Tuesday, 3 November 2026

ધનતેરસ..ધનની સાથે ધર્મ-આરોગ્ય અને સદાચારની ઉપાસનાનો પવિત્ર પર્વ.

 

ધનતેરસ..ધનની સાથે ધર્મ-આરોગ્ય અને સદાચારની ઉપાસનાનો પવિત્ર પર્વ.

 

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ પરંતુ સાચા અર્થમાં તે ધન સાથે ધર્મ,આરોગ્ય,સદાચાર અને પરોપકારની ભાવનાને જીવનમાં ઉતારવાનો પવિત્ર અવસર છે.ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારની પાછળ કોઈ ને કોઈ આધ્યાત્મિક સંદેશ-જીવનદર્શન અને લોકકલ્યાણની ભાવના રહેલી છે.દિવાળીના પાંચ દિવસીય પર્વનો પ્રારંભ ધનતેરસથી થાય છે. ધનતેરસ,કાળીચૌદશ,દિવાળી,નૂતન વર્ષ અને ભાઈબીજ-આ પાંચેય પર્વો જીવનના જુદા જુદા પાસાઓને ઉજાગર કરે છે.ધનતેરસ આપણને ધન-આરોગ્ય અને સમૃદ્ધિનું મહત્વ સમજાવીને સંપત્તિનો સદુપયોગ કરવાની પ્રેરણા આપે છે.

 

ધનનું મહત્વ અને લક્ષ્મીપૂજનનો સાચો હેતુ..

માનવજીવનમાં ધનની આવશ્યકતા નકારી શકાય તેમ નથી.જીવનનિર્વાહ, પરિવારનું ભરણપોષણ, શિક્ષણ,આરોગ્ય,સામાજિક જવાબદારીઓ અને લોકકલ્યાણનાં કાર્યો માટે ધન જરૂરી છે.જીવનમાં લક્ષ્મીજીની કૃપા અને સમૃદ્ધિનું પોતાનું વિશેષ મહત્વ છે પરંતુ આજના કળિયુગમાં ધન ભેગું કરવાની આંધળી દોટમાં માનવી ઘણીવાર નીતિ-અનીતિનો ભેદ ભૂલી જાય છે. કેટલાક લોકો છેતરપિંડી, ભ્રષ્ટાચાર, અન્યાય અને ખોટા રસ્તાઓ અપનાવીને સંપત્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે મેળવેલું ધન બહારથી સુખ-સુવિધાઓ આપતું દેખાય છે પરંતુ અંતરમાં અશાંતિ-ભય અને અસંતોષ ઊભો કરે છે.

 

ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરવાનો સાચો આશય માત્ર ધનની વૃદ્ધિ માટે પ્રાર્થના કરવાનો નથી પરંતુ આપણને પ્રાપ્ત થયેલી સંપત્તિ પવિત્ર માર્ગે પ્રાપ્ત થઈ છે કે નહીં અને તેનો ઉપયોગ યોગ્ય કાર્યોમાં થાય છે કે નહીં તેનું આત્મનિરીક્ષણ કરવાનો પણ છે.ધનનો ઉપયોગ જો માત્ર સ્વાર્થ-અહંકાર અને ભોગવિલાસ માટે કરવામાં આવે તો તે બંધન બની શકે છે પરંતુ એ જ ધનનો ઉપયોગ દાન,સેવા,શિક્ષણ, આરોગ્ય,ગરીબો અને જરૂરિયાતમંદોની સહાય તથા સમાજના ઉત્થાન માટે કરવામાં આવે તો તે કલ્યાણનું સાધન બની જાય છે એટલે જ સાચું લક્ષ્મીપૂજન માત્ર દીવો પ્રગટાવવામાં નથી પરંતુ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવામાં છે.

 

ભગવાન ધન્વંતરિનું પ્રાગટ્ય અને આરોગ્યનું મહત્વ..

ધનતેરસ સાથે જોડાયેલી સમુદ્રમંથનની પૌરાણિક કથા અત્યંત પ્રેરણાદાયી છે.પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે દેવો અને દાનવોએ અમૃતપ્રાપ્તિ માટે સમુદ્રમંથન કર્યું હતું. આ મંથનમાંથી ચૌદ રત્નો પ્રગટ થયાં હતાં, તેમાં ભગવાન ધન્વંતરિ અમૃતકળશ ધારણ કરીને પ્રગટ થયા હતા. આ ઘટના આસો વદ તેરસના દિવસે બની હોવાનું માનવામાં આવે છે તેથી આ દિવસ ધનત્રયોદશી-ધનતેરસ અને ધન્વંતરી જયંતી તરીકે ઓળખાય છે.ભગવાન ધન્વંતરિને આયુર્વેદના પ્રણેતા તથા દેવોના વૈદ્ય તરીકે પૂજવામાં આવે છે. ધનતેરસના દિવસે તેમનું પૂજન કરીને સારા આરોગ્ય-દીર્ઘાયુષ્ય અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે.આ પ્રસંગ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે જીવનમાં ધનની સાથે આરોગ્યનું પણ એટલું જ મહત્વ છે.

 

માણસ પાસે અઢળક સંપત્તિ હોય, વિશાળ મહેલો હોય,અનેક વાહનો હોય પરંતુ જો શરીર સ્વસ્થ ન હોય અને મન શાંત ન હોય તો તે સંપત્તિનો સાચો આનંદ માણી શકતો નથી.આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે. સ્વસ્થ શરીર, નિર્મળ મન, સાત્વિક વિચારો અને સદાચારી જીવન માનવજીવનની અમૂલ્ય મૂડી છે. આથી ધનતેરસ આપણને માત્ર ધનવાન બનવાની નહીં પરંતુ તંદુરસ્ત-સુખી અને સદાચારી બનવાની પણ પ્રેરણા આપે છે.

 

લક્ષ્મીજી અને ખેડૂતની પૌરાણિક કથા..

લક્ષ્મીજી વિશે એક લોકપ્રચલિત પૌરાણિક કથા પણ કહેવામાં આવે છે.કથા અનુસાર એક વખત ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને તેર વર્ષ સુધી એક ખેડૂતના ઘરે રહેવાનો શાપ આપ્યો હતો. લક્ષ્મીજીના આગમનથી ખેડૂતના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધનધાન્યની વૃદ્ધિ થવા લાગી. ખેડૂતનું જીવન ખુશહાલ બની ગયું. તેર વર્ષનો સમય પૂર્ણ થતાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પાછાં લઈ જવા આવ્યા. ખેડૂત લક્ષ્મીજીને વિદાય આપવા તૈયાર ન હતો ત્યારે લક્ષ્મીજીએ તેને આશ્વાસન આપ્યું કે જે વ્યક્તિ ધનતેરસના દિવસે શ્રદ્ધાપૂર્વક દીપ પ્રગટાવીને મારૂં સ્મરણ કરશે તેના ઘરમાં હું નિવાસ કરીશ.આ કથા દ્વારા લક્ષ્મીપૂજન અને દીપપ્રાગટ્યની પરંપરાનું મહત્વ સમજાવવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને ક્યારેય તુચ્છ કે ત્યાજ્ય માન્યાં નથી, તેમને માતાનું સ્થાન આપીને પૂજનીય માન્યાં છે પરંતુ લક્ષ્મી પ્રાપ્ત કરવાની સાથે લક્ષ્મીનો વિનિયોગ કેવી રીતે કરવો તે સમજવું પણ એટલું જ જરૂરી છે.

 

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયઃ૬/૪૧માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે..

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः

शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते

યોગભ્રષ્ટ પુરૂષ પુણ્યશાળી લોકોના લોકને પ્રાપ્ત કરીને ત્યાં ઘણાં વર્ષો સુધી નિવાસ કર્યા પછી પવિત્ર અને સમૃદ્ધ લોકોના ઘરમાં જન્મ લે છે.આ શ્લોકમાં શ્રીમતાં ગૃહનો ઉલ્લેખ આવે છે,તેમાંથી એટલું સમજાય છે કે સમૃદ્ધિ પોતે અધમ નથી. સંપત્તિ સાથે પવિત્રતા-સદાચાર અને આધ્યાત્મિક સંસ્કારોનું જોડાણ હોય તો જીવન વધુ સાર્થક બની શકે છે.

 

લક્ષ્મી ચંચળ નથી,મનુષ્યની મનોવૃત્તિ ચંચળ હોય છે..

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી ચંચળ છે પરંતુ વાસ્તવમાં લક્ષ્મી કરતાં લક્ષ્મીવાન મનુષ્યની મનોવૃત્તિ વધારે ચંચળ બની જાય છે.ધન એક એવી શક્તિ છે જેનો ઉપયોગ કરીને માનવી દેવતુલ્ય પણ બની શકે છે અને દાનવતુલ્ય પણ બની શકે છે.સંપત્તિનો સદુપયોગ થાય તો તે અનેક લોકોના જીવનમાં સુખ અને પ્રકાશ ફેલાવી શકે છે,જ્યારે તેનો દુરૂપયોગ થાય તો તે અહંકાર, લોભ, સ્વાર્થ અને વિનાશનું કારણ બની શકે છે.આ દ્રષ્ટિએ ધનના ઉપયોગનાં ચાર સ્વરૂપો સમજવા જેવાં છે:

અલક્ષ્મી-અનીતિ,વ્યસન,દુર્વ્યવહાર અને વિનાશકારી કાર્યોમાં વપરાતું ધન,

વિત્ત-માત્ર વ્યક્તિગત સ્વાર્થ,સંગ્રહ અને ભોગવિલાસ માટે વપરાતું ધન,

લક્ષ્મી-દાન,સેવા,પરોપકાર અને જરૂરિયાતમંદોની સહાય માટે વપરાતું ધન,

મહાલક્ષ્મી-પ્રભુકાર્ય, આધ્યાત્મિક જાગૃતિ, માનવકલ્યાણ અને સમાજસેવા માટે સમર્પિત થતું ધન.

આ વર્ગીકરણ જીવનને સમજવા માટેનું આધ્યાત્મિક ચિંતન છે,તેનો મુખ્ય ભાવ એ છે કે સંપત્તિનું સાચું મૂલ્ય તેની માત્રામાં નહીં પરંતુ તેના ઉપયોગમાં રહેલું છે.

 

યમદીપદાનની કથા અને દીપપ્રાગટ્યનું મહત્વ..

ધનતેરસના દિવસે દીપદાન કરવાની એક જાણીતી પૌરાણિક કથા પણ પ્રચલિત છે.કથા અનુસાર એક વખત યમરાજે પોતાના દૂતોને પૂછ્યું કે તમે મનુષ્યોના પ્રાણ હરણ કરવા પૃથ્વી પર જાઓ છો ત્યારે ક્યારેય તમને દુઃખ કે કરૂણા થતી નથી? ત્યારે એક યમદૂતે એક રાજકુમારની ઘટના વર્ણવી. રાજકુમારનાં લગ્નના થોડા દિવસો પછી જ તેનું મૃત્યુ થવાનું હતું. યમદૂતને આ યુવાનના અકાળ મૃત્યુનું દુઃખ થયું હતું.આ પ્રસંગ સાથે જોડાયેલી માન્યતા અનુસાર ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પાસે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવીને યમરાજનું સ્મરણ કરવાથી અકાળ મૃત્યુના ભયમાંથી રક્ષણ મળે છે.આ પરંપરાને યમદીપદાન કહેવામાં આવે છે.

 

આ કથાનો આધ્યાત્મિક ભાવ એ છે કે દીવો અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપે છે. જીવનમાં અજ્ઞાન,ભય,નિરાશા અને નકારાત્મકતાનો અંધકાર દૂર કરીને જ્ઞાન-શ્રદ્ધા અને સદાચારનો પ્રકાશ પ્રગટાવવો જોઈએ.દીપ પ્રગટાવવાની સાથે જીવનમાં સારા વિચારો અને સદકર્મોનો પ્રકાશ પણ પ્રગટાવવો જરૂરી છે.

 

લક્ષ્મીજીનું આગમન અને પરોપકારનો સંદેશ..

સમુદ્રમંથનમાંથી જ્યારે માતા લક્ષ્મી પ્રગટ થયાં ત્યારે તેમણે ભગવાન શ્રીનારાયણને વરમાળા અર્પણ કરી હતી.આ પ્રસંગનું એક સુંદર આધ્યાત્મિક ચિંતન પણ કરી શકાય છે.ભગવાન નારાયણે લક્ષ્મીજીને સ્વીકાર્યા પછી ચારે દિશામાં દ્રષ્ટિ કરી. જાણે તેઓ આપણને સંદેશ આપી રહ્યા હોય કે જ્યારે જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ આવે ત્યારે માત્ર પોતાના પરિવાર અને પોતાના સુખનો જ વિચાર ન કરવો પરંતુ સમાજમાં રહેલા ગરીબ, દુઃખી, પીડિત અને જરૂરિયાતમંદ લોકો તરફ પણ દ્રષ્ટિ કરવી.આપણી આસપાસ કોઈ ભૂખ્યું હોય, કોઈ શિક્ષણથી વંચિત હોય, કોઈ બીમારીથી પીડાતું હોય કે કોઈ મુશ્કેલીમાં હોય તો તેની સહાય માટે આગળ આવવું જોઈએ.આ જ સંપત્તિનો સાચો સદુપયોગ છે.સંપત્તિ ભેગી કરવી એ એક કળા છે પરંતુ સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવો એ સંસ્કાર છે.ધન કમાવનાર અનેક મળે છે પરંતુ ધનનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરનાર સાચા અર્થમાં સમૃદ્ધ કહેવાય છે.

 

ધનતેરસની ઉજવણી અને આધ્યાત્મિક સ્વચ્છતા..

ધનતેરસના દિવસે લોકો પોતાનાં ઘરો-દુકાનો અને કાર્યસ્થળોની સાફસફાઈ કરે છે. રંગોળી બનાવે છે, દીવાઓથી ઘરને શણગારે છે અને લક્ષ્મીજી તથા ભગવાન ધન્વંતરિનું પૂજન કરે છે.આ દિવસે સોનું, ચાંદી,વાસણો તથા અન્ય નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.વેપારીઓ પોતાનાં વ્યવસાય સ્થળોની પૂજા કરે છે અને નવા હિસાબોની શરૂઆત માટે શુભ સંકલ્પ કરે છે પરંતુ બાહ્ય સ્વચ્છતાની સાથે આંતરિક સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે.ઘરની સફાઈ કરીએ છીએ તેમ મનમાંથી ઈર્ષ્યા, દ્વેષ, લોભ, ક્રોધ, અહંકાર અને સ્વાર્થની ગંદકી પણ દૂર કરવી જોઈએ.ઘરમાં દીવો પ્રગટાવીએ છીએ તેમ અંતરમાં જ્ઞાન અને ભક્તિનો દીવો પ્રગટાવવો જોઈએ.ધનની પૂજા કરીએ છીએ તેમ ધન પ્રાપ્ત કરવાના માર્ગને પણ પવિત્ર રાખવો જોઈએ.

 

આધ્યાત્મિક દ્રષ્ટિએ સાચી સમૃદ્ધિ..

આજના ભૌતિકવાદી યુગમાં માનવી પાસે સુખસુવિધાનાં અનેક સાધનો ઉપલબ્ધ છે છતાં માનસિક શાંતિ અને સંતોષનો અભાવ જોવા મળે છે,તેનું મુખ્ય કારણ એ છે કે આપણે સમૃદ્ધિનો અર્થ માત્ર પૈસા-મિલકત અને વૈભવમાં શોધીએ છીએ.વાસ્તવિક સમૃદ્ધિ તો ત્યાં છે જ્યાં ધનની સાથે ધર્મ હોય, સંપત્તિની સાથે સંતોષ હોય, સફળતાની સાથે નમ્રતા હોય અને વૈભવની સાથે સેવાભાવ હોય. સંત-મહાત્માઓ પણ આપણને સમજાવે છે કે માનવજીવનનું સાચું ધ્યેય માત્ર ભૌતિક સુખો મેળવવાનું નથી પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જીવનને સત્ય, પ્રેમ, નમ્રતા અને પરોપકારથી સભર બનાવવાનું છે.

 

સંત નિરંકારી મિશનના આધ્યાત્મિક વિચાર અનુસાર બ્રહ્મજ્ઞાન દ્વારા નિરાકાર પરમાત્માની ઓળખ મેળવીને માનવમાત્ર સાથે પ્રેમ-એકત્વ અને ભાઈચારાની ભાવના કેળવવી એ જીવનની સાચી સાર્થકતા છે. સત્સંગ,સુમિરણ અને સેવા દ્વારા જીવનમાં સાત્ત્વિકતા આવે છે.જ્યારે માનવીના અંતરમાં પ્રભુની ઓળખ અને માનવતાની ભાવના જાગૃત થાય છે ત્યારે તે પોતાની શક્તિ-સમય અને સંપત્તિનો ઉપયોગ માત્ર પોતાના માટે નહીં પરંતુ સમગ્ર માનવસમાજના કલ્યાણ માટે કરવા પ્રેરાય છે.આ જ સાચી આધ્યાત્મિક સમૃદ્ધિ છે.

 

ધનતેરસનો પવિત્ર પર્વ આપણને ત્રણ મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે ધનને નીતિપૂર્વક પ્રાપ્ત કરો-આરોગ્યની સંભાળ રાખો અને સંપત્તિનો સદુપયોગ કરો.લક્ષ્મીપૂજનનો સાચો અર્થ માત્ર સોનાં-ચાંદીનાં આભૂષણો કે ચલણી નોટોની પૂજા કરવાનો નથી પરંતુ આપણા જીવનમાં રહેલી સમૃદ્ધિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને તેનો ઉપયોગ સદકાર્યોમાં કરવાનો છે.ઘરમાં દીવાઓની હારમાળા પ્રગટે તે આનંદની વાત છે પરંતુ કોઈ નિરાધારના જીવનમાં આશાનો દીવો પ્રગટાવીએ, કોઈ ગરીબ બાળકના શિક્ષણમાં સહયોગ આપીએ, કોઈ બીમાર વ્યક્તિની સારવારમાં મદદરૂપ બનીએ અને કોઈ દુઃખી વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવીએ ત્યારે ધનતેરસની ઉજવણી સાચા અર્થમાં સાર્થક બને છે.

 

આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે ધન પ્રાપ્ત કરવામાં નીતિનો માર્ગ અપનાવીશું, આરોગ્ય અને સદાચારનું જતન કરીશું,સંપત્તિનો સદુપયોગ કરીશું અને જીવનમાં દાન,સેવા,પરોપકાર તથા માનવતાની ભાવનાને પ્રાધાન્ય આપીશું કારણ કે ધનથી સુખસુવિધા ખરીદી શકાય છે પરંતુ સંતોષ ખરીદી શકાતો નથી,સંપત્તિથી મહેલ બનાવી શકાય છે પરંતુ પ્રેમથી જ ઘર બને છે.ધનતેરસનો સાચો સંદેશ એ જ છે કે આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય, શરીરમાં આરોગ્યનો પ્રકાશ હોય, મનમાં સંતોષ હોય અને હૃદયમાં પરમાત્મા તથા માનવતા પ્રત્યે પ્રેમભાવ હોય.આ ધનતેરસે માત્ર ધનની નહીં પરંતુ ધર્મ,આરોગ્ય,સદાચાર, સેવા અને માનવતાની પણ ઉપાસના કરીએ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment