આધ્યાત્મિકતામાં
પણ રસ કેળવો..
ભૌતિક
પ્રગતિની સાથે આત્મિક ઉન્નતિનો સમન્વય એ જ જીવનની સાચી સાર્થકતા છે.
ભૌતિક સમૃદ્ધિની સાથે
આંતરિક સમૃદ્ધિ પણ જરૂરી છે.આધુનિક યુગમાં માનવીનું જીવન પહેલાં કરતાં
વધુ સુવિધાસભર અને ભૌતિક સાધનોથી સમૃદ્ધ બન્યું છે.શિક્ષણ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને
સંશોધનના ક્ષેત્રે થયેલી પ્રગતિએ માનવજીવનને અનેક રીતે સરળ અને સુખદ બનાવ્યું છે. જીવનનિર્વાહ
માટે ધન, સંપત્તિ, વ્યવસાય, પ્રતિષ્ઠા અને ભૌતિક
સુખ-સુવિધાઓનું પોતાનું આગવું મહત્વ છે, આ બધું પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો એ માનવીના વ્યવહારિક જીવનનો
સ્વાભાવિક ભાગ છે પરંતુ અહીં એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન વિચારવા જેવો છે કે શું માત્ર
ભૌતિક સમૃદ્ધિથી માનવીને સંપૂર્ણ સંતોષ-આંતરિક શાંતિ અને જીવનનો સાચો આનંદ પ્રાપ્ત
થઈ શકે? આજે માનવી ભૌતિક
પ્રગતિની દોડમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે ઘણીવાર તેને પોતાના અંતરજીવન-આત્મચિંતન
અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સમય મળતો નથી પરિણામે બાહ્ય સુખ-સુવિધાઓ હોવા છતાં
આંતરિક અશાંતિ-અસંતોષ અને માનસિક તણાવનો અનુભવ થતો જોવા મળે છે.આથી ભૌતિક જીવનની
સાથે આધ્યાત્મિક જીવનમાં પણ રસ કેળવવો અત્યંત જરૂરી છે.
ભૌતિક સુખ
અને શાશ્વત સુખ વચ્ચેનો તફાવત..
ભૌતિક જગતનાં સુખો
મુખ્યત્વે ઇન્દ્રિયો-મન અને બાહ્ય પરિસ્થિતિઓ સાથે જોડાયેલાં છે તેમાં પરિવર્તન
થવું સ્વાભાવિક છે.જે વસ્તુ આજે આનંદ આપે છે તે આવતીકાલે સામાન્ય બની શકે છે.ધન,પદ, પ્રતિષ્ઠા અને વૈભવ
હોવા છતાં માનવીના મનમાં વધુ મેળવવાની ઇચ્છા જાગતી રહે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના
અધ્યાયઃ૨/૧૪માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે..
માત્રાસ્પર્શાસ્તુ
કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ
ભારત
માત્રાસ્પર્શા એટલે
ઇન્દ્રિયો અને વિષયોનો સંપર્ક, શીતોષ્ણ એટલે ઠંડી અને
ગરમી, આગમાપાયિન એટલે
આવવા-જવા સ્વભાવવાળા, અનિત્યાઃ એટલે નાશવંત
અને તિતિક્ષસ્વ એટલે સહન કર.ઇન્દ્રિયો અને વિષયોના સંપર્કથી સુખ-દુઃખની અનુભૂતિ
થાય છે.આ અનુભૂતિઓ કાયમી નથી,તે આવે છે અને જતી રહે છે તેથી માનવીએ પરિસ્થિતિઓથી વિચલિત થયા
વિના ધીરજ અને સમભાવ જાળવવો જોઈએ.
સુખની પ્રાપ્તિમાં
અતિશય આસક્તિ અને દુઃખની પરિસ્થિતિમાં અતિશય વ્યાકુળતા બંને માનવીની આંતરિક
શાંતિને અસર કરે છે.આધ્યાત્મિકતા આપણને પરિસ્થિતિઓના પરિવર્તન વચ્ચે પણ સ્થિર
રહેવાની સમજણ આપે છે.
તમસો મા
જ્યોતિર્ગમય..અજ્ઞાનમાંથી જ્ઞાન તરફની યાત્રા..
બૃહદારણ્યક ઉપનિષદ
(૧.૩.૨૮)માં એક અત્યંત સુંદર પ્રાર્થના કરવામાં આવી છે:
અસતો મા
સદ્ગમય, તમસો મા જયોતિર્ગમય, મૃત્યોર્માઽમૃતં
ગમય..
અસત્ એટલે અસત્ય કે અસ્થાયી, સત્ એટલે સત્ય, તમસ્ એટલે અંધકાર, જ્યોતિઃ એટલે પ્રકાશ, મૃત્યુ એટલે નાશવંત
અવસ્થા અને અમૃત એટલે અવિનાશી તત્વ.
હે પ્રભુ ! અમને
અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશ
તરફ અને મૃત્યુના બંધનમાંથી અમૃતતત્વની અનુભૂતિ તરફ દોરી જાઓ. અહીં અંધકારનો અર્થ
માત્ર પ્રકાશનો અભાવ નથી પરંતુ અજ્ઞાન, મોહ, અહંકાર અને ભ્રમની અવસ્થા પણ છે. જ્યારે જ્ઞાનનો પ્રકાશ અંતરમાં
પ્રગટે છે ત્યારે માનવી પોતાના જીવનનું વાસ્તવિક સ્વરૂપ સમજવા લાગે છે.આધ્યાત્મિક
જ્ઞાન એ જ આંતરિક પ્રકાશ છે જે માનવીને નાશવંત અને શાશ્વત વચ્ચેનો ભેદ સમજાવે
છે.બાહ્ય જગતને પ્રકાશિત કરવા માટે સૂર્ય અને ચંદ્રની જરૂર પડે છે પરંતુ અંતરના
અજ્ઞાનને દૂર કરવા માટે આત્મજ્ઞાન-વિવેક અને પરમાત્માના બોધની આવશ્યકતા છે.
આધ્યાત્મિકતા
એટલે સંસારનો ત્યાગ નહીં પરંતુ જીવનનો સાચો બોધ..
ઘણીવાર આધ્યાત્મિકતાનો
અર્થ સંસારથી દૂર જવું, જવાબદારીઓનો ત્યાગ
કરવો કે ભૌતિક જીવન પ્રત્યે ઉદાસીન બનવું એવો કરવામાં આવે છે પરંતુ શાસ્ત્રોનો
સંદેશ એવો નથી.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના
અધ્યાયઃ૩/૧૯માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે..
તસ્માદસક્તઃ
સતતં કાર્યં કર્મ સમાચર
અસક્તો
હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પૂરૂષઃ
અસક્તઃ એટલે
આસક્તિરહિત, કાર્યં કર્મ એટલે
કર્તવ્યકર્મ, સમાચર એટલે યોગ્ય રીતે
આચરણ કરવું અને પરમ્ આપ્નોતિ એટલે પરમ અવસ્થાની પ્રાપ્તિ કરવી.માનવીએ આસક્તિનો
ત્યાગ કરીને પોતાનાં કર્તવ્યોનું સતત પાલન કરવું જોઈએ. આસક્તિરહિત રહીને કર્મ
કરનાર વ્યક્તિ પરમ ગતિ પ્રાપ્ત કરી શકે છે.આધ્યાત્મિકતા આપણને કર્મથી વિમુખ કરતી
નથી પરંતુ કર્મ કરતી વખતે કર્તાપણાના અહંકાર અને ફળની આસક્તિથી મુક્ત થવાની
પ્રેરણા આપે છે.પરિવાર-સમાજ અને વ્યવસાયની જવાબદારીઓ નિભાવતાં પણ માનવી આધ્યાત્મિક
જીવન જીવી શકે છે.આથી સંસારમાં રહીને નિષ્કામ ભાવથી કર્મ કરવું, દરેક સાથે પ્રેમ અને નમ્રતાથી વર્તવું તથા સેવા અને પરોપકારની
ભાવના રાખવી એ આધ્યાત્મિક જીવનનાં મહત્વપૂર્ણ લક્ષણો છે.
આત્મજ્ઞાન
અને સમદ્રષ્ટિનું મહત્વ..
આધ્યાત્મિક જ્ઞાનનો એક
મહત્વપૂર્ણ ઉદ્દેશ માનવીની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાનો છે.જ્યારે માનવી પોતાના
અહંકાર-સ્વાર્થ અને સંકુચિત માન્યતાઓથી ઉપર ઊઠે છે ત્યારે તેને સમગ્ર માનવજાત
પ્રત્યે સમાનતા અને આત્મીયતાનો ભાવ અનુભવાય છે.ભગવદ્ ગીતા અધ્યાયઃ૫/૧૮માં ભગવાન
કહે છે કે..
વિદ્યાવિનયસમ્પન્ને
બ્રાહ્મણે ગવિ હસ્તિનિ
શુનિ ચૈવ
શ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ
વિદ્યા એટલે જ્ઞાન, વિનય એટલે નમ્રતા, સમદર્શિનઃ એટલે સમાન દ્રષ્ટિથી
જોનારા. સાચા જ્ઞાની પુરૂષો વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરા અને અન્ય પ્રાણીઓમાં પણ સમભાવ રાખે છે. આધ્યાત્મિક જ્ઞાન
માનવીને બાહ્ય ભેદભાવથી ઉપર ઊઠીને દરેક જીવ પ્રત્યે આદર-કરૂણા અને આત્મીયતાની
ભાવના રાખવાનું શીખવે છે. સાચી આધ્યાત્મિકતા માત્ર ઉપાસના કે ધાર્મિક વિધિઓ પૂરતી
સીમિત નથી,તે આપણા વિચારો-વાણી અને વ્યવહારમાં પણ પ્રગટ થવી જોઈએ.
આધ્યાત્મિક
જિજ્ઞાસા કેળવીએ..
આપણે જીવનમાં અનેક
પ્રકારની જિજ્ઞાસા રાખીએ છીએ, વધુ શિક્ષણ કેવી રીતે મેળવવું, વધુ ધન કેવી રીતે કમાવવું,
વ્યવસાયમાં પ્રગતિ કેવી રીતે કરવી અને સમાજમાં પ્રતિષ્ઠા કેવી
રીતે પ્રાપ્ત કરવી વગેરે પ્રશ્નો સ્વાભાવિક છે પરંતુ આ સાથે કેટલીક આધ્યાત્મિક
જિજ્ઞાસાઓ પણ હોવી જોઈએ. હું કોણ છું? મારા જીવનનો સાચો હેતુ
શું છે? સુખ-દુઃખની
પરિસ્થિતિમાં મનને સ્થિર કેવી રીતે રાખવું?
પરમાત્મા સાથે મારો સંબંધ શું છે? જીવનને માનવતા, પ્રેમ, કરૂણા અને સેવાભાવથી કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય? આવા પ્રશ્નો માનવીને આત્મચિંતન તરફ દોરી જાય છે.સદ્ગ્રંથોનું
અધ્યયન,સંતો-મહાપુરૂષોનો
સત્સંગ, આત્મ નિરીક્ષણ-પ્રાર્થના
અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આધ્યાત્મિક સમજણને જીવનમાં ઉતારી શકાય છે.આધ્યાત્મિક
જ્ઞાન માત્ર વાંચવા કે સાંભળવા પૂરતું ન રહે પરંતુ આપણા સ્વભાવ અને વ્યવહારમાં પણ
પ્રગટે ત્યારે જ તેની સાચી સાર્થકતા છે.
બાહ્ય
સમૃદ્ધિની સાથે આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ..
માનવજીવનમાં ભૌતિક અને
આધ્યાત્મિક બંને પાસાંનું પોતપોતાનું મહત્વ છે.ભૌતિક વિકાસ જીવનને સુવિધાસભર બનાવે
છે જ્યારે આધ્યાત્મિક વિકાસ જીવનને મૂલ્યવાન-સંતુલિત અને અર્થપૂર્ણ બનાવે છે.ભૌતિક
સંપત્તિથી જીવનની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે છે પરંતુ સંતોષ, સમભાવ, કરૂણા, આત્મજ્ઞાન અને આંતરિક શાંતિ માટે આધ્યાત્મિક સમજણ જરૂરી છે.
આથી ભૌતિક પ્રગતિની
દોડમાં આધ્યાત્મિકતાને ભૂલી ન જઈએ, સંસારમાં રહીને કર્તવ્યનું પાલન કરીએ પરંતુ મનમાં પરમાત્માનું
સ્મરણ, જીવનમાં સદાચાર અને
વ્યવહારમાં માનવતા જાળવીએ કારણ
કે સાચી સફળતા માત્ર કેટલું મેળવ્યું તેમાં નથી પરંતુ જે મેળવ્યું તેનો ઉપયોગ
કેટલા સદભાવથી કર્યો અને પોતાના જીવન દ્વારા કેટલા લોકોના જીવનમાં સુખ-શાંતિ અને
પ્રેમનું નિર્માણ કર્યું તેમાં પણ સમાયેલી છે.
આવો..ભૌતિક પ્રગતિની
સાથે આધ્યાત્મિક ઉન્નતિમાં પણ રસ કેળવીએ અને અજ્ઞાનના અંધકાર માંથી આત્મજ્ઞાનના
પ્રકાશ તરફ આગળ વધીને માનવજીવનને સાચા અર્થમાં સાર્થક બનાવીએ.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment