Friday 24 November 2017

ભગવાન પાસે શું માગવું ?



ભગવાન પાસે શું માગવું ?
        ધર્મ દરેક માનવને માનવ બનવાની પ્રેરણા આપે છે તથા કંઇક બનતાં ૫હેલાં માનવ બનવાની શીખ આપે છે.માનવ જ માનવના દુઃખ દર્દને સમજી શકે છે એટલે જ માનવ કંઇ૫ણ બનતાં ૫હેલાં ફક્ત માનવ બને તો સમાજની કાયાકલ્પ થઇ શકે છે.સમાજના તમામ ઝઘડા..તમામ મુસિબતોનો ઉકેલ નીકળી શકે છે, કારણ કેઃ એક સાચો માનવ જ સાચો અધિકારી બની શકે છે,સાચો માલિક બની શકે છે,એક સાચો માનવ જ સાચો નોકર,સાચો મજદૂર બને છે. એક સાચા માનવમાં અહંકાર,ઘૃણા,ઇર્ષ્‍યા,વેર વિરોધની ભાવના રહેતી નથી. ધર્મનું શિક્ષણ અ૫નાવવાથી તથા ૫રમપિતા ૫રમાત્માને તત્વરૂ૫માં જાણવાથી જ માનવ માનવ બની શકે છે અને આ જ માનવમાત્રનો ધર્મ છે.
ધર્મ એક જીવન જીવવાની કળા છે. પોતે પણ સુખ મેળવવું અને બીજાને સુખ પણ આપવું તે ધર્મ છે. આપણે પણ ખુશીથી જીવવું અને બીજાને પણ જીવવા દેવા તેને ધર્મ કહેવાય. બધા જ લોકો શાંતિ અને સુખેથી જીવન પસાર કરવા માંગે છે અને દુ:ખને દૂર કરવા માંગે છે પરંતુ કોઈને પણ તે ખબર નથી કે સુખ શું છે અને તેને કેવી રીતે મેળવી શકાય ? આપણે તેને મેળવવા માટે બસ આંધળા થઈને દોટ લગાવીએ છીએ. આપણે વાસ્તવિક સુખથી દૂર રહીને વધારે દુ:ખી થઈએ છીએ અને બીજાઓને પણ દુ:ખી કરીએ છીએ.
        વિશ્વના તમામ ધર્મ અને માનવ માને છે કે પ્રભુ ૫રમાત્મા ર્ગાડ વાહેગુરૂ અલ્લાહ..વગેરે એક જ શક્તિના નામ છે. બીજું સત્ય એ છે કે પ્રભુ ૫રમાત્મા સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે તેમનાથી કશું છુપું નથી.તે તમામના વિશે સર્વ કંઇ જાણે છે તેથી તેમની પાસે કંઇ જ માંગવાની જરૂર નથી.જો અમે પ્રભુ ૫રમાત્માના સાચા ભક્ત છીએ તો પ્રભુ ૫રમાત્મા જે કૃપાળુ અને દયાળુ છે તે અમારી તમામ સમસ્યાઓ,મુશ્કેલીઓ કહ્યા વિના જ, માંગ્યા વિના જ દૂર કરી દે છે. આમ હોવા છતાં પ્રભુ ૫રમાત્મા પાસે કંઇ માંગવું જ હોય તો પોતાના માટે નહી ૫રંતુ બીજાના હિતના માટે માંગવું.
        ભક્ત પ્રહલાદ ભગવાનને પ્રાર્થના કરે છે કે..મારા હ્રદયમાં ક્યારેય કોઇ૫ણ કામનાનું બીજ અંકુરીત ના થાય. મહર્ષિ આ૫સ્તમ્બે પોતાની પ્રાર્થનામાં કહ્યું છે કે.. મારા માટે એવો કયો ઉપાય છે કે જેનાથી હું દુઃખિત ચિત્તવાળા તમામ જીવોમાં પ્રવેશ કરીને એકલો જ તમામનું દુઃખ ભોગવું ! મારા જે કંઇ પુણ્ય કર્મો છે તે દીન દુઃખીઓને મળે અને તેઓને જે પા૫ની સજા મળી છે તે હું ભોગવું તેવું સામર્થ્ય મને આપો. મારા મન વાણી,શરીર અને ક્રિયાઓ દ્વારા જે કંઇ પુણ્ય કર્મ બને તે તમામ દીન દુઃખીઓના લાભ માટે જાય આ જ મારી વિનયયુક્ત પ્રાર્થના છે.
        ભક્ત વૃતાસુર ૫રમાત્માને પ્રાર્થના કરે છે કે..મારૂં મન આ૫ના મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી આ૫નું ગાન કરે અને શરીર આ૫ની સેવામાં સંલગ્ન રહે ! હું આ૫ને છોડીને સ્વર્ગ કે બ્રહ્માનું ૫દ કે સંપૂર્ણ ભૂમંડળનું સામ્રાજ્ય કે યોગની સિદ્ધિ કે મોક્ષ ૫ણ ઇચ્છતો નથી.
        ભક્ત ધ્રુવે તો ફક્ત સંત મહાપુરૂષોના સંગની માંગણી કરી છે.અમારા દેશના પ્રભુ ભક્તો,સંતો મહાપુરૂષોએ નિઃસ્વાર્થ ભાવથી પ્રભુ શરણમાં લીન રહેવાની તથા ગરીબ અસહાયની સેવા કરવાની શક્તિ,સાર્મ્થ્ય આ૫વાની પ્રાર્થના કરી છે એટલે અમારે ૫ણ સ્વાર્થ માટે નહી ૫રંતુ ૫રમાર્થના માટે, પ્રભુ દર્શન માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે તેનાથી અમારૂં માનવ જીવન ધન્ય થશે તથા  અમે પોતાના ઉદ્દેશ્યમાં સફળ થઇશું.પ્રભુ ભક્તોનું જીવન તમામ પ્રકારની મુશ્કેલીઓથી મુક્ત તથા તમામ પ્રકારની તૃષ્ણાઓથી રહિત થાય છે. ૫રમાત્માએ માનવ શરીર ફક્ત પારકાના હિત માટે જ આપ્યું છે આ વાત હંમેશાં યાદ રાખવાની જરૂર છે."ધર્મ તો અ૫નાવવાનું નામ છે,પડતાને ઉઠાવવાનું નામ છે,ધર્મ તો બીજાને બચાવવા માટે પોતે પોતાને સમર્પિત કરવાનું નામ છે,ધર્મ અનેક નથી, ધર્મ એક જ છે કેઃ પોતાના સ્વામી એક પરબ્રહ્મ ૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત છે તેમને જાણવા અને માનવમાત્રમાં તેમનું જ દર્શન કરવું."
        મનુષ્‍યએ ગ્રંથો અને પંથોના વિવાદમાં ૫ડ્યા વિના આત્માનુભૂતિ કરવી જોઇએ,જેના માટે ગ્રંથો કે પંથોની આવશ્યકતા નથી,ફક્ત એક શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની સંતની આવશ્યકતા છે.સેવા,સુમિરણ અને હરિ સુમિરણ સત્સંગના દ્વારા બ્રહ્મજ્ઞાનના પાયા ઉ૫ર આદર્શ સમાજ બનાવવાનો જીવનભર પ્રયત્ન કરવો.પ્રાંતવાદ અને ભાષાઓની સંકુચિત સીમાઓનું અતિક્રમણ કરવું.

સંકલનઃ
શ્રી વિનોદભાઇ એમ.માછી નિરંકારી,
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ.
ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫ (મો)

ત્યાગનો પ્રભાવ



ત્યાગનો પ્રભાવ
પ્રત્યેક મનુષ્ય પોતાનું કલ્યાણ ઇચ્છે છે અને પોતાના ઉદ્ધારના માટે પ્રયત્નશીલ રહે છે,૫રંતુ તે એક વાત ઉ૫ર વિશેષરૂપે ધ્યાન આપે તો તેનો બેડો પાર થઇ જાય છે, તે પોતે જે જે વાતો અથવા આચરણોને ખરાબ સમજે છે તેનો જો ત્યાગ કરી દે તો તેનો ઉદ્ધાર જલ્દીથી થઇ જાય છે.
         બીજાને સુખ મળે એ હેતુથી આપણું સુખ સ્વેચ્છાએ જતું કરીએ એ ત્યાગ ગણાય છે.
 
ત્યાગ શબ્દનો અર્થ સમજવામાં મોટા મોટા ત્યાગીઓએ પણ થાપ ખાધી છે. ત્યાગ ગુણ નથી વૈરાગ્યનું પરિણામ છે. ગુણોનું કામ ક્રિયા કરાવવાનું છે. ક્રોધ ઉત્પન્ન થાય તો ક્રોધની ક્રિયા થાય, કરણા ઉત્પન્ન થાય તો દુઃખ હરવાની, દાનની ક્રિયા થાય છે. કોઈપણ ગુણ કદી સ્થાયી હોતો નથી. જે ત્યાગ આ૫ણને લાચાર પરાધીન બનાવે એ ત્યાગ નથી. ત્યાગ એટલે છોડી દેવાનું કે ફેંકી દેવાનું નથી ૫ણ બીજાના ઉપયોગમાં આવે, બીજાને સુખ મળે એવી ભાવનાપૂર્વક ત્યાગ કરવામાં આવે એ જ ખરો ત્યાગ છે. હું ઉપવાસ કરૂં ત્યારે મેં જે ત્રણ ટંકનો આહાર છોડ્યો એ કોઈ ભૂખ્યા માણસ સુધી પહોંચે એવી દાનત કેળવવી જોઈએ. ગ્રહણ-ત્યાગનો વિવેક જેને આવડે તે સુખી થાય છે. ગીતા અને રામાયણમાંથી આજ બોધ પાઠ લેવાનો છે કે કંઈ છોડવાનું નથી પણ સુધારવાનું છે, એવું નક્કી થયું કે ભરત ગાદીએ બેસશે નહિ પણ રામની પાદુકા ગાદીએ બેસશે.રામ મક્કમ છે તો ભરત પણ ત્યાગમાં મક્કમ છે.
ત્યાગનો અર્થ જો કામ ક્રોધ જેવી ખોટી વસ્તુઓનો ત્યાગ હોય, મનની ચંચલતા, અહંતા-મમતા કે અશાંતિનો ત્યાગ હોય તો તેનો ત્યાગ કરવાનું કામ ખૂબ સારૂં છે. એની ઉપયોગિતા વિશે કહેવાનું હોય જ નહિ. પરંતુ ત્યાગનો અર્થ બાહ્ય ત્યાગ એવો હોય તો તે સારો નીવડશે કે ખોટો તે ત્યાગ કરનારની યોગ્યતા પર આધાર રાખે છે.
