Monday 26 August 2013

ભાગવત્ કથામૃતમ્




v     સ્‍ત્રી એ તો ત્રિવિધ પુરૂષાર્થની કામનાવાળા પુરૂષનું અડધું અંગ કહેવામાં આવે છે,તેના ૫ર ગૃહસ્‍થીની જવાબદારી નાખીને પુરૂષ નિશ્ચિત થઇને વિચરે છે. ૨૩૧
v     જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ થઇ જાય છે.આ જ રીતે ધ્યાન ન આપવાથી શ્રવણનું, સંદેહ કરવાથી મંત્રનું અને ચિત્તના અહી તહી ભટકતા રહેવાથી જપનું ૫ણ કોઇ ફળ મળતું નથી..૩૧
v     જે જીવો બ્રાહ્મણોના શ્રાપથી દાઝેલો અથવા પ્રાણીઓને ભય આપનારો હોય છે,તે કોઇપણ યોનિઓમાં જાય તેના પર નારકીય જીવો દયા કરતા નથી.૨૩૪
v     ભગવાનના ઉદરમાં આ સઘળું બ્રહ્માંડ રહેલું છે.
v     સેવકો અપરાધ કરે છે ત્યારે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે.તે અપયશ તેની કીર્તિને એવી રીતે કલંકિત કરી દે છે કે જેવી રીતે ત્વચાને ચર્મરોગ.! કારણ કે,સેવકે કરેલા કામનો યશ-અપયશ માલિકને ફાળે જાય છે.
v     ભગવાન કહે છે કેઃબ્રાહ્મણો,દૂધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ-એ મારાં જ શરીર છે.૨૪૩
v     બધાં જ શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે.૨૭૨
v     કર્દમઋષિ અને માતા દેવહુતિના દિવ્ય દાંમ્પ્‍ત્ય જીવનથી ઉત્પન્ન કન્યાઓને તેઓએ બ્રહ્માજીની આજ્ઞાથી નીચે મુજબના ઋષિઓ સાથે પરણાવી હતી.. કલા-મરીચિ ઋષિ, અનસૂયા-અત્રિ ઋષિ, શ્રધ્ધા-અંગિરા ઋષિ, હવિર્ભૂ-પુલત્સ્ય ઋષિ, ગતિ-પુલહ ઋષિ, ક્રિયા-ક્રતુ ઋષિ, ખ્યાતિ-ભૃગુ ઋષિ, અરૂંધતી-વશિષ્‍ઠ ઋષિ સાથે પરણાવી હતી..૨૭૯
v     આ જીવના બંધન અને મોક્ષનું કારણ મન જ છે.વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગ હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે.આ મન જ્યારે હું૫ણા-મારાપણાનું કારણ એવા કામ-લોભ..વગેરે વિકારોમાંથી મુક્ત અને શુધ્ધ થાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ અવસ્થામાં આવી જાય છે.૨૮૩
v     જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે એવા મનુષ્‍યની વેદવિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી (કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો-બંન્ને પ્રકારની) ઇન્દ્રિયોની સત્વમૂર્તિરૂ૫ શ્રીહરી પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે,મુક્તિ કરતાં ૫ણ આ ભક્તિ ઉત્તમ છે કારણ કે, જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તે જ રીતે આ ભક્તિ ૫ણ કર્મસંસ્કારોના ભંડારરૂપી લિંગશરીરને તરત જ ભસ્મ કરી દે છે..૨૮૪
v     જે મનુષ્‍યો આ લોકમાં,પરલોકમાં અને આ બંન્ને લોકોમાં સાથે જનારા લિંગદેહને તથા શરીર સાથે સબંધ રાખનારા ધન,પશું,ઘર..વગેરે..જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને ૫ણ ત્યજી દઇને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે ભગવાનનું ભજન કરે છે તે મૃત્યુરૂપી સંસારસાગરમાંથી પાર કરી દે છે.
v     પરમાત્મા સિવાય અન્ય કોઇનો ૫ણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી.૨૮૫
v     અષ્‍ટાંગયોગની વિધિઃ શક્તિ પ્રમાણે શાસ્ત્રવિહીત સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરૂધ્ધ આચરણોનો પરીત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઇ મળી જાય તેમાં સંતુષ્‍ઠ રહેવું, આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી... વિષયવાસના વધારનારાં કર્મોથી દૂર રહેવું, સંસારના બંધનોમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્ર અને પરિમિત(મર્યાદિત) ભોજન કરવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું.....    મન-વાણી અને શરીરથી કોઇ જીવને સતાવવો નહી, સત્ય બોલવું, ચોરી કરવી નહી, આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહી, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી (ધર્મના પાલન અર્થે કષ્‍ટ સહન કરવું), અંદર-બહાર પવિત્ર રહેવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું,ભગવાનનું પૂજન કરવું..........વાણીનો સંયમ જાળવવો, ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું,ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો,ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હ્રદયમાં લઇ જવી...ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં ૫રોવવું...બુધ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્‍ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરી પરમાત્માના ધ્યાનમાં જોડવું...
પહેલાં આસનને જીતવું પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં દર્ભ,મૃગચર્મ..વગેરેથી યુક્ત આસન પાથરવું,તેના ઉ૫ર શરીરને સીધું અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો...આરંભમાં પૂરક,કુંભજ અને રેચક એ ક્રમથી પ્રાણના માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઇ જાય. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોનાનો મેલ છોડી દે છે તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે તેનું મન ઘણું જલ્દી શુધ્ધ થઇ જાય છે...પ્રાણાયામથી વાત-પિત્ત વગેરેથી નિ૫જતા દોષોને.. ધારણાથી પાપોને..પ્રત્યાહારથી વિષયો સાથેના સબંધને અને ધ્યાનથી ભગવદ્ વિમુખ કરનારા રાગ-દ્રેષ.. વગેરે દુર્ગુણોને દૂર કરે છે..યોગનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઇ જાય ત્યારે નાકના અગ્ર ભાગ ઉપર દ્રષ્‍ટિ જમાવી ભગવાનનું ધ્યાન ધરવું...આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો ભગવાનમાં પ્રેમ થઇ જાય છે,તેનું હ્રદય ભક્તિથી દ્રવિત થઇ જાય છે,શરીરમાં આનંદના અતિરેકથી રોમાંચ થવા લાગે છે...જે રીતે અત્યંત સ્નેહના કારણે પૂત્ર અને ધન વગેરેમાં ૫ણ સાધારણ જીવોની આત્મબુધ્ધિ રહે છે,પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધાં તે જીવોથી સ્પષ્‍ટપણે અલગ દેખાઇ આવે છે,તેવી જ રીતે જેમને આ(મનુષ્‍ય) પોતાનો આત્મા માની બેઠો છે તે દેહ વગેરેથી ૫ણ તેમનો સાક્ષી પુરૂષ અલગ જ છે.જેમ બળતા લાકડાથી,તણખાથી,સ્વંય અગ્નિથી જ પ્રગટ થયેલા ધૂમાડાથી તથા અગ્નિરૂ૫ માનવામાં આવતા તે બળતા લાકડાથી ૫ણ અગ્નિ ખરેખર તો અલગ જ છે,તેવી જ રીતે ભૂતો,ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ છે તથા જીવ કહેવાતા તે આત્માથી ૫ણ બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરૂષોત્તમ અલગ છે...જેમ દેહદ્રષ્‍ટ્રિથી જરાયુજ,અંડજ,સ્વેદજ અને ઉદભિજ્જ-ચારે પ્રકારનાં પ્રાણીઓ પંચભૂત-માત્ર છે તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્યભાવથી અનુગત જોવા..દેવ-મનુ્ષ્‍ય વગેરેનાં શરીરોમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાસે છે,તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂ૫ને સંતાડી દેનારી,કાર્યકારણરૂપે પરીણામ પામેલી ભગવાનની આ અચિન્ત્ય શક્તિમતી માયાનો ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂ૫માં બ્રહ્મરૂ૫માં સ્થિત થઇ જાય છે...૨૯૯
v     સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્‍યોના ભાવમાં ૫ણ વિભિન્નતા આવી જાય છે.જે ભેદદર્શી ક્રોધી મનુષ્‍ય હ્રદયમાં હિંસા,દંભ અથવા મત્સરતાનો  ભાવ રાખીને ભગવાનને પ્રેમ કરે છે તે તામસી ભક્ત છે.
v     જે મનુષ્‍ય વિષય,એશ અને એશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા..વગેરેમાં ભગવાનનું ભેદભાવથી (સ્વામી-સેવક ભાવથી) પૂજન કરે છે તે રાજસી ભક્ત છે..
v     જે મનુષ્‍ય પાપોનો ક્ષય કરવા માટે ,પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુધ્ધિથી ભગવાનનું ભેદભાવથી પૂજન કરે છે તે સાત્વિક ભક્ત  છે.
v     જેમ ગંગાનો પ્રવાહ અખંડરૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે ભગવાનના ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તૈલધારાવત્ અવિચ્છિન્નરૂપે સર્વઅંતર્યામી ભગવાનમાં એકરૂ૫ થઇ જવું તથા પુરૂષોત્તમમાં નિષ્‍કામ અને અનન્ય પ્રેમ થવો- આ નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ છે.
v     જે મનુષ્‍ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની-મોટી બધી સામગ્રીઓ વડે પરમાત્માનું પૂજન કરે છે તો પણ તેનાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી.
v     મનુષ્‍યે પોતાના ધર્મનું અનુષ્‍ઠાન કરતા રહીને ત્યાંસુધી જ પરમાત્માની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવા જોઇએ કે જ્યાં સુધી તેને પોતાના હ્રદયમાં તેમજ તમામ પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઇ જાય..૩૦૨
v     જે મનુષ્‍ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક ૫ણ અંતર કરે છે તે ભેદદર્શી માટે પરમાત્મા મૃત્યુરૂપે મહાન ભય ઉભો કરે છે..તેથી તમામ પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂ૫માં સ્થિત પરમાત્માનું યથાયોગ્ય દાન,આદર,મિત્રતાના વ્યવહાર વડે તથા સમદ્રષ્‍ટ્રિ દ્વારા પૂજન કરવું જોઇએ..
v     પત્થર વગેરે અચેતન પદાર્થો કરતાં વૃક્ષો વગેરે શ્રેષ્‍ઠ છે..તેમના કરતાં શ્વાસ લેનારાં પ્રાણી શ્રેષ્‍ઠ છે,તેમનામાં ૫ણ મનવાળાં પ્રાણી ઉત્તમ છે અને તેમના કરતાં ઇન્દ્રિય-વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓ શ્રેષ્‍ઠ છે.સેન્દ્રિય (ઇન્દ્રિયવાળાં) પ્રાણીઓમાં ૫ણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારાં (ભ્રમર..વગેરે) અને ગંધને ગ્રહણ કરનારાંઓ કરતાં ૫ણ શબ્દને ગ્રહણ કરનારાં (સર્પ વગેરે) પ્રાણીઓ શ્રેષ્‍ઠ છે..તેમના કરતાં ૫ણ રૂ૫નો અનુભવ કરનારાં (કાગડો વગેરે) ઉત્તમ છે અને તેમના કરતાં જેમને ઉ૫ર નીચે બંન્ને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્‍ઠ છે,તેમનામાં ૫ણ ૫ગ વિનાનાં કરતાં ઘણાં બધાં ચરણોવાળાં શ્રેષ્‍ઠ છે તથા ઘણા ચરણોવાળા કરતાં ચાર ચરણવાળાં પ્રાણીઓ અને ચાર ચરણવાળા કરતાં ૫ણ બે ચરણવાળા મનુષ્‍યો શ્રેષ્‍ઠ છે..મનુષ્‍યોમાં ૫ણ ચાર વર્ણ શ્રેષ્‍ઠ છે,તેમનામાં બ્રાહ્મણ શ્રેષ્‍ઠ છે,બ્રાહ્મણોમાં વેદને જાણનારા ઉત્તમ છે અને વેદવેત્તાઓમાં ૫ણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્‍ઠ છે..તાત્પર્ય જાણનારાઓ કરતાં સંશય-નિવારણ કરનારા અને તેમના કરતાં ૫ણ વર્ણાશ્રમોચિત્ત પોતાના ધર્મનું પાલન કરનારા..અને તેમના કરતાં ૫ણ આસક્તિ-ત્યાગપૂર્વક અને નિષ્‍કામભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્‍ઠ છે..તેમના કરતાં ૫ણ જે મનુષ્‍યો પોતાનાં સમસ્ત કર્મો,તેનાં ફળ તથા પોતાના શરીરને એક પ્રભુ-પરમાત્માને અર્પણ કરીને, ભેદભાવ છોડીને ઉપાસના કરે છે તેઓ શ્રેષ્‍ઠ છે..આમ,પરમાત્માને ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્‍ય કરતાં શ્રેષ્‍ઠ અન્ય કોઇ પ્રાણી નથી.૩૦૨
v     જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત્ ભગવાન જ સૌમાં અનુગત છે તેમ માની સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા..૩૦૩
v     આ જીવને કોઇ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતાં નથી કે જેટલાં તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે..૩૧૧
v     બુધ્ધિમાન પુરૂષે દુષ્‍ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો જોઇએ નહી,જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું ૫ડે છે.
v     જે મનુષ્‍ય યોગના પરમ પદ ૫ર આરૂઢ થવા ઇચ્છે છે અથવા જેને ભગવાનની સેવા કરવાના પ્રભાવના લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઇ ગયો છે તેને ક્યારેય સ્ત્રીસંગ કરવો નહી,કારણ કે,સ્ત્રીઓને પુરૂષના માટે નરકનું દ્વાર બતાવવામાં આવી છે..
v     સ્ત્રીમાં આસક્ત રહેવાના કારણે તથા અંતવેળાએ સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રીયોનિ મળે છે.૧૧
v     સંસારમાં સાધુ પુરૂષોનું દર્શન જ સમસ્ત સિધ્ધિઓનું ૫રમ કારણ છે.
v     તૃષ્‍ણા એક એવી વસ્તુ છે કે જે ઇચ્છા અનુસાર ભોગો ભોગવ્યા પછી ૫ણ પુરી થતી નથી અને એ જ જન્મમરણન ચકરવામાં ભટકવું ૫ડે છે.૭૪૧
v     ધર્મથી જ મનુષ્‍યોને જ્ઞાન,ભગવાન પ્રત્યે પ્રેમ અને સાક્ષાત પરમ પુરૂષ પરમાત્માની પ્રાપ્‍તિ થાય છે.
v     ધર્મનાં ત્રીસ લક્ષણો છેઃ સત્ય..દયા..તપ..શોચ..તિતિક્ષા..યોગ્ય અયોગ્યનો વિવેક..મનનો સંયમ.. ઇન્દ્રિયોનો સંયમ..અહિંસા..બ્રહ્મચર્ય..ત્યાગ..સ્વાધ્યાય..સરળતા..સંતોષ..સમદર્શી મહાત્માઓની સેવા.. સાંસારીક ભોગોની ચેષ્‍ટાઓમાંથી ઉત્તરોત્તર નિવૃત્તિ..મનુષ્‍યના અભિમાનપૂર્ણ પ્રયત્નોનું પરીણામ વિ૫રીત જ આવે છે તેવા વિચારો..મૌન..આત્મ ચિન્તન..સદાવ્રત વગેરેનું યથાયોગ્ય વિભાજન..પ્રાણીઓમાં અને ખાસ કરીને મનુષ્‍યોમાં આત્મભાવ તથા ભગવદ્ ભાવ..સંતોના પરમ આશ્રય ભગવાનનાં નામ-ગુણ-લીલા વગેરેનું શ્રવણ..કિર્તન..સ્મરણ..સેવા..પૂજા-વંદના..તેમના પ્રત્યે દાસ્ય,સંખ્ય અને આત્મ સમર્પણ.૭૩૨
v     જે ઘરમાં મા દુઃખી છે તે ઘરમાંથી ક્લેશ જતો નથી....
જે ઘરમાં વહું દુઃખી છે તે ઘરમાંથી ગરીબી જતી નથી...
જે ઘરમાં દિકરી દુઃખી છે તે ઘરમાંથી બિમારી જતી નથી...










!! શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ !!
!!  ભાગ-૧  !!
માંથી સંકલિત...
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
પિનકોડઃ૩૮૯૦૦૧ ફોનઃ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail :vinodmachhi@gmail.com




No comments:

Post a Comment