજ ગોવિંદમ્ સ્ત્રોત

 

જગતગુરૂ આદિ શંકરાચાર્ય વિરચિત ભજ ગોવિંદમ્ સ્ત્રોત

 

ભારતવર્ષના દક્ષિણાગ્રભાગમાં સ્થિત કેરલ રાજ્યની ચૂર્ણા નદીના કિનારે વસેલ કાલડી નામના નાનકડા ગામમાં આદિ જગતગુરૂ શંકરાચાર્યનો જન્મ થયો હતો.તેમના પિતા શિવગુરૂ તથા માતા આર્યામ્બા ભગવાન શિવના અનન્ય ભક્ત હતા.તેમની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન શિવે પોતે તેમના ઘેર પૂત્રના રૂપમાં જન્મ લીધો હતો.આ ઘટના ઇસા પૂર્વ ચારસોથી પાંચસો વર્ષ એટલે કે આજથી ૩૦૦૦ વર્ષ પહેલાં ઘટી હતી.શંકર ફક્ત આઠ વર્ષની ઉંમરમાં વેદ પારંગત બની ગયા હતા,બાર વર્ષની ઉંમર સુધીમાં તમામ શાસ્ત્રોનું અધ્યયન કરીને સોળ વર્ષની ઉંમરમાં તેમને શંકર ભાષ્યમ્ ની રચના કરી હતી.તે સમયે વાહનવ્યવહારની સગવડ ન હોવા છતાં દેશની ચારેય દિશામાં ચાર મઠની સ્થાપના કરી હતી. બત્રીસ વર્ષની યુવાવસ્થામાં તેમને ઇશ્વરની સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરી હતી.

શંકરાચાર્યનો જન્મ થયો તે સમયે સમગ્ર ભારતમાં અલગ-અલગ ધર્મો અને મતો હતા.દરેક નાના-મોટા સાધુ કે પંડા પોતે પોતાને જ્ઞાનના પ્રકાંડ પંડિત અને તેઓ પોતે જ જગતના એકમાત્ર પથપ્રદર્શક કે ઉદ્ધારક છે તેમ માનતા હતા.દરેકનો પોત પોતાનો શિષ્ય સમુદાય હતો.પોતાનો અલગ પંથ,પોતાના સિદ્ધાંતો અને પોતાનું અલગ દર્શન હતું.અનેકતામાં એકતાના સિદ્ધાંતના અનુયાયી આર્યાવ્રત અંદરો-અંદરના ભેદભા0વ-સંઘર્ષ,ઇર્ષા-દ્વેષથી વિભાજીત થઇ ગયા હતા.આવા કપરા ધાર્મિક અસમંજસ અને દુવિધાપૂર્ણ સમયમાં શંકરાચાર્યનો જન્મ થયો હતો.

શંકરાચાર્યજીએ અદ્વેત-મતની સ્થાપના કરીને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો.અદ્વેત એટલે આત્મા અને ઇશ્વર બે નહી પરંતુ એક છે.અદ્વેત અમોને એ શિખવાડે છે કે ઇશ્વર અમારામાં આત્મારૂપે રહેલ છે.અમે ઇશ્વરથી અલગ નથી.

ભજ ગોવિંદમ્ સ્ત્રોતની રચના જગતગુરૂ શંકરાચાર્યજીએ કરી છે.મૂળરૂપમાં આ બાર પદોમાં સરળ સંસ્કૃત ભાષામાં લખેલ એક સુંદર સ્ત્રોત છે જેને દ્વાદશ મંજરીકા પણ કહેવામાં આવે છે.ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે.તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા,તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે એટલે ભજ ગોવિંદમ્ સ્ત્રોતને મોહ-મુગદર એટલે કે મોહનાશક કહેવામાં આવે છે જેનો અર્થ છે-તે શક્તિ કે જે આપને સાંસારીક બંધનોથી મુક્ત કરે છે.શંકરાચાર્યજીનું કહેવું છે કે અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ આવે છે.ભજ ગોવિંદમ્ સ્ત્રોત શ્રી શંકરાચાર્યજીની ખૂબસૂરત રચના છે.

 

આદિ શંકરાચાર્ય રચિત ભજ  ગોવિંદમ્ સ્ત્રોત જો ન વાંચ્યું હોય તો આ સોનેરી તક ચૂકશો નહી.ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે આ આદિ શંકરાચાર્યજી મહારાજનું પ્રસિધ્ધ સ્ત્રોત છે.એકવાર ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ચૌદ શિષ્યો સાથે જઈ રહ્યા હતાં ત્યાં એક વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ પાણિનીના સંસ્કૃત વ્યાકરણના નિયમો વાંચી રહ્યા હતા.તેમની પાસે જઇને આચાર્યશ્રી તેમને સમજાવ્યું કે મૃત્યુ જ્યારે દરવાજા ઉપર આવીને ઉભું રહે છે ત્યારે આ વ્યાકરણના સૂત્રો કામમાં નહી આવે, હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તૂં એક નિરાકાર પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.તમે પોતાની આત્મા અને બુદ્ધિને ભગવાનના ભજનમાં લગાવો.તેમનો આ જ ઉપદેશ ભજ ગોવિંદમ્ નામથી પ્રખ્યાત થયો જેમાં જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવા ના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્‍નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજ સુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્‍ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર અદ્વેત બ્રહ્મના ઉપાસક હતા.

તેમની આ કૃતિનો આ પહેલો શ્ર્લોક હતો.આ શ્ર્લોક પછી તેમને જીવનનું સત્ય અને અમારાં કર્તવ્યો સમજાવતા અન્ય બાર શ્ર્લોક લખ્યા હતા જે દ્વાદશ મંજરીકા સ્ત્રોતમ્ નામથી પ્રસિદ્ધ છે.તેમની સાથે જે ચૌદ શિષ્યો હતા તે દરેકે એક એક શ્ર્લોક કહ્યો જેને ચર્તુદશ મંજરીકા સ્ત્રોતમ્ કહેવાય છે.છેલ્લે શંકરાચાર્યજીએ અન્ય ચાર શ્ર્લોક કહ્યા હતા.આમ આ એકત્રીસ શ્ર્લોકોનું આ લઘુકાવ્ય મોહમુદગર કહેવાય છે.આ એકત્રીસ શ્ર્લોકોમાં અદ્વેત વેદાંતનો સાર છે.ભજ ગોવિંદમ્ ની એક વિશેષતા એ છે કે શંકરાચાર્યજીના ગુરૂનું નામ પણ ગોવિંદ હતું તેથી તેમને પોતાના ગુરૂ ગોવિંદ અને પરમાત્મા ગોવિંદને એકાકાર માનીને તે બંન્નેની સ્તુતિ એક સાથે કરી છે.  

 

દિનમપિ રજની સાયં પ્રાતઃ શિશિરવસન્તૌ પુનરાયાતઃ

કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપિ ન મુચ્ચતિ આશાવાયુઃ

ભજ ગોવિદમ્ ભજ ગોવિદમ્ ગોવિદમ્ ભજ મૂઢમતે

સંમ્પ્રાપ્તે સન્નિહિતે મરણે નહિ નહિ રક્ષતિ ડુકૃઞ્કરણે..૧

 

દિવસ અને રાત્રિ,સાંજ અને સવાર,શિશિર અને વસંત ફરી ફરીને આવે છે અને જાય છે.કાળની આ ક્રીડા સાથે આયુષ્ય પણ ક્ષીણ થતું જાય છે તો પણ આશારૂપી વાયુ મનુષ્યને છોડતો નથી,એટલે કે કામનાઓ પૂર્ણ થતી નથી.સમયનું પસાર થવું અને ઋતુઓનું બદલાવું સંસારનો નિયમ છે.કોઇપણ વ્યક્તિ અમર હોતો નથી.મૃત્યુની સામે ભલભલાને ઝુકવું પડે છે પરંતુ અમે મોહમાયાના બંધનોથી પોતાને મુક્ત કરી શકતા નથી.

હે ભટકેલ મૂરખ પ્રાણી ! હંમેશાં પરમાત્માનું ધ્યાન કરો,ગોવિંદને ભજો,ગોવિંદને ભજો કેમકે જ્યારે તારો અંતકાળ આવશે ત્યારે આ સાંસારીક જ્ઞાન,વ્યાકરણના નિયમો તારા કામમાં આવશે નહી તથા વ્યાકરણના નિયમો તને બચાવી શકશે નહી.અહી ભજનનો અર્થ ફક્ત જોર-જોરથી ગાવું કે તાલીઓ પાડી ભજન કરવું એવું નથી પરંતુ અમારી આરાધનામાં નવધા ભક્તિનો સમાવેશ કરવાનો છે એટલે કે ઇશ્વરની ભક્તિ મન-વચન-કર્મથી હોવી જોઇએ.ઇશ્વરની ભક્તિ સિવાય સંસારના કોઇપણ શાસ્ત્રનું જ્ઞાન મૃત્યુથી અમારી રક્ષા કરી શકતું નથી.ભગવાનનાં નામ સ્મરણ સિવાય જન્મ મરણ રૂપી ભવસાગર તરવાની બીજી કોઈ રીતે નથી.

મૂઢ જહીહી ધનાગમતૃષ્ણાં કુરૂ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્

યલ્લભસે નિજકર્મોપાત્તં વિત્તં તેન વિનોદય ચિત્તમ્.. ૨

 

હે મૂઢ ! ધન પ્રાપ્તિની લાલસાનો ત્યાગ કર.પોતાના ચિત્તને વાસના રહિત બનાવો.અમે હંમેશાં મોહ-માયાના બંધનોમાં ફંસાયેલા રહીએ છીએ અને તેના કારણે અમોને સુખની પ્રાપ્તિ થતી નથી.અમે હંમેશાં વધુને વધુ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા રહીએ છીએ.સુખી જીવન વ્યતિત કરવા માટે અમારે જે કંઇ ભાગ્યાનુસાર મળે તેમાં સંતોષથી જીવવાનું શિખવાનું છે.અમોને જે કંઇ પ્રાપ્ત થાય છે તેને હર્ષોલ્લાસથી સ્વીકાર કરવાનું છે કારણ કે અમે જેવા કર્મો કરીએ છીએ તેવા જ ફળની પ્રાપ્તિ થાય છે.

ભારતીય દર્શન ક્યારેય એવું નથી કહેતું કે ધનનો પૂર્ણ રીતે ત્યાગ કરી દો.ઇશ્વરે આપેલ શરીર અને જીવનનું સંરક્ષણ કરવા માટે ધનની આવશ્યકતા છે.જેનાથી આ શરીરથી જન્મ સફળ કરવા અમે સત્કર્મ કરી શકીએ,પરંતુ જ્યારે અમારી ઇચ્છાઓ અસીમિત બની જાય છે અને લાલસાનું રૂપ ધારણ કરે છે ત્યારે અમારા પતનની શરૂઆત થાય છે એટલા માટે ભાગ્યાનુસાર જે કંઇ પ્રાપ્ત થાય છે તેને અમારા પૂર્વજન્મનું ફળ માનીને તૃપ્ત થવું અમારૂં કર્તવ્ય છે.એ મૂર્ખ છે જે વારંવાર ભૂલો કરે છે અને ફળસ્વરૂપ દુઃખ ભોગવે છે એટલે વધુ ધન ભેગું કરવાની લાલસા છોડી દેવી જોઇએ.જોઇએ.સાંસારીક લાલસાઓનો ત્યાગ કરવાથી હ્રદય વાસનારહિત અને પવિત્ર બની જાય છે.આવા પવિત્ર હ્રદયને ઇશ્વર સન્મુખ બનાવવું સરળ બને છે.(૨)

નારીસ્તનભરનાભીનિવેશં દ્રષ્ટવા માયા મોહાવેશમ્

એતન્માંસ વસાદિ વિકારં મનસિ વિચિન્તય બારમ્બારરમ્..૩

 

સ્ત્રીઓના અંગોને જોઇને મોહિત ના થાઓ.આ અંગો ફક્ત માંસ-મજ્જા અને ચરબીથી બનેલાં છે,આ વાતનો વારંવાર વિચાર કરવાથી વિષય-વાસનાથી દૂર રહી શકાય છે.મનુષ્યના પતનના મુખ્ય બે કારણો બતાવવામાં આવ્યાં છે.છે.એક છે કંચન(ધન-દોલત) જેને બીજા શ્ર્લોકમાં જેનું વિસર્જન કરવાનું જણાવ્યું છે અને બીજું કારણ છે સ્ત્રી.આદિ શંકરાચાર્યજી સાવધાન કરે છે કે હે માનવ ! સ્ત્રીના માંસલ શરીરની સુંદરતા અને તેનાથી મળનાર સુખ શાશ્વત નથી.તે તમોને પતનની ખાઇમાં ધકેલી દેશે,તમોને દુઃખ અને અશાંતિ આપશે માટે હે માનવ ! તમે શારિરીક ભોગ-વિલાસની લાલસામાં પડીને પોતાનો વિનાશ ના કરશો.સ્ત્રી અને પુરૂષનું આકર્ષણ સહજ હોય છે અને સંસાર ચલાવવા માટે આવશ્યક પણ છે પરંતુ તેમાં વાસના નહી પરંતુ પવિત્રતા-આત્મસંયમ અને અનુશાસન હોવું અતિ આવશ્યક છે નહી તો મનુષ્ય અને પશુમાં કોઇ ફેર નહી રહે.

નલિનીદલગતસલિલં તરલં તદ્વજ્જીવિતમતિશય ચપલમ્

વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્..૪

 

જેમ કમળની પાંખડીઓ ઉપરના પાણીના બૂંદનું અસ્તિત્વ અનિશ્ચિત હોય છે એટલે કે તે ગમે ત્યારે નષ્ટ થઇ જાય છે તેવી જ રીતે અમારૂં જીવન ક્ષણભંગુર છે.આ સમગ્ર સંસાર બિમારીઓ,છળ-કપટ અને દુઃખોથી ભરેલો છે,આ નાનકડી જીંદગીમાં ક્યાંય સુખ-ચૈન નથી પરંતુ અનેક પ્રકારની સમસ્યાઓ અને તકલીફો સામે સંઘર્ષ કરતાં કરતાં જીંદગી ક્યારે સમાપ્ત થઇ જાય તે નક્કી નથી હોતું-આ વાતને સારી રીતે જાણી લો.અમે કંઇક વિચારીએ કે કોઇ સત્કર્મ કરીએ ત્યાર પહેલાં આ જીવન પુરૂ થઇ જાય છે એટલે અમારી પાસે જેટલો સમય છે તેને નિરર્થક વાતોમાં ના ગુમાવીએ.મૃત્યુ અમોને અગાઉથી એવી કોઇ જાણકારી નથી આપતું કે તે ક્યારે અને ક્યાં આવશે એટલે હરહંમેશાં શ્વાસે-શ્વાસે ઇશ્વરનું ધ્યાન કરવું જોઇએ.આ શ્ર્લોકમાં અમોને અદ્વેતનો બોધ થાય છે.પંચમહાભૂતોથી બનેલું આ શરીર અંતમાં પંચ મહાભૂતોમાં લીન થઇ જાય છે.(૪)

યાવદ્વિત્તોપાર્જનસક્તઃ તાવત્ પરિવારો રક્તઃ

પશ્ચાત્ ધાવતિ જર્જર દેહે વાર્તાં પૃચ્છતિ કોऽપિ ન ગેહે ૫

 

માનવી જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો છે,કમાવાની શક્તિ છે ત્યાં સુધી તેનો પરિવાર તેને વળગેલો,આસક્ત રહે છે પછીથી જ્યારે તેનો દેહ જીર્ણ થાય છે ત્યારે ઘરમાં કોઈ તેનો ભાવ પૂછતું નથી એટલે કે જે પરીવારના માટે તમે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું,જેના માટે તમે નિરંતર મહેનત કરો છો તે પરીવાર તમારી સાથે ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તમે તેમની જરૂરીયાતો પુરી કરો છો.સંસારના તમામ સબંધો ધન ઉપર જ આધારીત છે.મનુષ્ય જીવનનું ધ્યેય ફક્ત ધન કમાવવું નથી પરંતુ આત્માની પવિત્રતા,શાંતિ અને નૈતિક જીવન છે જેનાથી જીવન સફળ થાય છે.(૫)

યાવત્પવનો નિવસતિ દેહે તાવત્ પૃચ્છતિ કુશલં ગેહે

ગતવતિ વાયૌ દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન્કાયે..૬

 

જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી જ ઘરમાં સૌ કુશળતા પૂછે છે,જ્યારે શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે ત્યારે પત્ની પણ તે મૃત શરીરથી ડરે છે.તમારા મૃત્યુ પછી તુરંત જ તેઓ તમારો અંતિમ સંસ્કાર કરી દેશે.સાંસારીક સબંધો અને સુખોના પ્રત્યેના મોહનો ત્યાગ કરી દેવો જોઇએ.આ શ્ર્લોકમાં શંકરાચાર્યજી આપણને સાવધાન કરતાં કહે છે કે આ અમારૂં જે શરીર છે તે એક ધર્મશાળા સમાન છે કેમકે જન્મ પહેલાં આ શરીર નહોતું અને મૃત્યુ પછી પણ નથી રહેવાનું એટલે આ શરીરના પ્રત્યે આંધળો મોહ યોગ્ય નથી.શરીરના ના રહેવા છતાં પણ અમારી આત્મા અજર-અમર અને પરમાત્માનો અંશ છે.આ આત્માનું પરમાત્મા સાથે મિલનના માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઇએ આ જ અમારૂં કર્તવ્ય છે.(૬)

બાલસ્તાવત્ ક્રીડાસક્તઃ તરૂણસ્તાવત્ તરૂણીસક્તઃ

વૃદ્ધસ્તાવત્ ચિંતામગ્નઃ પારે બ્રહ્મણિ કોપિ ન લગ્નઃ ૭

 

બાળક હોય ત્યાં સુધી મનુષ્ય રમતમાં વ્યસ્ત રહે છે,નવયુવાન પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં સમય વિતાવી રહ્યા છે અને વૃદ્ધ થાય ત્યારે ચિંતામગ્ન રહે છે પરંતુ પરબ્રહ્મ-પરમાત્માને જાણીને તેમનું કોઇ ધ્યાન કરતું નથી.મનુષ્ય જન્મથી લઇને મરણ સુધી નિરંતર મિથ્યા લાલસાઓની પાછળ ભાગે છે,તે એવું નથી વિચારતો કે મનુષ્ય જીવન ઘણું જ ટુંકુ છે.જેમ જેમ એક એક પળ પસાર થાય છે તે મૃત્યુની નજીક ખેંચાઇને જઇ રહ્યો છે.ભાગદૌડવાળા જીવનમાં માનવ એવો ફંસાઇ જાય છે અને વિચાર કરે છે કે મારી પાસે હજુ તો ઘણો સમય છે આ બધા કાર્યો પુરા કર્યા પછી વૃદ્ધાવસ્થામાં ભગવાનનું ભજન કરીશ. જ્યારે તમામ કાર્ય પરવારી તે જાગી જાય છે અને ઇશ્વરમાં મન લગાવવા ઇચ્છે છે ત્યારે શરીર અને મન સાથ આપતાં નથી એટલે પરમાત્માની ભક્તિ કરવા માટે વૃદ્ધાવસ્થા આવવાની રાહ ના જોશો પરંતુ બાળપણથી જ ભગવાનના ચિંતન,સેવા,સુમિરણ અને સત્સંગનો અભ્યાસ કરો.(૭)

કા તે કાન્તા કસ્તે પુત્રઃ સંસારોऽયમતીવ વિચિત્રઃ

કસ્ય ત્વં કઃ કુત આયાતઃ તત્વં ચિન્તય તદિદં ભ્રાતઃ ૮

 

તારો સાચો સાથી કોન છે? કોન તારી પત્ની અને કોન તારો પુત્ર છે? વાસ્તવમાં આ આ સંસાર ઘણો જ ક્ષણભંગુર તથા વિચિત્ર છે.સંસારમાં અમારૂં પોતાનું અસ્તિત્વ શું છે? તું કોનો છે? ક્યાંથી આવ્યો છે? હે ભાઈ ! આ તમામ વાતોના વિશે વિચાર કરો.

સ્વસ્થ પારિવારીક સબંધો જીવનમાં ઉન્નતિના પથ ઉપર લઇ જાય છે,એક બીજાની મદદથી આગળ વધે છે અને પોતાના જીવનને સાર્થક બનાવે છે પરંતુ ધ્યાન રાખજો આ સબંધો અમોને મોહના પાશમાં બાંધી ના લે.પરીવાર જ અમારા જીવનનું પરમ લક્ષ્ય નથી.ભૌતિક સબંધોથી ઉપર ઉઠવાથી જ અમારા જીવનને સાર્થકતા મળે છે.છે.મનુષ્યજીવનની તુલના રેલયાત્રા સાથે કરવામાં આવે છે.રેલયાત્રામાં લોકો પોતાના નિશ્ચિત સ્થાન ઉપર જવા માટે ડબ્બામાં ચઢે છે.કેટલોક સમય સાથે રહે છે,ર્હંસી-મજાક કરે છે,સુખ-દુઃખની વાતો કરે છે,સાથે ખાય-પીવે છે,એકબીજાની મદદ કરે છે અને પોતાનું સ્ટેશન આવતાં ઉતરી જાય છે.જીવનની આ યાત્રામાં પરીવારનો સાથ કેટલોક સમય સુધી જ મળે છે ત્યારપછી તમામ વિખૂટા પડી જાય છે એટલે મોહ-માયામાં ફંસાઇને તેમને જ સર્વસ્વ માની લેવું યોગ્ય નથી.શંકરાચાર્યજી એક મોટાભાઇ ની જેમ અમોને હિત-અહિતને ઓળખી યોગ્ય નિર્ણય લેવાની પ્રેરણા આપે છે.  

સત્સઙ્ગત્વે નિસ્સ્ઙ્ગત્વં નિસ્સઙ્ગત્વે નિર્મોહત્વમ્

નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વં નિશ્ચલતત્ત્વે જીવન્મુક્તિઃ ૯

 

સત્-સંગતિથી નિઃસંગતા એટલે કે ભૌતિક સુખ-સુવિધાઓ પ્રત્યેનો મોહ નષ્ટ થાય છે,મનમાં કોઇપણ પ્રકારની લાલસાઓ રહેતી નથી,બુદ્ધિમાં સ્થિરતા આવે છે,નિઃસંગતાથી નિર્મોહતા,નિર્મોહતાથી નિશ્ચળ સત્ય અને નિશ્ચળ સત્યના જ્ઞાનથી જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે.સંત-મહાત્માઓ સાથે ઉઠવા-બેસવાથી અમે સાંસારીક વસ્તુઓ તથા બંધનોથી દૂર થતા જઇએ છીએ અને અમોને સુખની પ્રાપ્તિ થાય છે,અમે તમામ બંધનોથી મુક્ત થઇ તે પરમજ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ.

જીવનમુક્તનો અર્થ છે જન્મ-મૃત્યુના ચક્કરથી મુક્ત થવું,તે બુદ્ધિની સ્થિરતાથી જ સંભવ છે પરંતુ ગીતાનુસાર બુદ્ધિ તો ચંચળ છે,તેને વશમાં કરવી અત્યંત કઠીન કાર્ય છે પરંતુ એનું સમાધાન પણ ભગવાને બતાવ્યું છે કે અભ્યાસના દ્વારા અને ભૌતિક લાલસાઓના પ્રત્યે વિરક્ત બનીને આ ચંચળ બુદ્ધિને વશમાં કરી શકાય છે.મનની સ્થિરતાનો અભ્યાસ સત્સંગથી કરવામાં આવે છે.આનાથી ઉલ્ટું જો અમારો સંગ સારો નથી તો તેના પ્રભાવથી અમારી અંદર કામ ક્રોધ લોભ મોહ વગેરે વિકાર પેદા થાય છે,તેનાથી અમારી સ્મૃતિનો નાશ થાય છે અને અંતમાં બુદ્ધિનો નાશ થાય છે.

વયસિ ગતે કઃ કામવિકારઃ શુષ્કે નીરે કઃ કાસારઃ

ક્ષીણે વિત્તે કઃ પરિવારો જ્ઞાતે તત્વે કઃ સંસાર ૧૦

 

જો અમારૂં શરીર કે મગજ સ્વસ્થ નથી તો અમો શારીરિક સુખ ભોગવી શકતા નથી,યુવાવસ્થા પુરી થતાં મનુષ્યની કામવાસના સૂકાઇ જાય છે પછી કામવિકાર કેવો? યુવાની જ્યારે તીવ્ર ગતિથી આગળ વધી રહી હોય છે ત્યાંસુધી વાસનાઓ અને લાલસાઓમાં તીવ્રતા હોય છે.ધીરે ધીરે આ જોશ ઠંડો પડી જાય છે,શરીર અશક્ત બની જાય છે પછી વાસનાઓ ધીરે ધીરે ઓછી થાય છે.જેવી રીતે જળ સુકાઈ જાય પછી જળાશયનો કોઇ અર્થ રહેતો નથી,તેવી જ રીતે ધન ઓછું થતાં પરિવાર પણ આપણી સાથે રહેતો નથી. ધન જતાં સમગ્ર પરીવાર વિખરાઇ જાય છે તેવી જ રીતે પરમાત્મા તત્વનું જ્ઞાન થયા પછી સંસાર કેવો? એટલે કે પરમાત્મા-તત્વનું જ્ઞાન થયા પછી આ વિચિત્ર સંસારના બંધનોથી મુક્તિ મળી જાય છે.બાહ્ય આકર્ષણોમાંથી મનને બચાવીને,અજ્ઞાનને દૂર કરીને મનને નિર્મળ અને નિશ્ચલ રાખવાથી જ સત્ય પરમાત્માનાં દર્શન થાય છે,આ જ સત્ય બ્રહ્મ-તત્વ કહેવાય છે.જેને બ્રહ્મતત્વનું જ્ઞાન થઇ જાય છે તે સાંસારીક બંધનોથી મુક્ત થઇ જાય છે,પછી તેનામાં અને પરમાત્મામાં કોઇ અંતર રહેતું નથી.

 

મા કુરુ ધન-જન-યૌવન-ગર્વં,હરતિ નિમેષાત્કાલઃ સર્વમ્

માયામયમિદમખિલં હિત્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા..૧૧

 

પોતાની પાસેનાં ધન-પરીવાર અને યૌવનના કારણે ઘમંડ ના કરો કારણ કે પલભરમાં આ તમામનો નાશ થઇ જાય છે.જે કંઇપણ તમારી આસપાસ છે તે તમામ મિથ્યા છે-એ વાતને બરાબર સમજી લો.આવા જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે આ સઘળું જગત માયામય છે એમ સમજી બ્રહ્મને જાણીને બ્રહ્મપદ(બ્રાહ્મીસ્થિતિ) પ્રાપ્ત કરી શકશો.મારો પરીવાર,મારી ચીજવસ્તુઓ,મારી ખુશીઓ..આમ મારૂં મારૂં કરતાં મનુષ્ય સંસારની જાળમાં એવો ફંસાઇ જાય છે કે તે પોતાના આત્માથી દૂર ચાલ્યો જાય છે.તેના વિચાર,ચિંતન વગેરે ફક્ત તેની ભૌતિકતા સુધી જ સિમિત રહી જાય છે,તે ભૂલી જાય છે કે આ સંસાર ક્ષણભંગુર છે,કોઇપ્ણ સબંધ અંત સમય સુધી સાથ આપી શકે તેમ નથી.

આ શ્ર્લોકના માધ્યમથી મનુષ્યને સાવધાન કરવામાં આવે છે કે હે અજ્ઞાની મનુષ્ય ! આવા નશ્વર સંસારને અનશ્વર માનીને તૂં ભ્રમિત ના થઇશ.લક્ષ્મી ચંચળ હોય છે.ધન-યૌવન-અધિકાર અને અવિવેક- આ ચાર મનુષ્યના પતનના મૂળ કારણ છે એટલે તેના ભ્રમમાં ના ફસાઇશ.વિવેકી બનીને વિચાર કર કે શું શાશ્વત છે અને શું નાશવાન છે? જે સત્ય છે,અમર છે,અનશ્વર છે એવા બ્રહ્મપદને ઓળખી લો.(૧૧)

દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિરવસન્તૌ પુનરાયાતઃ

કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુ તદપિ ન મુચ્ચત્યાશાવાયુઃ ૧૨

દિવસ અને રાત્રિ,સવાર અને સાંજ,શિશિર અને વસંત ઋતુનું આવાગમન ચાલતું રહે છે.સમયની ગતિમાં જીવન પણ સમાપ્ત થઇ જાય છે તેમછતાં મનુષ્યની વાસનાઓનો અંત આવતો નથી.કાલચક્ર ફરતું રહે છે અને અમે ક્ષણે ક્ષણે મૃત્યુની નજીક જઇ રહ્યા છીએ.ભવિષ્ય વર્તમાનમાં બદલાઇ જાય છે તો વર્તમાન પણ ધીરે ધીરે ભૂતકાળમાં પરિવર્તિત થઇ જાય છે.સમય નિરંતર ગતિશીલ છે તે કોઇના માટે રોકાતો નથી-આ બધુ જાણવા છતાં પણ મનુષ્યની કામનાઓની જ્વાળાઓ ધધકતી રહે છે,મનુષ્ય ક્યારેય તૃપ્ત થતો નથી.સંસારના માટે આદર્શ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ સુવર્ણના હરણની ઘટના દ્વારા ઉદાહરણ રાખ્યું છે.વાસ્તવમાં સોનાનું હરણનું અસ્તિત્વ જ હોતું નથી તેવી જ રીતે મનુષ્યની લાલસાઓનો અંત કે તેનાથી તૃપ્તિ શક્ય નથી પરંતુ અજ્ઞાનવશ તે નિરંતર આ મૃગતૃષ્ણા પાછળ દોડે છે.જ્યારે તે દોડીને થાકીને જમીન ઉપર પડી જાય છે ત્યારે તે કાળનો કોળીયો બની જાય છે.(૧૨)

કા તે કાન્તા ધનગતચિન્તા વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા

ત્રિજગતિ સજ્જન સંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા..૧૩

 

હે વ્યાકુળ મનુષ્ય ! તમે પત્ની-ધન વગેરે માટે ચિંતા શા માટે કરો છે? તમારૂં માર્ગદર્શન કરવાવાળા પરમાત્માનું ચિંતન કરો.ત્રણે લોકમાં સત્સંગ જ ભવસાગર તરવા માટેની એકમાત્ર નૌકા છે.શું તારો કોઈ નિયંતા નથી? સાંસારીક મોહમાયા-ધન અને સ્ત્રીના બંધનમાં ફંસાઇને ખોટી ચિંતા કરીને અમોને કંઇજ પ્રાપ્ત થવાનું નથી.શા માટે અમે પોતાને આ ચિંતાઓમાં ઘેરાયેલા રાખીએ છીએ? શા માટે અમે સંત-મહાત્માઓ સાથે જોડાઇને તેમના ઉપદેશોનું પાલન કરીને અમે સાંસારીક બંધનો તથા ખોટી ચિંતાઓથી મુક્ત થતા નથી?

આ શ્ર્લોકમાં વાતુલનો અર્થ છે જે પોતાના લક્ષ્યથી દૂર થઇ ગયો છે.માનવમાત્રનું એક માત્ર લક્ષ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનું છે પરંતુ માનવ પોતાના લક્ષ્યને ભુલીને કામિની-કંચન અને અન્ય વાસનાઓ માં ડૂબીને તેને જ પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લે છે અને પોતાના અસલ લક્ષ્યથી દૂર થઇ જાય છે એટલે હે માનવ તું પોતાની ધન-દૌલતના વિશે નિરંતર ચિંતામગ્ન ના રહીશ.જે પોતાના મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે તેનો વિવેક જાગૃત થાય છે અને તેને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને આ બધુ સજ્જનોના સંગથી સંભવ બને છે.સજ્જનો સંસારમાં રહેવા છતાં સંસારથી જલકમળવત્ રહે છે.(૧૩)

જટિલો મુણ્ડી લચ્ચિત કેશઃ કાષાયામ્બર-બહુકૃતવેષઃ

પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢઃ ઉદરનિમિત્તં બહુકૃતવેષઃ ૧૪

 

કોઈ સાધુ જટાધારી,કોઈ માથું મુંડાવેલો,કોઈ ચૂંટીને માથાના વાળ જેણે કાઢી નાખ્યા છે તેવો તો વળી કોઈ ભગવાં વસ્ત્રધારી-પેટને ખાતર દરેકે અવનવા વેશ ધારણ કરેલ છે તે તમામ પોતાનું પેટ ભરવા માટે જાતજાતના રૂપ ધારણ કરે છે.તેઓ આંખોની આગળ જે સત્ય છે તેને ન જોઇ શકનારા મૂર્ખ છે.

આ ચૌદમા શ્ર્લોકથી શરૂ કરી કુલ ચૌદ શ્ર્લોકોને આદિ શંકરાચાર્યના ચૌદ શિષ્યોએ કહ્યા છે.તેઓ પોતાના ગુરૂની જેમ જ વિદ્વાન અને મહાન પંડીત હતા.આજની પેઢી ઇચ્છે છે કે ઓછામાં ઓછો પરીશ્રમ કરીને વધુમાં વધુ સુખ-સંપત્તિ મળે,તેના માટે તેઓ ગમે તે હદ સુધી ખોટી નીતિઓ અપનાવવા તૈયાર થાય છે.કેટલાક પોતાના કર્તવ્ય છોડીને સંન્યાસી બની જાય છે.આ શ્ર્લોકમાં શંકરાચાર્યના સૌથી મુખ્ય શિષ્ય પદ્મપાદે ભગવા વસ્ત્ર ધારણ કરી લોકોની માન્યતાઓ અને મનોવિજ્ઞાનનો ખોટો ફાયદો ઉઠાવનારથી લોકોને સાવધાન કર્યા છે.(૧૪)

અઙ્ગં ગલિતં પલિતં મુણ્ડં દશનવિહીનં જાતં તુણ્ડમ્

વૃદ્ધો યાતિ ગૃહીત્વા દણ્ડં તદપિ ન મુચ્ચતિ આશાપિણ્ડમ્ ૧૫

 

શરીરમાં ઘડપણ આવી ગયું છે,વાળ સફેદ થઇ ગયા છે,દાંત પડી ગયા છે,વૃદ્ધ લાકડીનો સહારો  લઈને હરેફરે છે તો પણ તેમની ઇચ્છાઓ પુરી થતી નથી.ભૌતિક સુખ-લાલસાઓનો કોઇ અંત નથી.આ સુખોની તરફ દોડતા મનને રોકવું સહેલું નથી હોતું એટલે જ જ્ઞાનીજનોએ કહ્યું છે કે બાળપણથી જ ઇચ્છાઓને વશમાં કરવી જોઇએ.જોઇએ.મનની લાલસાઓ જ અશાંતિને જન્મ આપે છે,મનનો સંયમ જ ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખી શકે છે.અમે મનના દાસ ના બનીએ પરંતુ મન જ અમારૂં દાસ બને એટલે કે મનમાં જેવી ઇચ્છા જાગૃત થાય તે જ સમયે ઇમાનદારીથી વિચાર કરવો જોઇએ કે આ ઇચ્છાની પૂર્તિ કરવાથી અમારૂં શું સારૂં થવાનું છે? જવાબ નકારાત્મક મળે તો તે ઇચ્છાનો ત્યાગ કરી દેવાથી જ અમારૂં કલ્યાણ સંભવ છે.આ શ્ર્લોકમાં શંકરાચાર્યના સૌથી મુખ્ય શિષ્ય તોટકાચાર્યજી એ લખેલ છે.(૧૫)

અગ્રે વહ્નિઃ પૃષ્ઠેભાનુઃ રાત્રૌ ચુબુકસમર્પિતજાનુઃ

કરતલભિક્ષા તરૂતલવાસઃ તદપિ ન મુચ્ચતિ આશાપાશઃ ૧૬

 

રાત્રે આગળ અગ્નિ છે અને દિવસે પાછળ સૂર્ય છે તથા રાત્રે ટૂંટિયું વાળીને સૂવે છે,હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરીને જીવન પસાર કરે છે અને વૃક્ષની નીચે તેનો નિવાસ છે તેમ છતાં પણ આશાપાશ તેને છોડતો નથી.સમય નિરંતર ચાલતો રહે છે તેને કોઇ રોકી શકતો નથી,ફક્ત પોતાના શરીરને કષ્ટ આપવાથી કે જંગલમાં એકલા કઠિન તપસ્યા કરવાથી અમોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.માણસ કેવી રીતે વાસનાઓમાં ફંસાયેલો રહે છે તે આ શ્ર્લોકમાં બતાવેલ છે.સંન્યાસી બન્યા પછી પણ લાલસાઓથી છુટકારો થઇ જ જાય છે તેની કોઇ ખાત્રી હોતી નથી.આ શ્ર્લોકને શંકરાચાર્યના શિષ્ય હસ્તામલકજી એ લખેલ છે.(૧૬)

કુરુતે ગઙ્ગાસાગરગમનં વ્રતપરિપાલનમથવા દાનમ્

જ્ઞાનવિહિનઃ સર્વમતેન મુક્તિં ન ભજતિ જન્મશતેન ૧૭

 

કોઈ ગંગાસાગર(જે જગ્યાએ ગંગા નદી સમુદ્રને મળી જાય છે તે સ્થાનને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે) માં સ્નાન કરે,વ્રતોનું પાલન તો કોઈ વળી દાન કરે છે પરંતુ આત્મજ્ઞાન વગર સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો સર્વ આચાર્યોનો મત છે.અમોને મુક્તિની પ્રાપ્તિ ફક્ત આત્મજ્ઞાનના દ્વારા જ પ્રાપ્ત થાય છે.લાંબી યાત્રા ઉપર જવાથી કે કઠિન વ્રતો રાખવાથી અમોને જ્ઞાન કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી.આ શ્ર્લોકને શંકરાચાર્યના શિષ્ય સુબોધજીએ લખેલ છે.સાંસારીક જીવનમાં રહીને લોકો તીર્થયાત્રા કરે છે,વ્રત-ઉપવાસ અને દાન કરે છે કે જેનાથી વિચારોની પવિત્રતા તથા જીવનમાં અનુશાસન આવે છે પરંતુ ફક્ત તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાન વિના સો જન્મોમાં પણ મુક્તિ મળતી નથી તેવો તમામ શાસ્ત્રો અને તમામ ધર્મોનું કહેવું છે.(૧૭)

સુર મંદિર તરુ મૂલ નિવાસઃ શય્યા ભૂતલ મજિનં વાસઃ

સર્વ પરિગ્રહ ભોગ ત્યાગઃ કસ્ય સુખં ન કરોતિ વિરાગઃ ૧૮

 

મંદિરમાં કોઈ વૃક્ષ નીચે નિવાસ કરે,ખુલ્લી જમીન ઉપર પથારી,મૃગચર્મનું વસ્ત્ર અને આ રીતે સર્વ સંગ્રહ અને ભોગનો એટલે કે સાંસારીક  સુખોનો ત્યાગ કરે,વાસનાઓથી દૂર રહેતો હોય..આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી? એટલે કે વૈરાગ્ય દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય છે.જે માનવ સંસારના ભૌતિક સુખ-સુવિધાઓથી ઉપર ઉઠીને જીવનનું લક્ષ્ય શારીરીક સુખ તથા ધન અને સમાજમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ જ નથી તે પ્રાણી પોતાનું સંપૂર્ણ જીવન સુખ અને શાંતિથી વ્યતિત કરે છે.પ્રભુ નામ સુમિરણથી જ સાચો આનંદ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.સાંસારીક સુખોનો ત્યાગ કરવાથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે.(૧૮)

યોગરતો વા ભોગરતો વા સઙ્ગરતો વા સઙ્ગવિહીનઃ

યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નન્દતિ નન્દતિ નન્દત્યેવ ૧૯

 

જ્ઞાની પુરૂષ યોગમાં રત હોય અથવા ભોગમાં રાચતો હોય,પોતાની સાંસારીક જવાબદારીઓ નિભાવતો હોય,કોઈના સંગને માણતો હોય કે પછી એકાંતમાં હોય,જેનું ચિત્ત પરબ્રહ્મ પરાત્મામાં જોડાયેલું છે તે પૂર્ણાનંદને પ્રાપ્ત કરે છે,હંમેશાં સુખને પ્રાપ્ત કરે છે.જેનું મન સ્થિર અને શાંત છે તે ભલે યોગી હોય કે ભોગી,ભીડમાં હોય કે એકલો તેનું મન સ્થિર અને નિશ્ચલ રહે છે એટલે કે બાહ્ય પરિસ્થિતિની તેના ઉપર કોઇ અસર થતી નથી અને આવા સ્થિતપ્રજ્ઞ મનુષ્યને જ નિર્મલાનંદની પ્રાપ્તિ થાય છે.તેમનું હ્રદય એક મંદિરની જેમ શાંત-પવિત્ર અને નિર્મલ હોય છે.તે લાલસાઓના બંધન,સુખ કે દુઃખથી પર હોય છે.

આ શ્ર્લોકમાં નિત્યાનંદ સ્વામી કહે છે કે જે બ્રહ્માનંદને પ્રાપ્ત કરી ચુક્યો છે તે ઇચ્છવા છતાં ભોગી બની શકતો નથી કેમકે બ્રહ્માનંદના આનંદ આગળ બીજા તમામ આનંદ ફિક્કા પડી જાય છે.તેમને એક ઉદાહરણના માધ્યમથી સમજાવ્યું કે ર્ડાકટર છરીથી ઓપરેશન કરીને દર્દીનો જીવ લેતા નથી પરંતુ જીવ બચાવે છે તેવી જ રીતે બ્રહ્માનંદ પ્રાપ્ત વ્યક્તિ ખરાબ વાતોમાં નહી પરંતુ સારી વાતોની તરફ જ જોડાય છે.(૧૯)

 

ભગવદ્ ગીતા કિઞ્ચિદધીતા ગઙ્ગા-જલ લવ-કણિકા-પીતા

સકૃદપિ યેન મુરારિ સમર્ચા ક્રિયતે તસ્ય યમઃ કિં કુરૂતે ચર્ચામ્ ૨૦

 

જેને પોતાના જીવન દરમ્યાન પણ શ્રીમદ ભગવદગીતાનો પાઠ કર્યો છે,જેને ગંગાજળનું એક બૂંદ પીધું છે જેને મુરારિ(ઇશ્વર)ની એકવાર પણ આરાધના કરી છે તેનું ક્યારેય યમરાજા(મૃત્યુના દેવતા) નામ લેતા નથી,તેને મૃત્યુનો ભય રહેતો નથી.

આ શ્ર્લોકમાં શ્રી આનંદગિરિ સ્વામીજીએ સ્વચ્છ અને પવિત્ર જીવન જીવવાના ત્રણ માર્ગ બતાવ્યા છે.પહેલો શ્રીમદ ભગવદગીતાનો નિત્ય પાઠ કરવો.ગીતા ઉપનિષદોનો સાર છે જે પુરૂષોત્તમ વાસુદેવે પોતાના મુખારવિંદથી કહી છે,જેનો પાઠ કરવાથી માનવ મન-વચન-કર્મથી પવિત્ર બની જાય છે અને જીવનના તત્વને સમજી જાય છે.

બીજો માર્ગ છે ગંગાજળનું સેવન કરવું.એવું માનવામાં આવે છે કે ગંગા દેવ-નદી છે,જેને ભગીરથ અથાગ પ્રયત્નો કરી માનવ કલ્યાણના માટે ધરતી ઉપર લાવ્યા હતા.પરમશિવની કૃપાથી તે સુરસરિના રૂપમાં તે ધરતી ઉપર આવ્યાં હતાં.આ દેવ-નદીના જળને અતિ પવિત્ર માનવામાં આવે છે.જ્ઞાનની તુલના સાથે કરવામાં આવે છે.જેવી રીતે નિરંતર પ્રવાહિત ગંગાજળ શિતળતા પ્રદાન કરે છે,તરસ્યાની તરસ છિપાવી પવિત્ર બનાવે છે તેવી રીતે જ્ઞાન પણ વાસનાઓના પ્રત્યેના અમારા આકર્ષણરૂપી તાપને દૂર કરી મનને શાંતિ પ્રદાન કરે છે.

ત્રીજો માર્ગ છે ઇશ્વરની આરાધના.અહી મુરારી શબ્દનો વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે.પુરાણોમાં મુરા નામના રાક્ષસની ચર્ચા છે,જેનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો હતો એટલા માટે તેમને મુરારી કહેવાય છે.મુરા મનુષ્યના અહંકારનું પ્રતિક છે.જ્યાં સુધી અમારી અંદરના અહંકારનું હનન કરવામાં ના આવે ત્યાં સુધી સત્ય પરમાત્માનાં દર્શન થતાં નથી.અમારા જીવનના તમામ ઝઘડાઓ,કઠિનાઇઓ અને સમસ્યાઓનું મૂળ અમારો અહંકાર છે.જો અમે અહંકારથી મુક્ત બની જઇએ તો કાયમી રહેવાવાળી શાંતિની પ્રાપ્તિ થાય છે.અહંકારનું ખંડન ત્યારે જ થાય છે કે જ્યારે અમે મુરારી (અહંકારને નષ્ટ કરનાર પ્રભુ પરમાત્મા)ને જાણીને તેમના શરણમાં જઇ તેમની આરાધના કરીએ.

અજામિલે આજીવન પાપ અને અત્યાચાર કર્યા પરંતુ મૃત્યુશૈયા ઉપર નારાયણ નામના પોતાના પૂત્રને એકવાર બોલાવ્યો તો પ્રભુ કેટલા દયાળુ છે કે તેમને વિષ્ણુલોકમાં લઇ ગયા.

 

પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનમ્

ઇહ સંસારે બહુદુસ્તારે કૃપયાપારે પાહિ મુરારે.. ૨૧

 

જન્મ-મરણ અને માતાના ગર્ભમાં વારંવાર જવું-સંસારમાં આ ચક્ર નિરંતર ચાલતું રહે છે.આ અત્યંત દુસ્તર-અપાર સંસારમાં હે મુરારી..કૃપા કરી આપ મારૂં રક્ષણ કરો,મને આપની શરણમાં લઇ લો,હું આ જન્મ અને મૃત્યુના ચક્કરથી મુક્તિ મેળવવા ઇચ્છું છું,મને આ સંસારરૂપી વિશાળ સમુદ્રને પાર કરવાની શક્તિ આપો.જગતમાં જે પ્રાણીનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ અવશ્ય થાય છે જ,આ ચક્રથી કોઇ બચી શકતું નથી.અમે અમારા અહંકાર અને વાસનાઓ દ્વારા પ્રેરીત થઇને અનેક કર્મો કરીએ છીએ.કેટલાક કર્મોનું ફળ તો અમોને આ જન્મમાં જ મળી જાય છે પણ કેટલાક કર્મોનું ફળ બાકી રહી જાય છે,આ બાકી રહી ગયેલ કર્મોના ફળ ભોગવવા માટે અમારે બીજો જન્મ લેવો પડે છે અને અમે સત્ય પ્રભુ પરમાત્માને ઓળખી શકતા નથી.પોતાના શરીરને,વાસનાઓને,ચારે બાજુઓની ચીજો અને ઘટનાઓને જ સત્ય અને ચિરંતન માનીને ચાલીએ છીએ.સ્વાર્થના મોહમાં અમે એવા ફંસાઇ જઇએ છીએ કે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે અને જન્મ-મરણના ચક્કરમાં ફર્યા કરીએ છીએ.આ અનંત યાતનાઓમાંથી ફક્ત પ્રભુ પરમાત્મા જ અમોને બચાવી શકે છે,તે અત્યંત દયાળુ છે,અમારા પાપોને ક્ષમા કરીને અમારો ઉદ્ધાર કરવામાં તે સમર્થ હોય છે એટલા માટે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને વારંવાર કહ્યું છે કે સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ એટલે કે તમામ ધર્મોને આશ્રય ત્યજીને તૂં એકમાત્ર મારા શરણે આવી જા હું તને બધાય પાપો થી મુક્ત કરી દઇશ તું ચિંતા ના કર.શ્રીમદ ભગવદગીતા(૯/૨૨)માં કહ્યું છે કે..

અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે

એષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્

જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરતાં મારી સારી રીતે ઉપાસના કરે છે,મારામાં નિરંતર લાગેલા તે ભક્તોનો યોગક્ષેમ(અપ્રાપ્તિની પ્રાપ્તિ અને પ્રાપ્તિની રક્ષા) હું પોતે વહન કરૂં છું.

તુલસીદાસજીએ પણ વિનયપત્રિકામાં વારંવાર એ જ પ્રાર્થના કરી છે કે હે શ્રીરામ ! મને જન્મ-મૃત્યુ તથા માતૃ ગર્ભવાસની કઠિન યાતનાઓમાંથી મુક્તિ આપો.

રથ્યા ચર્પટ વિરચિત કન્થઃ પુણ્યાપુણ્ય વિવર્જિત પન્થઃ

યોગી યોગનિયોજિત ચિત્તો રમતે બાલોન્મત્તવદેવ ૨૨

 

જેણે ખભા ઉપર શેરીમાં પડેલા ચીંથરાની બનાવેલી ગોદડી પહેરી છે,પુણ્ય અને પાપની પરવા વગર પોતાના પથ ઉપર,યોગમાં તલ્લિન થઇ જે યોગી ચાલે છે તે એક અબોધ બાળકની જેમ કે એક પાગલની જેમ પ્રસન્નચિત્ત રહે છે.જે યોગી સાંસારીક બંધનોથી મુક્ત થઇ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવામાં સક્ષમ બની જાય છે તેને કોઇ વાતનો ડર રહેતો નથી અને તે નીડર બની,એક ચંચળ બાળકની જેમ પોતાનું જીવન વ્યતીત કરે છે.

શ્રી નિત્યાનંદ સ્વામી વિરચિત આ શ્ર્લોકમાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી યોગીની માનસિક સ્થિતિનું સુંદર ચિત્રણ કર્યું છે.ત્યારે તે યોગીની સ્થિતિ જેમ એક છળકપટ રહિત એક બાળકની હોય છે તેવી સરળ-સ્વચ્છ અને અમલિન બની જાય છે.જે ભીડમાં રહેવા છતાં પણ પોતાની દુનિયામાં મસ્ત રહે છે.સંત-મહાપુરૂષો પોતાના માટે કશું જ ઇચ્છતા નથી,તેમની આવશ્યકતાઓ મર્યાદિત હોય છે.આજનો માનવ લાલચ અને આવશ્યકતાથી વધારેવધારે મહત્વકાંક્ષાથી જેટલું બને તેટલું વધુ દુનિયામાંથી ઉલેચી પોતાની તિજોરી ભરવામાં લાગ્યો છે અને એ જ તેની અશાંતિ અને દુઃખનું કારણ છે.(૨૨)  

 

કસ્ત્વં કોહં કુત આયાતઃ કા મે જનની કો મે તાતઃ

ઇતિ પરિભાવય સર્વમસારમ્ વિશ્વં ત્યક્ત્વા સ્વપ્નવિચારમ્ ૨૩

 

તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? મારી માતા કોણ? મારા પિતા કોણ? સમસ્ત અસાર, કલ્પનાજન્ય જગતને છોડીને આ પ્રમાણે વિચાર કર.અમારૂં આ સંસારમાં શું છે? આ બધી વાતો વિશે ચિંતા કરીને અમારે અમારો સમય વ્યર્થ ના ગુમાવવો જોઇએ,આ સંસાર એક સ્વપ્નની જેમ જૂઠો અને ક્ષણભંગુર છે.માનવજન્મ વિચિત્ર છે.સંસારમાં કરોડો પ્રાણીઓ છે જે જન્મ લે છે,પોતાનું જીવન જીવે છે અને તેમની જીવનલીલા સમાપ્ત થઇ જાય છે પરંતુ માનવ એક એવું પ્રાણી છે જેના જન્મથી લઇને મૃત્યુ સુધી અનેક સગાં-સબંધીઓના બંધન હોય છે.ફક્ત લોકોનાં જ નહી પોતાની આસપાસની વસ્તુઓની સાથે પણ અતૂટ બંધન બાંધી લે છે.તે ભૂલી જાય છે કે આ તમામ બંધનો નશ્વર છે.આ સંસાર અને અહીની તમામ વસ્તુઓ એક કલ્પનામય સ્વપ્નલોક જેવી છે.જેવી રીતે ઉંઘમાંથી જાગ્યા પછી સ્વપ્ન તૂટી જાય છે તેવી જ રીતે જીવનનો અંત(મૃત્યુ) આવતાં આ સંસાર કે સગા-સબંધી રહેતાં નથી એટલે અમારે જળકમળવત્ જીવન જીવવાનું છે.આંધળા મોહનો ત્યાગ કરીને સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે કે જે અમોને મુક્તિનો માર્ગ બતાવે છે.(૨૩)

ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુઃ વ્યર્થં કુપ્યસિ મય્યસહિષ્ણુઃ

ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં વાઞ્છસ્યચિરાદ્યદિ વિષ્ણુત્વમ્ ૨૪

 

તારામાં-મારામાં અને બીજે બધે તમામ સ્થાનોમાં એક જ ઈશ્વર પ્રભુ પરમાત્માનો વાસ છે.આ વાતને ન સમજીને તું નકામો મારી સાથે ક્રોધ કરે છે.જો તું તુરંત વિષ્ણુત્વ(ઇશ્વરની સાયુજ્ય મુક્તિ) ઈચ્છતો હોય તો તારે તમામ લોકો સાથે તમામ પરિસ્થિતિઓમાં સમત્વનો વ્યવહાર કરવાનો છે.

સમત્વ અને સંતુલિત વ્યવહાર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? તેનો જવાબ આપતાં ભગવાન ગીતામાં કહે છે કે અભ્યાસેન તૂં કૌન્તેય વૈરાગ્યૈણ ચ ગુહ્યતે..ગુહ્યતે..ફક્ત વારંવાર અભ્યાસ કરવાથી અને સાંસારીક વિષયવાસનાઓના પ્રત્યે નિર્લિપ્ત બનીને મનને શાંત અને સંતુલિત રાખી શકાય છે.મન સંતુલિત થાય તો ઉંચ,નીચ,મહાન,તુચ્છ,પશુ-પક્ષી વગેરેના પ્રત્યે સમદ્રષ્ટિ રાખવામાં સરળતા રહે છે અને જેનામાં સમદ્રષ્ટિ આવી જાય છે તે મનુષ્ય મહાન અને તમામના માટે વંદનીય બની જાય છે.(૨૪)

શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ મા કુરુ યત્નં વિગ્રહસન્ધૌ

સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્ ૨૫

 

શત્રુ,મિત્ર,પુત્ર કે બંધુઓના ઝઘડામાં કે મૈત્રી કરાવવા માટે ખોટો પ્રયત્ન ન કર.અજ્ઞાન જનિત ભેદ બુદ્ધિનો ત્યાગ કરીને તમામમાં અને તમામ જગ્યાએ પોતે પોતાને જુવો એટલે કે સર્વમાં એક આત્માનું દર્શન કર.અમારે કોઇની પણ સાથે અત્યધિક પ્રેમ ન કરવો જોઇએ કે ના તો ઘૃણા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં ઇશ્વરનો વાસ છે,અમારે બધામાં એક જ ઇશ્વરના દર્શન કરવાના છે,તેમનો આદર-સત્કાર કરવાનો છે,આમ કરવાથી જ અમે પરમાત્માનો આદર કરી શકીશું.

જ્યારે સમગ્ર સંસાર એક જ સત્વના ગર્ભથી ઉત્પન્ન થયેલ છે તો મારા-તારા અને પોતાના-પારકાનો ભેદ કેવો? તમામમાં પોતાનું જ પ્રતિબિંબ જુવો અને પોતે પોતાને જેટલો પ્રેમ કરો છો તેટલો પ્રેમ બધાની સાથે કરો.આ શ્ર્લોકમાં વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના પ્રતિબિબિત થાય છે.પોતાના મનમાં ઇર્ષા અને દ્વેષ લાવી દુઃખ અને અશાંતિને નિમંત્રણ ના આપો.(૨૫)

કામં ક્રોધં લોભં મોહં ત્યક્ત્વાત્માનં ભાવય કોહમ્

આત્મજ્ઞાન વિહીના મૂઢાઃ તે પચ્યન્તે નરકનિગૂઢાઃ ૨૬

 

કામ,ક્રોધ,લોભ,મોહ વગેરેનો ત્યાગ કરનાર વ્યક્તિ પોતે પોતાનામાં ઇશ્વરનાં દર્શન કરે છે અને જેમને આ પ્રમાણે આત્મજ્ઞાન થયું નથી તેવા મૂઢ લોકો નરકમાં પડીને ઘોર કષ્ટ ઉઠાવે છે.અમારા જીવનનું લક્ષ્ય ક્યારેય સાંસારીક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ ના હોવું જોઇએ.અમારે તેને પ્રાપ્ત કરવાના વિચારોનો ત્યાગ કરી પરમજ્ઞાનની પ્રાપ્તિને પોતાનું લક્ષ્ય બનાવવું જોઇએ,તો જ અમે સંસારના કષ્ટ અને પીડાઓથી મુક્તિ પામી શકીશું.કામ ક્રોધ લોભ મોહ વગેરે માનસિક દુર્બળતાઓ અમારા અને પ્રભુ પરમાત્માની વચ્ચે આવી ઇશ્વર દર્શન કરવા દેતાં નથી.જ્યાં સુધી આ વિકારોમાં બહાર નીકળતા નથી ત્યાં સુધી તે અલૌકિક, અનિર્વચનીય આનંદની પ્રાપ્તિ થતી નથી.સોહમ્ એટલે કે તે હૂં જ છું-આ ધારણા અદ્વેત મતનો આધાર છે તે અમોને શિખવાડે છે કે પોતે પોતાનામાં ઇશ્વરનાં દર્શન કરો.કરો.જેને આત્મજ્ઞાન થઇ જાય છે તેને આ સંસાર સુંદર,આનંદમય અને સુખમય દેખાય છે અને જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેને સંસારમાં તમામ કષ્ટમય અને ખરાબ દેખાય છે અને એવું પ્રતિત થાય છે કે આ સંસાર અમારા રહેવા માટેની જગ્યા નથી.આ શ્ર્લોક શંકરાચાર્યજીના શિષ્ય શ્રી ભારતી વંશજી સ્વામીએ લખેલ છે.(૨૬)

 

ગેયં ગીતા નામ સહસ્રં ધ્યેયં શ્રીપતિ રૂપમજસ્રમ્

નેયં સજ્જન સઙ્ગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તમ્ (૨૭)

 

શ્રીમદ ભગવદગીતા અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો જોઈએ,લક્ષ્મીપતિ પરમ પરમેશ્વરનું હંમેશાં ધ્યાન કરવું જોઈએ,પોતાના મનને હંમેશાં સત્સંગમાં જોડાયેલું રાખવું જોઇએ તથા ગરીબો અને નિરાધાર વ્યક્તિઓની પોતાની પાસે જે કંઇ છે તેમાંથી કંઇક ધન આપીને સહાયતા કરવી જોઇએ.આ શ્ર્લોક શંકરાચાર્યજીના ચૌદ શિષ્યો પૈકીના અંતિમ શિષ્ય શ્રી સુમતિ સ્વામી દ્વારા લખવામાં આવેલ છે.

જેને આધ્યાત્મિક ચિંતન પ્રત્યે રૂચિ છે તેમને ચાર પ્રક્રિયાઓનું અવશ્ય આચરણ કરવું જોઇએ.શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવો,શ્રી લક્ષ્મીનારાયણની આરાધના કરવી,સત્સંગનો અભ્યાસ કરવો તથા દીન-દુઃખીઓની સેવા કરવી.

ગીતા તમામ શાસ્ત્રોનો સાર છે.સ્વંય ભગવાનના મુખારવિંદથી નીકળેલ છે,તે રામાયણ,મહાભારત વગેરે પુરાણોની જેમ કોઇ કથા નથી પરંતુ એક આદર્શ જીવનની પથ પ્રદર્શક છે.તે અમારા જીવન અને અમારી વિચારધારાને સંયમિત અને નિયંત્રિત કરે છે.તે આધ્યાત્મિક જીવનનું પ્રથમ ચરણ છે.શ્રી લક્ષ્મી નારાયાણની આરાધના(નિત્ય વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ),સત્સંગથી ચિત્તની સ્થિરતા અને પવિત્રતા પ્રાપ્ત થાય છે.અમારૂં ચિત્ત વિષયવાસનાઓમાં ભટકતું બચી જાય છે.નરપૂજા એ જ નારાયણ પૂજા.આ ચાર વાતો કરવાથી મુક્તિપ ઉપર આગળ વધી શકાય છે.(૨૭)    

 

 

સુખતઃ ક્રિયતે રામાભોગઃ પશ્ચાદ્ધન્ત શરીરે રોગઃ

યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુઞ્ચતિ પાપાચરણમ્ ૨૮

 

મનુષ્ય સુખેથી સ્ત્રીસંગ કરે છે,પછીથી શરીરમાં રોગ થાય છે.જો કે જગતમાં મરણ એજ જીવનનો અંત છે છતાં પણ તે પાપાચારને છોડતો નથી.જે શરીરનો અમે ઘણો જ ખ્યાલ રાખીએ છીએ અને તેના દ્વારા અલગ-અલગ ભૌતિક અને શારીરીક સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તે શરીર એક દિવસ નષ્ટ થઇ જાય છે.મૃત્યુ થતાં જ સજાવેલ શરીર માટીમાં ભળી જાય છે તો પછી શા માટે અમે ખોટી ટેવોમાં ફંસાઇએ છીએ.

શ્ર્લોક ૨૮ થી ૩૧ અંતિમ ચાર શ્ર્લોકોની રચના સમગ્ર ગ્રંથના ઉપસંહારના રૂપમાં શ્રી શંકરાચાર્યજીએ કરેલ છે.જેમાં શંકરાચાર્યજી કહે છે કે તમામ પ્રાણીઓમાં મનુષ્ય જન્મ સર્વોત્કૃષ્ટ છે.આવો શ્રેષ્ઠ જન્મ પામીને પણ મનુષ્ય પાશવિક વિષય-વાસનાઓની પાછળ દોડીને પોતાનું જીવન નષ્ટ કરે છે આ તેની મંદબુદ્ધિ તરફ સંકેત કરે છે.વાસનાઓ એટલી ભયંકર હોય છે કે દિવસે દિવસે તેની તીવ્રતા વધતી જાય છે.તેની લાલસામાં મનુષ્ય મનુષ્યથી પશુ અને પછી દાનવ બની જાય છે અને પોતાની વાસનાઓની પૂર્તિના માટે ગમે તે હદ સુધી નીચે પડી જાય છે.તેનાથી તેનું શરીર જર્જરીત અને રોગગ્રસ્ત બની જાય છે. શાસ્ત્રોમાં વારંવાર કહ્યું છે કે જે પ્રાણીઓનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે આ સનાતન સત્ય છે- આ વાતને દરેક જાણે છે તેમછતાં પાપાચરણ છોડતો નથી આ જ માયા છે,જેના કારણે અમે વાસનાપૂર્તિના માટે ખરાબ કર્મો કરીએ છીએ અને આ વાસનાઓ અમોને અધ્યાત્મથી દૂર લઇ જાય છે અને આમાંથી બચીને જે અધ્યાત્મમાર્ગ ઉપર આગળ વધે છે તે જ સાચો જ્ઞાની છે.(૨૮)   

 

અર્થમનર્થં ભાવય નિત્યં નાસ્તિતતઃ સુખલેશઃ સત્યમ્

પુત્રાદપિ ધન ભાજાં ભીતિઃ સર્વત્રૈષા વિહિઆ રીતિઃ ૨૯

 

એ સત્યને હંમેશાં યાદ રાખો કે ધન જ તમામ દુઃખોનું મૂળ છે.ધન-દોલત તમોને કાયમી સુખ નહી આપી શકે.સમગ્ર સંસારના તમામ અતિ-ધનવાન લોકોને પોતાના પુત્ર-પરીવારથી પણ ભય રહે છે આ રીત સર્વત્ર જાણીતી છે.સંસારના તમામ ભૌતિક સુખ અમારા દુઃખોનું કારણ છે.જેટલું વધારે અમે ધન અને અન્ય ભૌતિક સુખના સાધનો ભેગા કરીએ છીએ તેટલું તેના ગુમાવવાનો ડર સતાવે છે.

આ શ્ર્લોકમાં આદિ શંકરાચાર્યજીએ ધનની લાલસાથી ઉત્પન્ન લાલસાથી ઉત્પન્ન થનાર અનેક સમસ્યાઓ તરફ અમારૂં ધ્યાન આકર્ષિત કરેલ છે.ઘણા લોકો એવું માને છે કે ધન-દૌલતથી અનેક સમસ્યાઓનું સમાધાન થાય છે અને તેનાથી સુખ-શાંતિ મળે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ધનવાન વ્યક્તિ પોતાનું મનપસંદ ખાઇ શકતો નથી,રાત્રે સુખની નિંદર માણી શકતો નથી,તે તમામથી ડરતો ફરે છે અને દરેક ઉપર શંકા કરે છે,એટલે સુધી કે પોતાના સંતાનો ઉપર પણ વિશ્વાસ કરતો નથી.

આ શ્ર્લોક એવું નથી કહેતો કે ધનની આવશ્યકતા નથી.આપણે બધા જાણીએ છીએ કે આવશ્યકતાથી વધુ પ્રમાણમાં લેવાથી અમૃત પણ વિષ બની જાય છે તેવી જ રીતે આવશ્યકતાથી વધુ ધનની લાલચ મનુષ્યને નુકશાન પહોચાડે છે,તેને પતનની તરફ લઇ જાય છે.(૨૯)

 

પ્રાણાયામં પ્રત્યાહારં નિત્યાનિત્ય વિવેકવિચારમ્

જાપ્યસમેત સમાધિવિધાનં કુર્વવધાનં મહદવધાનમ્ ૩૦

 

પ્રાણાયામ-પ્રત્યાહાર કરો.વિષય-વાસનાઓનો ત્યાગ કરો.નિત્ય અને અનિત્ય વસ્તુ વિશે વિવેકરૂપી વિચાર,જપ અને સમાધિ આ બધું ખુબ જ કાળજીપૂર્વક કરી સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરો.અમારે હંમેશાં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સંસાર નશ્વર છે.અમારે અમારા શ્વાસ-ભોજન અને ચાલચલગત સંતુલિત રાખવી જોઇએ.અમારે સચેત થઇને ઇશ્વર ઉપર પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દેવું જોઇએ.આદિ શંકરાચાર્યજીએ શરૂઆતમાં કંચન અને કામિનીનો ત્યાગ કરવાનું કહ્યું છે કે જે મનુષ્યના પતનનું કારણ છે.

આ શ્ર્લોકમાં આચાર્યજીએ અંતરંગ સાધનાના તત્વો વિશે બતાવ્યું છે તેમાં પ્રથમ પ્રાણાયામ. પ્રાણાયામનો અર્થ છે શ્વાસ નિયંત્રણ વ્યાયામ નહી પરંતુ પ્રાણ,અપાન,વ્યાન,સમાન અને ઉદાન નામના પાંચ વાયુઓને ક્રમબંધ કરવા.બીજું પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયો સબંધિત ચપળતાથી દૂર રહેવું.ત્રીજું નિત્ય અને અનિત્યનો વિવેક.પ્રભુનામનો જપ અને પાંચમું આ બધાનો સામુહિક પ્રભાવ સમાધિ.સમાધિની સ્થિતિમાં પહોંચેલ વ્યક્તિ તમામ કામનાઓ અને ચંચળતાથી પર વિના કોઇ વિચાર શાંત અને સ્થિર સ્થિતિમાં હોય છે.આ સ્થિતિમાં પહોચેલ વ્યક્તિના માટે ઇશ્વર સાક્ષાત્કાર અતિ સુલભ બની જાય છે.તેને જ અદ્વેત અવસ્થા કહે છે જ્યાં આત્માનું મિલન ઇશ્વરની સાથે થાય છે એટલે કે ઇશ્વર અને આત્મામાં કોઇ અંતર રહેતું નથી.(૩૦)  

 

ગુરુચરણામ્બુજ નિર્ભર ભકતઃ સંસારાદચિરાદ્ભવ મુક્તઃ

સેન્દ્રિયમાનસ નિયમાદેવં દ્રક્ષ્યસિ નિજ હૃદયસ્થં દેવમ્ (૩૧)

 

ગુરૂદેવના ચરણકમળમાં અનન્ય ભક્તિ રાખનાર હે ભક્ત શિરોમણી ! પોતાના મન અને ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી લેવાના કારણે તમે ખુબ જ જલ્દીથી મુક્તિ મેળવી શકશો.પોતાના હ્રદયમાં સ્થિત પરમાત્માનાં દર્શન કરી શકશો.ગુરૂના બતાવેલ માર્ગ ઉપર ચાલીને સફળતા પ્રાપ્ત કરવા માટે તેમના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે.વિશ્વાસ જ અમોને આગળ વધવા માટે અનંત શક્તિ અને ઉર્જા આપે છે. વિશ્વાસ તેને કહે છે જેના દ્વારા તે શક્તિ ઉપર ભરોસો કરીએ છીએ જેને અમે ક્યારેય જોઇ નથી,પરીણામ સ્વરૂપ જેને જોયો નથી તેનો સાક્ષાત્કાર થાય છે.

જેના મનમાં પોતાના સદગુરૂ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ અને વિશ્વાસ છે તે જ આ અધ્યાત્મમાર્ગમાં સફળતા પ્રાપ્ત કરે છે માટે તમે મન-વચન અને કર્મ વડે ગુરૂચરણોની ભક્તિ કરો,પોતે પોતાને તેમના ચરણોમાં સમર્પણ કરો,તે તમોને મુક્તિના માર્ગે લઇ જશે.   

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

આત્માબોધ

વિવેક ચુડામણી

બ્રહ્મસૂત્રભાષ્ય

બૃહદારણ્યકોપનિષદ્ભાષ્ય

તૈત્તિરીયોપ-નિષદ્ભાષ્ય

છાન્દોગ્યોપનિષદ્ભાષ્ય

ઐતરેયોપનિષદ્ભાષ્ય

ઈશોપનિષદ્ભાષ્ય

કઠોપનિષદ્ભાષ્ય

કેનોપનિષદ્ભાષ્ય

કેનોપનિષદ્વાક્યભાષ્ય

મુંડકોપનિષદ્ભાષ્ય

પ્રશ્નોપનિષદ્ભાષ્ય

ભગવદ્ગીતાભાષ્ય

માંડૂક્યોપનિષદ્ભાષ્ય

ગૌડપાદ-કારિકાભાષ્ય

ઉપદેશસાહસ્રી

બૃહ્ત શંકરવિજય

શંકરાચાર્યના પ્રવાસ દરમિયાન સંખ્યાબંધ શિષ્ય વિદ્વાનો હતા, જેમાં પદ્મપદાચાર્ય (જેને સનંદન પણ કહેવાય છે, જે આત્મા -બોધ સાથે સંકળાયેલું છે )સુરેશ્વરાચાર્ય , તોતકાચાર્ય , હસ્તમાલાકાચાર્ય , ચિત્સુખ, પૃથ્વીધારા, ચિદવિલાસયતી, બોધેન્દ્ર, બ્રહ્મેન્દ્ર અને અન્ય સાહિત્યકારો હતા જેમણે શંકરાચાર્ય, શંકરાચાર્ય, બ્રહ્મેન્દ્ર અને અન્ય લેખકો પર પોતાના સાહિત્યનું સર્જન કર્યું હતું. વેદાંત.

No comments:

Post a Comment