પુરાણકથા..મુક્તિનો ઉપાય
મનુષ્ય શરીર
બદલો લેવા માટે નહી પરંતુ જન્મ-મરણના ચક્કરમાંથી કાયમ માટે મુક્ત થવા માટે મળ્યું
છે.
પુરાણો ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય નિધિ છે.પુરાણોમાં
માનવજીવનને ઉન્નત કરવાની અનેક સરળ, સરસ-સુંદર અને વિચિત્ર કથાઓનો ભંડાર ભરેલો છે.આ કથાઓનું તાત્પર્ય
રાગ-દ્વેષરહિત થઇને પોતાના કર્તવ્યોનું પાલન તથા ભગવાનને પ્રાપ્ત કરવાનું
છે.પદ્મપુરાણના ભૂમિખંડમાં આવી જ એક કથા આવે છે.
અમરકંટક તીર્થમાં સોમશર્મા
નામનો એક બ્રાહ્મણ રહેતો હતો.તેની પત્નીનું નામ સુમના
હતું.તે મહાન સાધ્વી અને પતિવ્રતા નારી હતી.તેમને કોઇ સંતાન ન હતું તથા ધનનો પણ
અભાવ હતો.સંતાન ન હોવાથી અને ધનનો અભાવ હોવાથી સોમશર્મા ઘણા જ દુઃખી રહેતા હતા.એક
દિવસ પોતાના પતિને અત્યંત ચિંતિત જોઇને સુમના કહે છે કે પ્રાણનાથ ! આપ ચિંતાને
છોડી દો કારણ કે ચિંતા સમાન કોઇ દુઃખ નથી.સ્ત્રી-પૂત્ર
અને ધનની ચિંતા તો ક્યારેય ન કરવી જોઇએ.આ સંસારમાં ઋણાનુબંધથી એટલે કે અન્ય કોઇ
બીજાનું ઋણ ચુકવવા માટે અને અન્ય કોઇ બીજા પાસેથી ઋણ વસુલ કરવા માટે જ જીવનો જન્મ
થાય છે.માતા-પિતા પૂત્ર-પૂત્રી ભાઇ-બહેન મિત્ર-સેવક વગેરે પોત પોતાના ઋણાનુબંધથી જ
આ પૃથ્વી ઉપર જન્મ લઇને અમોને મળે છે.ફક્ત મનુષ્ય જ નહી પશુ-પક્ષી પણ ઋણાનુબંધથી જ
મળે છે.
સંસારમાં શત્રુ-મિત્ર અને ઉદાસીન આ ત્રણ
પ્રકારના પૂત્ર હોય છે.શત્રુ
સ્વભાવવાળા પૂત્રના બે ભેદ છે.પૂર્વજન્મમાં કોઇએ બીજા પાસેથી ઋણ લીધુ હોય અને
ચુકવવાનું બાકી રહી ગયું હોય તો બીજા જન્મમાં તે ઋણ ચુકવવા પૂત્ર બનીને આવે છે..કોઇએ
પૂર્વજન્મમાં પોતાની અમાનત સાચવવા માટે આપી હોય અને તે પરત લેવા આવે ત્યારે તે
અમાનત હડપ કરી જનારના ઘેર પૂત્ર બનીને આવે છે.આ બંન્ને પ્રકારના પૂત્રો બળપણથી
માતા-પિતા સાથે વેર રાખે છે અને તેમની સાથે શત્રુ જેવો વ્યવહાર કરે છે અને મોટા
થયા પછી તે માતા-પિતાની સંપત્તિને ખોટા કામોમાં બગાડી નાખે છે.જ્યારે તેમનું લગ્ન
થઇ જાય છે ત્યારે તે માતા-પિતાને કહે છે કે આ ઘર,ખેતરો વગેરે ભૌતિક સંપત્તિ મારી છે.આમ
અનેક રીતે માતા-પિતાને કષ્ટ આપે છે.માતા-પિતાના મૃત્યુ પછી તેમની શ્રાદ્ધ-તર્પણ
વગરે ક્રિયાઓ પણ કરતો નથી.
મિત્ર સ્વભાવવાળો પૂત્ર બાળપણથી માતા-પિતાનો હિતૈષી હોય છે.તે
માતા-પિતાને હંમેશાં સંતુષ્ટ રાખે છે અને મીઠી વાણીથી હંમેશાં તેમને પ્રસન્ન રાખે
છે.માતા-પિતાની મૃત્યુ બાદ તેમની પાછળ શ્રાદ્ધ-તર્પણ,તીર્થયાત્રા, દાન
વગેરે કરે છે.
ઉદાસીન સ્વભાવવાળો પૂત્ર હંમેશાં ઉદાસીન ભાવથી રહે છે.તે ના તો
કાંઇ આપે છે કે ના તો કાંઇ લે છે.તે માતા-પિતાને સુખ કે દુઃખ આપતો નથી.
પ્રિયતમ ! જે મનુષ્યને જેટલું ધન મળવાનું લખેલું હોય છે
તે વિના પરીશ્રમે મળી જ જાય છે અને ધનનો જવાનો સમય આવે છે તો ગમે તેટલી રક્ષા કરો
છતાં પણ ચાલ્યું જાય છે..એવું સમજીને આપે ધનની ચિંતા કરવાની જરૂર નથી.
વાસ્તવમાં ધર્મનું પાલન કરવાથી
જ પૂત્ર અને ધનની પ્રાપ્તિ થાય છે.ધર્મનું આચરણ કરનાર મનુષ્યને જ સંસારમાં
સુખ મળે છે એટલે આપ ધર્મનું અનુષ્ઠાન કરો.જે મનુષ્ય મન-વાણી અને શરીરથી ધર્મનું
આચરણ કરે છે તેના માટે સંસારમાં કોઇ વસ્તુ દુર્લભ નથી.
આટલું કહીને સુમનાએ વિસ્તારથી ધર્મનું સ્વરૂપ તથા ધર્મના
અંગોનું વર્ણન કર્યું જેને સાંભળીને સોમશર્માએ પ્રશ્ન પુછ્યો કે તમોને આ તમામ ગહન
વાતોનું જ્ઞાન કેવી રીતે થયું? ત્યારે સુમનાએ કહ્યું કે આપ જાણો છો કે મારા પિતાજી ધર્માત્મા અને શાસ્ત્રોના
તત્વને જાણનારા હતા એટલે બધા લોકો તેમનો આદર સત્કાર કરતા હતા.તે પોતે પણ સંત-મહાત્માઓની
પાસે જઇ સત્સંગ કરતા હતા.હું તેમની એકમાત્ર દિકરી હોવાથી તેમનો મારી ઉપર વિશેષ
સ્નેહ હતો અને ઘણીવાર તેઓ મને પણ સત્સંગમાં લઇ જતા હતા એટલે સત્સંગના પ્રભાવથી મને
આ ધર્મતત્વનું જ્ઞાન થયેલ છે.
આ બધું સાંભળીને સોમશર્માએ પૂત્ર પ્રાપ્તિનો ઉપાય પુછ્યો
ત્યારે સુમનાએ કહ્યું કે આપ મહામુનિ વશિષ્ટજી પાસે જાઓ અને તેમને પ્રાર્થના
કરો.તેમની કૃપાથી આપને ગુણવાન પૂત્રની પ્રાપ્તિ થશે.પત્નીના આમ કહેવાથી સોમશર્મા
વશિષ્ટ મુનિ પાસે જઇને પુછે છે કે કયા પાપના લીધે મારે પૂત્ર અને ધનના અભાવનું
કષ્ટ ભોગવવું પડે છે? વશિષ્ટજીએ
કહ્યું કે પૂર્વજન્મમાં તમે ઘણા જ લોભી હતા અને બીજાઓની સાથે હંમેશાં દ્વેષ રાખતા
હતા.તમે ક્યારેય સેવા સુમિરણ સત્સંગ તીર્થયાત્રા દેવપૂજન કે દાન વગેરે શુભ કર્મ
નહોતા કર્યા.ધનને જ તમે સર્વસ્વ સમજતા હતા.તમે ધર્મને છોડીને ધનનો આશ્રય લીધો
હતો.તમે દિવસ-રાત ધનની ચિંતામાં જ લાગેલા રહેતા હતા.અરબો-ખરબ સુવર્ણ મુદ્રાઓ તમોને
પ્રાપ્ત થઇ હોવા છતાં તમારી તૃષ્ણા ઓછી ના થતાં વધતી જ ગઇ.તમારી પાસે જે કંઇ ધન
હતું તે તમામ તમોએ જમીનમાં દાટી દીધું હતું.તમારા પૂત્ર અને પત્નીએ વારંવાર પુછવા
છતાં તેમને ધન ન આપ્યું કે ધન ક્યાં સંતાડ્યું તે પણ ના બતાવ્યું.ધનના લોભમાં તમે
પૂત્ર સ્નેહ પણ છોડી દીધો અને આ કર્મોના કારણે તમોને આ જન્મમાં દરિદ્ર અને
પૂત્રહીન બન્યા છો.
એકવાર તમારા ઘેર આવેલ એક પ્રભુ ભક્ત અને ધર્માત્માની
પ્રસન્નતાપુર્વક તમોએ સેવા કરી હતી અને અતિથિ સાથે તમે પણ પત્ની સહિત એકાદશીવ્રત
રાખી ભગવાનું પૂજન કર્યું હતું આ કારણે તમોને ઉત્તમ બ્રાહ્મણ વંશમાં જન્મ મળ્યો
છે. વિપ્રવર ! ઉત્તમ સ્ત્રી પૂત્ર કૂળ સુખ મોક્ષ વગેરે દુર્લભ વસ્તુઓ ભગવાનની
કૃપાથી જ મળતા હોય છે એટલે તમે ભગવાનની શરણમાં જાઓ અને સેવા સુમિરણ સત્સંગ કરો.
વશિષ્ટજી દ્વારા સમજૂતી આપ્યા પછી સોમશર્માએ પોતાની
પત્ની સુમનાની સાથે મળી ઘણી જ તત્પરતાથી ભગવાનના ભજનમાં લાગી ગયા.તેઓ ઉઠતાં-બેસતાં,ચાલતાં સૂતાં-જાગતાં તમામ સમયે પ્રભુમાં
ધ્યાન લગાવી સુમિરણ કરવા લાગ્યા અને ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં વિચલિત થતા ન
હતા. તેમની આવી લગન જોઇને ભગવાન તેમની સમક્ષ પ્રગટ થાય છે અને તેમને મનુષ્ય લોકના
તમામ ઉત્તમ ભોગો અને ભગવદ ભક્ત તથા ધર્માત્મા પૂત્રની પ્રાપ્તિ થાય છે.
સોમશર્માના પૂત્રનું નામ સુવ્રત
રાખવામાં આવે છે.સુવ્રત બાળપણથી ભગવાનનો અનન્ય ભક્ત હતો.રમત રમતાં પણ તેનું મન
ભગવાનના ધ્યાનમાં લાગેલું રહેતું હતું.સુવ્રતની આવી અનન્યની ભક્તિથી પ્રસન્ન થઇને
એકવાર ભગવાન તેને દર્શન આપે છે અને વરદાન માંગવાનું કહે છે ત્યારે સુવ્રત કહે છે
કે હે પ્રભુ ! આપ જો પ્રસન્ન થયા હો તો મારા માતા-પિતાને પરમધામ મળે અને મારી સાથે
મારી પત્નીને પણ આપના લોકની પ્રાપ્તિ થાય.ભગવાને સુવ્રતની ભક્તિથી સંતુષ્ટ થઇને ઉત્તમ
વરદાન આપ્યું.
આમ પૂત્રની ભક્તિના પ્રભાવથી સોશર્મા અને સુમના પણ
ભગવદધામમાં જાય છે.આ કથાની વિશેષ વાત એ છે કે સંસારમાં કોઇનું ઋણ ચુકવવા માટે કે
કોઇની પાસેથી ઋણ વસુલ કરવા માટે જ જન્મ થાય છે કારણ કે જીવે અનેક લોકો પાસેથી ઋણ
લીધું હોય છે અને અનેક લોકોને આપ્યું હોય છે.લેન-દેનનો આ વ્યવહાર અનેક જન્મોથી
ચાલ્યો આવ્યો છે અને તેને બંધ કર્યા વિના જન્મ-મરણથી છુટકારો થઇ શકતો નથી.
સંસારમાં જેટલા અમારા સબંધીઓ છે તે તમામ લેન-દેન માટે જ
અમોને મળ્યા છે એટલે મનુષ્યે તેમાં મોહ-મમતા રાખ્યા વિના પોતાના કર્તવ્ય કર્મનું
પાલન કરવું એટલે કે તેમની સેવા કરવી,તેમને યથાશક્તિ સુખ પહોંચાડવું.
મનુષ્ય શરીર વિવેક પ્રધાન છે એટલે પોતાના વિવેકને મહત્વ
આપીને અમારી સાથે જે ખરાબ વ્યવહાર કરે છે તેમને પણ માફ કરી દઇ તેમની સાથે સારો
વ્યવહાર કરીએ.મનુષ્ય શરીર બદલો લેવા માટે નહી પરંતુ જન્મ-મરણના ચક્કરમાંથી કાયમ
માટે મુક્ત થવા માટે મળ્યું છે.લેન-દેનનો આ વ્યવહાર બંધ કરવા માટેનો ઉપાય
છેઃનિઃસ્વાર્થભાવથી બીજાઓના હિતના માટે કર્મ કરીએ.બીજાના હિતના માટે કર્મ કરવાથી
જૂનુ ઋણ પુરૂ થાય છે અને બદલામાં કંઇજ ન ઇચ્છવાથી નવું ઋણ જમા થતું નથી અને આમ
માનવ ઋણમુક્ત થતાં મનુષ્ય જન્મ-મરણથી છુટી ભગવાનના પરમધામમાં જાય છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment