Thursday, 19 June 2025

ચાર પ્રકારના પુરૂષાર્થઃધર્મ અર્થ કામ અને મોક્ષ

 

ચાર પ્રકારના પુરૂષાર્થઃધર્મ અર્થ કામ અને મોક્ષ

 

ચાર પ્રકારના પુરૂષાર્થ છેઃધર્મ-અર્થ-કામ અને મોક્ષ. આહાર,નિંદ્રા,ભય અને મૈથુન આ ચાર તત્વો મનુષ્ય અને પશુમાં સમાન છે પરંતુ માનવમાં ધર્મ તત્વ વિશેષ છે,ધર્મ વિનાનો મનુષ્ય પશુ સમાન છે.ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નહી.સાત પ્રકારની શુદ્ધિ આવે તો ધર્મ સિદ્ધ થાય.દેશ,કાળ,મંત્ર, દેહ,વિચાર,ઇન્દ્રિય અને દ્રવ્ય શુદ્ધિ.ધર્મ એટલે નીતિ અને સદાચાર.ધર્મની ઓળખાણ માનવતા છે,માનવમાં માનવતા છે તો જ તે ધાર્મિક કહેવાય છે.અનેક પ્રકારના કર્મકાંડમાં ફસાયેલો માનવ કર્મકાંડોને જ ધર્મ માને છે પરંતુ તેનામાં માનવતાના ગુણ નથી તો તે ધાર્મિક કહેવાતો નથી.ગુરૂદેવ હરદેવસિહજી મહારાજ(નિરંકારી બાબા) કહે છે કે "ધર્મ તો અ૫નાવવાનું નામ છે,પડતાને ઉઠાવવાનું નામ છે,ધર્મ તો બીજાને બચાવવા માટે પોતે પોતાને સમર્પિત કરવાનું નામ છે,ધર્મ અનેક નથી,ધર્મ એક જ છે કે પોતાના સ્વામી એક પરબ્રહ્મ ૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત છે તેમને જાણવા અને માનવમાત્રમાં તેમનું જ દર્શન કરવું." સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે અને અસત્ય એ જ સૌથી મોટુ પા૫ છે એટલે મન-વચન અને કર્મથી હંમેશાં સત્ય વ્યવહાર કરવો જોઇએ.ધાર્મિક હોવું એ કંઇ મોટી વાત નથી પરંતુ ધર્મ શું છે? તેને જાણવો એ જ મોટી વાત છે.મનુષ્‍યનો સૌથી પ્રથમ ધર્મ છે પ્રભુ ૫રમાત્માને જાણવા કે જેનો પોતે અંશ છે એટલે જે માનવીએ પોતાના ૫રમપિતા ૫રમાત્માને જાણી લીધા છે તે જ મોટો ધાર્મિક છે.ધૈર્ય(ધીરજ), ક્ષમા,દમ,અસ્‍તેય(ચોરી ન કરવી,મન,વાણી અને કર્મથી પારકી વસ્તુ તરફ નિઃસ્પૃહ વૃત્તિ), શૌચ (પવિત્રતા), ઇન્‍દ્રિયનિગ્રહ, બુધ્ધિ, વિધા, સત્ય અને અક્રોધ..આ ધર્મનાં દશ લક્ષણો છે.

 

અર્થ એટલે ભૌતિક ધન સંપત્તિની પ્રાપ્તિ પાંચ સાધનથી થાય છે.માતપિતાના આશિર્વાદ, ગુરૂકૃપા, ઉદ્યમ, પ્રારબ્ધ અને પ્રભુકૃપા.આ પાંચ પ્રકારના સાધનોથી જીવને અર્થની પ્રાપ્તિ થાય છે.વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે માનસિક આનંદ મળે છે તેને કામ કહે છે.કામ એટલે ફક્ત મૈથુન કે સેક્સની વાત નથી પરંતુ કામ એટલે કામના,સુખની ઇચ્છા.આ કામ અગિયાર જગ્યાએ રહે છે.પાંચ જ્ઞાનેદ્રિયો (આંખ,કાન,નાક,જીભ અને ત્વચા) પાંચ કર્મેન્દ્રિયો (હાથ,પગ,વાણી,ગુદા અને ઉપસ્થ) અને મન.આ અગિયાર સ્થાન ઉપર નિયંત્રણ રાખે તો પરમાત્મા પ્રાપ્તિ સુલભ બને છે.

 

પ્રકૃતિના આઠ પ્રકાર છે.પાંચ મહાભૂતો(પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ,આકાશ) અને મન,બુદ્ધિ,અહંકાર..આ અષ્ટધા પ્રકૃતિને કાબુમાં રાખે તેને મોક્ષ-મુક્તિ મળે છે.પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે તે કૃતાર્થ બને છે.મોક્ષ એટલે ભવભવના બંધનમાંથી મુક્ત થવું.મોહનો ક્ષય થવો એ મોક્ષ છે.મોહમાં કામ, ક્રોધ, લોભ વગેરે દોષો અને આસક્તિ,મમત્વ આદિ વિકારોનો સમાવેશ થાય છે.સંસારના પાત્રો, વસ્તુઓ, ક્રિયાઓ, ઇચ્છાઓ વગેરે બંધનોથી અને દેહભાવના બંધનમાંથી નીકળી જીવનો ભગવાન સાથે બંધન થાય તે મોહનો ક્ષય થયો કહેવાય.ભગવાનની જેટલી સમીપે જવાય તેટલો જીવનો મોક્ષ થાય છે.જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષનો અર્થ જુદો જુદો થાય છે.આધ્યાત્મિક માર્ગમાં એક જ અર્થમાં સિમિત થઇ જાય છે મોક્ષ એટલે શાશ્વત આનંદ,બધા દુ:ખોમાંથી કાયમનો છૂટકારો.ટૂંકમાં કહીએ તો જેને મોક્ષ મેળવવો હોય તેમને જ્ઞાનવાન થવું જોઇએ.

 

પ્રકૃતિ એટલે સ્વ-ભાવ.અનેક જન્મોના સંસ્કારોને અનુસરીને મન દોડે છે.મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિને એટલે સ્વ-ભાવને વશ રાખી શક્યા નથી તેથી બંધનમાં આવ્યા છે.પ્રકૃતિને વશ થાય છે તે જીવ અને જેને પ્રકૃતિ વશ થાય છે તે ઈશ્વર.આઠ પ્રકારની ભક્તિ,શ્રવણ,કિર્તન..વગેરે જેની સિદ્ધ થાય તે ઈશ્વરનો થાય. ભગવાન જેવા ન થઇ શકો તો વાંધો નહિ પરંતુ ભગવાનના થઈને રહેજો.ચાર પુરુષાર્થોમાં પ્રથમ ધર્મ છે અને છેલ્લો મોક્ષ છે.વચ્ચે અર્થ અને કામ છે.આ ક્રમ ગોઠવવામાં પણ રહસ્ય છે.આ બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાનાં છે.ધર્મ અને મોક્ષ એ બંને પુરુષાર્થ મુખ્ય છે, બાકીનાં બે અર્થ અને કામ બે ગૌણ છે.ધર્મ વિરૂદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી.ધર્મ વિરુદ્ધનો અર્થ અને કામ એ અનર્થ કરે છે. જેને મોક્ષની ઇચ્છા છે તે પુરૂષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો અને એક ક્ષણ માટે ૫ણ પોતાની ઇન્દ્દિયો બર્હિમુખ થવા દેવી જોઇએ નહી.એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ૫રમાત્મામાં જ ૫રોવી દેવું.જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્‍ઠાવાન મહાત્માઓનો જ સંગ કરવો.ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી.

 

મનુષ્‍યએ આ સંસારમાં મોક્ષની પ્રાપ્‍તિ કરવા માટે ધર્મ-અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્રવિહિત કર્મ છે તે તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ છે.સંસારમાં જે કંઇ દ્દશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્‍યને બાંધતાં નથી.

 

આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કે અંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી,તેને જ મોક્ષ કહેવામાં આવે છે.અનેક જન્‍મો ૫છી મળેલો આ અત્‍યંત દુર્લભ મનુષ્‍ય જન્‍મ પામીને બુધ્‍ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું,મૃત્‍યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્‍ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્‍ય તમામ યોનિઓમાં પ્રાપ્‍ત થાય છે જ પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્‍ય જન્‍મ જ છે માટે વિષયભોગોમાં અમૂલ્‍ય જીવન ખોવું ના જોઇએ.

 

પૈસા પુષ્કળ હોય તો મજા કરવામાં અનેક લોકો આપણને સાથ આપે છે પણ સજા એકલા જીવને ભોગવવી પડે છે.ધર્મ વિનાનું ધન અધર્મ છે.જીવનમાં કામ અને અર્થ ગૌણ બને તો જીવનમાં દિવ્યતા આવે છે.દિવ્યતા એ દેવપણું છે.માનવી દેવ બને છે.ધર્મની ગતિ સૂક્ષ્મ છે.ધર્મ પણ અનેકવાર અધર્મ બને છે.સદભાવના વગર ધર્મ સફળ થતો નથી.બીજો કોઈ દુઃખી થાય તેવી સૂક્ષ્મ ઈચ્છા હશે તો તે અધર્મ છે. જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશે તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે.આપણે લોકો માટે જેવો ભાવ રાખીશું લોકો તેવો જ ભાવ આપણા માટે રાખશે.ભાવ-પ્રતિભાવને ઉત્પન્ન કરે છે.સર્વ ક્ષેત્ર(જગત)માં ક્ષેત્રજ્ઞ (જગતનો આધાર) તરીકે પરમાત્મા રહેલા હોવાથી કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે.જીવ તો શું? જડ પદાર્થોમાં પણ કુભાવ ના રાખવો.જડ-ચેતન સર્વમાં એક ઈશ્વર વિરાજેલા છે.સર્વમાં સદભાવ રાખે તેનું મન શાંત રહે છે.શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કર્દમઋષિની જેમ જીતેન્દ્રિય થવું પડે તો જ બુદ્ધિરૂપી દેવહુતિ મળે.નિષ્કામ બુદ્ધિથી જ્ઞાન સિદ્ધ થાય છે અને જ્ઞાન સિદ્ધ થયા પછી પુરૂષાર્થ સિદ્ધ થાય છે.

 

આ જીવ વાસ્તવમાં નિર્ગુણ છે પરંતુ પ્રાણ,ઇન્દ્રિયો અને મનના ધર્મોને પોતાનામાં આરોપિત કરીને હુંપણા અને મારાપણાના અભિમાનથી બંધાઇને ક્ષુદ્ર વિષયોનું ચિંતન કરતો રહીને જાત જાતના કર્મો કરતો રહે છે. આ જીવ સ્વયંપ્રકાશિત છે તો પણ જ્યાંસુધી સૌના પરમગુરૂ આત્મસ્વરૂપ ભગવાનના સ્વરૂપને જાણતો નથી ત્યાંસુધી પ્રકૃતિના ગુણોમાં જ બંધાયેલો રહે છે અને તે ગુણોનો અભિમાની હોવાથી વિવશ થઇને કર્મો અનુસાર અલગ અલગ યોનીઓમાં જન્મ લઇ સુખ દુઃખ ભોગવતો રહે છે.અવિદ્યાના કારણે આત્માને જન્મ મરણ થાય છે.ગુરૂસ્વરૂપ શ્રીહરિમાં અનન્ય ભક્તથી આ અવિદ્યા દૂર થાય છે.સાંસારીક પદાર્થો અસત છે છતાં અવિદ્યાના કારણે જીવ તેનું ચિંતન કરે છે તેથી જન્મ-મરણરૂપી સંસારમાંથી તેનો છુટકારો થતો નથી.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment