Wednesday, 4 November 2026

શું રાવણ અંગદનો પગ ઉપાડી શક્યો હોત?

 

શું રાવણ અંગદનો પગ ઉપાડી શક્યો હોત?

રામની સેનામાં સુગ્રીવની સાથે વાનરરાજ વાલી અને તારાનો પુત્ર અંગદ પણ હતો.રામ અને રાવણના યુદ્ધ પહેલાં ભગવાન શ્રીરામે અંગદને પોતાના દૂત બનાવીને લંકા મોકલ્યા હતા પરંતુ ત્યાં રાવણે અંગદનું અપમાન કર્યું ત્યારે અંગદે પોતાની શક્તિનો પરિચય આપીને રાવણને ઉપદેશ આપ્યો અને ફરી રામના શિબિરમાં પાછા ફર્યા.

હવે સવાલ એ ઊઠે છે કે અંગદમાં એટલી શક્તિ ક્યાંથી આવી કે કોઈ પણ અસુર કે રાક્ષસ તેમનો પગ હટાવવાનું તો દૂર હલાવી પણ ન શક્યા? વાસ્તવમાં હનુમાનજી,જામવંત અને અંગદ ત્રણેય પ્રાણ વિદ્યામાં પારંગત હતા.આ પ્રાણવિદ્યાના બળ પર જ તેઓ જે ઇચ્છે તે કરી શકતા હતા.અંગદ જ્યારે રાવણની સભામાં ગયા ત્યારે તેમણે આ પ્રાણવિદ્યાના બળ પર જ પોતાનું શરીર વિશાળ અને પગને એટલો દ્રઢ કરી લીધો હતો કે તેને હલાવવો કોઈના પણ હાથની વાત નહોતી.આ પ્રાણવિદ્યાનો જ કમાલ હતો.

શ્રીરામ દ્વારા અંગદના પિતાનો વધ કર્યા પછી પણ અંગદ રામની સેનામાં કેમ હતા? અંગદના પિતા વાલીનો પ્રભુ શ્રીરામે વધ કર્યો હતો.જ્યારે શ્રીરામે વાલીને બાણ માર્યું ત્યારે તે ઘાયલ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો.આ અવસ્થામાં જ્યારે પુત્ર અંગદ તેની પાસે આવ્યો ત્યારે વાલીએ તેને જ્ઞાનની મુખ્ય ત્રણ વાતો કહી હતી કે દેશ-કાળ અને પરિસ્થિતિઓને સમજો.કોની સાથે ક્યારે,ક્યાં અને કેવું વર્તન કરવું તેનો સાચો નિર્ણય લેવો જોઈએ.પસંદ-નાપસંદ,સુખ-દુઃખ સહન કરવાં જોઈએ અને ક્ષમાભાવ સાથે જીવન વિતાવવું જોઈએ.વાલીએ પોતાના પુત્ર અંગદને આ વાતો ધ્યાનમાં રાખવાનું કહીને જણાવ્યું કે હવેથી તું સુગ્રીવની સાથે રહેજે.

અંગદને જ કેમ દૂત બનાવીને મોકલવામાં આવ્યા? જ્યારે શ્રીરામજી લંકા પહોંચી ગયા ત્યારે તેમણે રાવણ પાસે પોતાનો દૂત મોકલવાનો વિચાર કર્યો.સભામાં બધાએ પ્રસ્તાવ મૂક્યો કે હનુમાનજીને જ દૂત બનાવીને મોકલવા જોઈએ પરંતુ રામજીએ કહ્યું કે જો રાવણ પાસે ફરીથી હનુમાનજીને મોકલવામાં આવશે તો એવો સંદેશ જશે કે રામની સેનામાં માત્ર હનુમાન જ મહાવીર છે એટલા માટે કોઈ અન્ય વ્યક્તિને દૂત બનાવીને મોકલવો જોઈએ,જે હનુમાનની જેમ જ પરાક્રમી અને બુદ્ધિમાન હોય આથી પ્રભુ શ્રીરામની નજર અંગદ પર પડી.અંગદે પણ પ્રભુ શ્રીરામ દ્વારા સોંપાયેલી જવાબદારી ખૂબ જ સરસ રીતે નિભાવી.

રાવણની સભામાં અંગદ..યુદ્ધ કરતાં પહેલાં પ્રભુ શ્રીરામે અંગદને રાવણની સભામાં પોતાના દૂત બનાવીને સમજૂતી-શાંતિ માટે મોકલ્યા હતા.પ્રભુ શ્રીરામે અંગદને કહ્યું હતું કે "હે અંગદ ! રાવણના દ્વારે જાઓ,કોઈ સમજૂતી થઈ જાય,તેમના અને આપણા વિચારોમાં એકતા આવી જાય.જાઓ,તમે તેમને શિખામણ આપો."

જ્યારે અંગદ રાવણની સભામાં પહોંચ્યા ત્યારે ત્યાં ભાત-ભાતના યોદ્ધાઓ તેમજ રાવણ અને તેના તમામ પુત્રો બિરાજમાન હતા.રાવણે કહ્યું કે "આવો ! તમારૂં આગમન કેમ થયું?" અંગદે કહ્યું કે "પ્રભુ ! હું એટલા માટે આવ્યો છું કે રામ અને તમારા બંનેના વિચારોમાં એકતા આવી જાય.તમારા રાજ્યમાં સંસ્કૃતિના પ્રસારનો અભાવ આવી ગયો છે,હવે હું એ અભાવને શાંત કરવા આવ્યો છું.ચરિત્રની સ્થાપના કરવી એ રાજાની ફરજ છે,તમારા રાષ્ટ્રમાં ચરિત્રહીનતા આવી ગઈ છે,તમારૂં રાષ્ટ્ર ઉત્તમ પ્રતીત થઈ રહ્યું નથી એટલા માટે હું આજે અહીં આવ્યો છું."

રાવણે કહ્યું કે "તારો આ વિચાર યથાર્થ છે પરંતુ મારા રાજ્યમાં શું ખામી છે?" હવે અંગદ બોલ્યા કે "તમારા રાજ્યમાં ચરિત્રની ખામી છે.રાજાના રાષ્ટ્રમાં જ્યારે ચરિત્ર નથી હોતું ત્યારે સંસ્કૃતિનો વિનાશ થઈ જાય છે.સંસ્કૃતિનો વિનાશ ન થવો જોઈએ,સંસ્કૃતિનો ઉત્થાન કરવાનો હોય છે.સંસ્કૃતિ એ જ કહે છે કે માનવના આચાર-વ્યવહારને સુંદર બનાવવામાં આવે,તેને મહત્તા આપવામાં આવે અને એકબીજાની પુત્રીની રક્ષા થવી જોઈએ તે જ રાજાના રાષ્ટ્રની પદ્ધતિ કહેવાય છે."

રાવણે પૂછ્યું કે "શું મારા રાષ્ટ્રમાં વિજ્ઞાન નથી?" અંગદ બોલ્યા કે "હે રાવણ ! તમારા રાષ્ટ્રમાં વિજ્ઞાન છે પરંતુ એ વિજ્ઞાનનો શું અર્થ? એક મંગળની યાત્રા કરી રહ્યો છે પરંતુ એ મંગળની યાત્રાનું શું બનશે જ્યારે તમારા રાષ્ટ્રમાં અગ્નિકાંડ થઈ રહ્યા છે? હે રાવણ ! તું સૂર્યમંડળની યાત્રા કરી રહ્યો છે પણ એ સૂર્યની યાત્રા કરવાથી શું વળશે,જ્યારે તમારા રાષ્ટ્રમાં એક કન્યાનું જીવન સુરક્ષિત નથી? તમારા રાષ્ટ્રનું શું ભવિષ્ય બનશે?" રાવણે કહ્યું કે "આ તું શું ઉચ્ચારણ કરી રહ્યો છે? તું તારા પિતાની પરંપરા ભૂલી ગયો છે?"

