અષ્ટ સિદ્ધિ-નવ
નિધિ
ઇશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ કરી પરમશાંતિ
મેળવવી એ મોટામાં મોટી અને મહત્વની સિદ્ધિ છે.
સિદ્ધિ એટલે પૂર્ણતાની પ્રાપ્તિ અને સફળતાની અનુભૂતિ
થવી.સિદ્ધિને પ્રાપ્ત કરવાનો માર્ગ અતિ કઠન છે અને જે આ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે
છે તે જીવનની પૂર્ણતાને પામી લે છે.અસામાન્ય કૌશલ અને ક્ષમતા પ્રાપ્ત કરવી તેને
સિદ્ધિ કહે છે.
સિદ્ધિઓ બે પ્રકારની હોય છેઃપરા અને અપરા.આ સિદ્ધિઓ
ઇન્દ્રિયોના નિયંત્રણ અને વ્યાપકતા દર્શાવે છે.તમામ પ્રકારની ઉત્તમ-મધ્યમ અને અધમ
સિદ્ધિઓ અપરા સિદ્ધિઓ કહેવાય છે.આ સિદ્ધિઓને મેળવ્યા પછી સાધકના માટે સંસારમાં
કશું જ અસંભવ રહેતું નથી.સિદ્ધિઓ શું છે અને તેનાથી શું લાભ થાય છે તેનો ઉલ્લેખ માર્કંડેય પુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણમાં કરવામાં
આવ્યો છે.
હનુમાનચાલીસામાં કહ્યું છે કે ‘અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા,અસ બર દીન જાનકી માતા’ હનુમાનજીને સીતામાતાએ એવું વરદાન આપ્યું હતું કે તમને અષ્ટ
સિદ્ધિ અને નવ નિધિ મળશે.આઠ પ્રકારની સિદ્ધિઓ છે.અણિમા,મહિમા,ગરિમા,લધિમા,પ્રાપ્તિ,પ્રાકામ્ય,ઇશિત્વ અને વશિત્વ અને નવ પ્રકારની નિધિઓ છે.પદ્મ,મહાપદ્મ,નિલ,મુકુંદ,નંદ,મકર,કચ્છપ,શંખ અને ખર્વ..નવ નિધિનો એક આધ્યાત્મિક અર્થ એ છે કે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવનમ, અર્ચન, વંદનમ,
દાસ્યમ, સખ્યમ, આત્મ
નિવેદન.. આ નવ પ્રકારની ભક્તિ જ સાધકની નવ નિધિ છે.
(૧) અણિમાઃ આ સિદ્ધિને પ્રાપ્ત કરવાથી વ્યક્તિ
અણુ જેવું નાનામાં નાનું સૂક્ષ્મ શરીર ધારણ કરી શકે છે. મસક સમાન રૂપ કપિ ધરી
લંકહિ ચલેઉ સુમિરિ નરહરી..હનુમાનજીએ લંકા પ્રવેશ સમયે મચ્છર જેવું નાનું સ્વરૂપ
ધારણ કરીને લંકામાં પ્રવેશ કર્યો હતો.ભગવાન શંકરાચાર્ય પણ આકાશ માર્ગે ઉડીને
મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવા ગયા હતા તે સમયે મંડનમિશ્ર ઘરના દરવાજા બંધ કરીને
અંદર યજ્ઞ કરતા હતા એટલે શંકરાચાર્યે સુક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને બારીમાંથી મકાનમાં
પ્રવેશ કર્યો હતો.
(ર) મહિમાઃ આ સિદ્ધિને પ્રાપ્ત કર્યા પછી
મનુષ્ય પોતાના શરીરને મોટામાં મોટું અસીમિત વિશાળ બનાવી શકે છે, તે પોતાના શરીર અને પ્રકૃતિનો વિસ્તાર કરી શકે છે.બલિરાજાને ત્યાં ભગવાને
વામનમાંથી વિરાટ રૂપ લઇને ત્રણ ડગલામાં સમસ્ત બ્રહ્માંડને માપી લીધું હતું તે
દ્રષ્ટાંત મહિમા નામની સિદ્ધિનું છે.
(૩) ગરિમાઃ તેને પ્રાપ્ત કર્યા બાદ વ્યક્તિનો
આકાર સીમિત રહે છે પરંતુ શરીરનું વજન એટલું વધી જાય છે કે તેને કોઈ હલાવી શકતું
નથી.આ સિદ્ધિના પ્રભાવથી હનુમાનજીના પૂંછને ભીમ જેવો મહા બળવાન પણ હલાવી શક્યો ન હતો.
(૪) લઘિમાઃ આ સિદ્ધિ મેવ્યા બાદ વ્યક્તિનું
શરીર એટલું હલકુ થઈ જાય છે કે તે હવા કરતા પણ ઝડપથી આકાશગમન કરી શકે છે.તે પોતાની
ઈચ્છાથી કોઈપણ ચીજ મેળવી શકે છે અને તેને પોતાની પાસે પણ લાવી શકે છે.
(૫) પ્રાપ્તિઃ ઇચ્છાનુસાર ગમે તેટલા પ્રમાણમાં
પદાર્થો મેળવવા તેને પ્રાપ્તિ કહે છે.આ સિદ્ધિ મેળવ્યા બાદ વ્યક્તિ કંઇપણ પ્રાપ્ત
કરી શકે છે.તે અશક્યને શક્યમાં પરિવર્તિત કરી શકે છે.
(૬) પ્રાકામ્યઃ ઇચ્છા પ્રમાણે ગમે તે કાર્ય થઇ જવું
તેને પ્રાકામ્યા કહે છે.આ સિદ્ધિ મેળવ્યા બાદ વ્યક્તિ કોઈના પણ મનની વાત જાણી અને
સમજી શકે છે, સામેવાળી વ્યક્તિ કહે કે ન કહે તે કોઈની પણ
ઈચ્છાનો તાગ લગાવી શકે છે.
(૭) ઈશિત્વઃ ઈશિત્વનો અર્થ છે આધિપત્ય.ઇશ્વરની
જેમ શાસન કરવાનું કે સૃષ્ટિની રચના કરવાનું સામર્થ્ય થઇ જાય છે.આ ભગવાનની ઉપાધિ
છે.આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ ભગવાનની શ્રેણીમાં પહોંચી જાય છે તે દુનિયા પર
પોતાનું આધિપત્ય સ્થાપી શકે છે.
(૮) વશિત્વઃ આ સિદ્ધિને પ્રાપ્ત કર્યા બાદ
વ્યક્તિ કોઈ પણ માણસ અથવા વસ્તુને પોતાના વશમાં કરી શકે છે.આ સિદ્ધિ કોઈના પણ
પરાજયનું કારણ બની શકે છે.
આ ઉપરાંત સિદ્ધિઓના ઘણા પ્રકાર છે જેનાથી યોગી પાણી તેમજ
અગ્નિ ઉપર ચાલી શકે છે પાણી તેને માર્ગ આપે છે.દૂરશ્રવણ,દૂરદર્શન,અનેક
પ્રકારના સ્વરૂપ ધારણ કરવા,અદ્રશ્ય થઇ જવું,ત્રિકાલજ્ઞ થવું, સંકલ્પમાત્રથી ગમે ત્યાં અને ગમે
તે સ્થળે પ્રગટવાની શક્તિ, પશુ-પક્ષીની ભાષા જાણવાની શક્તિ,અખંડ યૌવન પ્રાપ્ત કરવું..વગેરે અનેક પ્રકારની સિદ્ધિઓનું સવિસ્તાર વર્ણન પાતંજલીના યોગદર્શનમાં કરવામાં આવ્યું છે.
માનવશરીરએ મોટામાં મોટી અજાયબી છે.ચૌરાશી લાખ યોનિઓથી
શ્રેષ્ઠ માનવ શરીર દ્વારા માનવ સુખ-શાંતિ અને મુક્તિ મેળવી શકે છે તથા બીજાને પણ
મુક્ત અને સુખી થવાનો માર્ગ બતાવી શકે છે આ ચમત્કાર નાનો નથી.માનવીએ નીતિમય જીવન
અને સાત્વિક સ્વભાવના ઘડતર ઉપર ધ્યાન આપવું જોઇએ.માનવતાની મૂર્તિ બનવાનો પ્રયાસ
કરવો જોઇએ.મન અને ઇન્દ્રિયો ઉપર સંયમ કેળવી અહંતા મમતા કામ ક્રોધ વગેરે વિકારોથી
દૂર થવાનો પ્રયાસ કરવો જોઇએ.વિકારમય વાતાવરણમાં રહીને
જેનું ચિત્ત ચંચળ ના બને અને સંસારમાં રહીને ભક્તિ કરી હ્રદયની શુદ્ધ સાત્વિકતાની
પ્રાપ્તિ કરી ઇશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ કરી પરમશાંતિ મેળવવી એ મોટામાં મોટી અને
મહત્વની સિદ્ધિ છે.
આવી સિદ્ધિઓ મળ્યા પછી તેનો ઉપયોગ વ્યક્તિ પોતાના સ્વાર્થ
અને બીજાનું અહિત કરવામાં કરે તો તેના માટે આ સિદ્ધિઓ પતન અને વિનાશનું કારણ બને
છે.સાચો જ્ઞાની આવી સિદ્ધિઓથી દૂર રહે છે. કહેવાય છે કે પારસમણિના સ્પર્શથી લોખંડ
સોનું બને છે તેમ અમે પણ અમારી આસપાસના વાતાવરણને જ્ઞાન અને ભક્તિમય બનાવીશું તો એ
પણ સિદ્ધિથી ઓછું નથી.
નવ નિધિઓ..
(૧) પદ્મ નિધિ.. આ નિધિના લક્ષણોથી સમૃદ્ધ મનુષ્ય સાત્વિક ગુણ યુક્ત હોય
છે અને તેની કમાયેલી સંપત્તિ પણ સાત્વિક બની જાય છે.સાત્વિક રીતે કમાયેલી સંપત્તિ
ઘણી પેઢીઓ સુધી ચાલે છે.ઘણી પેઢીઓ સુધી ધન ધાન્યની અછત નથી રહેતી.આ રીતે મનુષ્ય
સોના ચાંદી રત્નોથી સમૃદ્ધ થઇ જાય છે એટલું જ નહિ પણ તે ઉદારતા સાથે દાન પણ કરે
છે.
(ર) મહાપદ્મ નિધિ.. આ નિધિ પદ્મ નિધિ જેવી જ સાત્વિક હોય છે પણ તેની અસર
પેઢી દર પેઢી નથી રહેતી. જે વ્યક્તિમાં આ નિધિના લક્ષણો હોય છે તે પોતાના સંગ્રહિત
ધન વગેરેનું દાન ધાર્મિક સ્થાનોમાં કરે છે.
(૩) નીલ નિધિ.. આ નિધિમાં સત્વ અને રજોગુણ બંને જ મિશ્રિત હોય છે.જે
વ્યક્તિ આ નિધિથી સંપન્ન હોય છે તેમાં બંને ગુણોનું પ્રાધાન્ય હોય છે તેની સંપત્તિ
ત્રણ પેઢી સુધી ચાલે છે.
(૪) મુકુંદ નિધિ.. આ નિધિમાં પૂર્ણતઃ રજોગુણની પ્રધાનતા રહે છે. આ કારણે તેને
રાજસી સ્વભાવવાળી નિધિ પણ કહેવામાં આવે છે.આ નિધિથી સંપન્ન મનુષ્ય કે સાધકનું મન
ભોગ વગેરેમાં લાગેલું રહે છે. આ નિધિ એક પેઢી પછી સમાપ્ત થઇ જાય છે.
(૫) નંદ નિધિ.. આ નિધિમાં રજોગુણ અને તમોગુણનું મિશ્રણ હોય છે.આ નિધિની
અસરથી લાંબુ આયુષ્ય અને સતત પ્રગતિ થાય છે.
(૬) મકર નિધિ.. મકર નિધિને તામસી નિધિ પણ માનવામાં આવે છે.આ નિધિથી જે
વ્યક્તિ સંપન્ન હોય છે તે સંગ્રહ કરવાવાળા હોય છે એવા વ્યક્તિનો રાજા અને શાસનમાં
હસ્તક્ષેપ હોય છે તે વ્યક્તિ યુદ્ધમાં શત્રુ ઉપર હંમેશા ભારે પડે છે.
(૭) કચ્છપ નિધિ.. આ નિધિ હોય તે પોતાની સંપત્તિ છુપાવીને રાખે છે અને
તેની સંપત્તિનો ઉપયોગ પોતે જ કરે છે.
(૮) શંખ નિધિ..આ સિદ્ધિ હોય તે વ્યક્તિ ધનનો ઉપયોગ પોતાના સુખ માટે જ
કરે છે જેના કારણે જ કુટુંબ ગરીબીમાં જીવે છે.
(૯) ખર્વ નિધિ..આ નિધિને મિશ્રિત નિધિ કહે છે.આ નિધિથી સંપન્ન વ્યક્તિ
બીજી આઠ નિધિઓનું સંમિશ્રણ હોય છે તે મિશ્રિત સ્વભાવના હોય છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment