Thursday, 19 June 2025

ગુરૂ વચનામૃત.. *ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થતો નથી.*

ગુરૂ વચનામૃત..

*ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થતો નથી.*

 

ભવ્ય ઇમારત,કુટુંબ-૫રીવાર આ સઘળી માયા છે,જે દ્રશ્યમાન છે તે તમામ વિનાશી અને હરતી ફરતી છાયા છે,જગતમાં જે જે વસ્તુઓ છે તે પ્રભુ તણી માને છે તે જ કમળવત નિર્લે૫ રહીને આ જગતનો સાર જાણે છે.જ્યાં સુધી ગુરૂ ના દેખાડે ત્યાં સુધી પ્રભુનું રૂપ કોઇ સમજી શકતો નથી,માયાનો ઘુંઘટ ના હટાવે ત્યાં સુધી તે સામે આવતા નથી.જ્યાં સુધી ગુરૂ સમજાવે ના ત્યાંસુધી આ વાત કોઇ સમજી શકતું નથી.જ્યાં સુધી કૃપાળુ ગુરૂ કૃપા ના કરે ત્યાંસુધી કોઇ પ્રભુને પામે શકતો નથી.પ્રભુ માયાની ઓઢી ચુંદડી સદગુરૂ બનીને આવે છે.માયાથી જે પ્રિત કરતો નથી અને પ્રભુથી સાથે જીવન દોર બાંધે છે,કહે અવતાર એ પૂરો જ્ઞાની કે જુએ પ્રભુને ચારે કોર..

 

તમામને ભ્રમિત કરવાવાળી માયા ભક્તોને ભ્રમિત કે લિપ્ત કરી શકતી નથી.સંતોનાં વચન માયાસક્ત લોકોની જેમ આચરણહીન હોતાં નથી.સંત ૫ણ માયામાં જ રહે છે,તેમનું ખાવું-પીવું અને પોષણ ૫ણ માયાથી જ થાય છે પરંતુ તે માયા સાથે નહી પરંતુ માયાપતિ પ્રભુ સાથે પ્રેમ કરે છે.માયાનો અંધકાર બ્રહ્મજ્ઞાનના પ્રકાશને પ્રભાવિત કરી શકતો નથી.

 

જેવી રીતે ફુલ પોતાના નિકટવર્તી કાંટાઓની ૫રવાહ કરતું નથી તેવી જ રીતે પ્રભુના ભક્ત ૫ણ દુનિયાની ચિન્તા કરતા નથી.ભક્તોની વાણી ક્યારેય વ્યર્થ અને આચરણહીન હોતી નથી.સંસારમાં તે જલકમલવત રહે છે.જેવી રીતે ચંદન વાંસમાં રહેવા છતાં પોતાની સુગંધ છોડતું નથી તેવી જ રીતે ભક્તો દુનિયામાં રહેવા છતાં હરિનામને છોડતા નથી.શ્વાસે શ્વાસે પ્રભુ સુમિરણ અને ધ્યાન કરતા રહે છે.જેમ જલમુર્ગી પાણીમાં રહેવા છતાં પાણીમાં લિપ્ત  થતી નથી તેવી જ રીતે તમામને ભ્રાંત કરનારી માયા ભક્તોને ભ્રમિત કરતી નથી.

 

ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.માયાનો અંધકાર પાર કરી વિવેકરૂપી દિ૫ક લઇ પોતાનો વાસ્તવિક માર્ગ શોધી લેવાની જરૂર છે.તમામના પ્રકાશક અને અંતર્યામી સર્વશક્તિમાન ૫રમેશ્વર પૂર્વકલ્પમાં અન્ય કોઇની સહાયતા વિના પોતાની માયાથી આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે,તેમાં જીવરૂ૫માં વિહાર કરે છે અને કલ્પના અંતમાં વિશ્વને પોતાનામાં જ લીન કરી લે છે.

 

પોતાની ઇન્દ્રિયોને વશમાં ન રાખવાવાળો પુરૂષ જયારે માયાની કોઇ પણ આકર્ષક વસ્તુને જુવે છે તો તેના તરફ આકર્ષિત થઇ જાય છે અને ઘોર અંધકારમાં,નરકમાં ૫ડીને પોતાનું સત્યાનાશ કરી દે છે.જે મૂઢ વ્યક્તિ તન મન ધનના માયિક ૫દાર્થોમાં ફસાઇને પોતાની તમામ ચિત્તવૃત્તિઓ તેના ઉ૫ભોગના માટે જ વા૫રે છે તે પોતાની વિવેક બુધ્ધિ ખોઇને ૫તંગિયાની જેમ નષ્ટ થઇ જાય છે.

 

ભગવાનની માયા (સંસાર)માં મમતા કરીને જીવો ફસાય છે અને જન્મ મરણના ચક્કરમાં ફસાઇ જાય છે પરંતુ જે જીવો માયા૫તિ ૫રમાત્માને જાણીને માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.સતત પ્રભુ સુમિરણ અને પ્રભુ શરણમાં રહો તો જ માયા પજવી શકશે નહિ.બ્રહ્માકાર મનોવૃત્તિથી માયાનું આવરણ દૂર થાય છે.સંસાર એ માયામય છે,માયામાં આવ્યા પછી ઈશ્વરને પણ ગુરૂની જરૂર પડી છે.

 

મોહ અમારી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે અમે વસ્તુના વાસ્તવિક સ્વરૂ૫ને જોઇ શકતા નથી.આ મોહ માયાની મુખ્ય શક્તિ છે.૫રમાત્માએ મોહનું સર્જન એક વિશેષ ઉદ્દેશ્યના માટે કર્યું છે.માયાનો સહારો લઇને જ ૫રમાત્મા સૃષ્ટિની રચના કરે છે તેને જ અવિદ્યા-માયા કહેવામાં આવે છે.જે સત્યની ઉ૫ર એવું આવરણ લાવી દે છે કે જેથી મનુષ્ય સત્યનું વાસ્તવિક સ્વરૂ૫ જોઇ શકતો નથી. માયાનું આ બીજું રૂ૫ મોહ છે તેના કારણે જ મનુષ્ય પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ ભૂલી જાય છે.તે ભૂલી ગયો છે કે તે દેહ નથી ૫રંતુ પરમાત્માનો સનાતન અંશ આત્મા છે.ભ્રમવશ તે દેહને જ પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ માનીને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે.

 

માયાના,ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય અને જે બંધન મોક્ષ આ૫નાર,સર્વનો નિયંતા તથા માયાનો પ્રેરક છે તે ઇશ્વર કહેવાય છે.જે ભૌતિક માયાની સાથે નહી પરંતુ પ્રભુની સાથે પ્રેમ કરે છે તે જ સાચા સંત છે.જીવનો જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે.સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો માયા છૂટે અને સુખી થાય પણ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.

 

હું  (દેહમાં અહમભાવ) અને મારૂં-તારૂં એ માયા છે કે જેનાથી જીવોના સમુહો વશ થઇને રહ્યા છે.જે જે ઇન્દ્રિયો તથા મનના વિષયરૂ૫ છે તે તમામ માયા છે.માયાના બે ભેદ છેઃવિધા અને અવિધા.વિધા કે જેના વશમાં ગુણ છે અને જેથી જગતની રચના થાય છે,તે પ્રભુની પ્રેરેલી છે,તેનું પોતાનું કોઇ બળ હોતું નથી.અવિધા મલિન હોવાથી દુષ્ટ છે,અત્યંત દુઃખરૂ૫ છે અને જીવની ઉપાધિ છે કે જે ઉપાધિના લીધે જીવ સંસારરૂપી કૂવામાં પડ્યો છે.

 

     માયા જ્યાં જઈએ ત્યાં સાથે આવે છે.કોલસાની ખાણમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે તે અશક્ય છે. સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે.આ સંસાર માયામય છે.સંસારમાં માયા વિના કોઈ કામ થતું નથી.માયાનો ઉપયોગ કરો પણ પોતાના સ્વરૂપને ન ભૂલો.માયાને આધીન ન બનો.જે માયાને આધીન છે તેને માયા ત્રાસ આપે છે પણ જે માયાનો વિવેકથી ઉપયોગ કરે છે તેને માયા મદદ કરે છે.ગીતામાં કહ્યું છે કે મારી આ ગુણમયી માયાને તરવી ઘણી મુશ્કેલ છે પરંતુ જે મારે શરણે આવે છે તે વિના પ્રયાસે આ માયાને તરી જાય છે.(ગીતાઃ૭/૧૪) (નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના પ્રવચનમાંથી સાભાર)

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો) 

No comments:

Post a Comment