Thursday, 19 June 2025

અહંકાર અને સાધના

 

અહંકાર અને સાધના

 

સંત કબીર ગામની બહાર ઝુંપડી બનાવીને પોતાના પૂત્ર કમાલ સાથે રહેતા હતા.સંત કબીરજીનો રોજનો નિયમ હતો કે નદીમાં સ્નાન કરીને ગામમાં આવેલા તમામ મંદિરોમાં જળ ચઢાવીને બપોર બાદ ભજન કરવા બેસતા હતા અને મોડી સાંજે ઘેર પરત આવતા હતા.

 

સંત કબીરજી પોતાના નિત્ય નિયમ અનુસાર ગામમાંથી નીકળ્યા તો બીજી બાજું ગામના જમીનદારના યુવાન પૂત્રનું રાત્રે જ અચાનક અવસાન થયું હતું જેથી આખી રાત રોકકળ ચાલ્યું હતું.છેલ્લે કોઇ સજ્જને કહ્યું કે આપણા ગામની બહાર જે બાબા રહે છે તેમની પાસે જમીનદારના મૃત પૂત્રને લઇ જાઓ કદાચ તેઓ કંઇક કરી શકશે.તમામ તૈયાર થાય છે અને લાશને લઇને ગામની બહાર આવેલ સંત કબીરની ઝુંપડીએ પહોંચે છે પરંતુ બાબા તો દેખાતા નથી હવે શું કરવું?

 

એટલામાં ત્યાં કમાલ આવી જાય છે ત્યારે લોકોએ પુછ્યું કે બાબા ક્યાં સુધી આવશે? ત્યારે કમાલે કહ્યું કે હવે તેમની ઉંમર થઇ ગઇ છે એટલે તમામ મંદિરોમાં દર્શન કરીને પરત આવશે એટલે તેમને આવતાં સાંજ પડી જાય છે એટલે આપશ્રીને શું કામ છે તે મને કહો.આવેલ લોકો અને જમીનદારે પોતાના પૂત્રના મૃત્યુંની વાત કરે છે.કમાલે વિચાર્યું કે કોઇ બિમારી હોત તો કદાચ સારૂં થઇ જાય પરંતુ આ તો મરી ગયો છે તો હવે શું કરી શકાય ! તેમછતાં કમાલે વિચાર્યું કે લાવો કંઇક કરી જોઇએ કદાચ સારૂં પરીણામ આવી પણ શકે ! તેમ વિચારી કમાલે કમંડલ ઉઠાવ્યું, લાશની ત્રણ પરીક્રમા કરી પછી ત્રણવાર ગંગાજળ છાંટીને ત્રણવાર રામ નામનું ઉચ્ચારણ કર્યું તો મૃત પામેલ જમીનદારનો છોકરો આળસ મરડીને ઉભો થાય છે ત્યારે આવેલ તમામ લોકોને ઘણી જ ખુશી થાય છે.

 

આ બાજું કબીરજીને કોઇએ બતાવ્યું કે આપની ઝુંપડીએ ગામના જમીનદાર અને ગામના તમામ લોકો ગયા છે તો કબીરજી ખુબ જ ઝડપથી પોતાની ઝુંપડી તરફ દોડતા જાય છે તો તેમને રસ્તામાં લોકો નાચતા કૂદતા સામા મળે છે.કબીરજીને કંઇ જ સમજાતું નથી કે શું બન્યું છે.ઘેર આવીને કમાલને પુછ્યું કે શા માટે આ બધા લોકો આપણી ઝુંપડીએ આવ્યા હતા? તો કમાલ તો કંઇક બીજું જ બતાવવા લાગ્યા કે ગુરૂજી આપ ઘણા દિવસોથી કહી રહ્યા હતા કે આપશ્રીને તીર્થયાત્રામાં જવું છે તો આપ તીર્થયાત્રામાં જાઓ અહીં હું બધું જ સંભાળી લઇશ.

 

ત્યારે સંત કબીરજી કહે છે કે તમે શું સંભાળી લેશો? ત્યારે કમાલ કહે છે કે બસ એ જ કે મરેલાને જીવતો કરવો, બિમારને સારા કરવા..આ બધું હું જ કરી લઇશ.હવે આપ મન ફાવે તેટલા સમય માટે યાત્રા ઉપર જઇ શકો છો.

 

સંત કબીરજીએ મનોમન વિચાર્યું કે શિષ્યને સિદ્ધિ તો પ્રાપ્ત થઇ છે પરંતુ સિદ્ધિની સાથે સાથે તેને ઘમંડ પણ આવી ગયો છે એટલે પહેલાં તેનો ઇલાજ કરવો પડશે ત્યારબાદ જ તીર્થયાત્રા ઉપર જઇશ કારણ કે સાધકમાં ઘમંડ આવશે તો સાધનાનો અંત આવી જશે.

 

કબીરજીએ કહ્યું કે ભલે આવતી પૂર્ણિમાના દિવસે ભજનના કાર્યક્રમનું આયોજન કરીએ પછી હું તીર્થયાત્રા માટે નીકળી જઇશ.ત્યાંસુધી તમે આજુબાજુના બે-ચાર સંતોને મારી ચિઠ્ઠી આપી આવો અને ભજનમાં આવવાનું નિમંત્રણ પણ આપી આવો.

 

કબીરજીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે..કમાલ ભયો કપૂત,કબીરકો કુલ ગયો ડૂબ.. કમાલ ચિઠ્ઠી લઇને એક સંતની પાસે જાય છે અને તેમને ચિઠ્ઠી આપે છે.ચિઠ્ઠી વાંચીને તે સમજી ગયા.કમાલની પરીક્ષા કરવા તેમને પુછ્યું કે અચાનક આ ભજનનું કેમ આયોજન કરવામાં આવ્યું છે.

 

કમાલે અહંકાર સાથે બતાવ્યું કે બીજું કોઇ કારણ નથી પરંતુ લાંબા સમયથી ગુરૂજીની તીર્થયાત્રા પર જવાની ઇચ્છા હતી.હવે હું તમામ કામો સંભાળી લઉં છું તેથી મેં ગુરૂજીને કહ્યું કે હવે હું તમામ કામો સંભાળી લઉં છું એટલે આપ યાત્રા કરવા જાઓ અને તેમની ઇચ્છાનુસાર યાત્રા પહેલાં ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.

 

સંત કબીરજીએ લખેલ દોહાનો અર્થ સમજી ગયા અને કમાલને પુછ્યું કે તમે શું શું કામ કરી લો છો? તો કમાલ કહે છે કે હું મરેલાને જીવતો કરૂં છું અને કોઇ બિમાર હોય તો તેને સારા કરૂં છું.

 

સંતે કહ્યું કે તમે આજે રોકાઇ જાઓ અને સાંજે અહીયાં પણ થોડો ચમત્કાર બતાવો.તેમને આખા ગામમાં ખબર આપી.થોડા સમયમાં બસો ત્રણસો લોકોની લાઇન લાગી ગઇ.આવેલ તમામ લોકો કોઇને કોઇ નાની મોટી બિમારીથી પિડાતા હતા.સંતજીએ કમાલને કહ્યું કે ચાલો આ બધા લોકોની બિમારીને સારી કરી દો.કમાલ તો જોઇને જ ચોકી ગયા.અરે..આટલા બધા લોકોને હું કેવી રીતે સારા કરી શકીશ આ મારાથી શક્ય નથી.સંતજીએ કહ્યું કે તમે બેસો,આ લોકો આવ્યા છે તો તેમને નિરાશ પાછા કાઢવા પણ યોગ્ય ન કહેવાય.

 

સંતજીએ લોટામાંથી પાણી લીધું અને એક જ વાર રામનું નામ લઇને તેમના ઉપર છાંટ્યું તો તમામની બિમારી દૂર થઇ ગઇ.સંતે કહ્યું કે સારૂં કમાલજી અમે ભજનમાં આવીશું.પાસેના ગામમાં એક સૂરદાસજી રહે છે તેમને પણ આમંત્રણ આપી બોલવી લાવો અમે સાથે ભજનમાં આવીશું.

 

કમાલ સૂરદાસને બોલાવવા માટે જાય છે ત્યારે સમગ્ર રસ્તા દરમ્યાન વિચાર કરે છે કે આ સંતે એકવાર જ રામ નામનું ઉચ્ચારણ કરીને કેટલા બધા લોકોને સારા કરી દીધા અને મેં ત્રણવાર ગંગાજળનો છંટકાવ કરીને ત્રણવાર રામનું નામ લીધું ત્યારે જમીનદારના મૃત પૂત્રને જીવીત કરી શક્યો.આમ વિચારતાં વિચારતાં સુરદાસજીની ઝુંપડીએ પહોચ્યો.ત્યાં જઇને સૂરદાસને આવવાનું કારણ અને તમામ હકીકત કહી.કમાલ વાત કરી રહ્યા હતા ત્યારે જ સૂરદાસજીએ કહ્યું કે બેટા..જલ્દી દોડીને જાઓ,ટેકરીની પાછળની નદીમાં કોઇ તણાઇ રહ્યું છે તેને જલ્દીથી બચાવી લો.

 

કમાલ દોડીને જાય છે.ટેકરી ઉપર જઇને જુવે છે તો એક છોકરો પાણીમાં તણાઇ રહ્યો હતો.કમાલ નદીમાં કૂદીને છોકરાને બચાવીને પોતાના ખભા ઉપર ઉંચકીને સૂરદાસની ઝુંપડી તરફ લઇને જાય છે. ચાલતાં ચાલતાં તેને વિચાર આવ્યો કે સૂરદાસ તો આંધળા છે તો પછી તેમને નદીમાં તણાતા છોકરાને કેવી રીતે જોયો હશે? ઝુંપડીમાં છોકરાને લાવીને નીચે ભૂમિ ઉપર સુવડાવીને જુવે છે તો છોકરો મરી ગયો હતો.

 

સૂરદાસે પાણીના છાંટા છાંટ્યા અને બોલ્યા કે રા.. અને ત્યાં જ છોકરો ઉભો થઇને ચાલવા લાગે છે. આ જોઇને કમાલને ઘણી જ નવાઇ લાગે છે કે સૂરદાસજીએ રામ નામ પણ પુરૂ બોલ્યા નથી ફક્ત રા.. બોલ્યા અને યુવાન જીવિત થઇ ચાલવા લાગે છે.ત્યારે કમાલે સંત કબીરજીએ આપેલ ચિઠ્ઠી ખોલીને વાંચે છે અને તમામ વાત સમજી જાય છે.

 

સંત કબીરજીના આશ્રમમાં આવીને કમાલ કહે છે કે સંસારમાં એક કરતાં એક ચઢિયાતા સિદ્ધો છે તેમની આગળ હું કંઇ જ નથી.ગુરૂજી આપ અહી આશ્રમમાં જ રહો.ખરેખર મારે ભ્રમણ કરીને શિખવાની જરૂરત છે.

 

આ કથાનો સાર એ છે કે..ગુરૂની કૃપાથી સિદ્ધિઓ મળે છે તેમાં સદગુરૂનો આર્શિવાદ હોય તો સાક્ષાત ઇશ્વર આપણી સાથે ઉભા રહી જાય છે.ગુરૂએ ગુરૂ હોય છે,તે શિષ્યના મનના તમામ ભાવોને સમજી જાય છે અને માર્ગદર્શક બનીને તેને પતનથી બચાવી લે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment