Wednesday, 4 November 2026

બોધકથા..સ્વર્ગ અને નર્ક

 

બોધકથા..સ્વર્ગ અને નર્ક

 

એક ઘરડી સ્ત્રી મૃત્યુ પામી અને યમરાજ તેને લેવા માટે આવ્યા.સ્ત્રીએ યમરાજને પૂછ્યું કે "તમે મને સ્વર્ગમાં લઈ જશો કે નર્કમાં?" યમરાજે જવાબ આપ્યો કે "બંનેમાંથી ક્યાંય નહીં" તમે આ જન્મમાં ખૂબ જ સારા કર્મો કર્યા છે એટલા માટે હું તમને સીધા પ્રભુના ધામ વૈકુઠમાં લઈ જઈ રહ્યો છું.ઘરડી સ્ત્રી ખુશ થઈ ગઈ અને બોલી કે "ધન્યવાદ ! પણ મારી તમારી પાસે એક વિનંતી છે." "મેં અહીં ધરતી પર સૌની પાસેથી સ્વર્ગ અને નર્ક વિશે ઘણું સાંભળ્યું છે એટલે મારે એકવાર આ બંને જગ્યાઓ જોવી છે."

 

યમરાજે કહ્યું કે "તમારા કર્મો સારા છે એટલે હું તમારી આ ઈચ્છા પૂરી કરૂં છું." ચાલો ! આપણે સ્વર્ગ અને નર્કના રસ્તેથી થઈને પ્રભુના ધામ જઈશું." બંને આગળ વધ્યા,સૌથી પહેલાં નર્ક આવ્યું.નર્કમાં ઘરડી સ્ત્રીએ લોકોના જોર-જોરથી રડવાનો અવાજ સાંભળ્યો.ત્યાં નર્કમાં બધા જ લોકો દુબળા-પાતળા અને બીમાર દેખાઈ રહ્યા હતા.સ્ત્રીએ એક વ્યક્તિને પૂછ્યું કે "અહીં તમારા બધાની આવી દયનીય હાલત કેમ છે?" પેલો માણસ બોલ્યો કે "તો વળી કેવી હાલત હોય? મર્યા પછી જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે એક દિવસ પણ પેટ ભરીને જમ્યું નથી.ભૂખથી અમારી આત્માઓ તલખી રહી છે !" ઘરડી સ્ત્રીની નજર એક વિશાળ તપેલા પર પડી,જે લોકોની ઊંચાઈથી લગભગ પચાસ ફૂટ ઊંચું હતું.તે તપેલાની ઉપર એક વિશાળ ચમચો લટકેલો હતો,તે તપેલામાંથી ખૂબ જ અદભુત અને લહેજતદાર સુગંધ આવી રહી હતી.

 

ઘરડી સ્ત્રીએ તે માણસને પૂછ્યું કે "આ તપેલામાં શું છે?" પેલો માણસ નિરાશ થઈને બોલ્યો કે "આ તપેલામાં હંમેશાં સ્વાદિષ્ટ ખીર ભરેલી રહે છે." ઘરડી સ્ત્રીએ આશ્ચર્યથી પૂછ્યું કે "આમાં ખીર છે? તો પછી તમે લોકો પેટ ભરીને આ ખીર કેમ નથી ખાતા? ભૂખથી કેમ ટળવળો છો?" પેલો માણસ રડતાં-રડતાં બોલવા લાગ્યો કે "કેવી રીતે ખાઈએ?" "આ તપેલાની ઊંચાઈ પચાસ ફૂટ છે,અમારામાંથી કોઈપણ તે તપેલા સુધી પહોંચી શકતું જ નથી."

 

ઘરડી સ્ત્રીને તેમના પર દયા આવી ગઈ.તે વિચારવા લાગી કે  "બિચારા ! ખીરનું ભરેલું તપેલું હોવા છતાં ભૂખથી બેહાલ છે.કદાચ ઈશ્વરે તેમને આ જ સજા આપી હશે." યમરાજે ઘરડી સ્ત્રીને કહ્યું કે "ચાલો ! આપણને મોડું થઈ રહ્યું છે." બંને આગળ ચાલ્યા,થોડે દૂર ગયા પછી સ્વર્ગ આવ્યું. ત્યાં ઘરડી સ્ત્રીને સૌના હસવાના અને કિલકિલાટ કરવાના અવાજો સંભળાયા.બધા જ લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.તેમને ખુશ જોઈને ઘરડી સ્ત્રી પણ ખૂબ પ્રસન્ન થઈ પરંતુ ત્યાં સ્વર્ગમાં પણ ઘરડી સ્ત્રીની નજર બરાબર એવા જ પચાસ ફૂટ ઊંચા તપેલા પર પડી,જેવું નર્કમાં હતું,તેની ઉપર પણ તેવો જ ચમચો લટકેલો હતો. ઘરડી સ્ત્રીએ ત્યાંના લોકોને પૂછ્યું કે "આ તપેલામાં શું છે?"

 

સ્વર્ગના લોકો બોલ્યા કે "આમાં ખૂબ જ સ્વાદિષ્ટ ખીર છે." ઘરડી સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ.તેણે તેમને પૂછ્યું કે "પણ આ તપેલું તો પચાસ ફૂટ ઊંચું છે ! તમે લોકો તો આ સુધી પહોંચી જ નહીં શકતા હોવ." "એ હિસાબે તો તમને લોકોને ખાવાનું મળતું જ નહીં હોય ! તમે પણ ભૂખથી બેહાલ હશો !" છતાં મને તો તમે બધા આટલા ખુશ દેખાઈ રહ્યા છો,આ કેવી રીતે શક્ય છે?" લોકો હસીને બોલ્યા કે "અમે બધા જ આ તપેલામાંથી પેટ ભરીને ખીર ખાઈએ છીએ." સ્ત્રી બોલી કે "પણ કેવી રીતે? તપેલું તો ખૂબ ઊંચું છે !" લોકોએ કહ્યું કે "તો શું થઈ ગયું તપેલું ઊંચું છે તો?"  અહીં આજુબાજુ કેટલાય વૃક્ષો છે.ઈશ્વરે આ વૃક્ષો, છોડ,નદીઓ અને ઝરણાં આપણા માનવીઓના ઉપયોગ માટે જ તો બનાવ્યાં છે !"

 

"અમે આ વૃક્ષોનાં લાકડાં લીધાં,તેને કાપ્યાં પછી લાકડાના ટુકડાઓને જોડીને એક વિશાળ સીડી બનાવી." પેલી લાકડાની સીડીના સહારે અમે તપેલા સુધી પહોંચીએ છીએ અને બધા સાથે મળીને ખીરનો આનંદ માણીએ છીએ. આ સાંભળીને ઘરડી સ્ત્રી યમરાજ સામે જોવા લાગી.યમરાજ હસ્યા અને બોલ્યા કે "ઈશ્વરે સ્વર્ગ અને નર્ક માનવીઓના પોતાના હાથમાં જ સોંપેલું છે.જો ઈચ્છીએ તો પોતાના માટે નર્ક બનાવી શકીએ અને ઈચ્છીએ તો સ્વર્ગ પણ બનાવી શકીએ !"

 

ઈશ્વરે બધાને એક સમાન પરિસ્થિતિઓમાં મૂક્યા છે,તેમના માટે તેના તમામ સંતાનો એક સમાન છે,તે કોઈની સાથે ભેદભાવ નથી કરતો." "પેલી બાજુ નર્કમાં પણ વૃક્ષો અને છોડ હતા જ ! પણ પેલા લોકો જાતે જ આળસુ છે,તેમને બધું તૈયાર થાળીમાં જોઈતું હતું, તેમને કોઈ કર્મ કે મહેનત કરવી નહોતી એટલા માટે તેઓ ભૂખથી બેહાલ છે." કારણ કે આ જ તો ઈશ્વરે બનાવેલી આ દુનિયાનો નિયમ છે-જે કર્મ કરશે, પુરૂષાર્થ કરશે તેને જ મીઠું ફળ ખાવા મળશે."

 

આ બોધકથાથી શીખવા મળતો બોધ એ છે કે પરિસ્થિતિઓ આપણા બધાની આસપાસ સરખી જ હોય છે-તફાવત ફક્ત આપણી દ્રષ્ટિ,વિચારસરણી અને મહેનત-કર્મ કરવાનો છે.આળસ છોડીને જે લોકો પ્રયાસ કરે છે,તેઓ પોતાના જીવનને સ્વર્ગ જેવું સુંદર બનાવી લે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment