Saturday 5 March 2022

 

સાચી ભક્તિ

કવાર એક રાજાએ પોતાની સભામાંના એક વિદ્વાનને પ્રશ્ન કર્યો કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણા રાજ્યમાં કેટલા ભક્તો છે? અને તે તમામ મારી સમક્ષ ઉ૫સ્થિત થાય કે જેથી હું તેમનાં દર્શન કરી શકું. વિદ્વાને રાજાને સલાહ આપી કે આપ નગરમાં એક એવી જાહેરાત કરાવી દો કે મારા નગરમાં જેટલા ભક્તો છે કે જે પ્રભુની ઉપાસના કરવાવાળા છે તેમને હવે પછીથી રાજ્યનો કોઇપણ પ્રકારનો વેરો (ટેક્સ) ભરવાનો રહેશે નહી. બીજા દિવસે સવારે રાજાને નગરમાં જોવા મળ્યું કે નગરના તમામ લોકોના મસ્તક ઉ૫ર તિલક કરેલ હતું તથા ગળામાં તુલસીની માળાઓ હતી. નગરના તમામ લોકો બાહ્યદ્રષ્ટ્રિ થી ભક્ત જેવા લાગતા હતા. રાજાએ આ દ્રશ્ય જોયું તો વિદ્રાનને ધન્યવાદ આપ્યા કે આપે ખુબ જ સુંદર તરકીબ બતાવી છે. મારા નગરના તમામ લોકો ભક્ત બની ગયા છે. મારા મનમાં ઘણા સમયથી એવી ભાવના હતી કે મારા નગરના તમામ લોકો ભક્ત બની જાય. જે આજે પુરી થઇ છે.પેલા વિદ્રાને કહ્યું કે મહારાજ ! આ તો ફક્ત આપશ્રીને આડંબરનો નમૂનો બતાવ્યો છે વાસ્તવિકતા તો કંઇક જુદી જ છે. હવે આવતીકાલે આપ એવી જાહેરાત કરાવો કે મારે ભક્તોના શરીરમાંથી તેલ કઢાવવું છે, તેમને કોલ્હામાં પીલીને તેલ કાઢવામાં આવશે. ત્યારબાદ આપણા નગરમાં એક યજ્ઞ કરાવવામાં આવશે. આ કાર્ય માટે તમામ સમર્પિત ભક્તોએ આગળ આવવું. આ જાહેરાત સાંભળીને એક પણ ભક્ત આગળ આવ્યો નહી. જ્યારે રાજ્યનો કર(વેરો) માફ કરવાની જાહેરાત કરવામાં આવી તો નગરમાં ચારે બાજું ભક્તો જ જોવા મળ્યા અને ત્યારબાદ બીજી જાહેરાત કરવામાં આવી તો તમામે કપાળમાંના તિલક ભુંસી નાખ્યા, ગળામાંથી કંઠી કાઢી નાખી અને શરીર ઉ૫ર લગાવેલ ચંદનનો લેપ પણ ધોઇ નાખ્યો. નગરમાં ગમે તેને પુછવામાં આવે તો જવાબ મળતો કે ના...ના..હું ક્યાં ભક્ત છું? નગરમાં ફક્ત એક જ સજ્જન રાજાના આ કાર્ય માટે આગળ આવ્યા. પેલો વિદ્રાન આ સજ્જનને લઇને રાજાની સમક્ષ ઉ૫સ્થિત થયા. રાજાને કહ્યું કે આપણા નગરમાં ફક્ત આ એક જ ભક્ત છે. જેમને પોતાની જાતને છુપાવી નથી. તેમને પોતે પોતાને સમર્પિત કર્યા છે, તે આપની સમક્ષ સેવા માટે ઉ૫સ્થિત થયા છે. આપણા નગરમાં ફક્ત આ એક જ ભગવાનના સાચા ભક્ત છે.  કહેવાનો ભાવાર્થ એ છે કે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં તેમની મનઃસ્થિતિ એકરસ રહે છે. પુરાતન સંતોના જીવનમાંથી ૫ણ આપણને સમર્પિત ભક્તિનો ભાવ જોવા મળે છે. જે ભક્ત હોય છે તે બીજાને ખવડાવીને ખુશ રહે છે. બીજાઓને માન-સન્માન આપીને પોતાના હ્રદયમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે. ભક્ત વિચારે છે કે બીજાઓને જે માન મળી રહ્યું છે સમજો તે પોતાને જ મળી રહ્યું છે. ભક્તની આવી ભાવના ભક્તને મહાન બનાવે છે અને આ ભાવના જ ભક્તની સાચી ઓળખાણ છે. સંત-મહાત્મા એ છે કે જો કોઇ તેમની સાથે નફરત કરે છે તેમની સાથે ૫ણ પ્રેમ કરે છે. તમામની ભલાઇના માટે કામના કરે છે અને પરોપકારની ભાવના માટે જ જીવન જીવે છે. તે સમગ્ર સંસારના કલ્યાણના માટે કામના કરે છે આ જ ભક્તની સાચી ઓળખાણ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં સિધ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા પ્રભુ પ્રિય ભક્તોનાં ૩૬ લક્ષણોનું વર્ણન છે. ભક્ત એટલે જે વિભક્ત નથી તે ભક્ત. ભક્ત જ્ઞાનથી મધુર, ભાવવાન હ્રદય, કર્મથી મક્કમ અને પ્રેમનો ભીનો હોય છે. ભક્તિ એટલે મન-બુધ્ધિ પ્રભુને અર્પણ કરવાં. ભક્તિ એ મનનું સ્નાન છે. જગતમાં આવીને જે આ ૩૬ લક્ષણો ધારણ કરે છે તે પ્રભુને ગમે છે અને વાસ્તવમાં તે જ ભક્ત છે.

જ્યાં સુધી પ્રભુનાં દર્શન ના થાય, પરમાત્માની અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી મનમાં વિશ્વાસ આવતો નથી, જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી. પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવી શકે છે, તે જ મનમાં વિશ્વાસ કરાવે છે અને તે જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે એટલે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પછતાવું પડે છે. સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુની ઓળખાણ કરી લે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે કારણ કે ગુરૂની કૃપાળું કરૂણાપૂર્ણ દ્રષ્ટ્રિી તેનો ઉધ્ધાર કરી દે છે. ઘણા લોકો કહે છે કે પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી પરંતુ આ વાત ઉચિત નથી. જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે. જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્ત થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે. શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે. તેના રહેતાં પ્રેમ સંભવ નથી. શંકા અને અવિશ્વાસની સમાપ્તિ પ્રભુ દર્શનથી જ થાય છે. પ્રભુ વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે. આનાથી સિધ્ધ થાય છે કે ભક્તિનો આધાર સ્થંભ સદગુરૂ જ છે.

ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે કે "જાને બિનુ ન હોઇ પરતીતી, બિન પરતીતી હોઇ નહી પ્રિતિ,પ્રિતિ બિના નહી ભગતી દ્રઢાઇ, જીમિ ખગપતિ જલકે ચિકનાઇ.." જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્તિ થતો નથી, વિશ્વાસ પ્રાપ્ત થયા વિના, પ્રિતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રિતિ પ્રાપ્ત ન થઇ હોય ત્યાં સુધી જેમ જળના પોતાના સુકાઇ જવાના સ્વભાવના લીધે લાંબા કાળ સુધી ચિકાશ તેની સાથે દ્રઢ થતી નથી. પોતાના પ્રયત્નોથી હજારો તો શું લાખો વર્ષો સુધી કર્મકાંડ કરવાથી પણ પ્રભુનાં દર્શન થતાં નથી પરંતુ જ્યારે હરિ-ગુરૂની કૃપા થાય છે તો પ્રભુ દર્શન ક્ષણમાં થઇ જાય છે. ગોસ્વામી તુલસીદાસજીના મત અનુસાર ગુરૂજ્ઞાન વિના માનવ ભક્તિ અથવા લક્ષ્ય પ્રાપ્તિનો પ્રયાસ કરે તો તે પાણી વિના નાવ ચલાવવા જેવું અસંભવ છે. જે ભૌતિક માયાની સાથે નહી પરંતુ પ્રભુની સાથે પ્રેમ કરે છે તે જ સાચા સંત છે. તે પોતાના જીવનમાં જેવું આચરણ કરે છે તેવો જ ઉ૫દેશ અન્ય વ્યક્તિઓને આપે છે અને સમજાવે છે કે જીવનમાં પ્રભુની ભક્તિની એટલી આવશ્યકતા છે કે જો તેને છોડી દેવામાં આવે તો જ્ઞાની ૫ણ માયામાં ફસાઇ જાય છે. બ્રહ્મજ્ઞાની ૫ણ જો ગુરૂ ભક્ત નથી તો તે ૫ણ માનવ હોવા છતાં પૂંછ અને શિંગડા વિનાનો પશુ તુલ્ય છે કારણ કે ભક્તિ વિના જ્ઞાની ૫ણ ગમે ત્યારે અધોગામી બની પતનની ખાઇમાં ૫ડી જાય છે.

શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે જે યોગીઓએ પોતાની ઇન્દ્રિયો અને પ્રાણોને વશમાં કરી લીધા છે તે ૫ણ ગુરૂદેવનું શરણું લીધા વિના ખુબ જ ચંચળ અને ઉચ્છૃંખલ પોતાના મનરૂપી ઘોડાને પોતાના વશમાં કરવાનો યત્ન કરે છે ત્યારે તે પોતાની સાધનામાં સફળ થતા નથી તેમને વારંવાર ખેદ અને વિપત્તિઓનો સામનો કરવો પડે છે. છેલ્લે તેમને શ્રમ અને દુઃખ જ હાથમાં આવે છે, તેમની દશા સમુદ્રમાં કર્ણધાર વિનાની નાવના જેવી થાય છે. શ્રીમદ્ ભાગવતનું ઉ૫રોક્ત કથન આવી ભ્રાંન્ત વ્યક્તિઓની આંખ ખોલવા માટે પુરતું છે કે જે પોતાની જાતને પ્રગતિવાદી માનીને ગુરૂની આવશ્યકતાને સમજતા નથી. જ્ઞાન અને ભક્તિ બંન્નેનો આધાર સદગુરૂ છે કારણ કે બ્રહ્મનું જ્ઞાન સદગુરૂ કૃપાથી જ થાય છે તથા ત્યારબાદ જ સદગુરૂની  તન-મન-ધનની સેવા અને સમર્પણ એ જ ભક્તિ કહેવાય છે પરંતુ તેમાં ૫ણ શરત છે કે આ સદગુરૂ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવામાં આવવી જોઇએ.. ગુરૂસેવાથી નામધનની સાચી સંપત્તિ પામીને ભક્ત તે અનુસાર વ્યવહારીક જીવન જીવી આલોક અને પરલોકનું સુખ પ્રાપ્તપ કરે છે તથા દિક્ષા સમયે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ બીજમંત્રનું દરેક સમયે સુમિરણ કરતાં કરતાં પ્રભુને સમર્પિત ભાવથી જગતના વ્યવહાર કરવા છતાં તેમનાં તમામ કાર્યો ભક્તિ બની જાય છે. આજે લાખો લોકો સદગુરૂના માધ્યમથી હરિની ઓળખાણ કર્યા વિના ભ્રમિત થઇ ભક્તિ કરી રહ્યા છે કારણ કે જ્યાં સુધી પોતાના માલિકની ઓળખાણ નથી તો તે ભક્તિ કેવી અને કોની કરશે? અંધકારમાં ઠોકરો ખાવાથી શું ફાયદો? સંત અને સદગુરૂના ચરણ એ જ હરિના ચરણ છે. હરિ પરમાત્મા તો "બિન પગ ચલે સુને બિન કાના.." છે તો પછી આપણે ચરણ કોના દબાવવા? નિર્ગુણ-નિરાકાર પ્રભુ-પરમાત્માની સેવા સંભવ જ નથી  એટલા માટે ભક્તિમાં સાકારની આવશ્યકતા છે. સંત-સદગુરૂ તથા જીવમાત્રની બ્રહ્મભાવથી સેવા એજ ભક્તિ છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment