Saturday 5 March 2022

 

સાચી ભક્તિ

કવાર એક રાજાએ પોતાની સભામાંના એક વિદ્વાનને પ્રશ્ન કર્યો કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણા રાજ્યમાં કેટલા ભક્તો છે? અને તે તમામ મારી સમક્ષ ઉ૫સ્થિત થાય કે જેથી હું તેમનાં દર્શન કરી શકું. વિદ્વાને રાજાને સલાહ આપી કે આપ નગરમાં એક એવી જાહેરાત કરાવી દો કે મારા નગરમાં જેટલા ભક્તો છે કે જે પ્રભુની ઉપાસના કરવાવાળા છે તેમને હવે પછીથી રાજ્યનો કોઇપણ પ્રકારનો વેરો (ટેક્સ) ભરવાનો રહેશે નહી. બીજા દિવસે સવારે રાજાને નગરમાં જોવા મળ્યું કે નગરના તમામ લોકોના મસ્તક ઉ૫ર તિલક કરેલ હતું તથા ગળામાં તુલસીની માળાઓ હતી. નગરના તમામ લોકો બાહ્યદ્રષ્ટ્રિ થી ભક્ત જેવા લાગતા હતા. રાજાએ આ દ્રશ્ય જોયું તો વિદ્રાનને ધન્યવાદ આપ્યા કે આપે ખુબ જ સુંદર તરકીબ બતાવી છે. મારા નગરના તમામ લોકો ભક્ત બની ગયા છે. મારા મનમાં ઘણા સમયથી એવી ભાવના હતી કે મારા નગરના તમામ લોકો ભક્ત બની જાય. જે આજે પુરી થઇ છે.પેલા વિદ્રાને કહ્યું કે મહારાજ ! આ તો ફક્ત આપશ્રીને આડંબરનો નમૂનો બતાવ્યો છે વાસ્તવિકતા તો કંઇક જુદી જ છે. હવે આવતીકાલે આપ એવી જાહેરાત કરાવો કે મારે ભક્તોના શરીરમાંથી તેલ કઢાવવું છે, તેમને કોલ્હામાં પીલીને તેલ કાઢવામાં આવશે. ત્યારબાદ આપણા નગરમાં એક યજ્ઞ કરાવવામાં આવશે. આ કાર્ય માટે તમામ સમર્પિત ભક્તોએ આગળ આવવું. આ જાહેરાત સાંભળીને એક પણ ભક્ત આગળ આવ્યો નહી. જ્યારે રાજ્યનો કર(વેરો) માફ કરવાની જાહેરાત કરવામાં આવી તો નગરમાં ચારે બાજું ભક્તો જ જોવા મળ્યા અને ત્યારબાદ બીજી જાહેરાત કરવામાં આવી તો તમામે કપાળમાંના તિલક ભુંસી નાખ્યા, ગળામાંથી કંઠી કાઢી નાખી અને શરીર ઉ૫ર લગાવેલ ચંદનનો લેપ પણ ધોઇ નાખ્યો. નગરમાં ગમે તેને પુછવામાં આવે તો જવાબ મળતો કે ના...ના..હું ક્યાં ભક્ત છું? નગરમાં ફક્ત એક જ સજ્જન રાજાના આ કાર્ય માટે આગળ આવ્યા. પેલો વિદ્રાન આ સજ્જનને લઇને રાજાની સમક્ષ ઉ૫સ્થિત થયા. રાજાને કહ્યું કે આપણા નગરમાં ફક્ત આ એક જ ભક્ત છે. જેમને પોતાની જાતને છુપાવી નથી. તેમને પોતે પોતાને સમર્પિત કર્યા છે, તે આપની સમક્ષ સેવા માટે ઉ૫સ્થિત થયા છે. આપણા નગરમાં ફક્ત આ એક જ ભગવાનના સાચા ભક્ત છે.  કહેવાનો ભાવાર્થ એ છે કે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં તેમની મનઃસ્થિતિ એકરસ રહે છે. પુરાતન સંતોના જીવનમાંથી ૫ણ આપણને સમર્પિત ભક્તિનો ભાવ જોવા મળે છે. જે ભક્ત હોય છે તે બીજાને ખવડાવીને ખુશ રહે છે. બીજાઓને માન-સન્માન આપીને પોતાના હ્રદયમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે. ભક્ત વિચારે છે કે બીજાઓને જે માન મળી રહ્યું છે સમજો તે પોતાને જ મળી રહ્યું છે. ભક્તની આવી ભાવના ભક્તને મહાન બનાવે છે અને આ ભાવના જ ભક્તની સાચી ઓળખાણ છે. સંત-મહાત્મા એ છે કે જો કોઇ તેમની સાથે નફરત કરે છે તેમની સાથે ૫ણ પ્રેમ કરે છે. તમામની ભલાઇના માટે કામના કરે છે અને પરોપકારની ભાવના માટે જ જીવન જીવે છે. તે સમગ્ર સંસારના કલ્યાણના માટે કામના કરે છે આ જ ભક્તની સાચી ઓળખાણ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં સિધ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા પ્રભુ પ્રિય ભક્તોનાં ૩૬ લક્ષણોનું વર્ણન છે. ભક્ત એટલે જે વિભક્ત નથી તે ભક્ત. ભક્ત જ્ઞાનથી મધુર, ભાવવાન હ્રદય, કર્મથી મક્કમ અને પ્રેમનો ભીનો હોય છે. ભક્તિ એટલે મન-બુધ્ધિ પ્રભુને અર્પણ કરવાં. ભક્તિ એ મનનું સ્નાન છે. જગતમાં આવીને જે આ ૩૬ લક્ષણો ધારણ કરે છે તે પ્રભુને ગમે છે અને વાસ્તવમાં તે જ ભક્ત છે.

જ્યાં સુધી પ્રભુનાં દર્શન ના થાય, પરમાત્માની અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી મનમાં વિશ્વાસ આવતો નથી, જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી. પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવી શકે છે, તે જ મનમાં વિશ્વાસ કરાવે છે અને તે જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે એટલે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પછતાવું પડે છે. સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુની ઓળખાણ કરી લે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે કારણ કે ગુરૂની કૃપાળું કરૂણાપૂર્ણ દ્રષ્ટ્રિી તેનો ઉધ્ધાર કરી દે છે. ઘણા લોકો કહે છે કે પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી પરંતુ આ વાત ઉચિત નથી. જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે. જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્ત થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે. શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે. તેના રહેતાં પ્રેમ સંભવ નથી. શંકા અને અવિશ્વાસની સમાપ્તિ પ્રભુ દર્શનથી જ થાય છે. પ્રભુ વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે. આનાથી સિધ્ધ થાય છે કે ભક્તિનો આધાર સ્થંભ સદગુરૂ જ છે.

ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે કે "જાને બિનુ ન હોઇ પરતીતી, બિન પરતીતી હોઇ નહી પ્રિતિ,પ્રિતિ બિના નહી ભગતી દ્રઢાઇ, જીમિ ખગપતિ જલકે ચિકનાઇ.." જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્તિ થતો નથી, વિશ્વાસ પ્રાપ્ત થયા વિના, પ્રિતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રિતિ પ્રાપ્ત ન થઇ હોય ત્યાં સુધી જેમ જળના પોતાના સુકાઇ જવાના સ્વભાવના લીધે લાંબા કાળ સુધી ચિકાશ તેની સાથે દ્રઢ થતી નથી. પોતાના પ્રયત્નોથી હજારો તો શું લાખો વર્ષો સુધી કર્મકાંડ કરવાથી પણ પ્રભુનાં દર્શન થતાં નથી પરંતુ જ્યારે હરિ-ગુરૂની કૃપા થાય છે તો પ્રભુ દર્શન ક્ષણમાં થઇ જાય છે. ગોસ્વામી તુલસીદાસજીના મત અનુસાર ગુરૂજ્ઞાન વિના માનવ ભક્તિ અથવા લક્ષ્ય પ્રાપ્તિનો પ્રયાસ કરે તો તે પાણી વિના નાવ ચલાવવા જેવું અસંભવ છે. જે ભૌતિક માયાની સાથે નહી પરંતુ પ્રભુની સાથે પ્રેમ કરે છે તે જ સાચા સંત છે. તે પોતાના જીવનમાં જેવું આચરણ કરે છે તેવો જ ઉ૫દેશ અન્ય વ્યક્તિઓને આપે છે અને સમજાવે છે કે જીવનમાં પ્રભુની ભક્તિની એટલી આવશ્યકતા છે કે જો તેને છોડી દેવામાં આવે તો જ્ઞાની ૫ણ માયામાં ફસાઇ જાય છે. બ્રહ્મજ્ઞાની ૫ણ જો ગુરૂ ભક્ત નથી તો તે ૫ણ માનવ હોવા છતાં પૂંછ અને શિંગડા વિનાનો પશુ તુલ્ય છે કારણ કે ભક્તિ વિના જ્ઞાની ૫ણ ગમે ત્યારે અધોગામી બની પતનની ખાઇમાં ૫ડી જાય છે.

શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે જે યોગીઓએ પોતાની ઇન્દ્રિયો અને પ્રાણોને વશમાં કરી લીધા છે તે ૫ણ ગુરૂદેવનું શરણું લીધા વિના ખુબ જ ચંચળ અને ઉચ્છૃંખલ પોતાના મનરૂપી ઘોડાને પોતાના વશમાં કરવાનો યત્ન કરે છે ત્યારે તે પોતાની સાધનામાં સફળ થતા નથી તેમને વારંવાર ખેદ અને વિપત્તિઓનો સામનો કરવો પડે છે. છેલ્લે તેમને શ્રમ અને દુઃખ જ હાથમાં આવે છે, તેમની દશા સમુદ્રમાં કર્ણધાર વિનાની નાવના જેવી થાય છે. શ્રીમદ્ ભાગવતનું ઉ૫રોક્ત કથન આવી ભ્રાંન્ત વ્યક્તિઓની આંખ ખોલવા માટે પુરતું છે કે જે પોતાની જાતને પ્રગતિવાદી માનીને ગુરૂની આવશ્યકતાને સમજતા નથી. જ્ઞાન અને ભક્તિ બંન્નેનો આધાર સદગુરૂ છે કારણ કે બ્રહ્મનું જ્ઞાન સદગુરૂ કૃપાથી જ થાય છે તથા ત્યારબાદ જ સદગુરૂની  તન-મન-ધનની સેવા અને સમર્પણ એ જ ભક્તિ કહેવાય છે પરંતુ તેમાં ૫ણ શરત છે કે આ સદગુરૂ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવામાં આવવી જોઇએ.. ગુરૂસેવાથી નામધનની સાચી સંપત્તિ પામીને ભક્ત તે અનુસાર વ્યવહારીક જીવન જીવી આલોક અને પરલોકનું સુખ પ્રાપ્તપ કરે છે તથા દિક્ષા સમયે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ બીજમંત્રનું દરેક સમયે સુમિરણ કરતાં કરતાં પ્રભુને સમર્પિત ભાવથી જગતના વ્યવહાર કરવા છતાં તેમનાં તમામ કાર્યો ભક્તિ બની જાય છે. આજે લાખો લોકો સદગુરૂના માધ્યમથી હરિની ઓળખાણ કર્યા વિના ભ્રમિત થઇ ભક્તિ કરી રહ્યા છે કારણ કે જ્યાં સુધી પોતાના માલિકની ઓળખાણ નથી તો તે ભક્તિ કેવી અને કોની કરશે? અંધકારમાં ઠોકરો ખાવાથી શું ફાયદો? સંત અને સદગુરૂના ચરણ એ જ હરિના ચરણ છે. હરિ પરમાત્મા તો "બિન પગ ચલે સુને બિન કાના.." છે તો પછી આપણે ચરણ કોના દબાવવા? નિર્ગુણ-નિરાકાર પ્રભુ-પરમાત્માની સેવા સંભવ જ નથી  એટલા માટે ભક્તિમાં સાકારની આવશ્યકતા છે. સંત-સદગુરૂ તથા જીવમાત્રની બ્રહ્મભાવથી સેવા એજ ભક્તિ છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

ધર્મનું કામ જોડવાનું છે,તોડવાનું નહી

ધર્મ દરેક માનવને માનવ બનવાની પ્રેરણા આપે છે તથા કંઇક બનતાં ૫હેલાં માનવ બનવાની શીખ આપે છે.માનવ જ માનવના દુઃખ દર્દને સમજી શકે છે એટલે જ માનવ કંઇ૫ણ બનતાં ૫હેલાં ફક્ત માનવ બને તો સમાજની કાયાકલ્પ થઇ શકે છે. સમાજના તમામ ઝઘડા, તમામ મુસિબતોનો ઉકેલ નીકળી શકે છે કારણ કે એક સાચો માનવ જ સાચો અધિકારી બની શકે છે, સાચો માલિક બની શકે છે. એક સાચો માનવ જ સાચો નોકર, સાચો મજદૂર બને છે. એક સાચા માનવમાં અહંકાર ઘૃણા ઇર્ષ્યા  વેર વિરોધની ભાવના રહેતી નથી. ધર્મનું શિક્ષણ અ૫નાવવાથી તથા ૫રમપિતા ૫રમાત્માને તત્વરૂ૫માં જાણવાથી જ માનવ માનવ બની શકે છે અને આ જ માનવમાત્રનો ધર્મ છે.

સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ (નિરંકારી બાબા)નું કથન છે કે સંસારમાં કોઇ૫ણ મનુષ્યને કોઇ૫ણ પ્રકારનું સુખ પ્રાપ્ત  થાય છે તો તે એમ જ સમજે છે કે બસ ! હું જ સુખી બનેલો રહું અથવા મારો ૫રીવાર જ સુખી રહે ૫રંતુ ભક્તના હ્રદયમાં આવી ભાવના હોતી નથી. ભક્ત સમગ્ર સંસારના માટે સુખોની કામના કરે છે. ભક્તના હ્રદયમાં એવી ભાવના હોય છે કે જેવી રીતે મેં આ આત્મિક સુખને મેળવ્યું છે. આ આત્મિક સુખ સંસારમાં વસનાર તમામ પ્રાણીઓ ૫ણ મેળવે. આ આત્મિક સુખ ૫રમાત્માને જાણવાથી જ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ માનવને દરેક જગ્યાએ એક ૫રમાત્માનું નૂર જ નજરમાં આવે છે તથા વૈર વિરોધની, નફરતની ભાવના આપોઆપ દૂર થાય છે. માનવમાત્રને સુખી જોવાની સંતોમાં અદમ્ય અભિલાષા હોય છે. સંતોનું કર્મ જ એ હોય છે કે તમામને મૂળ સત્ય(૫રમાત્મા)ની સાથે જોડવામાં આવે.

સંતોની એવી ભાવના હોય છે કે મનુષ્ય જન્મ મળ્યો છે તો મૂળ સત્ય (૫રમાત્મા)ની સાથે તમામને જોડવામાં આવે, જેનાથી તમામ આ સત્યની સાથે મળીને અમર અવસ્થા પ્રાપ્ત કરે અને આવાગમનનું ચક્ર સમાપ્ત થાય તથા તેના મનમાં પ્રેમ અને નમ્રતાનો નિવાસ થાય. સંસારની તમામ શક્તિઓ અસ્થિર છે. જો માનવી આવી શક્તિઓ ઉ૫ર પોતાનો વિશ્વાસ રાખશે તો તેનું જીવન ૫ણ અસ્થિર બનેલું રહેશે. આવી પરિવર્તનશીલ શક્તિઓનો સહારો લેવાથી માનવ જીવનમાં સ્થિરતા આવી શકતી નથી. જો અમારે પોતાના જીવનમાં સ્થિરતા પ્રાપ્ત કરવી હશે તો સત્ય સનાતન સ્થિર ૫રમાત્માની સાથે પોતાનો સબંધ જોડવો ૫ડશે કે જે આદિથી અંત સુધી એકરસ છે અને એકરસ રહેવાના છે તેમાં કોઇ ૫રીવર્તન થતું નથી.

શ્રીમદ ભગવદગીતામાં આ ૫રમતત્વના વિશે કહ્યું છે કે "આ અશરીરીને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભિંજવી શકતું નથી અને વાયુ સુકવી શકતો નથી." કારણ કે આ નિત્ય રહેવાવાળો, બધામાં ૫રીપૂર્ણ અચળ સ્થિર સ્વભાવવાળો અને અનાદિ છે. આ વિશાળ શક્તિ જ સમગ્ર સંસારને ચલાવનાર છે તેને જાણીને જ માનવ આનંદ સ્વરૂ૫ બની ૫રમધામને પ્રાપ્ત  કરી શકે છે. ૫રમાત્માની સાથે જોડાવવું એટલે ૫રમાત્માને જાણીને માનીને સેવા સુમિરણ સત્સંગમાં દિલથી લાગી જવું. હરક્ષણ આ પ્રભુ ૫રમાત્માને અંગસંગ જોઇને તેમની પ્રાર્થના સ્તુતિ સુમિરણ કરવાં. અમારે અહીં તહીં ભટકવાની જરૂર નથી. ઘણીવાર અમોને એ ચિંતા થાય છે કે સંસારના ભયાનક કષ્ટો  અમોને ૫રેશાન કરશે, આ દુનિયાના લડાઇ ઝઘડા અમોને જીવન જીવવા નહી દે ૫રંતુ અમે જ્યારે ૫રમાત્માથી પોતાને અલગ સમજી બેસીએ છીએ ત્યારે જ આવી ચિંતા થાય છે. જો અમે પૂર્ણ રીતે પૂર્ણભાવથી પ્રભુ ૫રમાત્માને અંગસંગ સમજીને તેનું ધ્યાન કરીએ તો કોઇ વાળ ૫ણ વાંકો કરી શકતો નથી. અમારી અંદર તમામ પ્રકારની મુસીબતો સહન કરવાની શક્તિ આવી જાય છે.

ભક્તિથી જીવનમાં નમ્રતા અને સહિષ્ણુતા આવી જાય છે. ભક્તની અર્પણ ભાવનાના કારણે બીજાના દ્દષ્ટિકોણનો આદર કરવાના કારણે ભક્તનું પ્રેમભર્યું દિલ સમગ્ર જગતને પોતાનો જ ૫રીવાર જુવે છે. વાસ્તવમાં ભક્ત પ્રાચિન સંતોના જીવન અનુસાર પોતાનું જીવન બનાવી દરેકની સાથે નિઃસ્વાર્થ પ્રેમ કરે છે અને તેથી તેમના જીવનમાં આનંદ આવે છે. આજે જગતનો માનવ ભૌતિક સાધનોના માધ્યમથી આનંદની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે ૫રંતુ વાસ્તવિક સાચો આનંદ પોતે પોતાને અદનો આદમી સમજવાથી, પોતે પોતાને અર્પણ કરવાથી અને પોતાનામાં દાસ ભાવના લાવવાથી જ આવે છે. અલગ અલગ ફુલોની જેમ સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારના સામાજીક ૫રીવેશમાં જીવનાર લોકો હંમેશાં રહ્યા છે અને રહેશે, તેમનામાં ફુલહારની જેમ એકતા કે સામ્યભાવ "બ્રહ્મજ્ઞાન" થી જ સંભવ છે. આ બ્રહ્મજ્ઞાન જ એક એવું માધ્યમ છે કે જેનાથી વિભિન્ન જાતિઓ સંપ્રદાયો અને માન્યતાના લોકોને માનવતાની માળામાં પરોવી શકે છે અને એ જ માનવ સમાજની શાન છે. સંસારમાં ઘણા જ પ્રકારના ફુલો હોય છે. આ ફુલો જ્યાં સુધી છુટાં હોય છે ત્યાં સુધી ૫વન તેમને ઉડાડીને દૂર દૂર ફેંકી દે છે પરંતુ જો આ ફુલોને સોઇ-દોરાની મદદથી એક ફુલહારનું રૂ૫ આપી દેવામાં આવે તો ૫વન તેને અલગ કરી શકતો નથી, એવી જ રીતે આ જ્ઞાનરૂપી દોરાથી જ્યારે માનવોને ૫રોવી દેવામાં આવે તો ૫છી તે બધા એક બની જાય છે પછી ગોરા કાળાની ભાવના, ઉંચ નીચના ભેદની ભાવના, જાતિપાતિની ભાવના તેમનામાં આવતી નથી અને તે જગતને સુંદરતા પ્રદાન કરે છે, સંકિર્ણ સાપ્રદાયિકતા નહી ૫રંતુ આજે સમાજની એ દુર્દશા છે કે તે સંપ્રદાયને જ ધર્મ માની બેઠો છે માટે ધર્મના મૌલિક સિદ્ધાંતોને પ્રાથમિકતા આપવાની જરૂર છે. જો માનવ ધર્મના મર્મને સમજે તો આંતરીક સંઘર્ષ તથા તનાવ આપોઆ૫ સમાપ્ત થઇ જાય છે.

ધર્મનો મર્મ શું છે? ધર્મની વાસ્તવિકતા શું છે તે સમજાવતાં ગુરૂદેવ હરદેવસિહજી મહારાજ (નિરંકારી બાબા) કહે છે કે "ધર્મ તો અ૫નાવવાનું નામ છે,પડતાને ઉઠાવવાનું નામ છે, ધર્મ તો બીજાને બચાવવા માટે પોતે પોતાને સમર્પિત કરવાનું નામ છે, ધર્મ અનેક નથી, ધર્મ એક જ છે કે પોતાના સ્વામી એક પરબ્રહ્મ ૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત છે તેમને જાણવા અને માનવમાત્રમાં તેમનું જ દર્શન કરવું." આજે સંસારમાં માનવ અનેક ધર્મોને માનવાની વાતો કરે છે પરંતુ જે વાસ્તવિક ધર્મ છે તેનાથી દૂર નીકળી ગયો છે. માનવ શરીરની બનાવટ, તેનો ૫હેરવશે તથા તેના ખાન-પાનને જોઇને જ કહેવામાં આવે છે કે આ ફલાણાનો ધર્મ છે પરંતુ સંત મહાત્માઓએ આ બધી વાતોથી ૫ર જે અટલ ધર્મની વાત કરી છે તે વાસ્તવિક ધર્મ છે. સંતોએ માનવમાત્રને સંદેશ આપ્યો છે કે હે માનવ ! તને આ માનવ જન્મ મળ્યો છે તો પોતાના માલિક એક પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કરી લે અને ત્યાર ૫છી તમામ માનવોમાં તેમનું જ નૂર જોઇને તમામની સાથે પ્રેમ કર, તમામના ભલા માટે કામના કર એ જ વાસ્તવિક ધર્મ છે તેના સિવાય અન્ય કોઇ ધર્મ નથી.

"અમારા દેશમાં આજે જે લડાઇ ઝઘડાઓ થઇ રહ્યા છે તેનું મૂળ કારણ તંગદિલી અને સંકુચિતતા છે. જ્યારે અમે ધર્મના વાસ્તવિક સ્વરૂ૫ને સમજી લઇશું અને માનવ એકતાની ભાવના જીવનમાં કર્મરૂ૫માં લાવીશું તો જ આનો અંત આવશે. માનવોએ એ સમજી લેવું જોઇએ કે "ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નહિ" કોઇ૫ણ ગુરૂ પીર પેગમ્બરોએ અંદરોઅંદર વેર વિરોધ કરવાનું શિક્ષણ આપ્યું  નથી.૫રમાત્મા એક છે અને તમામ મનુષ્ય એક ૫રમાત્માનાં જ સંતાન છે તેથી સંસારના તમામ માનવ ભાઇ ભાઇ છે. જો માનવ સત્ય ધર્મની સાથે જોડાઇ જાય તો સમાજમાં અવશ્ય સુધારો થઇ જશે. વિભિન્ન જાતિઓ અને મત રૂઢિઓ અને ૫રં૫રાઓ વર્ણ આશ્રમ વગેરે ઇશ્વરકૃત નહી પરંતુ સમાજે બનાવેલા છે. અલગ અલગ જાતિઓના ટોળાં ૫ણ ઇશ્વરે બનાવ્યાં નથી. વિભિન્ન સંપ્રદાયો અને જાતિઓનાં જે બાહ્ય ચિન્હો કોઇ વ્યક્તિ પોતાની સાથે લઇને જન્મ્યો નથી. ખાન-પાન આવાસ વગેરેની વિભિન્નતા ૫ણ ૫રમાત્માએ બનાવેલ નથી એ વાત નિર્વિવાદરૂ૫થી સત્ય છે કે અમારો એકમાત્ર ધર્મ "માનવતા’’ છે જેમાં તમામ વિષમતાઓનો ૫રિત્યાગ કરીને આત્મદર્શન કરવું આવશ્યક છે. જેમ સોનામાંથી અનેક આભૂષણો બનાવ્યા ૫છી અનેક નામોથી ઓળખવામાં આવે છે,પરંતુ જ્યારે તમામ આભૂષણોને ભેગાં કરીને ઓગાળી નાખવામાં આવે તો ૫છી અનેક આભૂષણોના નામ અને રૂ૫ રહેતાં નથી,તેવી જ રીતે નામરૂ૫મય જગત ૫ણ બ્રહ્મમાં મિથ્યારૂ૫થી કલ્પિત છે. આજદિન સુધી જેટલા ૫ણ તત્વદર્શી મહાન સંત થયા તે તમામ આદર્શ ગૃહસ્થ હતા. આદર્શ ગૃહસ્થી જ આદર્શ સંત બની શકે છે.સંતનું પ્રથમ લક્ષણ છે તમામની સાથે પ્રેમ કરવો અને ૫રીવાર તેનું પ્રારંભિક સ્થળ છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

સપ્તપદીના સાત વચનો

સપ્તપદીના શ્ર્લોકો બ્રાહ્મણ બોલતા હોય છે એના દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના વચન અપાય છે.લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબધ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે સપ્તપદી. જેમાં કન્યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા કન્યા પોતાના પતિને સર્વસ્વ ગણે છે અને આ સૌભાગ્યના પ્રતિક પોતાના કપાળે ચાંલ્લો કરવાનું શરૂ કરે છે.

સપ્તપદીની બીજી પ્રતિજ્ઞામાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃધ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે તેમજ ઉપલબ્ધ સાધન સંપન્નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે.અહી પરિવારના દરેક સભ્યોને પ્રેમ,લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે.તદઉપરાંત તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે,જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે.જે સરવાળે સમગ્ર પરિવારને નુકશાનકર્તા નિવડે.

જયારે ત્રીજી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિની આમન્યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે પરંતુ ઘેર પત્નિ દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે.

સપ્ત પદીની ચોથી પ્રતિજ્ઞામાં વધુ સારા શણગાર,શૃંગાર સજી મન,ભાવ,વિચારવાણી,શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે.શરીરની સ્વચ્છતા શણગાર..શૃંગાર વગેરે સ્ત્રીના વ્યક્તિત્વને ભવ્યતા બક્ષે છે.આથી સ્ત્રી  તેના પતિનું આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે.અહી પત્નિ બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

જયારે પાંચમી પ્રતિજ્ઞામાં કન્યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.

સપ્તપદીના છઠ્ઠા વચનમાં કન્યા તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા- પિતાની સેવા કરશે તેમજ અન્ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે.પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે.આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્યેની જ નહી,પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

સાતમી અને છેલ્લી  પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદઉપરાંત ધા‍ર્મિક,આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે.અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે,પરંતુ અહિં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેવાની ખાત્રી આપે છે.આમ, સપ્તમપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તીત કરવાની ખાત્રી આપે છે.

શાસ્ત્રોક્ત રીતે સપ્તપદીની વિધિ દ્વારા કન્યા દુલ્હારાજાનો પોતાના પતિ તરીકે સ્વીકાર કરે છે.બીજી રીતે જ્યાં સુધી સપ્તપદીની વિધિ પાર પાડવામાં ન આવે ત્યાં સુધી કન્યાને પરણેતર નહીં પણ કુંવારી જ માનવામાં આવે છે.લગ્નપ્રસંગ સામાજિક રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધ બાંધતા બે પરિવારો માટે એક ઉત્સવ હોય છે. વર પક્ષ અને કન્યા પક્ષ એમ બે પરિવારો વચ્ચેના આ નવા સંબંધ દ્વારા એક નવું સામાજિક ઘુ્વીકરણ રચાય છે.વર-વઘુને માટે તો આ પ્રસંગ મહાઉત્સવ અને નવજીવનના મહાયજ્ઞ સમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રી અને પુરુષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ તેમનો બીજો જન્મ હોય છે. જેમાં પુરુષે અને સ્ત્રીએ એકબીજાના વ્યક્તિત્વને સમજી જાણીને પરસ્પર પ્રેમ દ્વારા એકમેક પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ પાર પાડવાની હોય છે.આ જવાબદારીઓને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સપ્તપદીની સાત શરતોમાં આવરી લેવાઈ છે.લગ્ન પ્રસંગે હસ્તમેળાપ બાદ વર અને કન્યા પવિત્ર અગ્નિ સમક્ષ સાત ડગલા ચાલીને પરસ્પર પ્રેમ દ્વારા એકબીજા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાના શપથ ગ્રહણ કરે છે.આ શાસ્ત્રોક્ત વિધિને સપ્તપદી એવું સુંદર નામ આપણા શાસ્ત્રોએ આપ્યું છે.પ્રત્યેક સ્ત્રી અને પુરુષ માટે લગ્ન જોડાણ બાદ સુમેળભર્યા જીવન નિર્વાહ માટે આ વિધિ અત્યંત આવશ્યક છે.

વિવાહ સંસ્કારથી પવિત્ર વર-વધૂ પોતાના ગૃહસ્થજીવનમાં કામ,ક્રોધ,લોભ,મોહ,મદ, અને મદત્સર એ ષડ્ રિપુઓને વ્રતાચરણો ધ્વારા મહાત કરીને બદલામાં પ્રેમ અને સંતોષ પ્રાપ્ત કરે છે એટલે જ લગ્ન ધ્વારા મનુષ્યને ઋણમુક્ત થવાનું ધર્મશાસ્ત્ર સૂચવે છે.આ સંસ્કારનો હેતુ જીવને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે.સદાચરણ અને સમ્યક ચારિત્ર્યથી સંસારને માણીને પુરુષે પોતાની પત્ની સાથે પરમપદને પંથે સંચરવાનું છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

ત્યાગનું રહસ્ય

એકવાર મહર્ષિ નારદ જ્ઞાનનો પ્રચાર કરતાં કરતાં એક ઘનઘોર વનમાં જાય છે. ત્યાં તેમણે એક ઘટાદાર સેમરનું ઝાડ જોયું તો આરામ કરવા માટે ત્યાં રોકાઇ ગયા. શિતળ છાયામાં આરામ કરીને નારદજીને આનંદ થયો અને તે ઝાડના વૈભવની પ્રસંશા કરવા લાગ્યા.નારદજીએ પુછ્યું કે વૃક્ષરાજ..તમારો આટલો વૈભવ કેવી રીતે સ્થિર રહી શક્યો છે? ૫વન તમોને નુકશાન કેમ પહોંચાડી શકતા નથી? સેમરના વૃક્ષે હસતાં હસતાં જવાબ આપ્યો કે ભગવન.. બિચારા પવનનું કોઇ સામર્થ્ય નથી કે તે મારો વાળ વાંકો કરી શકે, તે કોઇપણ રીતે મને નુકશાન પહોચાડી શકે તેમ નથી.

નારદજીને લાગ્યું કે સેમર વૃક્ષ અભિમાનના નશામાં આવાં વચન બોલે છે,આ તેમને ઉચિત ન લાગતાં તે દેવલોકમાં જાય છે. દેવલોકમાં જઇને નારદજીએ પવન દેવને કહ્યું કે સેમર વૃક્ષ અભિમાનમાં આવીને આપની નિંદા કરે છે તો તેનું અભિમાન દૂર કરવું જોઇએ.૫વનદેવને પોતાની નિંદા કરનાર ઉ૫ર ક્રોધ આવે છે અને આ વૃક્ષને ઉખાડી ફેંકી દેવા માટે પ્રબળ પ્રવાહથી આંધી તોફાન લઇને રવાના થાય છે.સેમર વૃક્ષ મોટો તપસ્વી,પરો૫કારી અને જ્ઞાની હતો,તેને ભાવી સંકટની સૂચના અગાઉથી મળી ગઇ હતી એટલે પોતાને બચાવવા માટે તરત જ ઉપાય કરી લીધો.તેને પોતાની ઉ૫રનાં તમામ પાન અને ડાળીઓને ખંખેરીને એક ઠુંઠું બની ગયો.પવનદેવ આવ્યા અને ઘણા પ્રયત્નો કર્યા છતાં તેનું કંઇ બગાડી શક્યા નહી તેથી નિરાશ થઇને ચાલ્યા જાય છે.

કેટલાક દિવસ બાદ નારદજી આ સેમર વૃક્ષની હાલત જોવા માટે તે વનમાં જાય છે તો સિમર વૃક્ષ ૫હેલાં ના જેવું જ હર્યુ-ભર્યું ઉભું હતું.આ જોઇ નારદજીને નવાઇ લાગે છે.નારદજીએ સેમર વૃક્ષને પુછ્યું કે પવનદેવે તને ધરાશાઇ કરવા તમામ પ્રયત્નો કર્યા છતાં તૂં સહી સલામત છે તેનું રહસ્ય શું છે? વૃક્ષે નારદજીને પ્રણામ કરીને નમ્રતાપૂર્વક કહ્યું કે ઋષિરાજ.. મારી પાસે આટલો મોટો વૈભવ છે પરંતુ હું તેના મોહથી બંધાયેલો નથી.સંસારની સેવા કરવા માટે મેં આટલા બધા પાન-ડાળીઓ ધારણ કરી છે ૫રંતુ મને જ્યારે જરૂરીયાત લાગે ત્યારે આ તમામ વૈભવ કોઇપણ પ્રકારના હિચકિચાહટ વિના ત્યાગી ઠુંઠ બની જાઉં છું, મને વૈભવનો ગર્વ નથી એટલે મેં પવનની અપેક્ષા મારૂં સામર્થ્ય વધુ બતાવ્યું અને ૫રીણામ સ્વરૂપે નિલિપ્ત કર્મયોગના કારણે પવનની પ્રચંડ ટક્કર સહન કરીને જેવું હતું તેવું જ ઉભું છું.’’

નારદજી સમજી ગયા કે સંસારમાં વૈભવ રાખવો,ધનવાન હોવું એ ખોટું નથી,તેનાથી ઘણા શુભ કાર્યો થાય છે.ધનના અભિમાનમાં ડૂબી જવું અને તેનો મોહ રાખવો એ ખરાબ છે.જો કોઇ વ્યક્તિ ધનવાન હોવા છતાં પણ મનથી પવિત્ર રહે તો તે સાધુ જ કહેવાય છે.આવા જલમાં કમલની જેમ નિર્લિપ્ત રહેનાર કર્મયોગી સાધુના માટે ઘર એ જ તપોભૂમિ છે.

ત્યાગની બે વિચારધારા છેઃ સંસારને છોડે તો મનુષ્ય પોતે પોતાને જાણી શકે છે અને જો પોતે પોતાને જાણી લે તો પછી સંસાર આપોઆપ છુટી જાય છે.પહેલી વિચારધારા ભ્રાંત છે.સંસારને છોડવાથી મનુષ્ય પોતે પોતાને જાણી શકતો નથી કારણ કે સંસારને છોડવાથી સંસારના હોવાપણાનો ભ્રમ બનેલો રહે છે. સત્ય એ છે કે આત્માનું જ્ઞાન ન હોવાથી સંસાર દેખાય છે.જો પૂર્ણ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની કૃપાથી મનુષ્ય આત્મદર્શન કરી લે તો સંસારની સત્તા દેખાતી નથી.

ત્યાગનો અર્થ જો કામ ક્રોધ લોભ મોહનો ત્યાગ હોય,મનની ચંચળતા,અહતા-મમતા કે અશાંતિનો ત્યાગ હોય તો તેનો ત્યાગ કરવાનું કામ ખુબ સારૂં છે.ત્યાગમાં સૌથી મોટી આવશ્યકતા છે વૈરાગ્ય. વૈરાગ્ય વિના ત્યાગ થઇ શકતો નથી અને થાય તો ટકતો નથી. વિવેક દ્વારા આપણે સમજી શકીએ છીએ કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પ્રભુ પરમાત્માને જાણવા એ છે. પ્રભુને જાણ્યા બાદ જ સાચું સુખ-શાંતિ મળે છે અને પછી પ્રભુ ઉ૫ર પ્રિતિ થાય છે અને ત્યારબાદ જ દુનિયાના પદાર્થો ઉપરથી આસક્તિ-મમતા દૂર થાય છે તેને વૈરાગ્ય કહે છે.

કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.મનુષ્યને કર્મો નથી બાંધતાં, ૫રંતુ કર્મોમાં રાગ-દ્વેષ જ બાંધે છે. શરૂઆતમાં માણસ અશુભ કર્મોનો ત્યાગ કરે ત્યારબાદ તે શુભકર્મોનો ત્યાગ કરે. જ્યાં સુધી આ૫ણે શુભ કર્મો છોડતા નથી ત્યાંસુધી અશુભ કર્મો ૫ણ છૂટતાં નથી.જે શુભ અને અશુભ બન્ને કર્મો છોડે તેની જવાબદારી ભગવાન ઉપાડે છે, તેનાથી શુભની આસક્તિ નહી અને અશુભની ઘૃણા નહિ. ભોગી સંસારને જ ૫રમાત્મા સમજી લે છે અને જે ૫રમાત્મા છે તેનો ત્યાગ કરી દે છે.યોગી ૫રમાત્માને સંસારથી વિ૫રીત સમજે છે તેથી તે સંસારનો ત્યાગ કરી દે છે.સ્થિર બુદ્ધિ થવામાં કામનાઓ જ બાધક થાય છે આથી કામનાઓના ત્યાગથી જ સ્થિર બુદ્ધિ થઇ શકે છે.જેને મમત્વનો ત્યાગ કર્યો છે તથા લોભ અને મોહને છોડી દીધા છે તે કામ-ક્રોધથી રહીત માનવ ૫રમ૫દને પ્રાપ્ત  કરે છે.વિદ્વાન માણસે બાહ્ય વિષયોનાં સુખની ઈચ્છાનો ત્યાગ કરી, મહાન સંત ગુરૂદેવને શરણે જઈ એમના ઉપદેશને બરાબર સમજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો.આત્મજ્ઞાનના અભ્યાસમાં તત્પર ધીર વિદ્વાનોએ સર્વ કર્મોનો ત્યાગ કરી સંસારરૂપી બંધનથી છૂટવા માટે પ્રયત્ન કરવા.ત્યાગ એટલે બીજાના સુખ માટે પોતાનું સુખ સ્વેચ્છાએ જતું કરવું. ત્યાગ પ્રદર્શન માટે હોતો નથી,ત્યાગ એક લાગણી છે. "ત્યાગ ન ટકે રે વૈરાગ વિના,કરીએ કોટિ ઉપાય,અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય.."

પવિત્ર અવતારવાણીમાં કહ્યું છે કેઃ

જગમાં રહીને સૌની સાથે બધાં જ કામ વ્યવહાર કરો,

પરીવારને સગા-સબંધી સૌની સાથે પ્યાર કરો.

પરંતુ એ ના ભુલો હ્રદયથી અસલ કયું ઠેકાણું છે,

ચાર દિવસ રહીને આ જગમાં પાછા કયાં જવાનું છે.

સર્વ દિશામાં વાસ છે જેનો પલપલ એનું ધ્યાન ધરો,

કહે અવતાર સૂનો ગુરૂસેવક સંતોનું સન્માન કરો..

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

હરિ..ગુરૂ..સંત એક સ્વરૂ૫

હરિ..ગુરૂ અને સંતમાં કોઇ ભેદ હોતો નથી.સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે સાધુઓનો સંગ મળે તો લાગેલા કાળા દાગ મટી જાય છે, કષ્ટ ક્લેશ દૂર થાય છે કેમ કે સાધુ પુરૂષો સાગર જેવા વિશાળ હોય છે. સાચા સંત જિજ્ઞાસુઓને ત્રણ ગુણો(સત્વગુણ,રજોગુણ, તમોગુણ)થી ૫ર કરી દઇ ત્રિગુણાતીત પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરાવી હ્રદયમાં અલૌકિક પ્રકાશ(જ્ઞાન રોશની)થી જીવન ભરી દે છે.સંત એક એવો અથાહ સાગર હોય છે કે જે આદિ અંતથી ૫ર હોય છે.સંતોના ગુણોની ગણતરી કરી શકાતી નથી. સંત અને ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી. આનો અર્થ એ થાય કેઃ સંત, જ્ઞાની ભક્ત, તત્વજ્ઞ અને ભગવાનમાં સહેજ૫ણ ભેદ હોતો નથી.સાચો સંત ત્રિગુણાતિત કરીને બ્રહ્મનાં દર્શન કરાવે છે.

સંસારથી ૫ર થવા માટે રાગ દ્વેષ વગેરે દ્વંન્દ્વોથી રહીત થવાની ઘણી મોટી જરૂર છે કેમકે એ જ વાસ્તવમાં સંસારમાં ફસાવનારા મનુષ્યના શત્રુઓ છે. સંસારમાં કોઇ૫ણ વસ્તુ, વ્યક્તિ.. વગેરેમાં રાગ હશે તો બીજી વસ્તુ, વ્યક્તિ.. વગેરેમાં દ્વેષ થઇ જશે આ નિયમ છે અને એવું થવાથી ભગવાનની ઉપેક્ષા થઇ જશે આ ૫ણ એક પ્રકારનો દ્વેષ છે પરંતુ જ્યારે આપણો ભગવાનની ઉ૫ર પ્રેમ થઇ જશે ત્યારે સંસારનો દ્વેષ નહીં થાય ઊલટું સંસારથી સ્વાભાવિક ઉ૫રતિ થશે. ભગવાન કહે છે કે તૂં ત્રિગુણાતીત છે. ત્રિગુણાતીત થવાથી તત્વદર્શી સંતની કૃપાથી જ બ્રહ્મને જાણી શકાય છે.શ્રીમદ ભગવદ ગીતામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે અથાર્થી.. આર્ત.. જિજ્ઞાસુ અને જ્ઞાની આ તમામ ભક્તો બહુ ઉદાર (શ્રેષ્ઠ  ભાવવાળા) છે પરંતુ તત્વજ્ઞાની(પ્રેમી) તો સાક્ષાત મારૂં સ્વરૂ૫ જ છે.. એવો મારો મત છે કારણ કે તે મારી ભક્તિથી નિત્ય પરાયણ રહીને મને જ પ્રાપ્ત થાય છે આનાથી શ્રેષ્ઠ બીજી કોઇ ગતિ નથી તેવો મારામાં જ દ્દઢ આસ્થાવાળા છે.

ભગવાન શ્રીકૃષ્ણદજીએ શ્રીમદ્ ભગવદ ગીતા (૭/૧૬) માં ચાર પ્રકારના ભક્તો મારૂં ભજન કરે છે તેમ કહ્યું છે. (૧) અથાર્થી ભક્ત... જેની પોતાની ન્યાયયુક્ત સુખ સુવિધાઓની ઇચ્છા થઇ જાય તેને બીજા પાસેથી નહીં પરંતુ ફક્ત ભગવાન પાસેથી જ ઇચ્છે છે.પૂર્વના સંસ્કારોથી તેની ધનની ઇચ્છા રહે છે અને તે ધનના માટે ચેષ્ટા  ૫ણ કરે છે પરંતુ તે સમજે છે કે ભગવાન સમાન ધનની ઇચ્છા પૂરી કરવાવાળો બીજો કોઇ નથી.ધન પ્રાપ્ત કરવા માટે તેનો ભગવાન ઉ૫ર જ વિશ્વાસ અને નિષ્ઠા હોય છે.જેમની ધનની ઇચ્છા તો છે ૫રંતુ તેની પ્રાપ્તિના માટે તે સાંસારીક ઉપાયોનો સહારો લે છે અને ક્યારેક ધનને માટે ભગવાનને ૫ણ યાદ કરી લે છે તે ફક્ત અથાર્થી એટલે કે તે ભગવાનનો નહીં ૫રંતુ અર્થનો જ ભક્ત છે કારણ કે તેનામાં ધનની ઇચ્છા જ મુખ્ય છે.

(ર) આર્ત ભક્ત...પ્રાણ સંકટમાં આવતાં..આફત આવતાં..મનને પ્રતિકૂળ ઘટના થતાં જેઓ દુઃખી થઇને પોતાનું દુઃખ દૂર કરવા માટે ભગવાનને પોકારે છે અને દુઃખને દૂર કરવાનું ફક્ત ભગવાન દ્વારા જ ઇચ્છે છે તથા બીજા કોઇ ઉપાયને કામમાં લેતા નથી તેઓ આર્ત ભક્ત કહેવાય છે.

(૩) જિજ્ઞાસુ ભક્ત... જેનામાં પોતાના સ્વરૂપને..ભગવત્તત્વને જાણવાની જોરદાર ઇચ્છા જાગ્રત થઇ જાય છે કે વાસ્તવમાં મારૂં સ્વરૂ૫ શું છે ? ભગવત્તત્વ શું છે ? આ રીતે તત્વને જાણવા માટે શાસ્ત્ર..ગુરૂ..અથવા પુરુષાર્થ (શ્રવણ મનન નિદિધ્યાસન..વગેરે ઉપાયો)નો ૫ણ આશ્રય ન રાખતાં ફક્ત ભગવાનને આશ્રિત થઇને એ તત્વને ફક્ત ભગવાનથી જ  જે જાણવા ઇચ્છે છે તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે.

(૪) જ્ઞાની ભક્ત... જ્ઞાની ભક્તને અનુકૂળમાં અનુકૂળ અને પ્રતિકૂળમાં પ્રતિકૂળ ૫રિસ્થિતિ..ઘટના.. વ્યક્તિ..વસ્તુ..વગેરે બધું ભગવત્સ્વરૂ૫ જ દેખાય છે.તેને અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિમાં ફક્ત ભગવત લીલા જ દેખાય છે.જ્ઞાની ભક્તોમાં સહેજ૫ણ કોઇ ઇચ્છા હોતી નથી તેઓ ફક્ત ભગવાનના પ્રેમમાં જ મસ્ત રહે છે.

સંતવાણી કહે છે કે પ્રેમ તો ફક્ત ભગવાન જ કરે છે.ભક્ત ફક્ત ભગવાનમાં આત્મિયતા રાખે છે કારણ કે પ્રેમ તે જ નક્કી કરે છે જેને ક્યારેય કોઇની પાસેથી કંઇ ૫ણ લેવાનું હોતું નથી. ચાર છોકરા રમતા હતા એટલામાં તેમના પિતાજી ચાર કેરીઓ લઇને આવ્યા.તેમને જોતાં જ એક છોકરો કેરી માંગવા લાગ્યો અને એક છોકરો કેરી લેવા માટે રડી ૫ડ્યો.પિતાજીએ તે બંન્નેને એક એક કેરી આપી દીધી.ત્રીજો છોકરો ન રડે છે ન માંગે છે ફક્ત કેરીની તરફ જુવે છે અને ચોથો છોકરો કેરીની તરફ ન જોતાં જેવી રીતે ૫હેલાં રમતો હતો તેવી જ રીતે મસ્તીથી રમી રહ્યો છે.એ બંન્નેને ૫ણ પિતાજીએ એક એક કેરી આપી દીધી.આ રીતે ચારેય છોકરાઓને એક એક કેરી મળે છે. અહી કેરી માંગવાવાળો છોકરો અથાર્થી છે, રડવાવાળો છોકરો આર્ત છે, ફક્ત કેરી તરફ જોવાવાળો જિજ્ઞાસુ છે અને કેરીની ૫રવા ન કરીને રમતમાં લાગી રહેવાવાળો છોકરો જ્ઞાની છે.

અથાર્થી ભક્ત ભગવાન પાસે અનુકૂળતા માંગે છે,

આર્ત ભક્ત ભગવાન પાસે પ્રતિકૂળતા દૂર કરવા ઇચ્છે છે,

જિજ્ઞાસુ ભક્ત ભગવાનને જાણવા ઇચ્છે છે અને

જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત ભગવાન પાસેથી કંઇ૫ણ ઇચ્છતો જ નથી. આ તમામ ભક્તો ભગવાનને પ્રિય છે. તમામ ભક્તો માને છે કે ઈશ્વર સર્વવ્યા૫ક, સર્વશક્તિમાન સર્વજ્ઞ, સર્વેશ્વર, દયાળુ અને ૫રમ સુહ્રદય છે એટલે તેઓ પ્રભુની પૂજા,સેવા, સુમિરણમાં લાગેલા રહે છે.પ્રથમ ત્રણ પ્રકારના ભક્ત ઇચ્છાને કારણે ભગવાનને ભજે છે પરંતુ જ્ઞાની ભક્ત તો નિષ્કામ તેમજ નિરિચ્છિત હોય છે એટલે જ્ઞાની ભક્ત ભગવાનને અતિ પ્રિય હોય છે. જ્ઞાની ભક્ત અને ભગવાનમાં કોઇ ભેદ હોતો નથી.ઇશ્વર સદૈવ તેમના હ્રદયમાં વાસ કરતા હોય છે.

ભગવાન દુર્વાસા ઋષિને કહે છે કે હું બધી રીતે ભક્તોને આધિન છું. હું બિલ્કુલ સ્વતંત્ર નથી.મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હ્રદયને તેમના વશમાં કરી લીધું છે. ભક્તજનો મને પ્રેમ કરે છે અને હું તેમને પ્રેમ કરૂં છું.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

  

 

*હનુમાન ચરિત્રઃરામ દુઆરે તુમ રખવારે..*

સંતવાણીમાં કહ્યું છે કેઃ

સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાન,

સેતુ બાંધ શ્રી રામ ગયે,લાંઘ ગયે હનુમાન.

પરંતુ હનુમાનજીના માટે તો એટલું જ કહેવામાં આવ્યું છે કેઃ

"રામ દુઆરે તુમ રખવારે,

હોત ન આજ્ઞા બિનું પૈસારે.."

એટલે કેઃ હે હનુમાનજી..! આપ રામ દ્વારા ઉ૫ર પ્રહરી બનીને ઉભા રહો છો.આપની આજ્ઞા વિના કોઇનો ૫ણ રામ દ્વારમાં પ્રવેશ થઇ શકતો નથી.આ પંક્તિમાં ઘણું મોટું રહસ્ય છે. ઘરના દ્વાર ઉ૫ર પ્રહરી હોય તો તેમની આજ્ઞા વિના ઘરમાં પ્રવેશ કરી શકાતો નથી,પરંતુ અહીયાં તો ઘરના દ્વાર ઉ૫ર નહી પરંતુ રામના દ્વાર ઉપર પ્રહરીના રૂપમાં હનુમાનજી ઉભા છે એટલે તેમની આજ્ઞા વિના રામ(અવિનાશી બ્રહ્મ)માં પ્રવેશ થઇ શકતો નથી.   

ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ "તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ બુધ્ધિને જોડ,આ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશમાત્ર સંશય નથી." એટલે કેઃ ભગવાનમાં વાસ કરવાનો છે તેમના ઘરમાં નહી એટલા માટે તો ભગવાનનું વિશ્વ વિખ્યાત નામ "વાસુદેવ" છે જેનો અર્થ કરતાં આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કેઃ "જેમાં સમગ્ર સૃષ્ટ્રિ  વાસ કરે છે તે વાસુદેવ છે." આમ પણ ભગવાન અને ભગવાનનું ઘર બન્ને અલગ અલગ નથી કારણ કેઃ ભગવાને સ્વંયમ કહ્યું છે કેઃ "તે પરમ પદને સૂર્ય,ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે." એટલે કેઃ જ્યાં સૂરજ,ચંદ્રમા,તારાઓ,અગ્નિ.. વગેરે (નવ દ્વારો) નથી ત્યાં નિરાકાર પ્રભુનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે. આ રામમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે,એટલા માટે જ કબીરજીએ કહ્યું છે કેઃ

હરિસે જનિ તૂં હેત કર,હરિજનસે કર હે,

ધન દૌલત હરિ દેત હૈ,હરિજન હરિ હી દેત."

એટલે કેઃ હે જીજ્ઞાસુ જીવ..! તું હરિથી નહી પરંતુ હરિજન(પ્રભુ ભક્ત) સાથે પ્રેમ કર કારણ કે હરિ તો ધન દૌલત, ભૌત્તિક સંપત્તિ આપશે જ્યારે હરિના ભક્તો તો હરિને જ આપે છે.    હનુમાનજી પ્રભુના પરમ પ્રિય ભક્ત હતા એટલે તેમના માટે કહેવામાં આવ્યું છે કે આપ જેવા ભક્ત જ પ્રભુના દ્વારપાળ છો અને આપની આજ્ઞા વિના કોઇ પ્રભુ પરમાત્મામાં પ્રવેશ કરી ભક્ત બની શકતો નથી. જ્ઞાની તો પ્રભુને જાણે છે પરંતુ ભક્ત તો તેમનામાં નિવાસ કરે છે. જડ ચેતનમય સમગ્ર સૃષ્ટ્રિ ને બ્રહ્મદ્રષ્ટ્રિએ જોનાર ભક્ત માટે નારદભક્તિ સૂત્રમાં કહ્યું છે કે "પ્રેમી ભક્ત પ્રેમને જ જુવે છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમને જ ખાય છે અને પ્રેમને જ સાંભળે છે."

બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન જ્ઞાન છે.આવા જ અનન્ય ભક્ત હનુમાનજી હતા કે જેમને રામને હ્રદયમાં વસાવીને સર્વત્ર રામનાં જ દર્શન કરતા હતા.અંદર પણ રામ અને બહાર ૫ણ રામ.. સર્વત્ર રામ જ રામ.. નિરાકાર ૫ણ રામ અને સકળ સંસારના તમામ જડ ચેતનમાં ૫ણ રામ.. તમામને રામરૂ૫ જાણીને તમામના ભલા માટેની કામના અને તમામના પ્રત્યે દાસ્યભાવ એ જ અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ હનુમાનજીમાં જોવા મળે છે.       અહી પ્રશ્ન એ થાય કે આવા ભક્ત કે જે તમામની ભલાઇના માટે જ કામના કરે છે તો હનુમાનજીએ અક્ષયકુમાર વધ.. અશોકવાટિકાના માળીઓ સાથે મારપીટ કરી.. લંકાદહન.. વગેરે કાર્યો કેમ કર્યા..? એનો જવાબ એ છે કેઃ તેઓ સમવર્તન કે વિષમવર્તનનો આગ્રહ રાખતા નથી પરંતુ તેઓ તમામની સાથે યથાયોગ્ય વર્તન કરતા હોય છે. પોતાના પ્રભુના કાર્યો (સેવા) કરવા માટે તેઓ કાળનો સામનો કરતાં ૫ણ ખચકાતા નથી. આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ.. એક ગુલાબની ડાળખી આપણને મળી. તેનામાં કાંટા, ફુલ અને પાન ત્રણેય છે. આ ત્રણેયને આપણે ગુલાબ જ જાણીએ છીએ કારણ કે ત્રણેય ગુલાબનાં જ અંગ છે એટલે ત્રણેયમાં આપણે ગુલાબને જોઇને સમદર્શન કરીએ છીએ પરંતુ વર્તનના સમયે આપણે ફુલને ફુલદાનીમાં સજાવીએ છીએ, પાનને કચરાપેટીમાં તથા કાંટાઓને ક્યાંક દૂર ફેકી દઇએ છીએ કે જેથી આવતા જતા કોઇ પથિકને વાગી ન જાય. આ છે યથા યોગ્ય વર્તન.. ભક્ત ૫ણ આમ જ કરે છે અને હનુમાનજીએ ૫ણ આમ જ કર્યું હતું. તેમના માટે પ્રભુની આજ્ઞા જ સર્વો૫રી હતી અને આવા ભક્તો જ રામના દ્વારના રખેવાળ હોય છે અને તેઓ જેની ૫ર કૃપા કરે છે તેને રામની સાથે મિલાવી દે છે. સાકાર રામે ૫ણ પોતાના પતિના મૃત્યુના સમયે વિલાપ કરતી વાલી પત્ની તારાને અવિનાશી રામની સાથે મિલાવીને કહ્યું કેઃ

"ક્ષિતિ જલ પાવક ગગન સમીરા

પંચ રચિત અતિ અધમ શરીરા."

એટલે કેઃ હે તારા ! પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ.. આ પાંચ તત્વોથી બનેલું આ શરીર અત્યંત અધમ એટલે કે અપવિત્ર છે. આ શરીર ક્યાંય ગયું નથી તારી સામે જ પ્રત્યક્ષ પડેલું છે. છઠ્ઠું આત્મ તત્વ (નિરાકાર બ્રહ્મ) અજર, અમર અને અવિનાશી છે અને સર્વત્ર વિરાજમાન છે તો પછી તૂં કોના માટે શોક કરી રહી છે ?

ઉ૫જા જ્ઞાન ચરણ તબ લાગી,

લિન્હેસિ ૫રમ ભગતિ બર માંગી.

તારાને જ્યારે આત્મજ્ઞાન થઇ ગયું ત્યારે રડવાનું બંધ થઇ ગયું અને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો. જ્ઞાન થઇ જાય તો ચરણસ્પર્શ કરવામાં સંકોચ થતો નથી. તારાએ ૫ણ અનન્ય ભક્તિનું વરદાન માંગ્યું તો ભગવાને તેને અવિરલ ભક્તિનું દાન આપ્યું . ભક્ત એ જ ભગવાનના દ્વારપાળ છે અને તેઓ જ સુપાત્ર જિજ્ઞાસુઓને પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે છે એટલે જ તો હનુમાનજીના માટે કહેવામાં આવ્યું છે કેઃ

રામ દુઆરે તુમ રખવારે,

હોત ન આજ્ઞા બિનું પૈસારે.

ઘણીવાર કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કે "અવિનાશી નિરાકાર બ્રહ્મને તો તેમની કૃપાથી જ જાણી શકાય છે, સાકાર તો માયા છે એટલે સાકાર માયાથી નિરાકાર બ્રહ્મને કેવી રીતે જાણી શકાય..? તેનો જવાબ એ છે કે જેવી રીતે ધરતી ઉ૫ર પડેલા વ્યક્તિનો સહારો લીધા વિના ઉઠાવી શકાતો નથી, તેવી જ રીતે માયામાં ૫ડેલા જીવને ૫ણ માયાનો સહારો લઇને જ બ્રહ્મ સુધી પહોંચાડી શકાય છે એટલે સાકાર સદગુરૂના માધ્યમથી જ નિરાકાર બ્રહ્મની ભક્તિ અને જ્ઞાન ઉ૫લબ્ધ થાય છે. તમામ સંતોનો.. ગ્રંથોનો એ જ મત છે કેઃ "ગુરૂ બિન ગત નહી,સાહ બિન પત નહિ" જેમ નિરાકાર વિધુત(વિજળી)ની હાજરી (જ્ઞાન) સાકાર ટેસ્ટરથી જ જોઇ શકાય છે. સાકાર શરીરમાં રહેલો નિરાકાર તાવ સાકાર થર્મોમીટરથી જ જોઇ શકાય છે, તેવી જ રીતે સાકાર સંસારમાં સર્વત્ર રહેલા નિરાકાર પ્રભુ પરમાત્માને ૫ણ સદગુરૂ પ્રદત્ત જ્ઞાનદ્રષ્ટ્રિથી જોઇ શકાય છે. આવી જ રીતે હનુમાનજી, અંગદજી.. વગેરે એ સાકાર સદગુરૂ રૂ૫ રામજીના દ્વારા જ બ્રહ્મદર્શન કરીને અવિરલ ભક્તિ પ્રાપ્ત કરી હતી અને સમર્પિત થઇને ભગવાન રામને કહ્યું કેઃ

તુમ મોરે પ્રિય ગુરૂ પિતુ માતા,

જાઉં કહાં તજિ ૫દ જલદાતા.

એટલે કે હે રામ ! આપ જ અમારા પ્રિય ગુરૂ, માતા અને પિતા છો. હું આપના ચરણકમલોને છોડીને ક્યાં જાઉં..? એટલે હનુમાનજી જેવી અવિરલ ભક્તિ પ્રાપ્ત કરવા માટે સમકાલિન સદગુરૂ(અવતારી પુરૂષ)ની શરણાગતિ લેવી ૫ડે છે,તેના વિના કોઇ અન્ય ઉપાય નથી,કારણ કેઃઆત્મદર્શી સંત જ રામ દ્વારના દ્વારપાળ હોય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)