તીર્થયાત્રા..
કોણાર્કનું
સૂર્યમંદિર
કોણાર્ક સૂર્યમંદિર ભારતના ઓરિસ્સા રાજ્યમાં
જગન્નાથપુરીથી ૩૫ કિમી કોણાર્ક નામના શહેરમાં આવેલું છે.આ ભારતવર્ષમાં આવેલા પ્રસિદ્ધ
સૂર્યમંદિરો પૈકીનું એક છે.આ મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત છે.જેને સ્થાનિક લોકો
બિરંચી-નારાયણ કહે છે.આ કારણોસર આ વિસ્તારને આર્ક-ક્ષેત્ર (આર્ક=સૂર્ય) અથવા
પદ્મ-ક્ષેત્ર કહેવામાં આવે છે.પુરાણ કથાનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામ્બને
શ્રાપને કારણે રક્તપિત્તનો રોગ થયો હતો.સામ્બે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર
સંગમ પર કોણાર્ક ખાતે બાર વર્ષ તપસ્યા કરીને સૂર્યદેવને પ્રસન્ન કર્યા હતા.સર્વ
રોગોનો નાશ કરનાર સૂર્યદેવે તેમનો રોગ મટાડ્યો હતો તેથી સામ્બે અહી સૂર્યદેવનું
મંદિર બનાવ્યું હતું.તેમના સાજા થયા પછી ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતી વખતે તેમને
સૂર્ય ભગવાનની મૂર્તિ મળી.આ મૂર્તિ દેવોના શિલ્પી વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવી
હતી.સામ્બે આ મૂર્તિને મિત્રવનમાં તેમના દ્વારા બનાવેલા મંદિરમાં સ્થાપિત કરી ત્યારથી
આ સ્થાન પવિત્ર માનવામાં આવે છે.ઈતિહાસકારોનો મત છે કે કોણાર્ક મંદિરના નિર્માતા
રાજા લાંગૂલ નૃસિંહદેવના અકાળે અવસાનના કારણે મંદિરનું નિર્માણ કાર્ય ખોરવાઈ ગયું
હતું પરિણામે અધૂરું માળખું તૂટી પડ્યું હતું પરંતુ આ વાતને ઐતિહાસિક સમર્થન મળતું
નથી.પુરીના મદલપંજી અનુસાર અને ઇ.સં.૧૨૭૮ના તામ્રપત્રો અનુસાર રાજા લાંગૂલ
નૃસિંહદેવે ૧૨૮૨ સુધી શાસન કર્યું હતું.કોણાર્ક સૂર્યમંદિરનું નિર્માણ ૧૨૫૩ થી
૧૨૬૦ વચ્ચે થયું હતું.
કોણાર્ક શબ્દ 'કોણ' અને 'અર્ક'
શબ્દોથી બનેલો છે.અર્ક એટલે સૂર્ય અને કોણનો અર્થ ખૂણો થાય છે. આ કોણાર્ક
સૂર્યમંદિર બલુઆ લાલ પથ્થર અને કાળા ગ્રેનાઈટના પથ્થરોથી બનેલું છે.આ મંદિર
ઇ.સં.૧૨૩૬ થી ૧૨૬૪ સુધીમાં ગંગવંશના તે સમયના સામંતરાજા નૃસિંહદેવ દ્વારા
બનાવવામાં આવ્યું હતું.આ મંદિરને ૧૯૮૪માં યુનેસ્કો દ્વારા વિશ્વની ધરોહર સ્થળ જાહેર
કરવામાં આવી છે.કલિંગ શૈલીમાં બનાવેલા આ મંદિરમાં સૂર્ય ભગવાન (અર્ક) રથમાં બિરાજમાન
છે તથા પથ્થરો પર ઉત્તમ કોતરણી કરવામાં આવી છે.સમગ્ર મંદિર સ્થળમાં ચક્રોની બાર
જોડી તથા સાત ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે તેવું બનાવવામાં આવ્યું હતું જેમાં
સૂર્ય ભગવાનને રથમાં બેઠેલા બતાવવામાં આવ્યા છે પરંતુ હાલમાં સાતમાંથી એક જ ઘોડો
બચ્યો છે.આ બાર ચક્રો જે મંદિરના પાયાની સુંદરતામાં વધારો કરે છે તથા દરેક ચક્ર
વર્ષના બાર મહિના દર્શાવે છે.આ ચક્ર આઠ આરાથી બનેલું છે જે દિવસના આઠ પ્રહરનું
દર્શાવે છે. મુખ્ય મંદિર ત્રણ મંડપમાં બંધાયેલું છે જેમાંથી બે મંડપ પડી ગયા છે.ત્રીજા
મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ સ્વતંત્રતા પહેલાં રેતી અને પથ્થરો ભરીને
મંદિરને વધુ નુકસાન ન થાય તે માટે તમામ દરવાજા કાયમ માટે બંધ કરી દીધા હતા.આ મંદિરમાં
સૂર્યદેવની ત્રણ મૂર્તિઓ છે.
મંદિરની દક્ષિણબાજુએ બે સુશોભિત ઘોડાઓ છે,જેને ઓરિસ્સા સરકાર દ્વારા રાજચિન્હના
રૂપમાં સ્વીકાર કરેલ છે જે ૧૦ ફુટ લાંબા અને ૭ ફુટ પહોળા છે.આ મંદિર હવે આંશિક
રીતે ખંડેરમાં ફેરવાઈ ગયું છે.આ મંદિર તેની કામુક મુદ્રાઓના શિલ્પો માટે પ્રસિદ્ધ છે.આ
મંદિરમાં ૨૨૯ ફુટ ઊંચું મુખ્ય ગર્ભગૃહ છે. મુખ્ય દેવતા મુખ્ય ગર્ભમાં નિવાસ કરતા
હતા પરંતુ હવે તે તોડી પાડવામાં આવ્યું છે.મંદિરનું મુખ્ય પ્રાંગણ ૮૫૭ ફુટ લાંબુ
અને ૫૪૦ ફુટ પહોળું છે.સૂર્ય મંદિરના શિખર ઉપર એક ચુંબકીય પથ્થર છે તેના પ્રભાવથી
કોણાર્ક નજીકના સમુદ્રમાંથી પસાર થતા જહાજો તેની તરફ ખેંચાઇ આવતા હતા જેનાથી તેને
ભારે નુકસાન થતું હતું.આ પથ્થરને કારણે જહાજોને સાચી દિશા બતાવતા નહોતા તેથી
વહાણોને બચાવવા માટે મુસ્લિમ ખલાસીઓ આ પથ્થરને બહાર કાઢીને લઇ ગયા.આ પથ્થર મુખ્ય
પથ્થર તરીકે કામ કરી રહ્યો હતો જેના કારણે મંદિરની દિવાલોના તમામ પથ્થરો સંતુલિત
હતા.તેની હિલચાલને કારણે મંદિરની દિવાલોએ તેમનું સંતુલન ગુમાવ્યું અને પરિણામે તે
તૂટી પડ્યું હતું પરંતુ આ ઘટના અંગે કોઈ ઐતિહાસિક તથ્ય નથી,ના તો આવા કોઈ ચુંબકીય કેન્દ્રીય પથ્થરના
અસ્તિત્વનું કોઈ વર્ણન છે.
સને ૧૫૬૮માં ઓરિસ્સામાં મુસ્લિમોનો આતંક ઓછો થયો પરંતુ
હિંદુ મંદિરોને તોડી પાડવા પ્રયાસો ચાલુ હતા તેથી કોણાર્કના સૂર્ય મંદિરના પંડાઓએ
મુખ્ય દેવતાની મૂર્તિને ત્યાંથી હટાવીને કોઇ ગુપ્ત સ્થાનમાં વર્ષો સુધી છુપાવીને
રાખી હતી ત્યારપછી આ મૂર્તિને જગન્નાથ મંદિર,પુરીના પ્રાંગણમાં સ્થિત ઈન્દ્રના મંદિરમાં મૂકવામાં આવી
હતી.આ મંદિરની મૂર્તિઓની શોધ ચાલુ છે પરંતુ કહેવાય છે કે સૂર્યદેવની મૂર્તિ જે નવી
દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવી છે તે કોણાર્કની મુખ્ય મૂર્તિ છે. કોણાર્કમાં
મંદિરમાંની મૂર્તિ હટાવ્યા પછી સૂર્ય-વંદના બંધ થઈ ગઈ જેના લીધે કોણાર્કમાં
યાત્રાળુઓનું આગમન બંધ થઈ ગયું છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment