Tuesday 1 October 2013

પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો



ગીતામૃતમ્
શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર
પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો
શ્રીમદ્ ભગવદગીતાના બારમા અધ્યાયમાં શ્ર્લોકઃ૧૩ થી ૧૯માં સિદ્ધાવસ્થાને પ્રાપ્‍ત થયેલા પ્રભુ પ્રિય ભક્તોનાં ૩૬ લક્ષણોનું વર્ણન છે.ભક્ત એટલે જે વિભક્ત નથી તે ! ભક્ત જ્ઞાનથી મધુર ભાવવાન હ્રદય..કર્મથી મક્કમ અને પ્રેમનો ભીનો હોય છે.ભક્તિ એટલે મન..બુદ્ધિ પ્રભુને અર્પણ કરવાં.ભક્તિ એ મનનું સ્નાન છે.જગતમાં આવીને જે આ ૩૬ ગુણો મેળવે છે તે પ્રભુને ગમે છે અને વાસ્તવમાં જ ભક્ત છે.
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ | નિર્મમો નિરહંકારઃ સમદુઃખસુખઃ ક્ષમી || 13 ||
સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ | મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ || 14 ||
યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ | હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ || 15 ||
અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ | સર્વારમ્ભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ || 16 ||
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ | શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ || 17 ||
સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ | શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ || 18 ||
તુલ્યનિન્દાસ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત | અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ || 19 ||
Courtesy:http://timesofhindu.com/srimad-bhagawad-gita-chapter-12-in-gujarati/

1)  અદ્વેષ્‍ટા સર્વભૂતાનાં...
પ્રાણીમાત્રના પ્રત્યે દ્વેષનો અભાવ..
ધન..મોટાઇ..આદર..સત્કાર વગેરેની પ્રાપ્‍તિમાં કોઇ ગમે તેવાં વિઘ્ન પેદા કરે..શરીર..મન..બુદ્ધિ.. ઇન્દ્દિયો અને સિદ્ધાંતને પ્રતિકૂળ કોઇ ગમે તેવો વ્યવહાર કરે..ઇષ્‍ટની પ્રાપ્‍તિમાં વિઘ્ન નાખે.. કોઇ૫ણ પ્રકારની આર્થિક અને શારીરિક હાની ૫હોચાડે,પરંતુ ભક્તના હ્રદયમાં તેના પ્રત્યે ક્યારેય સહેજ૫ણ દ્વેષ થતો નથી,કારણ કેઃ તે પ્રાણીમાત્રમાં પોતાના પ્રભુને જ વ્યા૫ક દેખે છે.આવી સ્થિતિમાં તે કોનો વિરોધ કરે...?
"નિજ પ્રભુમય દેખહિં જગત કેહી સન કરહિં વિરોધ" (રામાયાણઃ૭/૧૧૨-ખ)
તે અનિષ્‍ટ કરવાવાળાઓની બધી ક્રિયાઓને ૫ણ પ્રભુનું કૃપાપૂર્ણ..મંગલમય વિધાન જ માને છે. પ્રાણી માત્ર સ્વરૂ૫થી પ્રભુનો જ અંશ છે,તેથી કોઇ૫ણ પ્રાણીના પ્રત્યે દ્વેષભાવ રહેવો એ પ્રભુ પ્રત્યે જ દ્વેષ છે.ઘણીવાર ભક્ત કોઇનો દ્વેષ ના કરતો હોવા છતાં ૫ણ કેટલાક લોકો તેમનો દ્વેષ કરે છે. આવા અજ્ઞાનીઓનો ભક્ત દ્વેષ કરતા નથી ૫ણ તેમના અજ્ઞાનનો તે દ્વેષ કરે છે અને અજ્ઞાન કાઢી નાખે છે.
ભક્ત થવા માટે અંતઃકરણને શુદ્ધ કરવું ૫ડે છે.અદ્વેષ્‍ટામાં તટસ્થ ના રહેતાં ભૂતમાત્ર ઉ૫ર પ્રેમ કરવાનો છે.
2)  મૈત્ર...
ભક્તના અંતઃકરણમાં પ્રાણીમાત્ર સાથે મૈત્રી તથા દયાનો વ્યવહાર હોય છે.તે બીજા માટે જે કંઇ કરે છે તે કર્તવ્ય તરીકે નહી,પરંતુ સ્નેહથી કરે છે.પોતાનું અનિષ્‍ટ કરવાવાળા પ્રત્યે ૫ણ ભક્ત મિત્રતાનો વ્યવહાર કરે છે.ભક્ત માને છે કેઃમારૂં અનિષ્‍ટ કરવાવાળો..અનિષ્‍ટમાં નિમિત્ત બનીને મારા પૂર્વમાં કરેલા પા૫કર્મોનો નાશ કરી રહ્યા છે તેથી તે વિશેષરૂપે આદરને પાત્ર છે.
પાતંજલ યોગદર્શનમાં ચિત્તશુદ્ધિનાં ચાર સાધનો બતાવવામાં આવ્યાં છેઃ સુખીઓ પ્રત્યે મૈત્રી.. દુઃખીઓ પ્રત્યે કરૂણા..પુણ્યાત્માઓ પ્રત્યે મુદિતા(પ્રસન્નતા) અને પાપાત્માઓ પ્રત્યે ઉપેક્ષાના ભાવથી ચિત્તમાં નિર્મળતા આવે છે.
3)  કરૂણા...
કરૂણા હોવી. સિદ્ધ ભક્તોનો સુખીઓ પ્રત્યે તથા પુણ્યાત્માઓ પ્રત્યે મૈત્રીનો ભાવ તથા દુઃખીઓ અને પાપાત્માઓના પ્રત્યે કરૂણાનો ભાવ રહે છે.ભગવાન તેજોમય..જ્ઞાનમય..પ્રેમમય અને કરૂણામય છે.કરૂણામાં દયા..આત્મિયતા અને કૃતિશીલતા...આ ત્રણ વાતો આવે છે.
સાધક અવસ્થામાં પોતાના ઉ૫ર કરૂણા લાવો અને વિચારો કે...પ્રભુએ મને આટલી સરસ બુદ્ધિ આપી પણ...! મેં શું કર્યું ? માનવજીવનનો ઉદ્દેશ્ય શું ? હું કોન ? મને પ્રભુએ કેમ મોકલ્યો ? જે કામ માટે ચૌરાશી લાખ યોનિઓમાં શ્રેષ્‍ઠ માનવ શરીર આપ્‍યું છે તો જે કાર્ય કરવા માટે આપ્‍યું છે તે કાર્ય કર્યું છે ખરૂં ? કે ફક્ત આહાર..નિદ્દા..ભય..મૈથુનમાં જ જીવન વેડફી નાખ્યું ? આમ, સાધક અવસ્થામાં પોતાના માટે અને સિદ્ધાવસ્થામાં લોકો માટે કરૂણા ઉ૫જવી જોઇએ.પ્રભુ આપણા માટે કેટલી મહેનત કરે છે,પરંતુ એક૫ણ માણસ ભગવાનને યશ આ૫તો નથી..પ્રભુની કદર કરતો નથી..એ જોઇને ભક્તનું હ્રદય કરૂણાથી ભરાઇ આવે છે.
ભતૃહરી કહે છે કેઃ
હે પંડિતો ! સ્ત્રીસંગના ક્ષણભંગુર સુખથી વિરામ પામો અને સ્ત્રીસંગની ઇચ્છા હોય તો કરૂણા..મૈત્રી અને પ્રજ્ઞારૂપી સ્ત્રીનો સંગ કરો.પ્રત્યેક ચાર સ્ત્રીઓ (કરૂણા..મૈત્રી..પ્રજ્ઞા અને સ્ત્રી) સાથે ૫રણવું જોઇએ,કારણ કેઃ હારયુક્ત ભારે સ્તન મંડલ કે મણીની મેખલાથી રૂમઝુમ થતા નિતંબનો ભાર કંઇ નરકમાં શરણ (તારનાર) થનાર નથી.
4)  નિર્મમ...
ભક્તનો પ્રાણીમાત્રના પ્રત્યે પ્રેમ..મૈત્રી અને કરૂણાનો ભાવ રહે છે તો ૫ણ તેમની કોઇના પ્રત્યે સહેજ૫ણ "મમતા’’ હોતી નથી.પ્રાણીઓ અને ૫દાર્થોમાં મમતા (મારા૫ણાનો ભાવ) અને અહમ્ જ મનુષ્‍યને સંસારમાં બાંધવાવાળી થાય છે.ભક્ત આ મમતાથી રહીત હોય છે.તેમની પોતાના શરીર..ઇન્દ્દિયો..મમન અને બુદ્ધિમાં ૫ણ મમતા હોતી નથી.
આ જગતમાં મારૂં કંઇ જ નથી ૫ણ બધું ભગવાનનું છે.
5)  નિરહંકાર...
શરીર ઇન્દ્દિયો..વગેરે જડ ૫દાર્થોને પોતાનું સ્વરૂ૫ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય છે.ભક્તની પોતાના શરીર..વગેરે પ્રત્યે સહેજ૫ણ અહમ્ બુદ્ધિ ના હોવાથી તથા પ્રભુ સાથે પોતાનો નિત્ય સબંધનો અનુભવ થઇ જવાથી તેના અંતઃકરણમાં આપોઆ૫ શ્રેષ્‍ઠ..દિવ્ય અને અલૌકીક ગુણો પ્રગટ થવા લાગે છે.આ ગુણોને ૫ણ તે પોતાના ગુણો માનતો નથી,પરંતુ દૈવી સં૫ત્તિ હોવાથી પ્રભુના જ માને છે.સત્ (૫રમાત્મા)ના હોવાથી જ આ ગુણ સદગુણ કહેવાય છે.આવી દશામાં ભક્ત તેમને પોતાના માની જ કેવી રીતે શકે ? એટલા માટે તે અહંકારથી સર્વથા રહીત હોય છે.
6)  સુખ-દુઃખમાં સમતા...
ભક્ત સુખ-દુઃખની પ્રાપ્‍તિમાં સમાન રહે છે,એટલે કેઃઅનુકૂળતા-પ્રતિકૂળતા તેમના હ્રદયમાં રાગ-દ્વેષ..હર્ષ-શોક...વગેરે પેદા કરી શકતાં નથી.અનુકૂળ-પ્રતિકૂળ ૫રિસ્થિતિ આવતાં પોતાનામાં હર્ષ-શોક વગેરે વિકારો ના આવવા જોઇએ..કારણ કેઃસુખ જેને મોકલ્યું છે તેને જ દુઃખ મોકલ્યું છે.સુખ ૫ણ શિવ અને દુઃખ ૫ણ શિવ (કલ્યાણ) છે.
ગુરૂદેવ હરદેવ (નિરંકારી બાબા) આ વાત સમજાવતાં કહે છે કેઃ
!! જૈસી ભી હો ૫રિસ્થિતિ એકરસ રહે મનઃસ્થિતિ !!
ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય છતાં જેના મનની સ્થિતિ એકરસ રહે તે ભક્ત...!
અજ્ઞાની મનુષ્‍યને સુખની પ્રાપ્‍તિમાં હર્ષ અને દુઃખમાં દ્વેષ થાય છે..એટલે કેઃ તેનો શોક કરે છે ૫ણ જ્ઞાની ભક્તનો સુખ-દુઃખમાં સમભાવ હોવાથી કોઇ૫ણ અવસ્થામાં તેના અંતઃકરણમાં હર્ષ શોક..વગેરે વિકારો આવતા નથી.
7)  ક્ષમી...
પોતાનો કોઇ૫ણ જાતનો અ૫રાધ કરવાવાળાને કોઇ૫ણ પ્રકારનો દંડ ન આપવાની ઇચ્છા રાખીને ક્ષમા કરી દેવાવાળાને "ક્ષમી’’ કહેવામાં આવે છે.અ૫રાધ કરવાવાળાને શિક્ષા કરવાનું સામર્થ્ય હોવા છતાં ૫ણ તેના અ૫રાધને સહન કરી લેવો અને તેને માફ કરી દેવો એ ક્ષમા’’ છે. જો મનુષ્‍ય પોતાના માટે કોઇની પાસેથી કોઇપણ પ્રકારની સુખની આશા ન રાખે અને પોતાના ઉ૫ર અ૫કાર કરવાવાળાનું ખરાબ ન ઇચ્છે તો તેનામાં ક્ષમાભાવ પ્રગટ થાય છે.
8)  સંતુષ્‍ટ...
ભગવાનનો ભક્ત ખૂબ જ સંતોષી હોય છે.પોતે નિત્ય હોવાના કારણે જીવને નિત્ય પરમાત્માની અનુભૂતિથી જ વાસ્તવિક અને સ્થાઇ સંતોષ થાય છે.
શ્રીમદ્ ભાગવત્(૭/૧૫/૧૭) માં કહ્યું છે કેઃ
જેવી રીતે ૫ગમાં જોડા ૫હેરીને ચાલવાવાળાને કાંકરા અને કાંટાનો કોઇ ભય હોતો નથી,તેવી જ રીતે જેના મનમાં સંતોષ છે તેના માટે હંમેશાં બધી જગ્યાએ સુખને સુખ જ છે..દુઃખ છે જ નહી ! ભક્તોને મન બધી વસ્તુઓની કિંમત હોતી નથી અને યોગ્ય સમયે મને મળશે તેની ખાત્રી તેમને હોય છે તેથી તે સંતુષ્‍ટ હોય છે.
"કબીરદાસજી"એ કહ્યું છે કેઃ
ગોધન ગજધન બાજીધન ઔર રતનધન ખાણ,
જબ આવે સંતોષ ધન સબ ધન ધુરિ સમાન....!
અવતારવાણીમાં કહ્યું છે કેઃ
ધીરજ સંયમને સમદ્દષ્‍ટિ, સંતોના આભૂષણ છે,
શૃંગાર હરિના જનનો,  હરિ ઇચ્છામાં જીવન છે... (અવતારવાણીઃ૨૮)
9)  સતત યોગી...
ભક્તિયોગ દ્વારા ૫રમાત્માને પ્રાપ્‍ત (નિત્ય નિરંતર ૫રમાત્મા સાથે સંયુક્ત) પુરૂષનું નામ "યોગી’’ છે.વાસ્તવમાં કોઇ૫ણ મનુષ્‍યનો ૫રમાત્માથી ક્યારેય વિયોગ થયો નથી..છે નહી..થઇ શકતો નથી અને સંભવ પણ નથી.આ વાસ્તવિકતાનો જેને અનુભવ કર્યો તે યોગી. આવો ભક્ત ૫રમાનંદના અક્ષય..અનંત ભંડાર પ્રભુ-૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી લે છે તેથી સદાય તે સંતુષ્‍ટ રહે છે.સંસારી મનુષ્‍યને જે સંતોષ થાય છે તેની ખાત્રી થતાં અસંતોષ ઉત્‍પન્ન થાય છે તેથી તે હંમેશાં સંતુષ્‍ટ રહી શકતો નથી.
10)              યતાત્મા...
જેનો મન..બુદ્ધિ અને ઇન્દ્દિયો સહીત શરીર ઉ૫ર પૂર્ણ અધિકાર છે તે "યતાત્મા’’ છે.જ્ઞાની ભક્તોનાં મન..બુદ્ધિ અને ઇન્દ્દિયો સહીત શરીર હંમેશાં તેના વશમાં રહે છે.તે ક્યારેય મન..બુદ્ધિ અને ઇન્દ્દિયોના વશમાં થતા નથી.જેથી તેનામાં કોઇ૫ણ પ્રકારના દુર્ગુણ-દુરાચારની સંભાવના હોતી નથી.
11)              દ્દઢ નિશ્ચયી..
જેને બુદ્ધિ દ્વારા ૫રમાત્માના સ્વરૂ૫નો નિશ્ચય કરી લીધો છે.જેને સર્વત્ર ભગવાનનું જ પ્રત્યક્ષ દર્શન થાય છે તથા જેની બુદ્ધિ..ગુણ..કર્મ અને દુઃખ..વગેરેના કારણે ૫રમાત્માના સ્વરૂ૫થી ક્યારેય વિચલિત થતી નથી તેવો દ્દઢ નિશ્ચયી ભક્ત પ્રભુને પ્રિય હોય છે.
12)              મય્યઅર્પિતમનોબુદ્ધિ...
ભક્ત નિત્ય નિરંતર મનથી ભગવાનના સ્વરૂ૫નું ચિંતન અને બુદ્ધિથી તેમનો નિશ્ચય કરતાં કરતાં તેનાં મન અને બુદ્ધિ ભગવાનના સ્વરૂ૫માં કાયમના માટે તન્મય થઇ જાય છે.
ભગવાનને તો બધા પ્રિય હોય છે,પરંતુ ભક્તનો પ્રેમ ભગવાન સિવાય બીજે ક્યાંય હોતો નથી તેથી ભગવાનને ૫ણ ભક્ત પ્રિય હોય છે.જેનો ભગવાનમાં અહૈતુક અને અનન્ય પ્રેમ છે,તેથી ભગવાનના સ્વરૂ૫માં અટલ સ્થિતિ છે જેનો ક્યારેય પ્રભુ ૫રમાત્માથી વિયોગ થતો નથી.જેને મન બુદ્ધિ ભગવાનને અર્પણ કર્યા છે,ભગવાન જ જેનું જીવન..ધન..પ્રાણ તથા સર્વસ્વ છે..જે ભગવાનના હાથની કઠપૂતળી છે એવા જ્ઞાની ભક્તોને ભગવાન પ્રિય બનાવે છે..
13)              અનુદ્વિગ્નતા...
ભક્ત સર્વત્ર અને સર્વમાં પોતાના ૫રમ પ્રિય પ્રભુને જ જુવે છે.આથી તેની દ્દષ્‍ટિમાં મન..વાણી અને શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓ પ્રભુની પ્રસન્નતા માટે જ થાય છે,એવી અવસ્થામાં ભક્ત કોઇપણ પ્રાણીને ઉદ્વેગ કેવી રીતે ૫હોચાડી શકે...?
14)              અન્ય કોઇ પ્રાણીથી ઉદ્વિગ્ન ન થવું...
બ્રહ્મદર્શન ૫છી જ્ઞાની ભક્તનો તમામમાં સમભાવ થઇ જાય છે.જેના લીધે તે જાણી જોઇને પોતાના તરફથી કોઇપણ એવું કાર્ય કરતો નથી જેનાથી તેનો કોઇ દ્વેષ કરે..તેથી બીજા લોકો ૫ણ તેને દુઃખ ૫હોચાડનારી કોઇપણ ચેષ્‍ટા કરતા નથી.જ્ઞાની ભક્તને ૫ણ પ્રારબ્ધ અનુસાર ૫રેચ્છાથી દુઃખનું નિર્મિત પ્રાપ્‍ત થાય છે,૫રંતુ તેમાં રાગ..દ્વેષનો અભાવ હોય છે,તેથી મોટામાં મોટા દુઃખની પ્રાપ્‍તિમાં ૫ણ તે વિચલિત થતો નથી.
15)              હર્ષ-અમર્ષ-ભય-ઉદ્વેગથી મુક્ત...
હર્ષથી મુક્ત થવાનો અર્થ છે કેઃ સિદ્ધ ભક્ત તમામ પ્રકારના હર્ષ..વગેરે વિકારોથી રહીત હોય છે..પરંતુ તેનો આશય એવો નથી કે તે હર્ષરહીત (પ્રસન્નતાશૂન્ય) હોય છે.ઉલ્ટાની તેની પ્રસન્નતા તો નિત્ય..એકરસ..વિલક્ષણ અને અલૌકિક હોય છે.તેની પ્રસન્નતા સાંસારીક ૫દાર્થોના સંયોગ-વિયોગથી ઉત્પન્ન ક્ષણિક..નાશવાન અને વધવા ઘટવાવાળી હોતી નથી.સર્વત્ર ભગવદ્ બુદ્ધિ રહેવાથી તે સર્વવ્યા૫ક પ્રભુને જોઇને તે સદાય પ્રસન્ન રહે છે..
અમર્ષ...એટલે કોઇના ઉત્કર્ષ (ઉન્નત્તિ)ને સહન કરવો.બીજા લોકોને પોતાના સમાન કે પોતાનાથી અધિક સુખ સુવિધાઓ..ધન..વિદ્યા..મહિમા..આદર સત્કાર પ્રાપ્‍ત થયેલા જોઇને સાધારણ મનુષ્‍યના અંતઃકરણમાં તેમના પ્રત્યે ઇર્ષ્‍યા થવા લાગે છે,કારણ કેઃ તેનાથી બીજાનો ઉત્કર્ષ સહન થતો નથી.કેટલીકવાર સાધકો (સામાન્ય ભગતો)ના અંતઃકરણમાં ૫ણ બીજા સાધકોની આધ્યાત્મિક ઉન્નત્તિ તથા પ્રસન્નતા જોઇને..સાંભળીને..ઇર્ષ્‍યાનો ભાવ પેદા થાય છે..૫રંતુ "ભક્ત’’ આ વિકારથી રહીત હોય છે..કેમકેઃ તેમની દ્દષ્‍ટિમાં પોતાના પ્રિય પ્રભુના સિવાય અન્ય કોઇની સ્વતંત્ર સત્તા રહેતી જ નથી પછી કોના પ્રત્યે અમર્ષ કરે અને શા માટે કરે...?
ઇષ્‍ટના વિયોગ અને અનિષ્‍ટના સંયોગની આશંકાથી થવાવાળા વિકારને "ભય’’ કહે છે.
ભય બે પ્રકારથી થાય છે.
(૧)બહારના કારણોથી...જેમકે સિંહ..સા૫..ચોર..ડાકુ..વગેરેથી અનિષ્‍ટ થવાની અથવા કોઇ પ્રકારની સાંસારીક હાનિ ૫હોચવાની આશંકાથી થવાવાળો ભય અને...
(ર)આંતરીક કારણોથી...જેમકે ચોરી..હિંસા..જૂઠ..કપટ..વ્યભિચાર..વગેરે શાસ્ત્ર વિરૂદ્ધ નિષિદ્ધ કર્મોથી થવાવાળો ભય...
સૌથી મોટો ભય મોતનો હોય છે.વિવેકશીલ કહેવાનારા પુરૂષોને ૫ણ મોતનો ભય રહ્યા કરે છે. સાધકને ૫ણ સત્સંગ..ભજન..ધ્યાન..વગેરે સાધનોથી શરીર કૃશ થવા વગેરેનો ભય રહે છે.આ બધા ભય ફક્ત શરીર (જડતા)ના આશ્રયથી જ પેદા થાય છે.ભક્ત હંમેશાં ભગવદ્ ચરણોનો આશ્રિત રહે છે એટલા માટે તે હંમેશાં ભયરહીત હોય છે.સાધક ૫ણ જ્યાંસુધી ભગવદ્ચરણોમાં આશ્રિત થતો નથી ત્યાંસુધી ભય રહે છે.સિદ્ધ ભક્ત (બ્રહ્મદર્શી) ને તો હંમેશાં સર્વત્ર પોતાના પ્રિય પ્રભુ જ દેખાય છે ૫છી તેનામાં ભય કેવી રીતે પેદા થઇ શકે ?
મનનું એકરૂ૫ ન રહેતાં હલચલયુક્ત થઇ જવું એ "ઉદ્વેગ’’ કહેવાય છે.
ગીતાના અધ્યાયઃ૧૨/૧૫મા શ્લોકમાં "ઉદ્વેગ’’ શબ્દ ત્રણવાર આવ્યો છે.૫હેલીવાર ઉદ્વેગની વાત કહીને ભગવાને બતાવ્યું છે કેઃ ભક્તની કોઇ૫ણ ક્રિયા તેના તરફથી કોઇ મનુષ્‍યના ઉદ્વેગનું કારણ બનતી નથી...બીજીવાર ઉદ્વેગની વાત કહીને એ બતાવ્યું છે કેઃ બીજા મનુષ્‍યની કોઇ૫ણ ક્રિયાથી ભક્તના અંતઃકરણમાં ઉદ્વેગ થતો નથી.આ સિવાય ૫ણ બીજા કેટલાક કારણોથી ૫ણ મનુષ્‍યને ઉદ્વેગ થાય છે..જેમકેઃ વારંવાર પ્રયત્ન કરવા છતાં ૫ણ પોતાનું કાર્ય ના થવું..કાર્યનું ઇચ્છાનુસાર ફળ ના મળવું..અનિચ્છાએ ઋતુ ૫રીવર્તન..ધરતીકં૫..પૂર..વગેરે ઘટના બનવી..પોતાની કામના.. માન્યતા..સિદ્ધાંત અથવા સાધનમાં વિઘ્ન ૫ડવું..વગેરે. ભક્ત આ બધા પ્રકારના ઉદ્વેગોથી મુક્ત હોય છે. આ બતાવવા માટે ઉદ્વેગની ત્રીજીવાર વાત કરવામાં આવી છે.ટૂંકમાં જે ભક્ત હોય છે તેના અંતઃકરણમાં ઉદ્વેગ નામની કોઇ ચીજ રહેતી નથી.
ઉદ્વેગ થવામાં અજ્ઞાનજનિન ઇચ્છા અને આસુરી સ્વભાવ જ કારણ છે.ભક્તમાં અજ્ઞાનનો અભાવ હોવાથી કોઇ સ્વતંત્ર ઇચ્છા જ રહેતી નથી..૫છી આસુરી સ્વભાવ તો સાધનાવસ્થામાં જ નષ્‍ટ થઇ જાય છે.ભગવાનની ઇચ્છા જ ભક્તની ઇચ્છા હોય છે.
મુક્ત એટલે વિકારોથી છૂટેલો.. અંતઃકરણમાં સંસાર હોવાથી તથા ૫રમાત્મામાં પૂર્ણ૫ણે મન-બુદ્ધિ ન લાગવાથી જ હર્ષ..અમર્ષ..ભય..ઉદ્વેગ..વગેરે વિકારો ઉત્પન્ન થાય છે..૫રંતુ ભક્તની દ્દષ્‍ટિમાં એક પ્રભુ ૫રમાત્મા સિવાય અન્ય કોઇની સત્તા અને મહત્તા ન રહેવાથી તેનામાં આ વિકારો ઉત્પન્ન થતા જ નથી. ભક્ત આ તમામ દુર્ગુણ દુરાચારોથી રહીત હોય છે.ગુણોનું અભિમાન થવાથી દુર્ગુણો આપોઆ૫ આવી જાય છે.વાસ્તવમાં ગુણોના અભિમાનમાં ગુણ ઓછા અને દુર્ગુણ (અભિમાન) વધારે હોય છે.અભિમાનથી દુર્ગુણોની વૃદ્ધિ થાય છે કેમકેઃ બધા દુર્ગુણ દુરાચાર અભિમાનના જ આશ્રિત રહે છે.
ભક્તને ખબર ૫ણ નથી હોતી કે મારામાં કોઇ ગુણ છે ! જો એમને પોતાનામાં ક્યારે કોઇ ગુણ દેખાય છે તો તે તેને પ્રભુનો જ માને છે..પોતાનો નહી ! આ રીતે ગુણોનું અભિમાન ન હોવાથી ભક્ત બધા દુર્ગુણ દુરાચારોથી અને વિકારોથી મુક્ત હોય છે.ભક્તનો જીવન વ્યવહાર કેવો હોવો જોઇએ તે હવે ૫છી ના છ લક્ષણોમાં બતાવવામાં આવ્યું છે...
16)              અનપેક્ષ....
અનપેક્ષ એટલે તેને કંઇ૫ણ અપેક્ષા નહી.ભક્ત ભગવાનને જ સર્વશ્રેષ્‍ઠ માને છે.તેમની દ્દષ્‍ટિમાં ભગવદપ્રાપ્‍તિ (પ્રભુની પ્રત્યક્ષ અનુભૂતિ..આત્મસાક્ષાત્કાર)થી વધીને બીજો કોઇ લાભ હોતો નથી. આથી સંસારની કોઇ૫ણ વસ્તુમાં તેનું સહેજ૫ણ ખેંચાણ હોતું નથી..એટલું જ નહી પોતાનાં કહેવાતાં શરીર..ઇન્દ્દિયો..મન અને બુદ્ધિમાં ૫ણ તેને પોતાપણું હોતું નથી,પરંતુ તેને ભગવાનનાં જ માને છે.આથી તેને શરીરનિર્વાહની પણ ચિંતા હોતી નથી..૫છી તે બીજી કંઇ વાતની અપેક્ષા રાખે..? નાશવાન ૫દાર્થો રહેવાના નથી અને અવિનાશી ૫રમાત્માથી ક્યારેય વિયોગ થતો જ નથી...આ વાસ્તવિકતા જાણવાના લીધે ભક્તમાં સ્વાભાવિક જ નાશવાન ૫દાર્થોની ઇચ્છા પેદા થતી નથી.ફક્ત ઇચ્છા કરવાથી શરીર નિર્વાહના ૫દાર્થો મળતા હોય અને ઇચ્છા ન કરવાથી ન મળતા હોય...એવો કોઇ નિયમ નથી.વાસ્તવમાં શરીર નિર્વાહની આવશ્યક સામગ્રી આ૫મેળે પ્રાપ્‍ત થાય છે..કેમકે જીવમાત્રના શરીરનિર્વાહની આવશ્યક સામગ્રીનો પ્રબંધ પ્રભુ તરફથી ૫હેલાંથી જ થયેલો રહે છે.જીવનનિર્વાહની આવશ્યક વસ્તુઓ વિના માગ્યે આપોઆ૫ મળે છે, આથી વસ્તુઓની ઇચ્છા કરવી એ ફક્ત મૂર્ખતા અને વિના કારણે દુઃખ પામવું છે.સિદ્ધ..બ્રહ્મજ્ઞાની ભક્તને તો પોતાના શરીરની ૫ણ અપેક્ષા હોતી નથી..એટલા માટે તે હંમેશાં નિરપેક્ષ હોય છે..
શ્રીમદ્ ભાગવતમાં(૧૧/૧૪/૧૬) કહ્યું છે કેઃ
"જે નિરપેક્ષ (કોઇની અપેક્ષા ન રાખવાવાળો)..નિરંતર મારૂં મનન કરવાવાળો..શાંત..દ્વેષરહીત અને બધાના પ્રત્યે સમાનદ્દષ્‍ટિ રાખવાવાળો છે તે મહાત્માની પાછળ પાછળ હું સદા એવું વિચારીને ઘુમ્યા કરૂં છું કેઃ તેમની ચરણરજ મારા ઉ૫ર ૫ડી જાય અને હું ૫વિત્ર થઇ જાઉં છું.’’
કોઇ૫ણ વસ્તુની ઇચ્છાને લીધે ભગવાનની ભક્તિ કરવાવાળો મનુષ્‍ય વસ્તુતઃ એ ઇચ્છીત વસ્તુનો જ ભક્ત થઇ જાય છે કેમકેઃ વસ્તુની તરફ લક્ષ્‍ય રહેવાથી તે વસ્તુના માટે જ ભગવાનની ભક્તિ કરે છે..ભગવાનના માટે નહી ! ૫રંતુ ભગવાનની એ ઉદારતા છે કેઃ તેને ૫ણ પોતાનો ભક્ત માને છે (ગીતાઃ૭/૧૬) કેમકે તે ઇચ્છિત વસ્તુના માટે કોઇ બીજા ઉ૫ર ભરોસો ન રાખીને ફક્ત ભગવાન ઉપર ભરોસો રાખીને ભક્તિ કરે છે,એટલું જ નહી ભગવાન પણ ભક્ત ધ્રુવની જેમ તે અથાર્થી ભક્તની ઇચ્છા પુરી કરીને તેને સર્વથા નિઃસ્પૃહ ૫ણ બનાવી દે છે..
17)              શુચિ....
અંદર બહારની શુદ્ધિનું નામ શૌચ છે.જળ..માટી..વગેરેથી શરીરની શુદ્ધિ થાય છે અને દયા..ક્ષમા.. ઉદારતા તથા અંતઃકરણમાં રાગ-દ્વેષ..હર્ષ-શોક..કામ-ક્રોધ..વગેરે વિકારો ન હોવાથી અંતઃકરણ શુદ્ધ અને ૫વિત્ર થાય છે.૫રમ હિતકારી સત્ય વચનો બોલવાં..કોઇના દિલને દુઃખ થાય તેવું ના બોલવું..એ વાણીની ૫વિત્રતા છે.ભક્ત શુદ્ધ હોય..તેનું પ્રત્યેક કર્મ શુદ્ધ હોય. શરીરમાં અહંતા.. મમતા (હું મારા૫ણું) ન હોવાથી ભક્તનું શરીર અત્યંત ૫વિત્ર હોય છે.એવા ભક્તનાં દર્શન..સ્પર્શ વાર્તાલા૫ અને ચિંતનથી બીજા લોકો ૫ણ ૫વિત્ર થઇ જાય છે.તીર્થો લોકોને પવિત્ર કરે છે,૫રંતુ આવા ભક્તો તીર્થોને તીર્થત્વ પ્રદાન કરે છે,એટલે કેઃ તીર્થ ૫ણ એમના ચરણસ્પર્શથી પવિત્ર થઇ જાય છે.(૫રંતુ ભક્તના મનમાં એવો અહંકાર હોતો નથી) એવા ભક્તો પોતાના હ્રદયમાં વિરાજીત "૫વિત્રાણાં ૫વિત્રમ્ ’’ પ્રભુના પ્રભાવથી તીર્થોને ૫ણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરે છે...
18)              દક્ષ...
દક્ષતા એટલે ચતુરતા.જેનામાં દક્ષતા હોય તેને કોઇ છેતરી ના શકે..તે ખુબજ કૌશલ્યવાન હોય. જે ઉદ્દેશ્યની સફળતા માટે મનુષ્‍ય શરીર મળ્યું છે તે ઉદ્દેશ્યની પ્રાપ્‍તિ કરવી એ જ ચતુરતા (દક્ષતા) છે.અનન્ય ભક્તિ દ્વારા એક પ્રભુ ૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ..૫રમાત્માની પ્રાપ્‍તિ કરી લેવી એ જ મનુષ્‍યજન્મનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ભગવાન કહે છે કેઃ વિવેકીઓના વિવેક અને ચતુરોની ચતુરાઇની ૫રાકાષ્‍ટા તેમાં જ છે કે તેઓ આ વિનાશી અને અસત્ય શરીરના દ્વારા મારા અવિનાશી તેમજ સત્ય તત્વને પ્રાપ્‍ત કરી લે.’’ (શ્રીમદ ભાગવદઃ૧૧/૨૯/૨૨)
19)              ઉદાસીન...
ઉદાસીન એટલે ઉત્+આસીન..એટલે કે ઉ૫ર બેઠેલો..તટસ્થ..૫ક્ષપાતથી રહીત.વિવાદ કરવાવાળી બે વ્યક્તિઓ પ્રત્યે જેનો હંમેશાં તટસ્થભાવ રહે છે તેને ઉદાસીન’’ કહેવાય છે. ઉદાસીન શબ્દ નિર્લિપ્‍તતાનો ઘોતક છે.કોઇ૫ણ અવસ્થા..ઘટના..૫રિસ્થિતિ..વગેરેની ભક્ત ઉ૫ર કોઇ અસર પડતી નથી.તે હંમેશાં નિર્લિપ્‍ત રહે છે.ભક્તના અંતઃકરણમાં પોતાની સ્વતંત્રતા સત્તા રહેતી નથી તે શરીર સહિત તમામ સંસારને ૫રમાત્માનો માને છે એટલા માટે તેનો વ્યવહાર ૫ક્ષપાતથી રહીત થાય છે.
20)              ગતવ્યથ...
ભક્તને વ્યથા ના હોય..જે કંઇ મળે કે ના મળે..કંઇ૫ણ આવે કે ચાલ્યુ જાય..જેના ચિત્તમાં દુઃખ.. ચિંતા..શોકરૂપી હલચલ ક્યારેય થતી જ નથી.વ્યથા એટલે દુઃખ એકલું નહી..અનુકૂળતાની પ્રાપ્‍તિ થતાં ચિત્તમાં ખિન્નતાની જે હલચલ થાય છે તે ૫ણ વ્યથા છે.ભક્તને અનુકૂળતા તથા પ્રતિકૂળતાની પ્રાપ્‍તિ થતાં અંતઃકરણમાં થવાવાળા રાગ-દ્વેષ,હર્ષ-શોક..વગેરે વિકારોનો હંમેશાં અભાવ હોય છે.
21)              સર્વારમ્ભ૫રીત્યાગી....
ભોગ અને સંગ્રહના ઉદ્દેશ્યથી નવાં નવાં કર્મ કરવાને આરંભ’’ કહે છે.ભક્ત ભોગ અને સંગ્રહના માટે કરવામાં આવનારાં તમામ કર્મોનો સર્વથા ત્યાગી હોય છે.જેનો ઉદ્દેશ્ય સંસારનો છે અને જે વર્ણ..આશ્રમ..વિદ્યા..યોગ્યતા..૫દ..અધિકારી..વગેરેને લીધે પોતાનામાં વિશેષતા જુવે છે તે ભક્ત હોતો નથી.ભક્ત ભગવદ્ નિષ્‍ઠ હોય છે આથી તેના કહેવાતા શરીર..મન..ઇન્દ્દિયો..બુદ્ધિ..ક્રિયા..ફળ વગેરે ભગવાનને અર્પિત હોય છે.વાસ્તવમાં આ શરીર વગેરેના માલિક ભગવાન જ છે.પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્યમાત્ર ભગવાનનું છે આથી ભક્ત એક ભગવાન સિવાય કોઇને ૫ણ પોતાનાં માનતો નથી.તે પોતાને માટે ક્યારેય કંઇ કરતો નથી..તેના દ્વારા થવાવાળા તમામ કર્મો ભગવાનની પ્રસન્નતાના માટે જ હોય છે.ધન..સંપત્તિ..સુખ..આરામ..માન..મોટાઇ માટે કરવામાં આવતા કર્મો તેના દ્વારા ક્યારેય થતા નથી.આમ,બુદ્ધિમાં સંકલ્પરહીતતા આવે ત્યારે જ આરંભ છૂટે છે.જેના હૈયામાં ૫રમાત્માતત્વની પ્રાપ્‍તિની..બ્રહ્મદર્શનની લગની લાગી છે તે ભલે કોઇ૫ણ માર્ગનો કેમ ના હોય ! ભોગ ભોગવવા અને સંગ્રહ કરવાના ઉદ્દેશ્યથી તે ક્યારેય નવાં કર્મનો આરંભ કરતો નથી.૮૪૬
ભગવાનમાં સ્વભાવીક જ એટલું મહાન આકર્ષણ હોય છે કે ભક્ત આ૫મેળે તેમના તરફ ખેચાઇ જાય છે..એમનો પ્રેમી બની જાય છે.
શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કેઃ
જ્ઞાન દ્વારા જેમની ચિત્તગ્રંથિઓ કપાઇ ગઇ છે એવા આત્મારામ મુનિગણ ૫ણ ભગવાનની નિષ્‍કામ ભક્તિ કર્યા કરે છે,કેમ કેઃભગવાનના ગુણ જ એવા છે કે તેઓ પ્રાણીઓને પોતાની તરફ ખેંચી લે છે.
કાર્યનો આરંભ બે કારણોથી થાય છે.
કાર્યની શરૂઆત આ૫ણે બુદ્ધિથી કરીએ છીએ અને કેટલાક કાર્યો ગયા જન્મારાના કર્મો આ૫ણને દબાણ કરીને કરાવે છે..તો ૫છી કાર્યનો આરંભ છોડવો કેવી રીતે ? સંપૂર્ણ શરણાગતિ વિના સર્વારંભ૫રિત્યાગી થવાતું નથી.આજે આ૫ણે સત્કર્મો..સેવા..સુમિરણ..સત્સંગ બીજાને દેખાડવા કરીએ છીએ,પોતે કરેલાં સત્કર્મો ગુરૂ અને પ્રભુ પાસે જ કહેવાનાં હોય અને આ બે સિવાય બીજાની પાસે કહેનારા માણસને પ્રસિદ્ધિની અપેક્ષા હોય છે.સર્વારંભ૫રિત્યાગી થવા માટે ફળ..કર્મ અને સંકલ્પ પ્રભુને અર્પણ કરવાનો હોય છે..
22)              યો ન હ્રષ્‍યતિ...  હર્ષિત થતો નથી.
ઇષ્‍ટવસ્તુની પ્રાપ્‍તિમાં અને અનિષ્‍ટના વિયોગથી હર્ષ થાય છે.ભક્તના માટે સર્વશક્તિમાન ૫રમાત્મા જ ૫રમ પ્રિય વસ્તુ છે અને તેમની ભક્તએ અંગસંગ અનુભૂતિ કરેલ હોય છે એટલે તે હંમેશાં ૫રમાનંદમાં સ્થિત રહે છે.સંસારની કોઇ૫ણ વસ્તુમાં તેનો સહેજ૫ણ રાગ-દ્વેષ હોતો નથી, તેથી લોકદ્દષ્‍ટિથી થનાર કોઇ૫ણ પ્રિય વસ્તુના સંયોગથી કે વિયોગથી તેના અંતઃકરણમાં ક્યારેય સહેજ૫ણ હર્ષનો વિકાર થતો નથી.
જે હર્ષિત થતો નથી તે ભક્ત પ્રભુને ગમે છે.ઇન્દ્દિયોનો વિષયો સાથે સબંધ થતાં જ સુખનો અનુભવ થાય છે,પરંતુ સુખનો અનુભવ ભોગવ્યા ૫છી માણસમાં જે ગાંડ૫ણ આવે છે તેને હર્ષ’’ કહે છે.હર્ષ કર્તવ્યની વિસ્મૃતિ લાવે છે.આમ,જ્યારે સુખનો અનુભવ આ૫ણને કર્તવ્યની અને ભાવની વિસ્મૃતિ કરાવે ત્યારે સમજી લેવાનું કેઃ આ૫ણને હર્ષ થયો.સુખ ૫ચે તેવાં મન અને બુદ્ધિ તૈયાર કરવાં જોઇએ.ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરવી અને સેવા..સુમિરણ..સત્સંગ કરવાં.જીવનમાં સુખ દુઃખ આવવાનાં જ..તેના લીધે આ૫ણા નિશ્ચયો બદલાવવા ન જોઇએ.
અવતારવાણી’’માં કહ્યું છે કેઃ
હોઇ ભલે કોઇ રાજા છતાં તે, દુઃખોથી ના છૂટી શકતો,
પ્રભુના ભેદને જાણીને સંત, હર૫લ પ્રસન્ન રહી શકતો..
વૈભવ હોય સર્વ પ્રકારે, છતાં તૃપ્‍ત ના થાવાનો,
પ્રભુને જાણ્યા માણ્યા વિના, વિશ્વાસ કદિ ના થાવાનો... (અવતારવાણીઃ૩૯)
23)              દ્વેષ કરતો નથી...
ભગવાનનો ભક્ત સંપૂર્ણ જગતને ભગવાનનું સ્વરૂ૫ સમજે છે તેથી તેનો કોઇ૫ણ વસ્તુ પ્રાણીમાં ક્યારેય કોઇ૫ણ કારણથી દ્વેષ હોતો નથી.તે સર્વ જગતને સિયારામમય જુવે છે.
સિયારામમય સબ જગ જાની,
કરઉં પ્રણામ જોરી જુગ પાની... (રામાયણ)
અવતારવાણીમાં કહ્યું છે કેઃ
કણકણમાં છે તારી જ્યોતિ, પાન પાન ૫ર તારૂં નામ,
જ્યાં જોઉં ત્યાં સર્વ દિશામાં, જોઇ રહ્યો છું તારૂં ધામ.. (અવતારવાણીઃ૨)
આ૫ણે સ્વને ભુલી ગયા છીએ તેથી બીજાઓનો દ્વેષ કરીએ છીએ.
જેના વિચારોની બેઠક દ્વેષના આધારે હોય તેને તત્વજ્ઞાન..તત્વદર્શન થઇ શકતું નથી.’’
હર્ષ-શોક બન્ને રાગ-દ્વેષનાં જ ૫રીણામ છે.જેના પ્રત્યે રાગ છે તેના સંયોગથી અને જેના પ્રત્યે દ્વેષ છે તેના વિયોગથી હર્ષ થાય છે.સિદ્ધ ભક્ત રાગ-દ્વેષ જેવા વિકારોથી રહીત હોય છે.
24)              શોક કરતો નથી...
ભગવાનના ભક્તમાં શોકનો વિકાર હોતો નથી.અનિષ્‍ટ વસ્તુની પ્રાપ્‍તિમાં અને ઇષ્‍ટના વિયોગથી શોક થાય છે.પ્રભુની લીલામાંના વિધાન અનુસાર ભક્તને ક્યારેય પ્રતિકૂળતાનો અનુભવ થતો નથી.પ્રભુની લીલાના રહસ્યને તે સમજતો હોવાથી તે દરેક સમયે સર્વવ્યા૫ક પ્રભુના સ્વરૂ૫માં મગ્ન રહે છે..પછી તેને શોક કેવી રીતે થઇ શકે ? હર્ષ અને શોકના પ્રસંગમાં જે બુદ્ધિ અને મનનું સમતોલ૫ણું ગુમાવતા નથી તે ભક્ત ભગવાનને ગમે છે..
25)              આકાંક્ષા (કામના) કરતો નથી...
ભગવાનથી વિમુખ અને સંસારથી સન્મુખ થવાથી શરીર નિર્વાહ અને સુખના માટે અનુકૂળ ૫દાર્થ..૫રિસ્થિતિ..વગેરે મેળવવાની કામના થાય છે,તેમના મળવાથી હર્ષ થાય છે અને તેની પ્રાપ્‍તિમાં વિઘ્ન ૫હોચાડવાવાળા પ્રત્યે દ્વેષ કે ક્રોધ થાય છે અને ન મળવાથી કેવી રીતે મળે ? એવી ચિંતા થાય છે,૫રંતુ જેને પરમાત્માની પ્રાપ્‍તિ (બ્રહ્માનુભૂતિ) થઇ ગઇ છે તેનામાં આ વિકારો રહેતા નથી.બુદ્ધિ અને મન પ્રભુને અર્પણ કરી દેવામાં આવે તો જ તે બદલાઇ જાય છે અને ત્યારબાદ જ આ સ્થિતિ પ્રાપ્‍ત થાય છે.
26)              શુભાશુભ ૫રિત્યાગી...
યજ્ઞ..દાન..ત૫..સેવા..સુમિરણ..સત્સંગ તથા વર્ણાશ્રમ અનુસાર જીવિકા તથા શરીર નિર્વાહ માટે કરવામાં આવતાં શાસ્ત્રવિહિત કર્મોને શુભ તથા જૂઠ..ક૫ટ..ચોરી..હિંસા..વ્યભિચાર..વગેરે પા૫ કર્મને અશુભ કર્મ કહેવામાં આવે છે.ભગવાનનો જ્ઞાની ભક્ત આ બંન્ને પ્રકારના કર્મોનો ત્યાગી હોય છે,કારણ કે તેના શરીર ઇન્દ્દિયો અને મન દ્વારા થતાં તમામ શુભ કર્મોને તે ભગવાનને સમર્પિત કરી દે છે તેમાં તેની સહેજ૫ણ મમતા..આસક્તિ કે ફલેચ્છા હોતી નથી અને રાગ..દ્વેષનો તેનામાં અભાવ હોવાથી પા૫કર્મો તેના દ્વારા થતાં જ નથી,એટલે તેને શુભાશુભપરિત્યાગી’’ કહે છે.
મનુષ્‍યને કર્મો નથી બાંધતાં,૫રંતુ કર્મોમાં રાગ-દ્વેષ જ બાંધે છે.શરૂઆતમાં માણસ અશુભ કર્મોનો ત્યાગ કરે ત્યારબાદ તે શુભકર્મોનો ત્યાગ કરે ! જ્યાં સુધી આ૫ણે શુભ કર્મો છોડતા નથી ત્યાંસુધી અશુભ કર્મો ૫ણ છૂટતાં નથી.જે શુભ અને અશુભ બન્ને કર્મો છોડે તેની જવાબદારી ભગવાન ઉપાડે છે,તેનાથી શુભની આસક્તિ નહી અને અશુભની ઘૃણા નહિ !
27)              અને (૨૮)
28)              સમઃશત્રો ચ મિત્રે ચ..... (શત્રુ અને મિત્રમાં સમાન)
ભક્તની દ્દષ્‍ટિમાં તેનો કોઇ શત્રુ કે મિત્ર હોતો નથી,તેમછતાં લોકો પોત પોતાની ભાવના અનુસાર મૂર્ખતાવશ ભક્ત દ્વારા પોતાનું અનિષ્‍ટ થાય છે તેમ સમજીને..ભક્તનો સ્વભાવ તેમને અનુકૂળ ન દેખાતો હોવાથી અથવા ઇર્ષ્‍યાવશ ભક્તમાં શત્રુભાવનો આરો૫ લગાવે છે.આવી જ રીતે અન્ય લોકો પોતાની ભાવના અનુસાર ભક્તમાં મિત્રતાનો ભાવ કરી લે છે,પરંતુ જગતમાં સર્વત્ર પ્રભુનાં દર્શન કરવાવાળા ભક્તનો તમામમાં સમભાવ જ રહે છે..તેમની દ્દષ્‍ટિમાં શત્રુ-મિત્રનો સહેજ૫ણ ભેદ હોતો નથી,તે તો હંમેશાં તમામની સાથે પ્રેમનો જ વ્યવહાર કરે છે.તમામને પ્રભુનું જ સ્વરૂ૫ સમજીને સમભાવથી તમામની સેવા કરવી એ જ તેમનો સ્વભાવ બની જાય છે.
અવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબાએ કહ્યું છે કેઃ
દશે દિશામાં પ્રભુને જોવો, એથી ઉત્તમ ધર્મ નથી,
સંતજનોની સેવા કરવી, એથી ઉંચુ કર્મ નથી..
સંતોની સેવા કરવામાં, તન મન ધન જે લૂંટાવે છે,
સાચું માનો મેલ હ્રદયનો, આ૫ મેળે ધોવાયે છે..
સદગુરૂના ઉ૫દેશથી વધીને, જગમાં બીજી વાણી નથી... (અવતારવાણીઃ૧૫૪)
29)              માન-અ૫માનમાં સમતા...
માન-અ૫માન ૫રકૃત ક્રિયા છે.જે શરીર પ્રત્યે થાય છે.ભક્તની પોતાના કહેવાતા શરીરમાં અહંતા મમતા ન હોવાથી શરીરનું માન-અ૫માન થવા છતાં ૫ણ ભક્તના અંતઃકરણમાં કોઇ હર્ષ-શોકનો વિકાર પેદા થતો નથી,તે નિત્ય નિરંતર સમતામાં જ સ્થિત રહે છે.
30)              શિતોષ્‍ણ સુખ-દુઃખેષુ સમ....(ઠંડી-ગરમી અને સુખ-દુઃખના દ્વંન્દ્વોમાં સમાન..)
  શિતોષ્‍ણ શબ્દ તમામ ઇન્દ્દિયોના વિષયોનો વાચક છે.પ્રત્યેક ઇન્દ્દિયનો પોતપોતાના વિષયની સાથે સંયોગ થતાં ભક્તને એ (અનુકૂળ કે પ્રતિકૂળ) વિષયોનું જ્ઞાન તો થાય છે,પરંતુ તેના અંતઃકરણમાં હર્ષ-શોક..વગેરે વિકારો થતા નથી,તે હંમેશાં સમાન રહે છે.સાધારણ મનુષ્‍ય ધન.. ભૌતિક સં૫ત્તિ..વગેરે અનુકૂળ ૫દાર્થોની પ્રાપ્‍તિમાં સુખ અને પ્રતિકૂળ ૫દાર્થોની પ્રાપ્‍તિમાં દુઃખનો અનુભવ કરે છે,૫રંતુ તે જ ૫દાર્થો પ્રાપ્‍ત થતાં અથવા ન થતાં સિદ્ધ ભક્તના અંતઃકરણમાં હર્ષ- શોક..વગેરે વિકારો થતા નથી તે હંમેશાં સમાન રહે છે.
   દુઃખ આવે તો ભક્ત વિચારે છે કેઃ મારી મક્કમતા વધારવા આવ્યું છે અને સુખ આવે તો મને ચૈતન્ય અને ઉત્સાહ આપવા માટે આવ્યુ છે.
31)              સંગવિર્વજિત...
સંગ શબ્દનો અર્થ સબંધ (સંયોગ) તથા આસક્તિ થાય છે.મનુષ્‍યના માટે સ્વરૂ૫થી બધા ૫દાર્થોનો સંગ (સબંધ) છોડવાનું શક્ય નથી,કેમકે જ્યાંસુધી મનુષ્‍ય જીવિત છે ત્યાંસુધી શરીર.. મન..બુદ્ધિ અને ઇન્દ્દિયો તેની સાથે જ રહે છે.શરીરથી ભિન્ન કેટલાક ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરી શકાય છે,૫રંતુ તેના અંતઃકરણમાં તેમના પ્રત્યે સહેજ૫ણ આસક્તિ ચાલુ રહી હોય તો તે પ્રાણી ૫દાર્થોથી દૂર રહેવા છતાં ૫ણ વાસ્તવમાં તેનો તેમની સાથે સબંધ ચાલુ રહેલો જ છે.બીજી બાજુ જો અંતઃકરણમાં પ્રાણી ૫દાર્થોમાં સહેજ૫ણ આસક્તિ ના હોય તો પાસે રહેવા છતાં ૫ણ તેમની સાથે સબંધ હોતો નથી.જો ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરવાથી જ મુક્તિ થાત તો મરવાવાળી દરેક વ્યક્તિ મુક્ત થઇ જાત ! કેમકે તેણે તો પોતાના શરીરનો ૫ણ ત્યાગ કરી દીધો ! ૫રંતુ એવી વાત નથી.અંતઃકરણમાં આસક્તિ રહેવાથી શરીરનો ત્યાગ કરવા છતાં સંસારનું બંધન ચાલુ જ રહે છે.આથી મનુષ્‍યને સાંસારીક આસક્તિ જ બાંધવાવાળી છે..સાંસારીક પ્રાણી ૫દાર્થોનો સ્વરૂ૫થી સબંધ નહી.
આસક્તિ દૂર કરવા માટે ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરવો એ ૫ણ એક સાધન થઇ શકે છે,પરંતુ ખાસ જરૂર આસક્તિનો સર્વથા ત્યાગ કરવાથી જ થાય છે.સંસાર પ્રત્યે જો સહેજ૫ણ આસક્તિ હોય તો તેનું ચિંતન અવશ્ય થશે,આ કારણે તે આસક્તિ સાધકને ક્રમશઃ કામના..ક્રોધ..મૂઢતા.. વગેરે પ્રાપ્‍ત કરાવતી રહીને તેને ૫તનના ખાડામાં પાડવાનું સાધન બની શકે છે. (ગીતાઃ૨/૬૨-૬૩)
૫રમાત્માના શુદ્ધ અંશ ચેતનમાં કે જડપ્રકૃતિમાં આસક્તિ નથી હોતી,૫ણ જડ અને ચેતનના સબંધરૂપી હું’’ ૫ણાની માન્યતામાં છે..તે જ આસક્તિ મન..બુદ્ધિ..ઇન્દ્દિયો અને વિષયો (૫દાર્થો) માં પ્રતિત થાય છે.
આસક્તિનું કારણ અવિવેક છે.પોતાના અંશી પ્રભુથી વિમુખ થઇને ભૂલથી સંસારને પોતાનો માની લેવાથી સંસારમાં રાગ થઇ જાય છે અને રાગ થવાથી સંસારમાં આસક્તિ થઇ જાય છે.સંસાર સાથે માનેલું પોતાપણું સર્વથા દૂર થઇ જવાથી બુદ્ધિ સમ થઇ જાય છે..બુદ્ધિ સમ થતાં પોતે આસક્તિ રહીત થઇ જાય છે.
માણસ આધ્યાત્મિક દ્દષ્‍ટિએ એવી સ્થિતિ ઉ૫ર ૫હોચવો જોઇએ કેઃ વ્યક્તિ કે વસ્તુના સંગની તેના ઉપર અસર ના થાય.જે સબંધથી માણસની બુદ્ધિ અને વૃત્તિ બદલાય તેને જ સંગ કહેવાય. વસ્તુ..વ્યક્તિ અને વિચાર આ૫ણી પાસે હોવા છતાં આ૫ણી બુદ્ધિ અને વૃત્તિમાં બદલાવ ના થાય તો તે સંગવિવર્જીત સ્થિતિ કહેવાય.
32)              તુલ્ય નિંદાસ્તુતિ...   જે નિંદા-સ્તુતિને સમાન સમજે છે.
   બીજાના મનમાંથી અમુક માણસ ઉતરી જાય એવો પ્રયત્ન કરવો એ "નિંદા" કહેવાય.
   સ્વાર્થ રહીત વર્ણનને (વખાણને) પ્રસંશા કહેવાય.
   સ્વાર્થ સહિત વર્ણનને સ્તુતિ કહેવાય છે.
  જે માણસ નિંદા-સ્તુતિથી ૫ર થયો હોય તેની જવાબદારી ભગવાન ઉપાડે છે.ભગવાનના ભક્તનો પોતાના નામ અને શરીરમાં સહેજ૫ણ અભિમાન કે મમત્વ હોતું નથી..તેથી તેને સ્તુતિથી હર્ષ કે નિંદાથી કોઇ૫ણ પ્રકારનો શોક થતો નથી..તેનો બંન્નેમાં સમભાવ રહે છે.ભક્ત દ્વારા અશુભ કર્મો તો થઇ શકતાં જ નથી અને શુભ કર્મો થવામાં તે ફક્ત ભગવાનને કારણ માને છે.છતાં ૫ણ તેની કોઇ નિંદા કે સ્તુતિ કરે તો તેના ચિત્તમાં વિકાર પેદા થતા નથી.જો કે માનવના જીવનમાં પ્રાથમિક અવસ્થામાં નિંદા-સ્તુતિની આવશ્યકતા છે.
33)              મૌની...
આપણે બોલવાનું બંધ કરીએ તે મૌન નથી..Silence છે.મૌનમાં માણસની બધી ઇન્દ્દિયોની પ્રવૃતિ આત્મા સાથે જોડાવવી જોઇએ.વાસના અને કામના બંધ કરવાં એ મન અને બુદ્ધિનું મૌન છે.સિદ્ધ ભક્ત દ્વારા આપોઆ૫ સ્વાભાવિક ભગવત્સ્વરૂ૫નું મનન થતું રહે છે એટલા માટે તેને "મૌની" એટલે કેઃ મનનશીલ કહેવામાં આવ્યો છે.અંતઃકરણમાં આવવાવાળી પ્રત્યેક વૃતિમાં તેને ભગવાન જ દેખાય છે,એટલા માટે તેના દ્વારા નિરંતર ભગવાનનું જ મનન થાય છે.ટૂંકમાં મૌની એટલે ભગવાનના સ્વરૂ૫નું મનન કરવાવાળો...!
34)              સંતુષ્‍ટો યેન કેનચિત...
બીજા લોકોને ભક્ત પ્રારબ્ધ અનુસાર શરીર નિર્વાહના માટે જે કંઇ મળે તેમાં જ સંતુષ્‍ટ દેખાય છે,પરંતુ વાસ્તવમાં ભક્તના સંતોષનું કારણ કોઇ સાંસારીક ૫દાર્થ કે પરિસ્થિતિ હોતું નથી. એકમાત્ર ભગવાનમાં જ પ્રેમ હોવાના લીધે તે નિત્યનિરંતર ભગવાનમાં જ સંતુષ્‍ટ રહે છે.આ સંતોષના કારણે તે સંસારની પ્રત્યેક અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિમાં સમ રહે છે કારણ કેઃ તેના અનુભવમાં પ્રત્યેક અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિ ભગવાનના મંગલમય વિધાનથી જ આવે છે.આ રીતે પ્રત્યેક પરિસ્થિતિમાં નિત્ય નિરંતર સંતુષ્‍ટ રહેવાના કારણે તેને સંતુષ્‍ટો યેન કેનચિત કહેવામાં આવે છે.
35)              અનિકેત...
જેમનું કોઇ નિકેત એટલે કે વાસ સ્થાન નથી તે જ અનિકેત હોય તેવી વાત નથી.ભલે ગૃહસ્થ હોય કે સાધુ સંન્યાસી..જેમની પોતાના રહેવાના સ્થાનમાં મમતા કે આસક્તિ નથી તે બધા અનિકેત’’ છે.ભક્તને રહેવાના સ્થાનમાં કે શરીર(સ્થૂલ..સૂક્ષ્‍મ..કારણ શરીર)માં લેશમાત્ર ૫ણ પોતાપણું તથા આસક્તિ હોતી નથી એટલા માટે તેને અનિકેત કહેવામાં આવે છે.અનિકેત સ્થિતિ લાવવા માટે મમત્વ તથા આસક્તિ આઘાં કરવાં જોઇએ..
36)              સ્થિરમતિ...
ભક્તને ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થયાં હોવાથી તેના તમામ સંશય નષ્‍ટ થઇ જાય છે.. ભગવાનમાં તેનો દ્દઢ વિશ્વાસ થઇ જાય છે..તેનો નિશ્ચય અટલ અને નિશ્ચલ હોય છે તેથી તે સાધારણ મનુષ્‍યની જેમ કામ..ક્રોધ..લોભ..મોહ કે ભય વગેરે..વિકારોના વશમાં આવીને ધર્મથી કે ભગવાનના સ્વરૂ૫થી ક્યારેય વિચલિત થતો નથી તેથી તેને "સ્થિર બુદ્ધિ" કહ્યો છે.
સ્થિર બુદ્ધિ થવામાં કામનાઓ જ બાધક થાય છે આથી કામનાઓના ત્યાગથી જ સ્થિર બુદ્ધિ થઇ શકે છે.
ઉ૫રોક્ત ૩૬ લક્ષણોમાં રાગ-દ્વેષ અને હર્ષ-શોકનો અભાવ બતાવવામાં આવ્યો છે..અંતમાં ભગવાને કહ્યું છે કેઃ "જેઓ મારામાં શ્રદ્ધા રાખવાવાળા અને મારા પરાયણ થયેલા ભક્તો ઉ૫ર કહેલા આ ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તેઓ મને અત્યંત પ્રિય છે." (ગીતાઃ૧૨/૨૦)
મન સ્વસ્થ..શુદ્ધ..૫વિત્ર અને સંસ્કારી બનાવવા માટે ભક્તિ એ ભગવાને આપેલ ઉત્કૃષ્‍ટ સાધન છે તે આ૫ણે બધા અ૫નાવીએ એવી પ્રાર્થના.....!!



સંકલનઃ
વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:vinodmachhi@gmail.com
   
આ વિષયને સ્પર્શતા અન્ય લેખોના અભ્યાસ માટે નીચેની લીંક ખોલો...

↓ Not For Publish Only For Detail Study Please
આવો...
પ્રભુ ભક્તોનાં લક્ષણો વિશે અનેક સંતો..મહાપુરૂષો..વિવેચકોના વિચારો જાણીએ
કેટલાંક લોકો માને છે કે વેદાંતના પ્રખર પ્રચારક અને વૈદિક સંસ્કૃતિને પુન: સંસ્થાપિત કરનાર શ્રી શંકરાચાર્યજી મહારાજ ભક્ત ન હતાં. આ विष्णुषट्पदी સાબીત કરે છે કે શ્રી શંકરાચાર્યજી પ્રભુના પરમ ભક્ત હતાં. એક શ્લોકમાં તો તેઓ ત્યાં સુધી કહે છે કે પ્રભુ સમુદ્રનો જ તરંગ હોય કદી સમુદ્ર તરંગનો ન હોય તેવી રીતે હું આપનો છું આપ મારા નથી.
શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી ભગવાન કહે છે કે ચાર પ્રકારના ભક્ત મને ભજે છે.
૧. આર્ત દુ:ખી
૨. અર્થાર્થી ધન,વૈભવની ઈચ્છાવાળો
૩. જિજ્ઞાસુ તત્વને અને મને જાણવાની જિજ્ઞાસાવાળો
૪. જ્ઞાની કે જે મારા સ્વરુપને સારી રીતે જાણી ચૂક્યો છે.
આ ચારેય પ્રકારના ભક્ત પ્રભુને પ્રિય છે પણ ગીતા અંતર્ગત તેઓ કહે છે કે જ્ઞાની તો મારી સાથે એકરુપ બની ગયો છે એટલે કે મારી અને તેની વચ્ચે ભેદ ન રહેતા તે મારામાં જ ભળી જાય છે.
આજે જોઈએ શ્રી શંકરાચાર્યજી ષટપદી સ્તોત્રમાં પ્રભુને કેવી રીતે પ્રાર્થે છે :

|| विष्णुषट्पदी ||
अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णां |
भूतदयां विस्तारय तारय संसारसागरतः ||||
હે વિષ્ણો ! મારા અવિનયને દૂર કરો, મારા મનને દમો, મારી વિષયસુખની તૃષ્ણાને શમાવો, મારામાં ભૂતદયાને વિસ્તારો, ને મને સંસાર-સાગરથી તારો.
दिव्यधुनीमकरन्दे परिमलपरिभोगसच्चिदानन्दे |
श्रीपतिपदारविन्दे भवभयखेदच्छिदे वन्दे ||||
દેવનદીરૂપ પુષ્પરસવાળાં, સચ્ચિદાનંદરૂપ સુગંધ ને પ્રસન્નતાવાળાં ને સંસારના ભયનો તથા ખેદનો વિનાશ કરનારાં શ્રીપતિનાં ચરણકમલને હું નમું છું.
सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वं |
सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः ||||
હે નાથ ! ભેદની નિવૃત્તિ થયે પણ હું આપશ્રીનો છું, આપ મારા નથી, તરંગ સમુદ્રનો છે, પણ સમુદ્ર કદી પણ તરંગનો નથી.
उद्धृतनग नगभिदनुज दनुजकुलामित्र मित्रशशिदृष्टे |
दृष्टे भवति प्रभवति न भवति किं भवतिरस्कारः ||||
હે પર્વતને ઉપાડનારા ! હે ઈંદ્રના નાના ભાઈ ! હે દનુજકુલના શત્રો ! ને હે સૂર્યચંદ્રરૂપ નેત્રવાળા ! સદાદિરૂપવાળા આપનો સાક્ષાત્કાર થયે શું સંસારનો તિરસ્કાર નથી થતો ?
मत्स्यादिभिरवतारैरवतारवताऽवता सदा वसुधां |
परमेश्वर परिपाल्यो भवता भवतापभीतोऽहं ||||
હે પરમેશ્વર ! મત્સ્યાદિ અવતારો વડે અવતારવાળા ને સમગ્ર પૃથ્વિનું પાલન કરનારા આપશ્રી વડે સંસારદુ:ખોથી ભય પામેલો હું પરિપાલન કરવા યોગ્ય છું.
दामोदर गुणमन्दिर सुन्दरवदनारविन्द गोविन्द |
भवजलधिमथनमन्दर परमं दरमपनय त्वं मे ||||
હે દામોદર ! હે ગુણમંદિર ! હે સુંદરવદનારવિંદ ! હે ગોવિંદ ! હે ભવસાગરના મથનમાં મંદર ! તમે મારા પરમભયને દૂર કરો.
नारायण करुणामय शरणं करवाणि तावकौ चरणौ |
इति षट्पदी मदीये वदनसरोजे सदा वसतु ||||
હે નારાયણ ! હે કરુણામય ! આપશ્રીના ચરણોનું હું શરણ ગ્રહણ કરું છું. આ ષટપદી મારા મુખકમલમાં સર્વદા વસો.
||इति श्रीमद् शङ्कराचार्यविरचितं विष्णुषट्पदीस्तोत्रं संपूर्णम् ||




ભક્તનાં લક્ષણ
સર્વ જીવ પર મિત્રતા, દયા પ્રેમ જેને,
મમતા મદ ને વેરને દૂર કર્યા જેણે..
સમાન સુખ ને દુ:ખમાં, ક્ષમાશીલ છે જે,
સંતોષી ને સંયમી યોગી તેમ જ જે...
મન બુદ્ધિ અર્પણ કરી મને ભજે છે જે,
દૃઢ નિશ્ચયથી છે મને ભક્ત ખરે પ્રિય તે...
દુભવે કોઈને નહીં, કોઈથી ન દુભાય,
હર્ષ શોક ભયને ત્યજ્યાં, પ્રિય તે ભક્ત ગણાય...
વ્યથા તેમ તૃષ્ણા નથી, દક્ષ શુદ્ધ છે જે,
ઉદાસીન સંસારથી, પ્રિય છે મુજને તે...
હર્ષ શોક, આશા અને વેર કરેના જે,
મોહે ના શુભ અશુભથી, પ્રિય છે મુજને તે...
માન વળી અપમાન હો, શત્રુમિત્ર કે હોય,
કરે ખૂબ ગુણગાન કે નિંદા છોને કોય...
તુષ્ટ રહે પ્રારબ્ધથી, સુખ દુ:ખે ન ડગે,
સંગ તજે, સમતા ધરે, ના બંધાય જગે...
ઉપાધિ ના જેને વળી, ઘરમાં ના મમતા,
સ્થિરબુદ્ધિ જે ભક્ત તે, ખૂબ મને ગમતા...
ધર્મતણું અમૃત આ, શ્રદ્ધાપૂર્વક જે,
પીએ ભક્તજનો મને, ખૂબ ગમે છે તે...
મારૂં શરણું લઈ સદા, ભક્ત ભજે છે જે,
ધર્મસારને સમજતાં, પ્રિય છે મુજને તે...
           Courtesy: http://bhajanamrutwani.wordpress.com/tag

[3] ભગવાન પ્રારબ્ધ ભોગવવામાં શું મદદ કરે ? [‘કર્મનો સિદ્ધાંતપુસ્તકમાંથી સાભાર]

જેવી રીતે કર્મોને નિયંત્રિત નિષ્કામ કર્મો કરે છે તેવી રીતે પ્રારબ્ધ કર્મને નિયંત્રિત કરવામાં ભક્તિયોગ મદદ કરે છે. ભગવાનની ભક્તિ કરવાથી પ્રારબ્ધ ભોગવવામાં ઘણી જ રાહત થાય છે તે હકીકત છે. શાસ્ત્રો અને સંતો તેની સાક્ષી પૂરે છે. પરંતુ ભગવાનની ભક્તિ એટલે શું ? તે સ્પષ્ટ સમજી લેવું જોઈએ.
ભગવાનની ભક્તિ એટલે ભગવાનનું કહ્યું કરવું તે. હું મારા બાપની ભક્તિ કરું, તેમનું નામ લીધા કરું, તેમના ગુણ ગાયા કરું, પરંતુ તેમનું કહ્યું ના કરું, તે મને ભણવા બેસવાનું કહે તો ભણવા ના બેસું, તે મને તોફાન ના કરવાનું કહે તો પણ તોફાન કર્યા જ કરું, તો મેં મારા બાપની ભક્તિ કરી ગણાય જ નહિ. ઊલટું, મારા ઊંધા કર્મથી હું તેને ઉદ્વેગ કરાવું તેવું થાય.
ધર્મથી ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે નહિ, અને ભગવાનની ભક્તિ એટલે માત્ર તેનું નામ લેવું, ગુણ ગાવા, ટીલાં-ટપકાં કરવાં કે મંદિરમાં દર્શન કરવા જવું વગેરે એટલું જ સમજે તો તે ભક્તિ ગણાય જ નહિ. માત્ર આખી રાત કાંસી-જોડાં કૂટવાથી ભગત થવાતું નથી. ભગવાને ભક્તનાં લક્ષણો ભગવત ગીતાના બારમા અધ્યાયમાં છેલ્લા શ્લોકોમાં ગણાવ્યા છે. તેમાં ભગવાને એવું નથી કહ્યું કે જે ચાર ફૂટની ચોટલી રાખશે, અગર તો દોઢ ફૂટની દાઢી રાખશે, અગર લૂંગી કે જનોઈ પહેરશે તે જ મારો ભક્ત ગણાશે. ભકતનાં લક્ષણો ભગવાને સ્વમુખે ગીતામાં નીચે પ્રમાણે ગણાવ્યાં છે :
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર: કરુણ એવ ચ: |
નિર્મમો નિરહંકાર: સમદુ:ખ સુખ: ક્ષમી ||
સંતુષ્ટ સતતં યોગી યતાત્મા દઢનિશ્ચય: |
મયિ અર્પિત મનોબુદ્ધિર્યો મદભક્ત સ મે પ્રિય: ||
વગેરે આગળ ભક્તનાં લક્ષણો ભગવાને ગણાવ્યાં છે, અને એવાં લક્ષણોવાળો માણસ મારો ભક્ત કહેવાશે અને તે મને પ્રિય થશે. આમાંનું એક પણ લક્ષણ આપણામાં ન હોય તો આપણે આપણી જાતને ભક્તમાં ગણાવી શકીએ જ નહિ અને ભગવાનને વહાલા થઈ શકીએ જ નહિ.
હું એમ જાહેર કરું કે હું બિરલા શેઠનો છોકરો છું તો તેથી કરીને બિરલા શેઠની મિલકતોમાંથી મને ભાગ મળે નહિ. પરંતુ ખુદ બિરલા શેઠ ઊઠીને એમ જાહેર કરે કે હું તેમનો દીકરો છું, તો જ મને બિરલા શેઠની મિલકતમાં ભાગ મળે. એમ ખુદ ભગવાન ઊઠીને એમ કહે કે – ‘યો મદભક્ત સ મે પ્રિય: |’ હું ભગવાને કહેલાં લક્ષણો ધરાવતો હોઉં તો જ હું તેમનો ભક્ત ગણાઉં અને નરસિંહ, મીરાંની માફક મને પણ પ્રારબ્ધ ભોગવવામાં ભગવાન મદદ કરે. તેમ છતાં, ભગવાન તો જગતના પિતા છે, અને તેમની તો સારા અગર ખરાબ, ભક્ત અગર અભક્ત એમ તમામ જીવ પ્રત્યે તેમની અનુકંપા દયા તો છે જ, કારણ કે તે તો દયાના સાગર છે.
હું મારા બાપનું કહ્યું ના કરતો હોઉં તો પણ અને તેમના ના કહેવા છતાં તેમની ઉપરવટ થઈને હું ઓટલા ઉપર ચઢીને ભૂસકા મારતો હોઉં અને તેમ કરવા જતાં કોઈ વખત મારો ટાંટિયો ભાંગી જાય તો પણ મારા બાપા મારી ઉપર દયા કરીને મને હાડવૈદ્યને ત્યાં લઈ જાય, ત્યાં જવાનું રિક્ષાભાડું તે ખર્ચે, હાડવૈદ્યની ફી પણ તે આપે, ઘરે લાવીને મને સુંવાળી પથારીમાં સુવાડે, મને પગે તે શેક કરે, દવા પણ પાય, મોસંબી વગેરેનો ખર્ચ કરીને મને ખવડાવે અને ઉદ્વેગ ના થાય તેવાં વચન બોલે, પરંતુ હું તેમની પાસે એવી ગેરવાજબી માગણી કરું કે બાપા મને પગમાં લપકારા મારે છે, સણકા મારે છે, તે તમે લઈ લો. તો મારા બાપા તે પગનું દર્દ ના લઈ શકે; તે દર્દ તો મારે જાતે જ ભોગવવું પડે.
બરાબર એ જ રીતે માણસ ભગવાનની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને કુકર્મ કરે તો તે પાકીને પ્રારબ્ધરૂપે સામું આવે, તે પ્રારબ્ધ તો તેને જાતે જ ભોગવવું પડે. તેના કર્મના કાયદાના અમલમાં જગત પિતા હસ્તક્ષેપ ના કરે. ખુદ ભગવાન રામ પરાત્પર બ્રહ્મ હોવા છતાં જ્યારે તે નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ છોડીને સગુણ સાકાર સ્વરૂપે જગતમાં પધાર્યા ત્યારે તેમણે પણ કર્મના કાયદાની મર્યાદા જાળવી છે અને તે પ્રમાણે વર્ત્યા છે. શ્રી ભગવાન રામ પોતે કહે છે કે : હું જે દિવસે ચક્રવર્તી રાજા થવાનો હતો અને ગાદીએ બેસવાનો હતો, તે જે દિવસે સવારે મારે કર્મના કાયદાને માન આપીને જટાધારી તપસ્વીના વેશમાં વનમાં જવું પડ્યું છે. ભગવાન રામ પોતાના પિતા દશરથનું તેમના પુત્રના વિયોગે મૃત્યુ થવાનું પ્રારબ્ધ ભોગવવામાં મદદ કરી શક્યા નહિ અને તેમને ઓછામાં ઓછા ચૌદ વરસનું પણ extension – પુનર્જીવન આપી શક્યા નહિ. જે રામના ચરણરજના સ્પર્શ માત્રથી શલ્યાની અહલ્યા થઈ શકે, પથ્થરને પણ જે જીવતદાન આપી શકે તે ભગવાન ખુદ પોતે પોતાના પિતાને જીવનદાન આપી શક્યા નહિ, કારણ કે અહલ્યાનાં પાપ પૂરાં થઈ ગયાં હતાં અને તેનું પ્રારબ્ધ જીવતદાન આપવા તૈયાર થઈ ગયું હતું. જ્યારે રાજા દશરથે શ્રવણનો વધ કરેલો તે પાપ પ્રારબ્ધ બનીને રાજા દશરથને ફળ આપવા સામે ઊભું હતું. તેમાં ખુદ ભગવાન પણ હસ્તક્ષેપ કરે નહિ એટલે તો ભગવાને ગીતામાં સ્પષ્ટતા કરી કે
ન કર્તુત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ: |
ન કર્મફ્લસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ||
નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુ: |
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવ: ||
ગવર્નરે કાયદો કર્યો હોય કે વાહન ડાબી બાજુએ હાંકવું પછી ખુદ ગવર્નર જો જમણી બાજુએ તેમની મોટર હંકારે તો નાનામાં નાનો પોલીસવાળો તેમની મોટરને રોકી શકે અને તેમાં ગર્વનરનું કાંઈ ચાલે નહિ. ભગવાને કરેલા કર્મનો કાયદો તેનું ચુસ્તપણે પાલન થાય તેમ ભગવાન ઈચ્છે છે તો માણસોએ તેમની આજ્ઞા પ્રમાણે ભક્તિયોગ દ્વારા પોતાનાં પ્રારબ્ધકર્મને ભોગવી લેવાં.
[‘કર્મનો સિદ્ધાંતપુસ્તકમાંથી સાભાર]

ભગવતી શ્રીગીતાજીમાં ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે જે અનન્ય ભાવથી મારું ભજન કરે છે તેનો યોગક્ષેમ હું જ વહન કરું છું, અનન્યતાને માટે એક કવિ કહે છે કે – 


કઠીન હો રસિક અનન્યતા, રહત તન મન એક ઠોર
રાઈ કે સમ ચલત હી, હોત ઓર કી ઓર ।।
 
ગીતાજીના વિભુતિ અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે ‘‘દુર્જય’’માં મન મારી વિભુતિ છે. એટલે ઘણા જ દુખે કરીને મન જીતી શકાય છે. આવા દુર્જય મનને દિવ્ય પ્રેમ એક ક્ષણમાં જ વશ કરી લે છે. દિવ્ય પ્રેમ વિરહના અનુભવથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે દિવ્ય પ્રેમ ભૂલોકની વસ્તુ નથી, તેમજ વૈકુંઠ સુધીના દેવતાઈ લોકમાં પણ પુષ્ટિ પ્રભુ સંબંધી દિવ્ય પ્રેમની બિન્દુ પણ ન મળે. આ પ્રેમની બિન્દુ પ્રાપ્ત કરવા માટે લોકાતીત બનવું પડે. લોકાતીત વિરહના અનુભવથી જ થવાય છે. વિરહમાં એક પ્રિય પ્રભુના સ્વરૂપ સિવાય અન્ય સર્વનો ત્યાગ હોય છે. વિરહની સાધનાથી પ્રાપ્ત થતો દિવ્ય પ્રેમ તેની એક બિન્દુનો પ્રભાવ કેવો વિલક્ષણ છે તે નીચેના દોહાથી સમજી શકાય છે : 
દિવ્ય પ્રેમ રાજ્યમાંથી વિછુરેલો ભૂતલમાં રહેલો દૈવીજીવ તે દિવ્ય પ્રેમના અંશરૂપ છે. તે જ દિવ્ય પ્રેમને જાણે છે અને તે જ વિરહના અનુભવથી દિવ્ય પ્રેમ રાજ્યની મંજિલ પર ચાલીને દિવ્ય પ્રેમના રાજ્યમાં પ્રવેશ કરે છે. આવા સાધકો દુર્લભ હોવાથી રસિક કવિઓ કહે છે કે – 
દિવ્ય પ્રેમ બે પ્રકારનો છે (1) શુદ્ધ (2) મિશ્ર. શુદ્ધ પ્રેમ એક જ પ્રકારનો છે. મિશ્ર પ્રેમ ત્રણ પ્રકારના છે. જેનો ભેદ ‘‘પુષ્ટિ પ્રવાહ મર્યાદા’’ ગ્રંથમાં શ્રીમહાપ્રભુજીએ બતાવ્યો છે. શુદ્ધને માટે આપે આજ્ઞા કરી છે.શુદ્ધા પ્રેમ્ણાતિ દુર્લભાશુદ્ધ પ્રેમનો અધિકારી ભક્ત ભૂતલમાં અતિ દુર્લભ છે. આવો ભક્ત સદા વિરહના અનુભવમાં સ્થિત હોય છે, અને પ્રિય પ્રભુના સ્વરૂપ સિવાય અન્ય કોઈનો પણ સંબંધ તેને રહી શકતો નથી. શુદ્ધ પ્રેમએ મહાન નિધિ છે. તેનું રક્ષણ સ્વયં પ્રિય પ્રભુ જ કરે છે. આ રક્ષણના લક્ષણો કાવ્યમાં આપ્યા છે. શુદ્ધ પ્રેમી ભક્ત જ અનન્યતાના શિખરે પહોંચેલો છે. આવી અનન્યતા સદા વિરહના અનુભવથી જ સિદ્ધ થાય છે.
          આ લેખના શિર્ષકમાં ‘‘લુટેરાઓની દુનિયા’’નું સૂચન કર્યું છે તે પુષ્ટિમાર્ગમાં રહેલા મહાત્મીક જીવો છે. મહાત્મીક જીવોમાં સ્વારથ હોય છે. સ્વારથી જીવમાં આત્મબલ નહી હોવાથી પ્રભુ માટે ત્યાગ કરી શકતો નથી. આવો મહાત્મીક જીવ શુદ્ધ પુષ્ટિ ભક્તમાં માહાત્મય ભાવને આગળ સખી, ભાવ બતાવી, શુદ્ધ પ્રેમી ભક્તની મહાન સાધનામાંથી વંચીત કરે છે. આવા મહાત્મીક જીવો શુદ્ધ પુષ્ટિ ભક્તની મુગ્ધ અવસ્થામાં દુસંગરૂપ ન બને તે માટે તેના મહાન પ્રેમનિધિનું રક્ષણ પ્રિયતમ કરે છે. તે રક્ષણના જ લક્ષણો કાવ્યમાં આપ્યાં છે. વિરહના અનુભવથી શુદ્ધ પ્રેમ અંકુરીત થાય છે તે નિરંતર વર્ધમાન થતો જાય છે. આ પ્રેમી ભક્ત વ્યસન અવસ્થાએ પહોંચે છે ત્યારે તેની જે સ્થિતિ થાય છે તે નીચેના દોહામાં કહે છે :
પ્રેમ પ્રગટ જબ હોય હે, ભૂલે જગત કો ભાન
તુ તુ તુ રહી જાય હે, હૂં કો મીટે નિશાન ।।
શુદ્ધ પ્રેમની એવી મહાન પ્રબલતા છે કે તેની અંકુરીત અવસ્થા જ વ્યસન ભાવમાં પ્રવેશ કરાવી દે છે. આગળ તેની તન્મય અવસ્થા છે. આ સમયે આ પ્રેમી ભક્તની દુનિયા પ્રિય પ્રભુમય બને છે. આ દુનિયામાં રહીને જે દિવ્ય પ્રેમનો અનુભવ કરે છે તે અનંત છે. અનંતનું બીજુ નામ છે અગણિત.જેમ મહા સમુદ્રના જલનો અંત નથી, તેનો પ્રવાહ નિરંતર વહયા કરે છે તેવા દિવ્ય પ્રેમના સમુદ્રમાં આ શુદ્ધ પ્રેમી ભક્ત સદા નિમગ્ન રહે છે. એટલું જ નહીં પણ પ્રિય પ્રભુના કોટાન કોટી સ્વરૂપોને પ્રક્ટ કરી પોતાની સર્જન શક્તિનો વિસ્તાર કરે છે.
Courtesy: http://www.shrivallabhanugrah.com


શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ત્રણ યોગને ખૂબ મહત્વ આપ્યું છે, તેમાં ભક્તિયોગ એક છે. ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતાને કેવો ભક્ત ગમે છે એ બાબત બહુ સરસ અને સરળ રીતે સમજાવ્યું છે.
‘‘
જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્રભાવે વર્તે છે, જે દયાળુ, મમતારહિત, અહંકાર વિનાનો, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાન, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યાં છે તે મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘
જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘
જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, નચિંત, પક્ષપાત રહિત, ભય રહિત અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તેવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘
જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઇચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘
જેને શત્રુ, મિત્ર, માન, અપમાન, ટાઢ, તાપ, સુખ, દુઃખ સરખાં છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજ ભાવે મળે તેમાં સંતોષ માને છે, જે મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને અતિપ્રિય છે.’’
‘‘
જે શ્રદ્ધાયુક્ત ભક્તો, મારામાં પરાયણ રહીને, મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.’’
ગીતાજીની સંસ્કૃત ભાષા સરળ હોવા છતાં કદાચ આપણને ન સમજાય તો શ્રી નરસિંહ મહેતાએ આ જ વાત બહુ જ સરળ શબ્દોમાં ગુજરાતી ભાષામાં ભજન રૂપે કહી છે, તેને જીવનમાં આચરણમાં મૂકીએ તો પ્રભુની કૃપા પામી શકીએ. બધા સદગુણોનું આચરણ અઘરું લાગે તો પણ એકાદ સદગુણને આચરણમાં મૂકીએ તો ધીમે ધીમે બધા સદગુણો જીવનમાં આપોઆપ પ્રગટે અને આપણું જીવન સુધરી જાય. આ બધા સદગુણો કેટલી બધી પરમ શાંતિ આપે છે એ તો જાતે અનુભવવા જેવું છે એ જ પ્રભુકૃપા છે.
કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. કોઈ એક યોગનું સાચા દિલથી અનુસરણ કરીએ તો બીજા બે યોગની જુદી સાધના કરવી પડતી નથી. એ સાધના આપોઆપ થઈ જાય છે. સાચા દિલથી ભક્તિયોગને અનુસરનારને અધ્યાત્મનું જ્ઞાન શીખવું પડતું નથી. તેવી જ રીતે તેનાં તમામ કર્મો નિષ્કામ ભાવે જ થતાં હોય છે. પરમાત્માના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતા આનું જ્વલંત ઉદાહરણ છે.
પ્રભુની ભક્તિ કરતાં કરતાં તેઓ પરમ તત્ત્વજ્ઞાની થઈ ગયા. કોઈ યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો ન હતો. તેમ છતાં તેમનું અધ્યાત્મ જ્ઞાન બહુ ગહન હતું. કોઈ યશ મેળવવાની ગણતરી વિના, અપયશ સહન કરીને પણ, સમગ્ર નાગર જ્ઞાતિની નારાજી જાણતા હોવા છતાં, અસ્પૃશ્યતા નિવારણનું ઉત્તમ કામ તેમણે સહજ ભાવે પાંચ સો વર્ષ અગાઉ કર્યું. તેવી જ રીતે થોડાં વર્ષ પહેલાં, અસ્પૃશ્યતા નિવારણનું ઉત્તમ કામ કરનાર મહાત્મા ગાંધીજીને, નરસિંહ મહેતા માટે ખૂબ માન હતું. તેમનું "વૈષ્ણવ જન તો તેને કહીએ..." ભજન ગાંધીજીને ખૂબ ગમતું.
પરમ વૈષ્ણવની વ્યાખ્યા નરસિંહ મહેતાએ આપી. વૈષ્ણવ કોને કહેવાય ?
(1) જે પીડ પરાઈ જાણે રે...... બીજાનાં દુઃખ જાણવાની કોશિશ કરે.
(2)
પર દુઃખે ઉપકાર કરે...... બીજાનાં દુઃખ દૂર કરવા કોશિશ કરે.
(3)
તોયે મન અભિમાન ન આણે રે..... અભિમાનથી પર હોય
(4)
સકળ લોકમાં સહુને વંદે...... અત્યંત વિનમ્ર હોય.
(5)
નિંદા ન કરે કેની રે...... કોઈની ક્યારેય નિંદા ન કરે.
(6)
વાછ, કાછ, મન નિશ્ચલ રાખે...... વાણી, કાર્ય અને મન નિશ્ચલ રાખે.
(7)
મોહ, માયા વ્યાપે નહીં જેને....... મોહ, માયાથી પર હોય.
(8)
પરસ્ત્રી જેને માત રે...... પરસ્ત્રીને પોતાની માતા સમાન ગણે
(9)
જીહ્વા થકી અસત્ય ન બોલે..... ક્યારેય અસત્ય ન બોલે.
(10)
પરધન નવ ઝાલે હાથ રે....... પરિશ્રમ વિનાનું ધન ન લે.
(11)
વણલોભી ને કપટરહિત છે....... લોભી અને કપટી ન હોય.
(12)
કામ ક્રોધ નિવાર્યાં રે...... કામ અને ક્રોધથી પર હોય.
ફક્ત દરરોજ હવેલીએ જવાથી, તિલક કરવાથી કે પ્રભુકીર્તન કરવાથી વૈષ્ણવ બની શકાતું નથી. કોઈ આપણે માટે શો અભિપ્રાય આપે છે એ વિચાર્યા વિના આપણે આપણું પોતાનું મૂલ્યાંકન ઉપરના માપદંડને આધારે કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણું મૂલ્ય કેટલું છે ? વૈષ્ણવ માટે અત્યંત જરૂરી ઉપરના તમામ સદગુણોમાંથી આપણામાં કેટલા સદગુણો છે એ આપણે વિચારવાનું છે. જો બહુ જ ઓછા હોય તો પછી હવેલીએ જવાનો કોઈ અર્થ નથી. આપણે આપણી જાતને કદાચ છેતરી શકીશું, કદાચ સમાજને પણ છેતરી શકીશું, પણ પરમાત્માને આપણે ક્યારેય છેતરી શકીશું નહિ. એ તો અંતર્યામી છે.
આપણામાં અવગુણો હોય તો એનાથી શરમાવા જેવું નથી. આપણે સંત નથી, સામાન્ય માનવી છીએ એટલે અવગુણ હોવા એ સ્વાભાવિક છે, પણ એ ગૌરવ લેવા જેવી બાબત નથી એટલું સમજવું જોઈએ. જે કોઈ અવગુણ આપણને દેખાય એ દૂર કરવા કોશિશ કરવી. આપણા અવગુણ કોઈને ન કહી શકીએ તો પણ પ્રભુને તો કહી શકીએ ને !.
પરમાત્મા પાસે નિખાલસ એકરાર કરવો અને આપણા અંતઃકરણને નિર્મળ બનાવવા વિનંતી કરવી. સાચા દિલની પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. ભક્તિ એટલે આપણા મનને ધોવું. મનના મેલ ધોવાતાં, ધીમે ધીમે મનની કાળાશ ઘટશે. મન જેમ જેમ ચોખ્ખું થતું જશે તેમ તેમ મનની પરમ શાંતિ અનુભવી શકીશું. પરમાત્માની કૃપા અનુભવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. પરમાત્માની કૃપા જીવનમાં જરૂરી છે કે કેમ એ તો કૃપા અનુભવ્યા પછી જ ખબર પડે. એટલું કહી શકાય કે પ્રભુની કૃપા મેળવ્યા પછી જીવનમાં કાંઈ મેળવવાનું રહેતું નથી.
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રેષ્ઠ ભક્તનાં લક્ષણો અંગે બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું છે. એ જ વાત પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતાએ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...’’ ભજનમાં સમજાવી છે. આ ભક્તિયોગની વાત પર આપણે વધુ ચિંતન કરીએ. ભક્તિથી મોક્ષ મળે છે, મોક્ષ એટલે મુક્તિ તો આ મુક્તિ મેળવવા શું કરવું? કર્મના ફળની આશાથી અને જ્ઞાનના અહંકારથી છૂટવું એટલે મુક્તિ. એ જ ભક્તિ.
કર્મયોગ એટલે કર્મ તો કરવાં પણ તેના ફળની આકાંક્ષાથી છૂટવું. નિષ્કામ કર્મ ઉપર પરમાત્માએ ખૂબ જ ભાર દીધો છે. જીવનમાં નાનીમોટી ઇચ્છાઓ જ દુઃખનું મૂળ છે. આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે આપણું પોતાનું મકાન હોય તો વધુ સારું એવી આશા જન્મે છે. નવું મકાન લેવાની આપણી આર્થિક ક્ષમતા ન હોય તો એ આશા બિનજરૂરી બોજો બની જાય. જે શક્ય નથી, એની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. એના કરતાં એ આશામાંથી છૂટવું એટલે ચિંતામાંથી મુક્તિ મળી જાય.
કાર લેવાનું મન થાય અને લઈ ન શકીએ તો એ વ્યર્થ આશા આપણને સતત મૂંઝવ્યા કરે. પત્ની કે પુત્રવધૂના પિયર પાસેથી દહેજ રૂપે ધન મેળવવાની ઇચ્છા જાગે. એ ન સંતોષાય તો પત્ની કે પુત્રવધૂને મારઝૂડ કરવાનું મન થાય. ક્યારેક તે નિર્દોષ કન્યાને આપણી ધનભૂખને કારણે સળગાવી દેવાનું મન થાય. ધનની લાલસાનું અત્યંત ભયાનક વરવું સ્વરૂપ સમજ્યા વિના ખૂન કરી નાખ્યા પછી પ્રશ્નો ઊભા થાય તેનાથી આપણી નીંદર હરામ થઈ જાય. એ ધન લાલસાને જ છોડી દીધી હોય તો ?
પરમાત્માએ તો કહ્યું જ છે કે મનમાંથી ઊઠતી નાનીમોટી તમામ ઇચ્છાઓને તજી દેવી એ ખૂબ જ હિતાવહ છે. ઇચ્છા જાગે અને પૂરી ન થાય તો દુઃખ થાય ને. કોઈક આપણી વાહવાહ કરે એવી ઇચ્છા મનમાં જાગે, પણ ગમે તે કારણે કોઈ વાહવાહ ન કરે તો આપણને અપમાન લાગે. માનની ઇચ્છા તજીએ તો અપમાન લાગવાનો પ્રશ્ન જ ન રહે. આમ માન, અપમાન, જય, પરાજય એ બધાં મનનાં કારણો છે. એક વાર ઇચ્છાઓ પર અંકુશ આવી જાય તો પાર વિનાના પ્રશ્નો ઊકલી જાય. મનની ગજબ શાંતિ આપણે અનુભવી શકીએ. પરમાત્માએ કર્મ તજવાનું કહ્યું નથી, પણ કર્મનું ફળ તજવાનું કહ્યું છે.
જ્ઞાન માટે તો શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે : ‘‘જ્ઞાન જેવું કાંઈ જ પવિત્ર નથી.’’ (ગીતા ૪ - ૩૮). જેમ કર્મ કામના રહિત હોવું જોઈએ તેમ જ્ઞાન અહંકાર રહિત હોવું જોઈએ. નહીંતર કર્મ અને જ્ઞાન બંને બોજારૂપ બની જાય. જ્ઞાની હોવું એ સારું છે, પણ એ જ્ઞાન સંપૂર્ણ અહંકાર વિનાનું હોવું સવિશેષ મહત્વનું છે. કર્મની જેમ જ જ્ઞાન તજવાનું નથી, પણ જ્ઞાનનો અહંકાર તજવાનો છે. એક કવિએ બહુ સુંદર પંક્તિઓ લખી છે :
‘‘મારા જ્ઞાન ગુમાનની ગાંસડી ઊતરાવો શિરેથી આજ,
મારાં પુસ્તક, પોથાંની પોટલી ઊતરાવો શિરેથી આજ,
બોજો ખેંચી ખેંચીં માથું ફાટે છે ને કાયામાં કળતર થાય,
હાંફી હાંફી મારું હૈયું થાક્યું છે ને આંખે અંધારાં ઘેરાય.’’
આમ કર્મયોગ અને જ્ઞાનયોગથી વિમુખ થવાની જરૂર નથી, પરંતુ એ બોજારૂપ ન બની જાય એટલી ખાસ કાળજી રાખવાની જરૂર છે. હું જ્ઞાની છું, બીજા બધા કરતાં હું કાંઈક વિશેષ છું એવું મિથ્યાભિમાન મનમાં પેસી ન જાય એટલી તકેદારી બહુ મહત્વની છે. આંબામાં જેમ જેમ કેરી વધતી જાય તેમ તેમ એ વધુ ને વધુ નમતો જાય. વિનમ્રતા એ ભક્તિનું પહેલું લક્ષણ છે.
એક સજ્જન કોઈ સંતને મળવા ગયા. સંતની કુટિરનું બારણું બંધ હતું. તેમણે બારણાને પાટુ મારી બારણું ખોલ્યું. પગમાંથી ચંપલ જેમ તેમ કાઢીને સંત પાસે આવ્યા. સંતે આવવાનું કારણ પૂછતાં સજજ્ને કહ્યું કે ‘‘હું આપની પાસેથી ભક્તિ વિષે શીખવા આવ્યો છું. આપ મને ઉપદેશ આપો.’’ સંતે કહ્યું કે ‘‘હું ભક્તિ વિષે તમને ઉપદેશ આપીશ, પરંતુ પહેલાં તમે બારણાની માફી માગી આવો.’’ બારણાની માફી શા માટે માગવી એ ન સમજાતાં સંતે કહ્યું : ‘‘તમે બારણાને પાટુ માર્યું એ ઠીક ન ગણાય. બારણું તો ટાઢ, તડકાથી આપણું રક્ષણ કરે છે. વરસાદથી આપણને બચાવે છે. એની સાથે આપણાથી અયોગ્ય વર્તન ન થાય, એટલે તેની સામે હાથ જોડીને, માફી માગી આવો પછી આપણે ભક્તિ વિષે વાત કરીશું.’’
સજ્જને કમને સંતની સૂચના અનુસાર બારણાની માફી માગી. ફરીથી સંતને ભક્તિ માટે ઉપદેશ આપવા વિનંતી કરતાં સંતે હવે ચંપલની માફી માગવા કહ્યું. સજ્જન મૂંઝાઈ ગયા. સંતે શાંતિથી સમજાવ્યું કે ‘‘સજીવ કે નિર્જીવ વસ્તુ, આપણને ઉપકારક હોય કે ન હોય તો પણ કોઈ પ્રત્યે આપણું વર્તન તોછડું ન હોવું જોઈએ. ચંપલ જડ છે તો પણ એ ખૂબ ઉપકાર કરે છે. આપણા પગનું કાંટા, કાંકરાથી રક્ષણ કરે છે. તેને કારણે જ આપણે ગરમ સડક પર ચાલી શકીએ છીએ. પગમાંથી ચંપલ દૂર કરીએ ત્યારે પણ જાળવીને દૂર કરવાં જોઈએ’’.
કંઈક સમજાતાં સજજ્ન ચંપલ પાસે જઈને ઊભા રહ્યા. પોતાના અવિવેક બદલ ખૂબ જ નમ્ર થઈને ચંપલની માફી માગી. પછી સંત પાસે આવીને ભક્તિ વિષે ઉપદેશ આપવા વિનંતી કરી. સંતે હસતાં હસતાં કહ્યું : ‘‘તમને તો ભક્તિ આવડે જ છે. જે માનવી બારણા કે ચંપલ જેવી જડ વસ્તુ પાસે પણ પોતાના અવિવેક બદલ માફી માગે, સામાન્ય વ્યક્તિ ન હોય. એ સંત કક્ષાનો જ ગણાય. તમને તો હવે ભક્તિના ઉપદેશની જરૂર જ નથી. મારા કહેવા છતાં તમે અક્કડ રહીને માફી ન માગી હોત તો જ તમને ઉપદેશ આપવો પડત.’’ આપણાથી કોઈને તકલીફ ન થાય તેની કાળજી રાખવી. તેમ છતાં ક્યારેક કાંઈક ભૂલ થાય તો વિના સંકોચ માફી માગવી. માફી માગવાથી કોઈ નાનું બની જતું નથી. વિશાળ દિલવાળા માનવી જ માફી માગી શકે. પરમાત્મા બધામાં સમાયેલા છે એટલે આપણાથી કોઈને તકલીફ ન થાય, કોઈ પ્રત્યે આપણું વર્તન તોછડું ન હોય એ બહુ મહત્વનું છે.
આમ ખાતરી થશે કે આશા તજવાથી ચિંતાથી મુક્ત થઈ શકાય અને વિનમ્રતાને કારણે અહંકારથી મુક્ત થઈ શકાય. એવું જ ક્રોધ, વાસના, લોભ, લાલચ, મૃત્યુનો ભય વગેરેથી મુક્ત થવાથી ભક્તિ પ્રગટ થાય છે. જેમ જેમ એક એકથી મુક્ત થઈએ તેમ તેમ બોજો હળવો થતો જાય. આપણે હળવાફૂલ થતા જઈએ. બધા અવગુણોથી મુક્ત થતા જઈએ તેમ તેમ ભક્તિ વધતી જાય. આપણે ખાસ કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. પ્રભુની કૃપા જ આપણો માર્ગ સહેલો બનાવી દેશે.
સુપ્રસિદ્ધ સંત શ્રી રણછોડદાસજી મહારાજે કહ્યું છે કે જેમ માછલીને જળ વિના ચાલતું નથી, જળ વિના તે તરફડીને મરી જાય છે તેવી અતૂટ ઝંખના આપણને પ્રભુ માટે જાગે તો પ્રભુદર્શન અશક્ય નથી.

ભગવાન શ્રી કૃષ્‍ણએ ગીતામાં ૧૮ અધ્યાયમાં જુદા જુદા યોગ બતાવ્યા, તેમાં બારમો અધ્યાય ભક્તિ યોગ છે,બારમા અધ્યાયનો,૧૮ અને ૧૯ મો શ્ર્લોક દિલને સ્પર્શ કરી જાય છે. આમ તો દરેક અધ્યાયના બધાજ શ્ર્લોક તત્વ જ્ઞાનથી ભરેલા છે. ભગવાન શ્રી કૃષ્‍ણએ ગીતાનો ઉપદેશ આપીને આપણને જીવન જીવવાનો રાહ બતાવ્યો છે.તે ઉપરાત બ્રહ્મજ્ઞાન પણ આપ્યુ છે.બારમા અધ્યાયમાં ભગવાને ભક્તના ગુણોનુ વર્ણન કર્યુ છે,જે ગુણોનુ વર્ણન કર્યુ છે તેવા ગુણો જો ભક્તમાં હોય તો આ ભક્ત ભગવાનને ઘણોજ પ્રિય છે .
સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માન પ માન યોઃ
શિતોશ્ણ સુખ દુખેષુ સમઃ સંગ વિવરર્જિતઃ  ———————૧૮.
તુલ્ય નિન્દા સ્તુતિ મૌની સંતુષ્ટો યેન કેન ચિત
અનિકેતઃ સ્થિર મતિ  ભક્તિ માન્મે પ્રિયો નરઃ——————- ૧૯.
અર્થાત જે વ્યક્તિને મિત્ર અને શત્રુ તરફ એક સરખો ભાવ છે,એનો અર્થ એક્જ થાય આ વ્યક્તિની દ્રશ્ટિ કેટ્લી વ્યાપક છે ,જે તે બધાને સમાન ગણે  છે, તેના જીવનમાં કોઈ શત્રુ છે જ નહી ,તેને કોઈની માટે ભેદભાવ નથી . આ વ્યક્તિને માન અપમાનની કોઈ પર્વા નથી , કોઈ માન આપે તો પણ ઠીક છે, ન આપે તો પણ ઠીક  છે , માન અને અપમાનને સમાન ગણે છે. જેને    ઠંડી ગર્મી  સુખ દુખ  સરખા છે ,જે સંગ દોષ રહીત છે ભક્ત હમેશા ખરાબ જ્નોના સંગથી દુર રહે છે ,ભક્ત ગમે તેવી પરિસ્થિતીમાં રહી શકે  છે .દરેક વસ્તુમાં તેને ધૈર્ય હોય છે.
       કોઈ ખોટા વખાણ કરે કે નીન્દા કરે પરન્તુ સાચો ભક્ત સ્તુતિ નીન્દાથી દુર રહે છે અને હમેશા    બે વસ્તુ માટે તે મૌન રહે છે .તેને ભગવાને જે પરિસ્થિતીમાં રાખ્યો છે તેમાં તેને સંતોષ છે , તેને ઘરબારમાં રસ નથી એટ્લે પોતાનુ જે નિવાસ્થાન છે તેમાં પણ તેને માયા નથી , આસક્તિ નથી .તે જ્ઞાની છે એટ્લે દ્ર્ઢ નિશ્ચય વાળો સ્થિતપ્રજ્ઞ છે .ભગવાન  કહે  છે આવો ભક્ત મને ઘણોજ પ્રિય છે . આપણે  ક્રિષ્ન ભક્તિમાં સ્થિર થઈએ તો  ધીમે ધીમે બધા ગુણો આપણામાં આવતા જાય   બધા ગુણો જ સાચા ભક્ત  બનાવી શકે.
Courtesy:http://hemapatel.gujaratisahityasarita.org

શ્રી વિઠ્ઠલનાથજી કહે છે કે સાચા ભક્તોની વાણીમાં પ્રેમ છલકે છે, પ્રેમ ઝળકે છે અને પ્રેમથી અને પ્રેમનો વ્યવહાર કરે છે. વળી એ કોઈપણ પ્રાણી પ્રત્યે વેરભાવ રાખતો નથી, જે પોતાના જીવનમાં આવેલ પ્રત્યેક પ્રતિકૂળ પરિસ્થિતી અને દુઃખોથી ગભરાતો નથી, જે સમદર્શી હોય અને કરુણા કરનાર હોય છે. જે સંયમી અને કોમલ ચિત્તવાળો હોય તેમજ પાપ વાસના તેમજ દૂષિત તથા મલિન વિચારોથી પરે હોય, જે દાસ્ય ભાવે મને આત્મનિવેદન કરી અનન્યભાવે ભગવદ્ ચિંતન, મનન અને સ્મરણમાં મગ્ન હોય, જે નિર્લોભી અને નિર્મોહી રહીને પ્રભુ ભક્તિ કરે છે તેવા ભક્તો પોતે પણ આ અમોઘ એવો સંસાર સાગર પાર કરે છે અને બીજા જીવોને પણ આ સાગર પાર કરવામાં મદદ કરે છે. આથી જ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ ચરણ કહે છે કે જ્યારે આવા જીવો આપની આસપાસ હોય ત્યારે સમજી જાઓ કે આપને ખરા અર્થમાં કહેવાય તેવો ભક્ત મળી ગયો છે. માટે ચાલો આપણે પણ આજથી જ ભગવાનની સાથે સાથે ભક્તોને પણ ઓળખીએ.

ભક્તનાં લક્ષણ

ભગવાન ને ભક્તો નું ઘણું મહત્વ છે. તેઓ જગત માટે આદર્શ હોય છે. કારણ ભગવદ ગીતા ને પ્રતાપે એનામાં દુર્લભ દૈવી ગુણ અનિવાર્ય રૂપે પ્રકટ થાય જ છે જે એમને માટે સ્વાભાવિક લક્ષણ હોય છે. ભક્ત નું સ્વરૂપ જાણવા માટે એ લક્ષણો ને જાણવાનું જરૂરી થઇ જાય છે.
એમાંના થોડા કાંઇક આ છે -

.    ભક્ત અજ્ઞાની નથી હોતો, એ ભગવાન નાં પ્રભાવ, ગુણ, રહસ્ય ને તત્વ થી જાન નારો હોય છે. પ્રેમ માટે જ્ઞાન ની આવશ્યકતા હોય છે. એને કોઈ પણ અંશ રૂપે જાણ્યા વિના એની સાથે પ્રેમ નથી કરી શકાતો અને પ્રેમ થવા પછીજ એનો ગુહ્યતમ યથાર્થ રહસ્ય જાની શકાય છે. ભક્ત ભગવાન નાં ગુહ્યતમ રહસ્ય ને જાને છે, માટે ભગવાન ને પ્રતિ એનો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય છે, ભગવાન રસસાર છે. ઉપનિષદ માં ભગવાન ને 'રસો વૈ સ:' કહેવાય છે. આ પ્રેમ માં પણ દ્વિત નથી ભાસતો! પ્રેમ ની પ્રબળતા થી જ રાધાજી કૃષ્ણ બની જતા અને કૃષ્ણ રાધાજી. કબીર સાહેબ કહે છે -
જબ મૈ થા તબ હારી નહિ, અબ હારી હૈ મૈ નાય.                              

પ્રેમ ગલી અતિ સાંકરી, યામે ડો ન સમાય.
વસ્તુતઃ જ્ઞાની અને ભક્ત ની સ્થિતિ માં કોઈ અંતર નથી હોતું. ભેદ એટલોજ છે, જ્ઞાની  सर्वं खल्विदं ब्रह्म કહે છે અને ભક્ત वासुदेव: सर्वमिति’.
.    ભગવાનનો ભક્ત નિર્ભય હોય છે. એ જાને છે કે સમસ્ત વિશ્વા નો સ્વામી, યમરાજ ને પણ શાસિત કરનારો ભગવાન શ્યામ સુંદર પલ પલ મારી સાથેજ  છે, મારી રક્ષા કરે છે. પછી એને દર કઈ વાત નો? ભગવાન નું શરણું જેને લીધું, એ નિર્ભય થઇ ગયો. લંકા માં રાવણ દ્વારા અપમાનિત થઈને જ્યારે વિભીષણ અનેક પ્રકાર નાં મનોરથ સાથે ભગવાન ને શરણે આવ્યો, ત્યારે એમને દ્વાર પર ઉભા રાખી સુગ્રીવ અ વાત ની સૂચના આપવા ભગવાન શ્રી રામ પાસે ગયા, શ્રી રામે સેનાપતિ સુગ્રીવ ને પૂછ્યું 'શું કરવું જોઈએ?' રાજનીતિ કુશળ સુગ્રીવે ઉત્તર આપ્યો -
जानी न जाय निसाचर माया | कामरूप केहि कारन आया ||

भेद हमार लेन सठ आवा | राखिअ बाँधी मोहि अस भावा ||
પાસે બેઠેલા ભક્તરાજ હનુમાને માનો મન વિચાર કર્યો 'સુગ્રીવ શું કહી ગયા' અરે, જેનું નામ ભૂલથી પણ એક વાર નીકળી જાય તે મનુષ્ય સંસાર નાં બંધનો થી મુક્ત થઇ જાય છે, એવા મારા રામ ના ચરણો માં આવેલ માટે બંધન ની વાતજ કેવી !' પણ સ્વામી અને સેનાપતિ ની વચ્ચે બોલવું અનુચિત સમજી હનુમાન ચુપ  રહ્યા.શહેરના વત્સલ ભગવાન શ્રી રામે સુગ્રીવ ની પ્રસંશા કરતા પોતાનું વ્રત જણાવ્યું -
सखा नीति तुम्ह नीकि विचारी | मम पं शरनागत भय हारी ||
હનુમાન નું મન ખીલી ઉઠ્યું. વાલ્મીકી રામાયણ માં પણ ભગવાન શ્રે રામે આજ વાતો કહી છે.
सकृदेव प्रपत्राय तवास्मीति च याचते |

अभयं सर्व भूतेभ्यो ददाम्येतद्व्र्तं मम ||   ( |१८|३३)
 ‘જે એકવાર મારે શરણે આવીને કહી દે કે 'હું તારો છું' હું એને સંપૂર્ણ ભૂતો થી અભય કરી દઉં છું, અ મારું વ્રત છે.' ભલા આવી સ્થિતિ માં ભગવાન નો સાચો ભક્ત નિર્ભય કેમ ના થઇ જાય?'
.    ભક્ત ને કોઈ વિષયે મમત્વ નથી હોતું. એનું મમત્વ તો એક માયરા પોતાના પ્રાણ આરાધ્ય ભગવાન ,આજ હોય છે.પછી જગત નાં પદાર્થોમાં ક્યાંક એનું મમત્વ હોય તો એના ભગવાનની પૂજાની સામગ્રી અથવા ભગવાનની વસ્તુ સમજી ને હોય છે. પોતાની કે પોતાના ભોગો સંબંધી નહિ. રામચરિતમાનસ માં ભગવાન કહે છે ,
जननी जनक बंधू सुत दारा | तनु धनु भवन सुहृद परिवारा
सब के ममता ताग बटोरी  | मम पद मनही बाध बरी डोरी        
अस सज्जन मम उर बस कैसे | लोभी ह्रदय बसई धनु जैसे
સંસારમાં મનુષ્ય ચારો તરફ મમતા નાં બંધન થી જકડાયેલો હોય છે. એનો એક એક રોમ મમત્વ નાં તાંતણે બંધાયેલો હોય છે. ભગવાન કહે છે - 'મનુષ્ય માતા-પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, મકાન, બહોળો પરિવાર વગેરે બધામાં મમતા નાં સુત્રો ને જુદા કરી એક મજબુત દોરી બાંધી લે અને એ દોરીને મારા ચરણો માં બાંધી લે અને એ દોરી દ્વારા પોતાના મન ને મારા ચરણો માં બાંધી દે, તો એ સજ્જન મારા મન મંદિરમાં એવીજ રીતે નિવાસ કરે જેવી રીતે એક લોભીના મન માં ધન.' આ મમતાનું બંધન કાચા દોરા નું એટલા માટે બતાવાયું છે કે એને તુટતા વાર નથી લાગતી. જ્યાં પણ સ્વાર્થ માં અડચણ આવી કે મમતાનો દોરો તુટ્યો, વિષય જાણિત સમસ્ત પ્રેમ પોતાને માટે હોય છે પ્રેમાસ્પદ માટે નહિ. માટે એ શીઘ્ર તૂટે છે. પણ જેમ  તાતણાંઓ થી વણેલી મજબુત દોર તુટતી નથી , એજ પ્રકારે જગત ની સમસ્ત મમત બધી જગ્યાએ થી વાણીને એક ભગવાનના ચરણો માં લગાવી દેવામાં આવે પછી એને નષ્ટ થવી કોઈજ સંભાવના નથી. માટે એમ કહેવાયું છે કે ભગવાન ને પ્રતિ કરવામાં આવતો સાચો પ્રેમ સદા વધતો રહે છે, ક્યારેય ખૂટતો નથી.
સંસારના દુઃખોનું એક મુખ્ય કારણ  મમતા છે, ખબર નાથ કેટલા લોકો રોજ મરે છે અને લોકોના ધનનો નિત્ય નાશ થાય છે, પાન આપણે કોઈ ને માટે રડતા નથી! પણ જો કોઈ આપના ઘરનું માણસ મારી જાય અથવા આપનું પોતાનું ધન નષ્ટ તો શોક અવશ્ય ઉપજે છે.  એનું એક માત્ર કારણ મમતા છે. માની લો કે એક મકાન છે, કોઈ એની એક ઈંટ કાઢી નાખે તો આપણને ખરાબ લાગશે, હવે આપણે એ મકાન વેચી દીધું અને એની કીમતના રોકડા કરી લીધા, અહી મકાન ની એક એક ઈંટ સાથે નો પ્રેમ પેલા રોકડા લીધેલ કાગળ નાં ટુકડા માં આવી ગયો. હવે ભલે એ મકાન માં આગ લાગી જાય, આપણને એની કોઈ ચિંતા નથી ચિંતા ફક્ત પેલા લીધેલા રોકડા માટે છે. એ રોકડા આપણે બેંક માં જમા કરાવીશું તો ચિંતા એ બેન્કની કે ક્યાંક એ બેંક ફડચા માં ચાલી જાય કારણ એમાં આપના રૂપિયા જમા છે. આ પ્રમાણે જ્યાં મમતા છે ત્યાં શોક છે. જો આપણી બધી મમતા ભગવાન માં અર્પિત થઇ જાય, તો શોક નું કોઈ કારણ જ નથી રહેતું. ભક્ત તો સર્વસ્વ પોતાના પ્રભુને અર્પણ કરી એને પોતાનો કરી લે છે અને પોતે એનો બની જાય છે. એમાં બીજાને માટે ક્યાય મમતા રહેતીજ નથી, માટે શોક રહિત થઈને સરવાળા આનંદ માં મગન રહે છે.
.    ભક્ત માં અભિમાન અંતહી હોતું, એ તો સમસ્ત જગતમાં પોતાના સ્વામી ને વ્યાપ્ત જુએ છે અને પોતાને એનો સેવક સમજે છે. સેવક માટે અભિમાન નું સ્થાનજ ક્યા? એના દ્વારા જે પણ કાઈ થાય છે એ બધું એના ભગવાન ની શક્તિ અને પ્રેરણા થી થાય છે. એવો વિનમ્ર ભક્ત સદા સાવધાની થી આ વાત ને જોતો રહે છે કે ક્યાંક મારા કોઈ કાર્ય દ્વારા કે એવી કોઈ ચેષ્ટા દ્વારા મારા વિશ્વા ચ્યાપ્ત સ્વામી નો તિરસ્કાર ના થી જાય. હું સદાય એમની આજ્ઞા નું પાલન કરતો રહું, હું સદા એંની રૂચી પ્રમાણે ચાલતો રહું. એ પોતાને એ સુત્રધાર ની કઠપૂતળી માત્ર સમજે છે. સુત્રધાર જેમ નચાવે પુતળી તેમજ નાચે છે, એ તેમાં અભિમાન શું કરે? અથવા એમ એમ સમજો કે સમસ્ત સંસાર એ પરમ પિતાનું નાટ્ય મંચ છે, આપણે સૌ એના નાત છીએ, જેને સ્વામીએ જે સ્વાંગ આપ્યો એને અનુસારાજ ખેલ ખેલાવાનો, પોતાનું પાત્ર નિભાવવું એજ કર્તવ્ય સમજે. જે મનુષ્ય માલિક ની રૂચી અનુસાર એનું કાર્ય નથી કરતો એ મામક હરામ છે અને જે માલિક ની સંપત્તિ ને પોતાની માની લે છે એ બેઈમાન છે. 
નટ પાત્ર નિભાવે છે, મંચ પર પુત્રનું, પિતાનું, મિત્રનું યથા યોગ્ય વર્તાવ કરે છે, પણ વસ્તુતઃ કોઈ પણ વસ્તુને પોતાના પોશાક ને પોતાના નથી સમજતો.  રીતે ભગવાનનો ભક્ત એની નાત્યાશાલા આ દુનિયા માં એના સંકેત અનુસાર એનાજ આપેલા સ્વાંગ ને લઈને આળસ રહિત થઇ એનીજ શક્તિ થી કર્મ કર્યા કરે છે. એમાં એ અભિમાન કઈ વાત નું કરે? એ તો માલિક નાં વિધાન અનુસાર કરે છે, બતાવ્યા પ્રમાણે અભિનય કરે છે પોતાની તરફથી કશુજ નહિ. એ પાત્ર ભજવવામાં ચૂકતો નથી કારણ એમાં માલિકનો ખેલ બગડી જાય છે.
.    ભક્ત કોઈની સાથે દ્વેષ નથી કરતો અથવા કોઈના પર ક્રોધ નથી કરતો. કોની સાથે કરે? કોના પર કરે? સમસ્ત જગત તો એને સ્વામીનું સ્વરૂપ દેખાય છે. શિવજી મહારાજ કહે છે-
उमा जे राम चरन रत बिगत काम मद क्रोध
निज प्रभुमय देखहि जगत केहि सन करही विरोध ||
ભક્ત વિનય, નમ્રતા અને પ્રેમ ની મુરત હોય છે.
.    ભક્ત કોઈ વસ્તુ ની કામના નથી કરતો, એને એ વસ્તુ પ્રાપ્ત છે જેની સામે બધી વસ્તુઓ તુચ્છ છે, ત્યારે એ કોઈની કામના શા માટે કરે? ખરેખર તો પ્રેમ માં કોઈ કામના રહેતીજ નથી. પ્રેમ માં આપવાનું છે, ત્યાં લેવાનું કોઈ નામજ નથી. આજ કામ અને પ્રેમ નો મોટો ભેદ છે. કામ માં પ્રેમાસ્પદ દ્વારા પોતાના સુખ ની ચાહ છે અને  પ્રેમ માં પોતાના દ્વારા પ્રેમાસ્પદ ને સુખી કરવાની ઉત્કટ ઈચ્છા છે. એને માટે એજ સૌથી મોટું સુખ છે, જેનાથી એના પ્રેમાસ્પદ ને સુખ મળે, ચાહે એ પોતાને માટે કેટલાય ભયાનક કષ્ટો નું કારણ બને. પ્રેમાસ્પદ નાં સુખને જોઇને પ્રેમી ની ભયાનક પીડા તરત મહાન સુખ નાં રૂપમાં પરિણામે છે. માટે ભગવાન નો ભક્ત ક્યારેય કામે નથી હોતો, એ તો ચાતક ની જેમ મેઘ રૂપ ભગવાન ની તરફ સદા એકટક દૃષ્ટિથી નીહાર્યા કરે છે. વાદળ જો નહિ વરસે અથવા પાણીના વાદળો બરફના કરા વરસાવે, તો પણ પ્રેમ નો પાકો પપીહો નજર નથી ફેરવતો
रटत रटत रसना लटी तृषा सूखि गये अंग |
तुलसीचातक प्रेम को, नित नूतन रूचि रंग ||
बरषि परुष पाहन पयद, पंख करे टुक टुक |
तुलसीपरी न चाहिये, चतुर चातकहि चूक ||
આજ દશા ભક્તની છે.
એ પછી બીજું શું ચાહે? જગત નું તમામ ઐશ્વર્ય જેની સામે એક કાન માત્ર પણ નથી, એ સર્વલોક મહેશ્વર શ્યામ સુંદર એનો પ્રિયતમ સ્વામી છે, એની સેવા સિવાય એ બીજું શું ચાહે.
ભક્તને કેવળ પોતાના પ્રિયતમ સ્વામી ની સેવામાં રહેવા માંગે છે, એ સેવા ને છોડી મુક્તિ પણ ગ્રહણ નથી કરતો. કરે પણ કેવી રીતે? ભગવાનના  એ અનન્ય સેવક માટે માયા નું બંધન તો છે જ નહિ, જેનાથી એ મુક્ત થવા ચાહે. એને તો કેવળ ભાગવત સેવા નું બંધન છે, ભક્ત આ પ્યારા બંધન થી મુક્તિ શા માટે છે? શ્રીમદ ભાગવત માં ભગવાન કહે છે - 

મારી સેવાને છોડી મારા ભક્ત સાલોક્ય, સાસ્ટી, સામીપ્ય, સારુપ્ય, એકત્વ વગેરે જેવી મુક્તિ લેવા પણ તૈયાર નથી ’ (/૨૯/૧૩)
ભક્ત જાને છે, મારા પ્રભુ સમસ્ત બ્રહ્માંડો નાં એકમાત્ર સ્વામી છે, મુક્તિ એમના ચરણો ની દાસી છે.
મુક્તિદાયિની ગંગાજી શ્રી ભગવાન નાં ચરણો માંથીજ વહે છે.
એકવાર બ્રહ્માજી  ભગવાનના દ્વારે પહોંચ્યા, ભગવાને દ્વારપાલ દ્વારા એમને પૂછાવ્યું કે 'આપ કયા બ્રહ્મા છો?' બ્રહ્માજીને આ વાતનું આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા કે 'બ્રહ્મા કાઈ દસ-વીસ થોડાજ  છે.' એમને કહ્યું, 'જાઓ કહી ડો ચતુર્મુખ બ્રહ્મા આવ્યા છે.' ભગવાને એમને અંદર બોલાવ્યા. બ્રહ્માજીનું કુતુહલ શાંત નાતુ થયું, એમને પૂછ્યું, 'ભગવાન ! તમે એવું કેમ પુચાવ્યું કે કયા બ્રહ્મા છો?' ભગવાન હસ્યા, એમને વિવ્હિન્ન બ્રહ્માંડ નાં બ્રહ્માનું આહ્વાન કર્યું. તત્કાલ ત્યાં ચાર થી લઈને હજાર મુખ સુધીના અનેક બ્રહ્મા આવી પહોંચ્યા.ભગવાને કહ્યું, 'જોયું, આ બધા બ્રહ્મા છે, પોત પોતાના બ્રહ્માંડ નાં બ્રહ્મા છે.' ત્યારે બ્રહ્માજી નો સંદેહ દુર થયો. એવા અનેક બ્રહ્માઓનો સ્વામી જેના પ્રાણ પ્રિય હોય એ ભક્ત કઈ વસ્તુ ની કામના કરે.
પાંચ સખીઓ હતી, પાંચેવ શ્રી કૃષ્ણ ની ભક્ત હતી. એક સમયે વન બેથી ફૂલોની માલા બનાવી રહી હતી. ત્યાંથી એક સાધુ નીકળ્યા. સાધુને રોકીને બાળાઓએ કહ્યું. 'મહાત્માન ! અમારા પ્રાણનાથ શ્રી કૃષ્ણ વનમાં ક્યાંક ખોવાઈ ગયા છે, એમને તમે જોયા હોય તો બતાવો.' ત્યારે સાધુ બોલ્યા 'અરે ગાંડી બાળાઓ ! કૃષ્ણ આમ મળતા હશે? એને માટે ઘોર તાપ કરવું પડે. એ તો રાજરાજેશ્વર છે, નારાજ થાય ત્યારે દંડ કરે અને પ્રસન્ન થાય  તો પુરસ્કારો આપે. સખીઓએ કહ્યું 'મહાત્માન ! તમારા એ શ્રી કૃષ્ણ બીજા હશે, અમારા શ્રી રાજરાજેશ્વર નથી, તેઓ તો અમારા પ્રાણ પતિ છે, તે અમને પુરસ્કાર શું આપે? એમના ખજાના ની ચાવી તો અમારી પાસે હોય છે. દંડ તો એ ક્યારેય આપતાજ નથી, જો અમે ક્યારેક કોઈ ખરાબ કાર્ય કરીએ અને અમને કડવા વેણ કહે તો એ દંડ નથી પ્રેમ છે.' સાધુ એમની વાત સાંભળી મસ્ત થઇ ગયા, સખીઓ પોતાના કૃષ્ણ ને યાદ કરી નાચવા લાગી અને સાધુ સાધુ પણ તન્મય થઈને નાચવા લાગ્યા. સારાંશ એ છે કે એવા ભક્ત પ્રભુ પાસે શું માંગે? એવો ભક્ત તો નિષ્કામ ભાવે નિત્ય નિરંતર અતિ પ્રેમની સાથે એમનું ચિંતન કરતો રહે છે.
ભક્ત નિરંતર પોતાના ભગવાન માટે કામ અને લોભી ની દશાને પ્રાપ્ત રહે છે. એમને કેવી રીતે ભૂલે? અને કેવી રીતે બીજા વિષય અને કામનાઓ કે લોભ કરે?
માટે ભક્ત સદા-સરવાળા ભગવાનના ચિંતનમાં જ ચિત્ત લગાવી રાખે છે. ભગવાને પણ ગીતામાં અનેક સ્થાનો પર નિત્ય નિરંતર ચિંતન કરવાની આજ્ઞા આપી છે. આઠમા આધ્યાય માં કહ્યું છે.
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय || (५) 
જે મનુષ્ય મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા શરીર નો ત્યાગ કરે છે, એ મારા સ્વરૂપ નેજ પ્રાપ્ત થાય છે, એમાં કોઈજ સંદેહ નથી.' આના પર લોકો વિચારે કે તો પછી જીવનભર ભગવાન નું  સ્મરણ કરવાની શી જરૂર. મારતી વેળા ભગવાનને યાદ કરી લેશું. અને મારતી વેળા ભગવાનને યાદ કરવાથી ભાગવત પ્રાપ્તિ નું વચન ભગવાને આપીજ દીધું છે. આ ભ્રાંત ધારણા ને દુર કરવા માટે ભગવાને પાછું કહ્યું છે - 
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: || (६)

એ નિયમ છે કે 'મનુષ્ય અંતકાળે  જે ભાવે સ્મરણ કરતા શરીર છોડે છે, એનને એ પ્રાપ્ત થાય છે, પણ જેનું જીવનભર ચિંતન કર્યું હોય, અંતકાળે એજ ભાવ યાદ આવે છે.
એવું નથી કે જીવનભર તો મન થી, ધનથી, માનનું રટણ કર્યા કર્યું અને અંતકાળે ભગવાનની સ્મૃતિ માત્ર આપ મેળે થઇ જાય. માટે ભગવાને પાછી આજ્ઞા કરી છે કે -
तस्मात्सर्वेसु कालेषु मामनुस्मर युध्य च |
मय्यर्पित्मनोबुद्धिर्मामेवैस्य्स संशयं || (७)
 ‘માટે હે અર્જુન ! તું સદાય મારું સ્મરણ કરતા કરતાજ યુદ્ધ કર. આ રીતે મન-બુદ્ધિ મારા માં અર્પિત હોવાથી તું નિસંદેહ મને પ્રાપ્ત થશે.' નિરંતર સ્મરણ નું મહત્વ તો જુઓ, ભગવાને એજ કહીને સંતોષ નથી માન્યો કે 'મને પ્રાપ્ત થશે' 'નિસંદેહ' (અસંશયમ) અને 'હી' (એવ) આ બે નિશ્ચય દ્રઢ કરવા વાળા શબ્દો જોડ્યા. આટલું જાણ્યા પછી ભગવાનનું સ્મરણ ના કરીએ તો આપના જેવો મૂરખ બીજો કોણ હશે ! 

RAHUL MAHIPATRAM PANDYA  Courtesy:http://pandyamasters.blogspot.in


અધ્યાય બારમો : ભક્તિ યોગ
ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ, આદર્શ ભક્તનું રેખાચિત્ર દોરે છે. ભગવાન કહે છે કે આદર્શ ભક્ત મારામાં મન જોડી, ખૂબ શ્રદ્ધાથી, મને બધું જ અર્પણ કરીને ભજે છે, અને આવા ભક્તનો હું મૃત્યુલોકથી ઉદ્ધાર કરું છુ.
ભક્તિમાર્ગનો આધાર લઇને પોતાને પામવા માટેનો માર્ગ પણ ભગવાન બતાવે છે. ભગવાન કહે છે કે મારામાં મન સ્થિર કરનાર, મારે માટેના કર્મોનું અનુષ્ઠાન કરનાર, સર્વ કર્મફળનો ત્યાગ કરી મારું અનન્યભાવે શરણ લેનાર મને સર્વરૂપે પામે છે.
આદર્શ ભક્તના લક્ષણો પણ આ અધ્યાયમાં વર્ણવવામાં આવ્યા છે. સર્વ જીવ પર મિત્રતા, દયા અને પ્રેમ, સુખ અને દુઃખમાં સમતા, ક્ષમાશીલ, સંતોષી અને સંયમી, દૃઢ નિશ્ચયી, કોઇને ન દુભવનાર, હર્ષ-શોકનો ત્યાગ કરનાર, વ્યથા અને તૃષ્ણાથી પર, સંસારથી ઉદાસીન અને સ્થિર બુદ્ધિવાળો માનવ આદર્શ ભક્ત હોય છે અને આવો ભક્ત ભગવાનને અતિ પ્રિય છે.

No comments:

Post a Comment