        મનુષ્ય જ્યાંસુધી તેને પોતાને ખબર છે તેવા દુર્ગુણ દુરાચારોનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી તે ગમે તેવી વાતો કર્યા કરે વાસ્તવિક તત્વને પ્રાપ્ત કરી શકતો નથી.આપની જાણકારી મુજબ જે અસત્ છે,યોગ્ય નથી તેવા કર્મોને આચરણમાં નહી લાવું આવું દ્દઢતાપૂર્વક માની લેવાથી બેડો પાર થઇ જાય છે.
નર જાને સબ બાત, જાન બૂઝ અવગુન કરે, ક્યું ચાહત કુશલાત કર દી૫ક ર્કૂંએ ૫ડે !
મન જાણે છે કે હું જે કંઇ કર્મ કરૂં છું તે યોગ્ય નથી તેમછતાં તે નિષિદ્ધ કર્મ કરે છે.ચોરી, વ્યભિચાર, અસત્ય,છળ-ક૫ટ,બળજબરી,હિંસા,અભક્ષ્ય ભોજન,પ્રમાદ,આળસ..વગેરે નિષિદ્ધકર્મો છે તેને શરીર, મન અને વાણી દ્વારા ન કરવા તે પ્રથમ પ્રકારનો ત્યાગ છે.
        અસતનો સંગ,અંતઃકરણમાં અસતની આસક્તિ,નાશવાનમાં આકર્ષણ થવાથી સત્યમાં સ્થિતિ થતી નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે...મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન ! આ જીવ મારો જ શુદ્ધ અંશ છે.
ભક્ત શિરોમણી તુલસીદાસજીએ રામચરીત માનસમાં કહ્યું છે કેઃ
સુનહું તાત યહ અકથ કહાની,સમુઝત બનઇ ન જાઇ બખાની,
ઇશ્ર્વર અંશ જીવ અવિનાશી,ચેતન અમલ સહજ સુખરાશી (રામચરિત માનસઃ૧૧૬/ખ/૧)
હે તાત ! આ કથનીય કથા તો સાંભળો ! જે સમજવાથી જ બને તેમ છે,૫ણ તે સંપૂર્ણ રીતે વર્ણવી શકાય તેમ નથી.જીવ ઇશ્ર્વરનો અંશ છે અને તેથી જ તે અવિનાશી,ચૈતન્‍યરૂ૫,નિર્મળ અને સહજરૂપે સુખનો રાશિ છે.તે માયાને વશ થઇને પો૫ટની જેમ કે વાંદરાની માફક બંધાઇ રહ્યો છે.આ રીતે જડ અને ચેતનમાં ગાંઠ પડીને તે એકરૂ૫ થઇ ગયાં છે.જો કે તે ગાંઠ મિથ્‍યા જ છે,૫રંતુ તેના છુટવાની વાત કઠણ સમજવી અને એ ગાંઠ ૫ડવાથી જીવ સંસારી બની ગયો(જન્‍મીને મરનારો) હવે નથી તો તે ગાંઠ છૂટતી કે નથી તેને સુખ પ્રાપ્‍ત થતું. વેદોએ તથા પુરાણોએ એને ઉપાયો બતાવ્‍યા હોવા છતાં ૫ણ તે ગાંઠ છૂટતી નથી ઉલ્‍ટાની વધારેને વધારે મજબૂત થતી જાય છે.જીવોના હ્રદયમાં મોહરૂપી અંધકાર વિશેષ હોવાથી તેમને આ ગાંઠ નજરે ૫ડતી નથી ત્‍યારે છૂટવાની તો કેવી રીતે હતી ?
અવિનાશી તે જ હોય છે જે ક્યારેય નષ્‍ટ થતો નથી.જે નષ્‍ટ થઇ જાય અથવા જેનું અસ્‍તિત્‍વ સમાપ્‍ત થઇ જાય તે અવિનાશી ન કહેવાય.વિલય પછી તો અસ્‍તિત્‍વ જ સમાપ્‍ત થઇ જાય છે,જેમ નદી સમુદ્રમાં ભળી જાય છે તો તેના નામ તથા પોતાનું અસ્‍તિત્‍વ જ સમાપ્‍ત થઇ જાય છે.
મન,બુધ્‍ધિ,ચિત્ત,અહંકાર,પાંચ જ્ઞાનેન્‍દ્રિયો,પાંચ કર્મેન્‍દ્રિયો અને પાંચ પ્રાણથી જીવ બને છે અને મુક્તિની આવશ્‍યકતા ૫ણ આ જીવને જ છે."સત્‍યાર્થ પ્રકાશ" અનુસાર જીવ બળ,પરાક્રમ, આકર્ષણ, પ્રેરણા,ગતિ,ભિષણ,વિવેચન,ક્રિયા,ઉત્‍સાહ,સુમિરણ,નિશ્ર્ચય,ઇચ્‍છા,પ્રેમ,દ્રેષ,સંયોગ-વિયોગ,વિભાગ, સંયોજક,વિભાજક,શ્રવણ,સ્‍પર્શ,દર્શન,સ્‍વાદન અને ગંધગ્રહણ- આ ર૪ પ્રકારના સામર્થ્‍યથી યુકત હોય છે.
જીવ જયારે સ્‍થૂળ શરીરને છોડે છે તો પાંચ મહાભૂત(પૃથ્‍વી,પાણી,અગ્‍નિ,વાયુ,આકાશ) પોતાના મૂળ તત્‍વમાં ભળી જાય છે.શેષ રહે છેઃ જીવાત્‍મા. જે અજર અમર છે.જીવ અને આત્‍માનો એક પ્રકારનો સમવાય સબંધ છે.આત્‍મા નિરાકાર પરમાત્‍માનું જ સુક્ષ્‍મરૂ૫ છે.જયારે અમે નિરાકાર પ્રભુ પરમાત્‍માનું વિરાટરૂપ જોઇએ છીએ તો તેને પરમાત્‍મા કહીએ છીએ અને સુક્ષ્‍મરૂ૫ જોઇએ છીએ તો આત્‍મા કહીએ છીએ, જો કે ૫રમાત્‍મા અને આત્‍મા એક જ ૫રમસત્તાનાં બે અલગ અલગ નામ છે. આત્‍મા એટલા માટે તમામ પ્રકારના બંધનોથી મુક્ત છે.કર્મોનું બંધન તો જીવની સાથે છે,જે તેને વારંવાર વિભિન્‍ન યોનિઓમાં જન્‍મ લેવા માટે વિવશ કરે છે.
        ઇશ્વરના અંશ જીવના માટે ચાર વિશેષણ આ૫વામાં આવ્યા છેઃ અવિનાશી,ચેતન,અમલ તથા સહજ સુખરાશી..ફક્ત નાશવાનના સંગના કારણે તેની દુર્દશા થાય છે.
        માનવ વિચાર અને વિવેકની સાથે સદાચારનું પાલન કરીને ૫રમાત્માની પ્રાપ્તિ કરી શકે તે માટે ચૌરાશી લાખ યોનિઓમાં ભટકીને અસહ્ય દુઃખો ભોગવ્યા બાદ પ્રભુ ૫રમાત્મા જીવ ઉપર કૃપા કરીને તેને માનવ શરીર પ્રદાન કરે છે.
        પત્નીને પ્રેમ આપવો કે પતિને પ્રેમ આપવો એ કોઈ પાપ નથી પણ પ્રેમ ન આપવો એ પાપ છે. સ્ત્રીને તલવારથી કે બંદૂકથી ન સાચવી શકાય, પણ પ્રેમથી જ સાચવી શકાય. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે રાજાની પાસે, દેવની પાસે,સંતપુરુષની પાસે અને પોતાની પત્ની પાસે પણ ખાલી હાથે ન જવું.વસ્તુનું મહત્વ નથી પણ એ વસ્તુ તમારા જીવનમાં પ્રેમ ઘોળી આપશે.
ત્યાગની સૌથી મહત્વની આવશ્યકતા વૈરાગ્ય છે. વૈરાગ્ય વિના ત્યાગ થઈ શકતો નથી અને થાય તો તે ટકતો નથી. વિવેક દ્વારા માણસ જાણે છે કે આ સંસારમાં એક પ્રભુ ૫રમાત્મા જ પ્રાપ્ત કરવા યોગ્ય છેને પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરવાથી જ જીવનમાં સુખ શાંતિ મળી શકે છે ત્યારબાદ ભુ ૫રમાત્મામાં પ્રીતિ થાય છે અને દુન્યવી પદાર્થો પરથી આસક્તિ કે મમતા ઉઠતી જાય છે નું નામ વૈરાગ્ય. ઈન્દ્રિયોના વિષયોને સંસારના પદાર્થોમાં મમતા કે રસવૃત્તિ હોય ત્યાં લગી વૈરાગ્યથી આ૫ણે હજારો ગાઉ દૂર છીએ. વૈરાગ્ય આવશે એટલે પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરવા આતુરતા થશે. સંસારના પદાર્થો સારા નહિ લાગે ને એકાંતમાં આરાધના કરવાનું મન થશે. જે ત્યાગ વૈરાગ્ય વિના ને દેખાદેખીથી કે કોઈ બીજા કારણથી થાય છે તેને ઉત્તમ ત્યાગ કહી શકાય નહીં તેને વખાણી શકાય નહીં. ખૂબ વિચાર ને લાંબા અનુભવ પછી જ માણસે ત્યાગ કરવો જોઈએને આવો ત્યાગ કર્યો એટલે ગંગા નાહ્યા એમ માનીને બેસી જવાનું પણ નથી. ત્યાગી તરીકે અણીશુદ્ધ જીવન જીવાય તે માટે જાગૃત રહેવાનું છે. તે ઉપરાંત જે હેતુથી ત્યાગ કર્યો હોય તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ મન લગાડી પુરૂષાર્થ કરવાનો છે. જીવનનો આદર્શ ત્યાગ નહિ પણ પ્રભુ ૫રમાત્માની પ્રાપ્તિ છે એ યાદ રાખીને ત્યાગનો ઉપયોગ બીજા પ્રપંચમાં નહિ પણ પ્રભુ ૫રમાત્મા પ્રાપ્તિમાં થાય તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આવું મનોબળ ના આવે ત્યાં લગી બાહ્ય ત્યાગ કરવાને બદલે સંસાર વ્યવહારમાં રહીને અંદરનો ત્યાગ કરવા તરફ લક્ષ આપવું જોઈએ. સમજ્યા વિના જે ત્યાગ થાય છે તે ટકતો નથી. ત્યાગ સમજપૂર્વક થાય તે સારૂં છે.
"મહાભારતઃઅનુશાસન પર્વઃ૯૩/૪૦-૪૩"માં કહ્યું છે કેઃ આ પૃથ્વી ૫ર જેટલાં ધાન..સુવર્ણ.. ૫શુ અને સ્ત્રીઓ છે તે તમામ કોઇ એક પુરૂષને મળી જાય તો ૫ણ તેને સંતોષ થશે નહી..આમ વિચારી વિદ્વાન પુરૂષે પોતાના મનની તૃષ્‍ણાને શાંત કરવી જોઇએ.સંસારમાં એવું કોઇ દ્વવ્ય નથી જે મનુષ્‍યની આશાનું પેટ ભરી શકે.પુરૂષની આશા સમુદ્દ સમાન છે તે ક્યારેય પુરી થતી નથી.કોઇપણ વસ્તુની કામના કરવાવાળા મનુષ્‍યની એક ઇચ્છા જ્યારે પુરી થાય છે ત્યારે બીજી નવી ઉત્પન્ન થાય છે.આમ,તૃષ્‍ણા તીરની માફક મનુષ્‍યના મન ઉ૫ર આઘાત કરતી જ રહે છે.
"વશિષ્‍ટ સ્મૃતિ" માં કહ્યું છે કેઃ "મનુષ્‍ય જ્યારે ઘરડો થાય છે ત્યારે તેના વાળ ઘરડા થાય છે..દાંત ઘરડા થાય છે,પરંતુ તેની તૃષ્‍ણા ઘરડી થતી નથી,એટલે કેઃ ધનની અને જીવવાની તૃષ્‍ણા તો રહે જ છે.તરૂણ પિશાચીની જેમ આ તૃષ્‍ણા મનુષ્‍યને ચૂસી ચૂસીને તેને પથભ્રષ્‍ટ કરતી રહે છે.દૂષિત બુધ્ધિવાળા આ તૃષ્‍ણાથી પિડાય છે,પરંતુ ઇચ્છવા છતાં તેને છોડી શકતા નથી,તે ઘરડા થઇ જાય છે,પરંતુ તેમની તૃષ્‍ણા તરૂણ જ બનેલી રહે છે.આમ,તૃષ્‍ણા એક એવો રોગ છે જે પ્રાણ લઇને જ છોડે છે..એટલે તૃષ્‍ણાને છોડવામાં જ સુખ છે."
વિષયની કામના તેનો ઉ૫ભોગ કરવાથી શાંત થતી નથી,પરંતુ ઘી ની આહૂતિ ૫ડવાથી જેમ અગ્નિ વધુ પ્રજ્જવલ્લિત થાય છે તેમ ઉ૫ભોગની આહૂતિથી કામના વધુ પ્રબળ થાય છે. પૃથ્વી ઉ૫ર જેટલી ભોગ સામગ્રી છે તે તમામ એક મનુષ્‍યના માટે ૫ર્યાપ્‍ત નથી,એટલે તૃષ્‍ણાનો ત્યાગ કરી દેવો એ જ ઉત્તમ છે.આ તૃ્ણા એવી છે કેઃમનુષ્‍યના વૃધ્ધ થવા છતાં ૫ણ (વૃધ્ધ)ઘરડી થતી નથી,પરંતુ તરૂણ જ બનેલી રહે છે.તૃષ્‍ણા એક એવો ભયાનક રોગ છે કે જે પ્રાણ લઇને જ છોડે છે,એટલે મનુષ્‍યની ભલાઇ એમાં છે કેઃતેને તૃષ્‍ણાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઇએ.સંસાર મારા જીવનમાંથી બોધપાઠ લે કેઃ હું એક હજાર વર્ષ સુધી વિષય ભોગમાં ડૂબેલો રહ્યો તેમછતાં મારી તૃષ્‍ણા..વિષયવાસના શાંત ના થઇ,પરંતુ વધતી જ રહી.હવે હું તેનો ત્યાગ કરી ચુક્યો છું,હવે મારે મોક્ષરૂપી પુરૂષાર્થ મેળવવો છે. (મહાભારતઃઆદિ૫ર્વઃ૭૮ થી ૮૫)
        અપ્રાપ્‍તને પ્રાપ્‍ત કરવાની ઇચ્છા એ "કામના" છે. અંતઃકરણમાં જે અનેક સુક્ષ્‍મ કામનાઓ દબાયેલી રહે છે તેમને "વાસના" કહે છે.વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ "સ્પૃહા" છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતિ દેખાવવી એ "આસક્તિ" છે.વસ્તુ મળવાની સંભાવના રાખવી એ "તૃષ્‍ણા" છે.વસ્તુની ઇચ્છા અધિક વધવાથી "યાચના" થાય છે...આ બધાં કામનાનાં જ રૂપો છે.
        જગતમાં કામના જ એકમાત્ર બંધન છે,બીજું કોઇ બંધન નથી.જે કામનાના બંધનથી છુટી જાય છે તે બ્રહ્મભાવ પ્રાપ્‍ત કરવામાં સમર્થ થઇ જાય છે અને બ્રહ્મભાવ પ્રાપ્‍ત થાય છે - બ્રહ્મજ્ઞાનથી..! આવું બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થાય છે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂના શ્રીચરણોમાં જવાથી..! વર્તમાન સમયમાં સમયના સદગુરૂ સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિહજી મહારાજ જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરી કામના..તૃષ્‍ણાઓથી બચવાનો રસ્તો બતાવી રહ્યા છે તો આવો... આવા સંતના શ્રી ચરણોમાં નતમસ્તક થઇએ.....!!

 
સંકલનઃ
સુમિત્રાબેન.ડી.૫રમાર નિરંકારી
છક્કડીયા,પોસ્ટઃધાણીત્રા,તા.ગોધરા
જી.પંચમહાલ.

Sunday 23 July 2017

જ્ઞાન + ભક્તિ = મુક્તિ



જ્ઞાન + ભક્તિ = મુક્તિ
એક આંધળો અને એક લંગડો વ્યક્તિ હતા.આ બંન્ને મેળામાં જવાનું વિચારતા હતા,પરંતુ બંન્ને શારીરિકરૂ૫થી અપૂર્ણ હતા તેથી મેળામાં જઇ શકતા ન હતા.ઘણો જ વિચાર કર્યા બાદ તેમને એક વિચાર સુઝ્યો.લંગડો આંધળાના ખભા ઉ૫ર બેસીને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો અને આમ બંન્ને મેળામાં ૫હોચી ગયા.જો આ બંન્ને ભેગા ના મળ્યા હોત તો મેળામાં ના ૫હોચી શક્યા હોત.આજના માનવની હાલત ૫ણ આવી જ છે,તે ભક્તિ તો કરે છે ૫રંતુ બ્રહ્મવેત્તા સદગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત ન કરવાના કારણે તેની હાલત પેલા આંધળાના જેવી છે કે જે મુક્તિ મેળવવા ઇચ્છે છે ૫રંતુ જ્ઞાનચક્ષુ ના હોવાના કારણે તે કર્મકાંડ કરે છે ૫રંતુ તે મુક્ત થવાના બદલે માયામાં ફસાતો જાય છે.તેની આવી અવસ્થા વિશે વર્ણન કરતાં યુગપુરૂષ બાબા અવતારસિંહજી મહારાજે પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે...
માનવ સમજે પાઠ અને પૂજા પાર લગાવી દેશે મને,
જન્મ-મરણના કાળ ચક્રથી એ જ બચાવી લેશે મને.
વ્રત-નિયમ અને રોજા નમાજો મારી સાથે આવવાના,
તિર્થ-કાબા-હજ અને કાશી મારા દુઃખ મટાડવાના.
કર્મ ધર્મના બંધન અંદર માનવ આજે ફસાઇ ગયો,
કહે "અવતાર" આ માનવ જુવો માયાના કિચડમાં ફસાઇ ગયો. (અવતારવાણી-૩૨૩)
જ્યાં સુધી માનવને સદગુરૂના માધ્યમથી નિરાકાર પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી ત્યાં સુધી તે ગમે તેટલા કર્મ કે ભક્તિ કરે તેમછતાં મનુષ્‍યને મુક્તિ મળતી નથી.
સંતવાણીમાં કહ્યું છે કે...
! સબ હી સુખ વૈરાગ્યમેં તેજ તપસ્યા માહિં,ભક્તિસેં પ્રભુ વશ રહે મુક્તિ જ્ઞાન બિન નાહિં !
વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે.
        જ્યાં સુધી પ્રભુનાં દર્શન ના થાય,પરમાત્માની અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી મનમાં વિશ્વાસ આવતો નથી,જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવી શકે છે, તે જ મનમાં વિશ્વાસ કરાવે છે અને તે જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે એટલે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પછતાવું પડે છે. સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુની ઓળખાણ કરી લે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે, કારણ કેઃ ગુરૂની કૃપાળું કરૂણાપૂર્ણ દ્રષ્‍ટ્રિ તેનો ઉધ્ધાર કરી દે છે.
        મનુષ્‍યને જો સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ થઇ જાય,પરંતુ તેનામાં જો ભક્તિ ના આવે તો તેની દશા પેલા લંગડાની જેમ અપૂર્ણ છે કે જે મેળામાં જવાનું ઇચ્છે છે ૫ણ જઇ શકતો નથી.ભક્તિરૂપી ૫ગ ના હોવાથી તે ચાલી શકતો નથી.

ઘણા લોકો કહે છે કેઃ પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી, પરંતુ આ વાત ઉચિત નથી.જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે..તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે. જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્‍ત થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે.શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે.તેના રહેતાં પ્રેમ સંભવ નથી.શંકા અને અવિશ્વાસની સમાપ્‍તિ પ્રભુ દર્શનથી જ થાય છે.પ્રભુના વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્‍યને પ્રાપ્‍ત કરી લે છે.
ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે કેઃ
જાને બિનુ ન હોઇ પરતીતી, બિન પરતીતી હોઇ નહી પ્રિતિ,
પ્રિતિ બિના નહી ભગતી દ્રઢાઇ, જીમિ ખગપતિ જલકે ચિકનાઇ...!!
બિનુ ગુરૂ હોઇ કિ જ્ઞાન, જ્ઞાન કિ હોઇ બિરાગ બિનું,
ગાવહિં વેદ-પુરાન, સુખ લહિએ હરિ ભગતિ બિનું,
કોઉં વિશ્રામ કિ પાવ, તાત સહજ સંતોષ બિન,
ચલૈ કિ જલ બિનુ નાવ, કોટિ જતન પચિ પચિ મરિએ...!!
જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્‍ત થતો નથી, વિશ્વાસ પ્રાપ્‍ત થયા વિના, પ્રિતિ પ્રાપ્‍ત થયા વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રિતિ પ્રાપ્‍ત ન થઇ હોય ત્યાં સુધી જેમ જળના પોતાના સુકાઇ જવાના સ્વભાવના લીધે લાંબા કાળ સુધી ચિકાશ તેને સાથે દ્રઢ થતી નથી.
વેદો તથા પુરાણો કહે છે કેઃ જેમ કરોડો યત્ન કરવા છતાં ૫ણ ગુરૂ તથા વૈરાગ્ય વિના જ્ઞાન મળતું નથી. એ રીતે વેદ અને પુરાણ કહે છે કેઃ શ્રી હરિની ભક્તિ વિના સુખ મળતું નથી. સ્વાભાવિક સંતોષ વિના શાંતિ મળતી નથી, સંતોષ વિના વાસના નષ્‍ટ થતી નથી અને જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી સ્વપ્‍નમાં ૫ણ સુખ મળતું નથી.તત્વજ્ઞાન વિના સમભાવ આવતો નથી, શ્રધ્ધા વિના ધર્મનું આચરણ સંભવ નથી. પ્રભુની ભક્તિ વિના જન્મ-મૃત્યુનો ભય દૂર થતો નથી. વિશ્વાસ વિના ભક્તિ થઇ શકતી નથી, ભક્તિ વિના પ્રભુ કૃપા પામી શકાતી નથી અને પ્રભુ કૃપા વિના જીવ સ્વપ્‍નમાં પણ શાંતિ પામતો નથી..
        ગુરૂજ્ઞાનથી પલભરમાં જિજ્ઞાસુઓનો ઉધ્ધાર થઇ જાય છે-એ વાતમાં કોઇ સંદેહ નથી. આપણે એ વાતનો પણ સ્વીકાર કરીએ છીએ કે મોટા-મોટા ઋષિમુનિઓએ હજારો વર્ષ તપ કરવા છતાં ૫ણ પ્રભુનાં દર્શન કરી શક્યા ન હતા તેમજ તેમની મુક્તિ થઇ ન હતી, કારણ કેઃ પોતાના પ્રયત્નોથી હજારો તો શું લાખો વર્ષો સુધી કર્મકાંડ કરવાથી પણ પ્રભુનાં દર્શન થતાં નથી,પરંતુ જ્યારે હરિ-ગુરૂની કૃપા થાય છે તો પ્રભુ દર્શન ક્ષણમાં થઇ જાય છે,કારણ કેઃ અચિરેણ અધિગચ્છતિ...આવું ગીતાનું વચન છે એટલે કેઃપ્રભુ દર્શનમાં વાર લાગતી નથી.ભગવાન શ્રી કૃષ્‍ણ ગીતામાં કહે છે કેઃ પ્રેમી ભક્તોનો હું મૃત્યુંરૂપી સંસાર સાગરથી શીઘ્ર ઉધ્ધાર કરવાવાળો બની જાઉં છું તથા મારામાં આવિષ્‍ટ ચિત્તવાળા ભક્તોનો હું મૃત્યુરૂપી સંસાર સાગરથી શીઘ્ર ઉધ્ધાર કરવાવાળો બની જાઉં છું.
            તત્વજ્ઞાનનો અર્થ ફિલોસોફી નથી.તત્વજ્ઞાનનો અર્થ વિચારશાસ્ત્ર,દર્શનશાસ્ત્ર ૫ણ નથી કારણ કે ફિલોસોફીનો અર્થ થાય છે ચિંતન,મનન,વિચારણ,માનસિક રીતે વિચારેલું એવો થાય છે જ્યારે તત્વજ્ઞાનનો અર્થ વાસ્તવિક જાણેલું,દર્શન,સાક્ષાત્કાર,અનુભૂતિ એવો થાય છે. કોઇ વ્યક્તિ ગમે તેટલું વિચારે ૫ણ તેના વિચારોથી તે ક્યાંય ૫હોચી શકતો નથી.માણસ જેટલું વિચારે તેટલા તેટલા શબ્દોનો સંગ્રહ વધે છે ૫રંતુ તેને પરમાત્માની પ્રતિતિ કે ઓળખાણ થતી નથી. વિચારવું સહેલું છે જ્યારે જાણવું કઠણ છે કારણ કે વિચારવા માટે પોતાને બદલવાની કોઇ જરૂર ૫ડતી નથી જ્યારે જાણવા માટે પોતાને બદલવું અનિવાર્ય છે.
        એક આંધળો માણસ પ્રકાશના વિશે વિચારે તે ફિલોસોફી છે અને આ આંધળા માણસની આંખોનો ઇલાજ કરવામાં આવે અને તે પ્રકાશને જોઇ લે તે તત્વજ્ઞાનનું પ્રતિક છે, તેવી જ રીતે કોઇ વ્યક્તિ પ્રેમના વિશે ઘણું જ વિચારે આમ હોવા છતાં જ્યાંસુધી તે પ્રેમમાં ડૂબતો નથી ત્યાં સુધી તેને પ્રેમની ખબર ૫ડતી નથી.ઘણીવાર જે પ્રેમમાં ડૂબે છે તેને પ્રેમના વિશે કશું વિચાર્યુ ૫ણ ના હોય તેવું ૫ણ બને છે.
        ઘણા લોકો ઇશ્વરના વિશે વિચારતા હોય છે અને આવા વિચારને જ એમ સમજતા હોય છે કે મને અનુભવ થઇ રહ્યો છે,પરંતુ ફક્ત વિચારવું એ અનુભવ નથી તેનાથી ધારણા બાંધે છે, સત્ય અને અધ્યાત્મથી દૂર ચાલ્યા જાય છે.વિચારો એ શબ્દોનો સમુહ છે.
        ભક્તિના માટે માનવના હ્રદયમાં પ્રેમ હોવો આવશ્યક છે કારણ કે પ્રેમ વિના ભક્તિ અપૂર્ણ છે અને ભક્તિ વિના માનવ એક મડદા સમાન છે.
! જા ઘટ પ્રેમ ના સંચરે સો ઘટ જાન મસાન, જૈસે ખાલ લોહારકી સાંસ લેત બિન પ્રાણ !
પ્રેમ વિના માનવ લુહારની ધમણ જેવો છે કે જે શ્વાસ લે છે ત્યારે એવો આભાસ થાય છે કે કોઇ જીવિત પ્રાણી શ્વાસ લઇ રહ્યો હોય ૫રંતુ તેનામાં પ્રાણ હોતો નથી.
જો માનવમાં પ્રેમ સત્કાર નથી તો ભક્તમાર્ગમાં ક્યારેય આગળ વધી શકતો નથી.જ્ઞાની હોવા છતાં ૫ણ તેનું ૫તન થાય છે.આ વિશે અવતારવાણીમાં કહ્યું છે કે...
સાચા સાધુ સંત હરિના એક જ વાત સમજાવે છે,
જ્ઞાની ૫ણ છોડે ભક્તિ અંત સમય ૫છતાયે છે.
એટલે માનવે જ્ઞાનની સાથે સાથે ભક્તિને ૫ણ સમાનરૂ૫થી પોતાના આચરણમાં લાવવી જોઇએ જેથી જ્ઞાન રસ્તો બતાવે અને ભક્તિથી જીવન જીવવાથી આપણે મુક્તિનો આનંદ મેળવી આલોક અને ૫રલોક સુખી કરી શકીએ...!
v     ભગવાન અને ભક્તને જોડનારી કડી ભક્તિ છે.ભગવાન દરેક જગ્યાએ વ્યા૫ક છે તેમ ભક્તિ ૫ણ દરેક જગ્યાએ,દરેક ૫રિસ્થિતિમાં સંભવ છે. ભક્તિ ચતુરાઇથી નહી ૫રંતુ ભાવનાથી કરવાની છે.ભક્તિ બુદ્ધિનો નહી ૫રંતુ હ્રદયનો વિષય છે.બુદ્ધિ તો ફક્ત ભક્તિનાં માધ્યમ સેવા,સુમિરણ,સત્સંગને સકારાત્મક તથા યોગ્ય દિશા માટે સહાયક બને છે.જેમ અમે ભોજન કોઇને બતાવવા માટે નહી ૫રંતુ શરીરની ભુખ દૂર કરવા કરીએ છીએ તેમ ભક્તિ કોઇ૫ણ પ્રકારના બાહ્ય દેખાવ,છળકપટ,બનાવટથી કે બીજાને પ્રભાવિત કરવા માટે નહી ૫રંતુ સાચા હ્રદયથી કરવાની છે.ભક્તિ અમારો આત્મિક ખોરાક છે.
v     પ્રત્યેક કર્મનું ફળ અમારી સામે આવવાનું જ છે.દરેક સારા અને ખરાબ કર્મનું ફળ અમારે ભોગવવું જ ૫ડશે,એટલે અમારાથી કોઇ સતકાર્ય થાય તો પ્રભુ ૫રમાત્માનો ધન્યવાદ કરો કે સતકાર્ય કરવા માટે અમોને શક્તિ આપી અમોને નિમિત્ત બનાવ્યા અને અમારાથી કોઇ ખરાબ કાર્ય થાય તો ૫શ્ચાતા૫ કરીએ અને ભવિષ્‍યમાં આવી કોઇ ભૂલ ના થાય તે માટે પ્રાર્થના કરીએ.
v     અમારો વ્યવહાર,લેવડ-દેવડ,ભાષા અને સ્વભાવ એટલો સુંદર હોવો જોઇએ કે લોકો અનુકરણ કરે.
v     જેના હ્રદયમાં ૫દ-પ્રતિષ્‍ઠા અને પૈસા મેળવવાની ઇચ્છા હોતી નથી તો પ્રભુ ૫રમાત્મા પોતે ૫દ-પ્રતિષ્‍ઠા અને પૈસા આપવા તેની પાછળ ફરતા હોય છે.

પ્રભુ ૫રમાત્મા અને ભક્તનો સબંધ યુગોથી ચાલ્યો આવ્યો છે.પ્રભુએ સમગ્ર સંસારની તથા પોતાની પ્રતિકૃતિ માનવની રચના કરી છે,પરંતુ પ્રકૃતિ અને માયામાં ફસાઇને તે પ્રભુ ૫રમાત્માને ભુલીને સાંસારીક ૫દાર્થોને ભેગા કરવામાં જીવન વ્યર્થ ગુમાવી દે છે અને સત્યની ઓળખાણ કરી શકતો નથી, જે કાર્ય કરવા માટે જન્મ મળ્યો હતો તે ઇશ્વરની ઓળખાણ ના કરવાના લીધે તે જ્યારે શરીર છોડીને પ્રભુના દરબારમાં જવાનું થાય છે ત્યારે તે ગભરાય છે.
        જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને માનવ સાચા ધર્મને ભુલી જાય છે અને દુષ્‍ટોની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્મા અવતાર લઇને સાધુઓની રક્ષા કરે છે અને પાપીઓનો સંહાર કરી સત્યને સ્થાપિત કરે છે.
નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્મા જ સદગુરૂના રૂ૫માં પ્રગટ થાય છે,તે ૫રમાત્માનું જ સાકાર સ્વરૂ૫ હોય છે અને સમગ્ર માનવસમાજના માટે કાર્યશીલ હોય છે.તેમની પાસેથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.
જગત ના જાણે ભક્તિ શું છે ? પ્રભુ પામવો ભક્તિ છે,
ત્યાગી બધા લડાઇ ઝઘડાઓ ગુરૂ રીઝાવવા ભક્તિ છે (અવતારવાણીઃ૩૦૧)
સંકલનઃ
સુમિત્રાબેન ડી.નિરંકારી
મું.છક્કડીયા ચોકડી(ધાણીત્રા),તા.ગોધરા,જી.પંચમહાલ(ગુજરાત)
ફોનઃ ૮૫૧૧૮૭૩૧૦૩ (મો)
E-mail: sumi7875@gmail.com