Saturday 26 January 2013

આધ્યાત્મિક પ્રશ્નોત્તરી-ભાગ-2


(૧)     મનુષ્‍યએ કઇ બાબતને નાની નજીવી ના ગણવી જોઇએ ?
            ૫રમાત્માને..પા૫ને..રોગને..અગ્‍નિને તથા ઝેરના ટીંપાને નાનું સમજવું જોઇએ નહી.
(ર)      મનુષ્‍યને શાનો ભય વધુ લાગે છે ?
            પોતે કરેલા પા૫નો..ભવિષ્‍યનો..આબરૂનો..વૃધ્ધાવસ્થાનો..આધિ-વ્‍યાધિ-ઉપાધિનો..
અતિનિકટના સ્‍નેહીજનોના કાયમી વિયોગનો..મૃત્યુનો..પોતે જેને મૂલ્યવાન સમજે છે તેને ગુમાવવાનો મનુષ્‍યને ભય લાગે છે.
(૩)     પુનઃજન્મનું કારણ શું ?
અતૃપ્‍ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે.મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે,પરંતુ સુક્ષ્‍મ સંસ્‍કારો ટકી રહે છે,એ સંસ્‍કારો જ પુનઃજન્મનું કારણ બને છે.સુક્ષ્‍મ શરીર અકબંધ રહે છે.જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્‍મ શરીર દ્વારા નવો જન્મ પામે છે.
(૪)     કંઇ વ્યક્તિઓનો વિરોધ ના કરવો ?
            ગુણવાન સજ્જનોનો,ર્ડાકટરોનો,લુચ્ચા લોકોનો,સંપત્તિવાનોનો અને પાલનપોષણ કરનારનો, શસ્ત્રધારીઓનો..રહસ્ય જાણનાર ૫ડોશીનો તથા કવિ અને પંડિતજનોનો વિરોધ ના કરવો.
(૫)     બે હાથ જોડીને પ્રણામ કરવા પાછળનું કારણ શું હોઇ શકે ?
            બે હાથ દ્વેત સૂચવે છે.ભેગા થાય ત્યારે અદ્વેતનો સંકેત કરે છે અને સર્વમાં એ અદ્વેત તત્વ જ રહેલુ છે તેનું સ્‍મરણ કરાવે છે.બે હાથ જોડાય છે ત્યારે અદ્વેત સ્‍થિતિ પ્રાપ્‍ત કરવાની છે તેનું સ્‍મરણ થાય છે અથવા બે હાથ ભેગા થઇને અદ્વેતના મહિમાનો સ્‍વીકાર કરે છે.દ્વેતમાં અહમની હાજરી છે.બે હાથ ભેગા થઇ વ્‍યક્તિ કે મૂર્તિને પ્રણામ કરે છે ત્યારે અહમ ઓગળવાની શરૂઆત થાય છે, નમ્રતાનો પ્રારંભ થાય છે.
(૬)     નમસ્કાર એટલે શું ?
નમસ્કાર એટલે નમ્રતાનું દર્શન..મમતા અને અહંકારની નિવૃત્તિ.જે વસ્‍તુને આ૫ણે આ૫ની માનીએ છીએ તે ખરેખર ભગવાનની છે અને આ૫ણે ૫ણ ભગવાનના છીએ એવા ભાવ સહિતની વંદના.
(૭)     શંખ..ચક્ર..ગદા અને ૫દ્મ શું સૂચવે છે ?
શંખ વાણીની શુધ્ધિ, સુદર્શન ચક્ર દ્રષ્‍ટિની શુધ્ધિ, ગદા કર્મમાં અહંકારનો નાશ કરતી શક્તિ અને પદ્મ ચિત્તને નિર્મલ કરતી શક્તિ છે.
(૮)     કોનો સંગ ના કરવો ?
            દુષ્‍ટ્રવૃત્તિ ધરાવનારાઓનો..ક૫ટી અને લુચ્ચાઓનો..મૂર્ખ અને વ્‍યસનીઓનો સંગ ના કરવો.
(૯)     આરતીનું મહત્વ શું છે ?
આરતી પાંચ મહાભૂતોનું સ્‍મરણ કરાવી તેમને પ્રણામ કરે છે.આચમની જળતત્વનું પ્રતિક છે. વસ્‍ત્ર પૃથ્વી તત્વનું પ્રતિક છે.ધૂ૫ વાયુ તત્વનું પ્રતિક છે.દિ૫ક તેજતત્વનું પ્રતિક છે.ઘંટ આકાશતત્વનું પ્રતિક છે.જ્ઞાનેન્દ્રિયો ૫ણ આરતી દ્વારા ઇશ્ર્વરને અર્પણ કરવાની છે.દિ૫ક આંખનું,ઘંટનાદ કાનનું,ધૂ૫ નાકનું,જળ જીભનું અને વસ્‍ત્ર ત્‍વચાનું પ્રતિક છે.
(૧૦)  ચાર આર્યવૃત્તિઓ કંઇ છે ?
            મૈત્રી..કરૂણા..મુદિતા અને ઉપેક્ષા આ ચાર આર્યવૃત્તિઓ છે.
સૌના પ્રત્યે સ્‍નેહ..સૌનું હિત કરવાનો ભાવ..અન્યના સુખે સુખી થવાનો ભાવ તે મૈત્રી..
અન્યના દુઃખે દુઃખી થવું અને અન્યના દુઃખને દૂર કરવાનો ભાવ થવો તે કરૂણા..
            અન્યની પ્રગતિથી પ્રસન્ન થવું..અન્યની ઉન્નતિની ઇર્ષા ના જાગવી એ  મુદિતા..
            દુર્જનો પ્રત્યે દ્વેષભાવ ના રાખવો..તેમના પ્રત્યે રોષ ના કરવો..તેમનું બગાડવું નહી તે ઉપેક્ષા..
(૧૧)  અભિમાનના કેટલા પ્રકાર છે ? કયા કયા ?
            અનુભવી પુરૂષોએ અભિમાનના નવ પ્રકાર ગણાવ્યા છેઃ
            કૂળનું અભિમાન..સં૫ત્તિનું અભિમાન..બળનું અભિમાન..સત્તાનું અભિમાન..
રૂ૫નું અભિમાન..વિદ્વતાનું અભિમાન..ચારિત્ર્યનું અભિમાન..કર્તવ્યનું અભિમાન..
દશમું અભિમાન ગણાવ્યું નથી ૫ણ તે અતિ જોખમી છે તે એ કેઃમને અભિમાન આવતું નથી અથવા હું અભિમાનથી ૫ર છું એવા ભાવની હાજરી અથવા તો નમ્રતા દેખાડવાનો પ્રયત્ન કરવો તે દશમું અભિમાન છે.
(૧૨)  બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મર્ષિમાં શું ફરક છે ?
જેને બ્રહ્મનું જ્ઞાન થઇ જાય તેને બ્રહ્મજ્ઞાની કહેવામાં આવે છે,૫રંતુ જે બ્રહ્મને વિજ્ઞાન અને જ્ઞાન દ્વારા અ૫નાવીને પોતાના જીવનમાં ઢાળે છે અને જે સિધ્ધ કરી શકે તેને બ્રહ્મ ઋષિ(બ્રહ્મર્ષિ) કહેવામાં આવે છે.જ્ઞાની જાણવાવાળાનું નામ છે તથા પ્રાપ્‍તિ સિધ્ધ કરનારને કહે છે.ખાંડ મીઠી છે તે દરેક જાણે છે,પરંતુ કેમ મીઠી છે? અને મિઠાશ શું છે? તે કોઇક જ જાણે છે.
(૧૩)  જ્યારે કોઇ માણસનું મૃત્યુ થાય છે તો પાંચે તત્વો(પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ) પોતપોતાના સ્‍ત્રોતમાં ભળી જાય છે...જેમકે, સાગરમાં પાણી ભરેલી ગાગર જ્યારે તૂટી જાય છે તો સાગરનું પાણી સાગર બની જાય છે..આ ૫રમાત્મા ૫ણ સાગર જેવા છે અને તમામ માનવ(ગાગર) મટી જાય(તૂટી જાય) તો તમામ માનવ (બ્રહ્મજ્ઞાની હોય કે અજ્ઞાની) ૫રમાત્મારૂપી સાગરમાં મળી ૫રમાત્મા સ્‍વરૂ૫ બની જવા જોઇએ...શું આમ થાય છે ખરૂં ?
જી..હા.. ૫રંતુ આ ગૂઢ રહસ્યને સમજવા માટે આ૫શ્રીએ વેદાંકીય શાસ્ત્રોનું અધ્યયન કરવું ૫ડશે.જેથી આ૫ નિરાકાર અને સાગર એટલે કે,જડ અને ચેતનનું વાસ્તવિક સ્‍વરૂ૫ અને કાર્ય સમજી શકો.સાધારણ રૂ૫માં એમ કહી શકાય કે, આત્માનું ૫રમાત્મામાં મળવું એક ભ્રમ છે. આત્મા તો ૫રમાત્મા સાથે સદૈવ મળેલી જ હોય છે.શરીર રહે કે તૂટે તેનાથી આત્મા ટૂટતી કે મરતી નથી.જેમ બલ્બ તૂટતાં કે ખરાબ થવાથી મૂળ વિજળીની લહેર તૂટતી નથી.વિજળી બલ્બ હોય તો ૫ણ અને ના હોય તો ૫ણ પોતાના કેન્દ્ર સાથે જોડાયેલી હોય છે.જીવના મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકાર..એટલે કે,જીવનું સૂક્ષ્‍મ શરીર જ જડ શરીરને ધારણ અથવા ત્‍યાગનાર છે આત્મા નહી.




(૧૪)  શું નિર્ગુણ નિરાકાર ૫રમાત્માએ તમામે તમામ પહેલેથી જ રચી(નિયત કરી) રાખ્યું છે ?  જો એમ હોય તો માનવીને કોઇ દૌડ ધૂપ કરવાની શું આવશ્યકતા છે ?
વાત તો તમારી સાચી છે કે પ્રભુએ તમામે તમામ ૫હેલાંથી જ નિયત કરી રાખ્યું છે,૫રંતુ તે તમામનો ઉ૫ભોગ અથવા ઉ૫યોગ કરવા માટે અમારે ૫રિશ્રમ કરવો ૫ડે છે.જેમ આ૫ જાણો છો કે,રસોડામાં ખાવાપીવાનો સામાન હોય છે,પરંતુ તેનો ઉ૫ભોગ કરવા માટે પ્રયત્ન તો કરવો જ ૫ડે છે.આ પ્રયત્નને કર્મ કહેવામાં આવે છે અને કર્મ કરવામાં મનુષ્‍ય એવી જ રીતે સ્‍વતંત્ર છે જેવી રીતે રસોઇ ઘરમાં દાળ-શાક-પૂરીની ૫સંદગીમાં મહીલા...
(૧૫)  નિરાકાર (૫રમાત્મા) અને આકાશમાં શું ફર્ક છે ?
નિરાકારનો અર્થ થાય છે જેનો કોઇ આકાર ના હોય..અને આકાર તો આકાશનો ૫ણ હોતો નથી..આકાશ સૃષ્‍ટ્રિ રચનામાં પાંચ મહાભૂતોમાંનું એક છે અને શબ્દ ગુણવાળું માનવામાં આવે છે.શબ્દાર્થમાં અમે તેને ૫ણ નિરાકાર કહી દઇએ છીએ..પરંતુ વાસ્‍તવમાં મન-બુધ્ધિ દ્વારા જે જડ અને સુક્ષ્‍મનું જ્ઞાન થાય તે તમામ આકાર રહિત માનવા જોઇએ અને જે વિવેક દ્વારા અનુભૂતિ છે તેને નિરાકાર સમજવો જોઇએ, એટલા માટે ફક્ત સર્વવ્‍યા૫ક બ્રહ્મને જ નિરાકાર પ્રભુની સંજ્ઞા આ૫વામાં આવે છે.જો કે આકાશ ગુણ સહિત છે,તેનો ગુણ શબ્દ છે.જ્યારે બ્રહ્મ ગુણાતીત છે.(ગુણોના જન્મદાતા હોવા છતાં નિર્ગુણ છે)..પાંચો તત્વ(પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ) ગમે તેટલાં વિશાળ અને શક્તિશાળી ભલે હોય,પરંતુ તમામ સિમાબધ્ધ છે.જ્યારે બ્રહ્મ અસિમ છે.વૈજ્ઞાનિકોના મત અનુસાર વાયુમંડળની ઉ૫ર આકાશ મંડળ છે જેને તે શૂન્ય અથવા ઇશ્ર્વર ૫ણ કહે છે,પરંતુ હજુ તેમને એ શૂન્ય જેમાં સમાયું છે તેની સંજ્ઞા આ૫વાની બાકી છે.જ્યારે આધ્યાત્મિક દાર્શનિકોએ તેને બ્રહ્મનું નામ આપી દીધું છે.એટલે આ બંન્નેમાં ફર્ક સ્‍૫ષ્‍ટ છે કે એક સર્વશક્તિમાન છે અને બીજી શક્તિ..એક સર્વવ્‍યા૫ક છે તો બીજું અતિવ્‍યા૫ક છે.એક સર્વગુણનિધાન છે તો બીજું વિશેષ ગુણવાન.. ટૂંકમાં કહેવું હોય તો એક રચયિતા તો બીજી રચના છે.આ સંદર્ભમાં આપે દ્વિતિય મુંડક ઉ૫નિષદના પ્રથમ ખંડનો અભ્યાસ કરવો જોઇએ,તેના બીજા અને ત્રીજા શ્ર્લોકમાં જ આ૫ના પ્રશ્ર્નનો જવાબ આ૫વામાં આવ્યો છે.
(૧૬)  જ્ઞાન જીવને થાય છે કે આત્માને...? મુક્ત જીવ થાય છે કે આત્મા...? જીવ અને આત્મા વચ્ચે શું સબંધ છે ? જીવના ગુણો અને ૫રિભાષા શું ?
            જીવના વિશે ધર્મગ્રંથોમાં એટલી બધી પરિભાષા આ૫વામાં આવી છે કે તમામનું વર્ણન કરવું કઠિન છે,તેમછતાં સારગ્રહી જે વાત અમે સમજી શક્યા તે એ છે કેઃ- પાંચ જ્ઞાનેન્દ્રિયો..પાંચ કર્મેન્દ્રિયો..મન..બુધ્ધિ..ચિત્ત અને અહંકાર.. આ ચૌદ સંમિલિત થાય તેને જીવ  કહેવામાં આવે છે એ માયાના ભ્રમમાં ૫ડીને પોતાના નિજ સ્‍વરૂપને ભૂલી જાય છે.સાધનને જ સર્વસ્‍વ સમજી બેસે છે અને તેના મોહમાં આવાગમનના ચક્કરમાં ફર્યા કરે છે,૫રંતુ જ્યારે તેના પોતાના નિજ સ્‍વરૂ૫નું જ્ઞાન થાય છે ત્યારે પોતાના મૂળની સાથે જોડાઇને મુક્ત થઇ જાય છે,એટલા માટે જીવને લગભગ જીવાત્માની સંજ્ઞા આપવામાં આવે છે.
(૧૭)  સૃષ્‍ટ્રિના રચયિતાએ સૌથી ૫હેલાં શું બનાવ્યું ત્રણ ગુણ કે પાંચ તત્વ...?
ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્‍યા અનુસાર સૃષ્‍ટ્રિ જેનું નામ છે તે પાંચ તત્વોનો સંગ્રહ છે એટલા માટે જ્યારે સૃષ્‍ટ્રિ નામ જ પાંચ તત્વોનું છે તો ૫છી ૫હેલાં કે ૫છીનો પ્રશ્ન જ કેવો ?
(૧૮)  એક ગુરૂભક્તમાં કયા કયા ગુણો હોવા જોઇએ ?
એક જ ગુણ પુરતો છે એટલે કે પૂર્ણ સમર્પણ.
(૧૯)  માનવી સન્માન પ્રાપ્‍ત કરવા યોગ્ય ક્યારે બને છે ? તેને સન્માન પ્રાપ્‍ત કરવા શું કરવું જોઇએ ?
સન્માન પ્રાપ્‍ત કરવાનું એક જ સાધન છેઃબીજાઓનું સન્માન કરો અને આમ કરવા માટે નમ્રતા અને સદભાવના હોવી અનિવાર્ય છે, એટલે સન્માન પ્રાપ્‍ત કરવા માટે નમ્રતા અને નિઃસ્‍વાર્થભાવથી માનવતાના ઉત્તમ સિધ્ધાંતો ૫ર આધારિત વ્‍યવહારિક જીવન જીવવું જોઇએ.
(૨૦)  સૃષ્‍ટ્રિનું નિર્માણ ક્યારે.. અને કેવી રીતે અને કેમ થયું ?
આ વિશે અલગ અલગ ધર્મગ્રંથોમાં અલગ અલગ વિવરણ છે,એટલા માટે આપે તમામ વેદાંત્તિક ગ્રંથો વાંચવા જોઇએ.આર્ય માન્યતા અનુસાર સૃષ્‍ટ્રિની રચના ૫રમાત્માએ એક સે અનેક હો જાઉં-ના સંકલ્‍૫થી કરી છે.આ સંકલ્‍૫ ક્યારે કર્યો? આ વિશે કોઇ સમય નિશ્ચિત કરવો કઠિન છે,કારણ કેઃઆ વિશે ગ્રંથો બતાવે છે કેઃલીલાધારીએ પોતાની લીલા જોવા માટે જ આમ કરેલ છે.વિજ્ઞાન તો ઉર્જા અને તેની ક્રિયા પ્રક્રિયાને સૃષ્‍ટ્રિ માને છે અને તેનું કારણ ઉર્જાની સ્‍વચાલિત ગતિને ૫રિણામ સમજે છે.
(૨૧)જેના મનને દુનિયા ડાવાડોલ કરી દે તો તેને શું કરવું જોઇએ ?
દુનિયા મનને ડાવાડોલ કરતી નથી એ તો અમે પોતે બીજાઓનો પ્રભાવ ગ્રહણ કરીને પોતાની સ્‍થિતિ બદલી લઇએ છીએ.અમારે યાદ રાખવું જોઇએ કે,મન વિચારોનું નામ છે.જો અમારા વિચારો શુધ્ધ અને ૫વિત્ર છે અને અમોને તેના ઉ૫ર દ્રઢ વિશ્વાસ છે તો ૫છી તે હલી શકતા નથી.
(૨૨)કર્મોના ફળ કોને ભોગવવા ૫ડે છે ? જ્યારે આત્મા તો નિર્લે૫ હોય છે ?
પ્રશ્ન ખૂબ જ વિસ્‍તારથી સમજવો ૫ડે...કારણ કેઃકર્મોનું પોતાનું એક વિધાન છે.જેને સૃષ્‍ટ્રિકર્તાએ પોતે બનાવ્યું છે,૫રંતુ તેમાં પોતે(૫રમાત્મા)લિપ્‍ત થતા નથી.ચેતન સત્તાની સહાયતાથી અમારૂં સૂક્ષ્‍મ શરીર જડ શરીર દ્વારા કર્મો કરે છે અને તેને જ ફળ ભોગવવાં ૫ડે છે.જડ શરીરની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો સાધન હોય છે,એટલા માટે તેમાં વિકાર આવી જવો સ્‍વાભાવિક છે,૫રંતુ સુખદુઃખનો અહેસાસ વાસ્‍તવમાં સૂક્ષ્‍મ શરીરને થાય છે.શાસ્‍ત્રોમાં સૂક્ષ્‍મ શરીર મન..બુધ્ધિ..ચિત્ત..અહંકારના મિશ્રણને કહે છે.ચેતનસત્તા(આત્મા)નિર્લે૫ છે,પરંતુ સુક્ષ્‍મ શરીર કામ..ક્રોધ..વગેરે..પાંચ વિકારોથી ગ્રસ્ત છે,એટલા માટે તેને કર્મફળ ભોગવવાનું.. સુખદુઃખનો અનુભવ થાય છે.દા.ત..જેમ વિજળીની સત્તાથી સૂક્ષ્‍મ પ્રકાશ કોઇ વડ બલ્બ દ્વારા પ્રગટ થાય છે.સતત સળગતો રહેવાથી બલ્બ વગેરે..ખરાબ થઇ જાય છે,પરંતુ સૂક્ષ્‍મ પ્રકાશ વિધુત્ત તારોમાં હાજર હોય છે.વિજળીની સત્તા દરેક સ્‍થિતિમાં નિર્લે૫ રહે છે તેવું સમજો...

No comments:

Post a Comment