અંગદે કહ્યું કે "કદાપિ નહીં ! હું એટલા માટે આવ્યો છું કે તમારા રાષ્ટ્ર અને અયોધ્યા બંનેનો સમન્વય થઈ જાય." આના પર રાવણ મૌન થઈ ગયો.નરાંતકે કહ્યું કે "ભગવન ! આના પર વિચાર કરવો જોઈએ,આ દૂત છે,આ શું કહે છે?" અંગદે રાવણને કહ્યું કે "જો રામ સાથે તમે તમારા વિચારોનો સમન્વય કરી લેશો તો રામ માતા સીતાને લઈને ચાલ્યા જશે." રાવણે કહ્યું કે "આ શું બોલી રહ્યો છે? હું ધૃષ્ટ નથી." અંગદ બોલ્યા કે "દુનિયામાં આ જ ધૃષ્ટતા છે,કોઈ બીજી વ્યક્તિની કન્યાનું હરણ કરીને લાવવું એ મહાન ધૃષ્ટતા છે.તમારી આ ધૃષ્ટતા છે કે રાજા હોવા છતાં તમે પરસ્ત્રીગામી બન્યા છો.જે રાજા કોઈ સ્ત્રીનું અપમાન કરે છે,તે રાજાના રાષ્ટ્રમાં અગ્નિકાંડ થઈ જાય છે."

ત્યારે અંગદે પોતાનો પગ જમાવી દીધો..રાવણે કહ્યું કે "આ કડવાં વચનો બોલી રહ્યો છે." અંગદે કહ્યું કે "હું તમને પ્રાણની એક ક્રિયા નિશ્ચિત કરી રહ્યો છું.જો ચરિત્રની ઉજ્જવળતા હોય તો આ મારો પગ છે, આ પગને જો કોઈ એક ક્ષણ માટે પણ પોતાની જગ્યાએથી ખસેડી દેશે તો હું એ જ ક્ષણે માતા સીતાને છોડીને રામને અયોધ્યા પાછા લઈ જઈશ." અંગદે પ્રાણની ક્રિયા કરી અને તેમનું શરીર વિશાળ તથા બળવાન બની ગયું પછી તેમણે ભુમિ પર પોતાનો પગ સ્થિર કરી દીધો.રાજસભામાં એવો કોઈ બળવાન યોદ્ધા નહોતો જે તેમના પગને એક ક્ષણ માટે પણ હલાવી શકે.જ્યારે અંગદનો પગ ક્ષણભર પણ ન હલ્યો ત્યારે રાવણ જાતે જ ઊભો થઈને આવ્યો પરંતુ રાવણને આવતો જોઈને અંગદે કહ્યું કે "આ અધિરાજ છે, અધિરાજો પાસે પગ ઉપડાવવો શોભતો નથી." તેમણે પોતાના પગને પોતાની જગ્યાએથી પાછો ખેંચી લીધો અને કહ્યું કે "હે રાવણ ! તારે મારા ચરણોને સ્પર્શ કરવો નિરર્થક છે.જો તું શ્રીરામના ચરણોને સ્પર્શ કરીશ તો તારૂં કલ્યાણ થઈ જશે."

રાવણ મૌન થઈને પોતાના સ્થાને બેસી ગયો.સરળ શબ્દોમાં: અંતમાં રાવણ જ્યારે પોતે અંગદનો પગ ઉપાડવા આવ્યો ત્યારે અંગદે કહ્યું કે "મારા પગ કેમ પકડે છે? પકડવા હોય તો મારા સ્વામી શ્રીરામના ચરણ પકડી લે,તે દયાળુ અને શરણાગતવત્સલ છે,તેમની શરણમાં જઈશ તો પ્રાણ બચી જશે, બાકી યુદ્ધમાં સગાં-સંબંધીઓ સાથે મૃત્યુ પામીશ." આ સાંભળીને રાવણે પોતાની ઈજ્જત બચાવવામાં જ ભલાઈ સમજી.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment