Monday 30 September 2024

નવરાત્રીમાં શક્તિના કયા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે?

 

નવરાત્રીમાં શક્તિના કયા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે?

નવરાત્રિના પહેલા નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના પહેલા કરવામાં આવે છે.

 

        વંદે વાચ્છિવાચ્છિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ્

        વૃષારૂઢાં શૂલધરાં શૈલપૂત્રી યશસ્વિનીમ્..

વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રી આવે છે.ચાલુ વર્ષે આસો સુદ એકમ તા.૩-૦૧૦-૨૦૨૪થી શારદીય નવરાત્રી શરૂ થાય છે.નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપૂત્રીની ઉપાસના કરવામાં આવે છે.શૈલપૂત્રીએ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતપૂત્રી તરીકે ઓળખાય છે.આવો..માતા શૈલપૂત્રીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં જન્મ ગ્રહણ કરતી કન્યા શૈલપૂત્રી સ્વરૂપ છે.

 

ર્માં દુર્ગા પોતાના પહેલા સ્વરૂપમાં શૈલપૂત્રીના નામથી જાણવામાં આવે છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પૂત્રીના રૂપમાં ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપૂત્રી પડ્યું છે.વૃષભ-સ્થિતા આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ સુશોભિત છે.આ નવ દુર્ગામાં પ્રથમ દુર્ગા છે.

 

પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં.તે સમયે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ ભગવાન શંકરની સાથે થયો હતો.એકવાર પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો હતો, જેમાં તેમને તમામ દેવતાઓને પોત-પોતાનો યજ્ઞ-ભાગ પ્રાપ્ત કરવા માટે આમંત્રિત કર્યા હતા પરંતુ ભગવાન શિવને આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું નહોતું.

 

જ્યારે સતીએ જાણ્યું કે મારા પિતાજી એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યાં જવા માટે તેમનું મન વિહ્વળ બને છે.પોતાની આ ઇચ્છા તેમને ભગવાન શિવને બતાવી.તમામ વાતો ઉપર વિચાર કર્યા પછી ભગવાન શિવે કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઇક કારણસર આપણાથી નારાજ છે.તેમને આ યજ્ઞમાં તમામ દેવતાઓને પોતાનો યજ્ઞભાગ લેવા નિમંત્રિત કર્યા છે પરંતુ આપણને સમજી વિચારીને આમંત્રણ આપ્યું નથી.આવી સ્થિતિમાં આપણું ત્યાં જવું કોઇપણ રીતે શ્રેયકર નથી.ભગવાન શિવના આ ઉપદેશની સતી ઉપર કોઇ અસર ના થઇ અને પિતાનો યજ્ઞ જોવા,ત્યાં જઇને માતા અને બહેનોને મળવાની વ્યગ્રતા કોઇપણ રીતે ઓછી ના થઇ.

 

સતીનો પ્રબળ આગ્રહ જોઇને ભગવાન શિવે તેમને પિયર જવાની પરવાનગી આપી.સતીએ પોતાના પિતાના ઘેર પહોંચીને જોયું કે કોઇપણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત કરતું નથી.તમામ લોકોએ તેમનાથી મોં ફેરવી લીધું.ફક્ત તેમની માતાએ સતીને સ્નેહથી આલિંગનમાં લીધાં.બહેનોની વાતોમાં વ્યંગ્ય અને ઉપહાસના ભાવ લાગ્યા.પરીજનોના આવા વ્યવહારથી તેમના મનમાં ઘણું જ દુઃખ થયું, તેમને એ પણ જોયું કે અહીયાં ચર્તુદિક્ ભગવાન શિવના પ્રત્યે તમામના મનમાં તિરસ્કારનો ભાવ હતો. દક્ષે તેમના પ્રત્યે કેટલાક અપમાનજનક શબ્દો પણ કહ્યા.આ બધું જોઇને સતીનું હ્રદય ક્ષોભ-ગ્લાનિ અને ક્રોધથી સંતપ્ત થયું.તેમને વિચાર્યું કે ભગવાન શિવની વાત ન માનીને મેં અહીયાં આવવાની મોટી ભૂલ કરી છે.

 

સતી પોતાના પતિ ભગવાન શિવનું અપમાન સહન ના કરી શક્યાં અને તેમને પોતાના આ રૂપને તત્ક્ષણ જ યોગાગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું.વજ્રપાત સમાન આ દારૂણ દુઃખદ ઘટના જાણીને ભગવાન શિવ ક્રુદ્ધ થઇને પોતાના ગણોને મોકલીને દક્ષના યજ્ઞને પૂર્ણતઃ વિધ્વંશ કરી નાખ્યો.

 

સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરીને બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની પૂત્રીના રૂપમાં જન્મ લીધો.આ વખતે તે શૈલપૂત્રીના નામથી વિખ્યાત થયાં.પાર્વતી,હૈમવતી વગેરે તેમનાં જ નામ છે. ઉપનિષદમાં આવતી કથા અનુસાર તેમને જ હૈમવતી સ્વરૂપ્થી દેવતાઓનું ગર્વ-ભંજન કર્યું હતું.

 

શૈલપૂત્રી દેવીનો વિવાહ ભગવાન શિવ સાથે થયો હતો.પૂર્વજન્મની જેમ આ જન્મે પણ તે ભગવાન શિવના અર્ધાગિની બન્યા.નવદુર્ગામાં પ્રથમ શૈલપૂર્તિ દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે.નવરાત્ર પૂજનમાં પ્રથમ દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે.આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિર કરે છે.અહીથી તેમની યોગસાધનાની શરૂઆત થાય છે..

બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની ઉપાસના

 

 

        દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ

દેવી પ્રસિદતૂ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા..

 

વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રી આવે છે.નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. આવો..માતા બ્રહ્મચારિણીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં કૌમાર્ય અવસ્થા સુધીની દિકરીએ બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ છે.

 

ર્માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણીનું છે.અહી બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા છે.બ્રહ્મચારિણી એટલે તપની ચારિણી,તપનું આચરણ કરનારી.કહ્યું છે કે વેદસ્તત્વમ્ તપો બ્રહ્મ. વેદ-તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોર્તિમય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા તથા ડાબા હાથમાં કમંડલ હોય છે.

 

પોતાના પૂર્વજન્મમાં જ્યારે તે હિમાલય અને મેનાના ઘેર પૂત્રીરૂપે ઉત્પન્ન થયાં ત્યારે નારદજીના ઉપદેશ અનુસાર તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા અત્યંત કઠીન તપસ્યા કરી હતી.આ દુષ્કર તપસ્યાના કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવે છે.એક હજાર વર્ષ તેમને ફક્ત કંદમૂળ ખાઇને વ્યતીત કર્યા હતા.સો વર્ષ સુધી ફક્ત શાક ઉપર નિર્વાહ કર્યો હતો.કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ રાખીને ખુલ્લા આકાશની નીચે ફક્ત જમીન ઉપર પડેલા બિલિપત્રો ખાઇને અહર્નિશ ભગવાન શિવની આરાધના કરી હતી.ત્યારબાદ હજારો વર્ષો સુધી નિર્જલ અને નિરાહાર તપસ્યા કરી હતી.એક સમયે બિલિના પાન(પર્ણ) પણ ખાવાના બંધ કર્યા હોવાથી તેમનું એક નામ અર્પણા છે.

 

હજારો વર્ષની આવી કઠિન તપસ્યાના કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું શરીર એકદમ ક્ષીણ અને કૃશકાય થઇ ગયું હતું.તેમની આવી દશા જોઇને તેમનાં માતા મેના અત્યંત દુઃખી થાય છે.તેમની માતા મેનાએ તેમને તપસ્યા પૂર્ણ કરવા બૂમ મારી કે ઉ..મા..ત્યારથી દેવી બ્રહ્મચારિણીનું એક નામ ઉમા પડ્યું છે.

 

તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો.દેવતા,ઋષિ,સિદ્ધગણ,મુનિ તમામ બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વ પુણ્યકૃત બતાવીને તેમની પ્રસંશા કરવા લાગ્યા.છેલ્લે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણીના દ્વારા તેમને સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરમાં કહ્યું કે હે દેવી ! આજદિન સુધી કોઇએ આવી કઠોર તપસ્યા કરી નથી.તમારી આ અલૌકિક કૃત્યની ચતુર્દિક પ્રસંશા થઇ રહી છે. તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે.ભગવાન ચંદ્રમૌલિ શિવ તમોને પતિરૂપમાં પ્રાપ્ત થશે.હવે તમે તપસ્યા પૂર્ણ કરી પિતૃગૃહે જાઓ.

 

ર્માં દુર્ગાજીનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનાર છે.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.જીવનના કઠિન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય-પથથી વિચલિત થતું નથી.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.જીવનના કઠીન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય-પથ ઉપરથી વિચલિત થતું નથી. ર્માં બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેને સર્વત્ર સિદ્ધિ અને વિજ્યની પ્રાપ્તિ થાય છે.દુર્ગાપૂજાના બીજા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે.આ ચક્રમાં અવસ્થિત મનવાળો યોગી તેમની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.

 

ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

 

 

પિંડજપ્રવરારૂઢા ચંડકોપાસ્ત્રકૈર્યુત્તા

પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા..

 

 

નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે.આવો..માતા ચંદ્રઘંટાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. વ્યવહારમાં દિકરીનો વિવાહ ન થાય ત્યાંસુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી તે ચંદ્રઘંટા સમાન છે.

 

ર્માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું છે.માતાજીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.તેમના મસ્તક ઉપર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે તેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન ચમકીલો છે.તેમને દશ હાથ છે.આ દશ હાથોમાં ખડગ વગેરે શસ્ત્રો તથા બાણ વિભૂષિત છે.તેમનું વાહન સિંહ છે.તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમના ઘંટના અવાજ જેવા ભયાનક ચંડધ્વનિથી અત્યાચારી દાનવ-દૈત્ય અને રાક્ષસો હંમેશાં પ્રકંપિત રહે છે.

 

નવરાત્રિની દુર્ગા-ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું વિશેષ મહત્વ છે.આ દિવસે સાધકનું મન મણીપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે.ર્માં ચંદ્રઘંટાની કૃપાથી તેમને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે.દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિઓ સંભળાય છે.આ ક્ષણ સાધકના માટે અત્યંત સાવધાન રહેવાનું હોય છે.

 

ર્માં ચંદ્રઘંટાની કૃપાથી સાધકના તમામ પાપો અને અડચણો દૂર થાય છે.તેમની આરાધના ફળદાયી છે. તે પોતાના ભક્તોના કષ્ટોનું નિવારણ ખુબ જ ઓછા સમયમાં કરી દે છે.તેમનું વાહન સિંહ છે એટલે તેમનો ઉપાસક સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય બની જાય છે.તેમના ઘંટની ધ્વનીથી ભક્તોની પ્રેતબાધાઓ વગેરેથી રક્ષા કરે છે.તેમનું ધ્યાન કરવાથી શરણાગતની રક્ષા થાય છે.

 

દુષ્ટોનું દમન અને વિનાશ કરવામાં હંમેશાં તત્પર રહેવા છતાં તેમનું સ્વરૂપ દર્શક અને આરાધકના માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરીપૂર્ણ રહે છે.તેમની આરાધના કરવાથી જે મોટો સદગુણ પ્રાપ્ત થાય છે તે એ છે કે સાધકમાં વિરતા-નિર્ભયતાની સાથે સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વિકાસ થાય છે. તેમના મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ-ગુણની વૃદ્ધિ થાય છે.સ્વરમાં દિવ્ય,અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે.ર્માં ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઇને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદ્રશ્ય વિકિરણ થાય છે.આ દિવ્ય ક્રિયા સાધારણ આંખોથી જોઇ શકાતી નથી પરંતુ સાધક અને તેના સંપર્કમાં આવનાર લોકોને આ વાતનો અનુભવ થાય છે.

 

અમારે મન વચન કર્મ અને કાયાને વિહિત વિધિ-વિધાન અનુસાર પૂર્ણતઃ પરિશુદ્ધ તથા પવિત્ર કરીને ર્માં ચંદ્રઘંટાના શરણાગત્ થઇ તેમની ઉપાસના,આરાધનામાં તત્પર થવું જોઇએ.તેમની ઉપાસના કરવાથી અમોને તમામ સાંસારીક કષ્ટોથી મુક્તિ મળે છે અને સહજમાં જ પરમપદના અધિકારી બની જઇએ છીએ. અમારે નિરંતર તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધનામાં આગળ વધવું જોઇએ.તેમનું ધ્યાન અમારા આલોક અને પરલોક બંન્નેના માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનાર છે.

 

નવરાત્રિના ચોથા દિવસે નોરતે માતા કૂષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે.

સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ

દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે..

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના ચોથા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે માતા કૂષ્માંડાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે.

ર્માં દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે.પોતાની મંદ હલ્કા હાસ્યના દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માણ્ડા દેવી કહેવામાં આવે છે.જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારે તરફ અંધકાર પરીવ્યાપ્ત હતો ત્યારે આ દેવીએ પોતાના ઇષત્ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલે સૃષ્ટિના આદિ-સ્વરૂપા,આદિ-શક્તિ કહેવાય છે.તેમનો નિવાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે.સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ ફક્ત તેમનામાં જ છે.તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્ય સમાન દેદીપ્યમાન અને ભાસ્વર છે.અન્ય કોઇ દેવી-દેવતા તેમના તેજની તુલના કરી શકતાં નથી.બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.

ર્માં કૂષ્માણ્ડાને આઠ હાથ છે એટલે તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે.તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડલ ધનુષ્ય-બાણ કમળનું પુષ્પ અમૃતપૂર્ણ કલશ ચક્ર તથા ગદા છે.આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે.તેમનું વાહન સિંહ છે.

નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે એટલે આ દિવસે અત્યંત પવિત્ર અને અચંચળ મનથી માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા-ઉપાસના કરવી જોઇએ.માતા કૂષ્માંડા દેવીની ઉપાસનાથી ભક્તના તમામ રોગ-શોક વિનષ્ટ થઇ જાય છે.તેમની ભક્તિ કરવાથી આયુષ્ય બળ યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.માતા કૂષ્માંડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે.જો મનુષ્ય સાચા હ્રદયથી તેમની શરણાગતિ સ્વીકારે છે તેમને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રો-પુરાણોમાં જે વિધિ-વિધાનનું વર્ણન કરેલ છે તે અનુસાર ર્માં દુર્ગાની ઉપાસના અને ભક્તિ કરવાથી સાધકને તેમની કૃપાનો સુક્ષ્મ અનુભવ થવા લાગે છે.દુઃખરૂપ સંસાર તેના માટે સુખદ અને સુગમ બની જાય છે.માતાજીની ઉપાસના મનુષ્યને સહજભાવથી ભવસાગરથી પાર ઉતરવા માટે સૌથી સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે.માતા કૂષ્માંડા દેવીની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરી તેમને સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઇ જાય છે એટલે પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઇચ્છનારે તેમની ઉપાસનામાં હંમેશાં તત્પર રહેવું જોઇએ..

 

પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના કરવામાં આવે છે.

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા

શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની..

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના પાંચમા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે સ્કન્દમાતાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.ધર્મશાસ્ત્રોમાં નવરાત્રી-પૂજનના પાંચમા દિવસને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે.વ્યવહારમાં સંતાનને જન્મ આપ્યા પછી દરેક સ્ત્રી સ્કંદમાતાનું રૂપ બની જાય છે.

ર્માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંન્દમાતા તરીકે ઉપાસના કરવામાં આવે છે.ભગવાન સ્કંન્દ કાર્તિકેય નામથી ઓળખાય છે.કાર્તિકેય દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા.પુરાણોમાં તેમને કુમાર અને શક્તિધર કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.તેમનું વાહન મોર છે.ભગવાન સ્કંન્દની માતા હોવાના કારણે ર્માં દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંન્ધ માતાના નામથી જાણવામાં આવે છે.તેમની ઉપાસના નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન વિશુદ્ધ-ચક્રમાં અવસ્થિત હોય છે.આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની તમામ બાહ્યક્રિયાઓ તથા ચિત્તવૃત્તિઓનો લોપ થઇ જાય છે અને તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપની તરફ આગળ વધી રહ્યા હોય છે.તેમનું મન તમામ લૌકિક સાંસારીક માયિક બંધનોથી વિમુક્ત થઇને પદ્માસના સ્કંન્ધમાતાના સ્વરૂપમાં તલ્લિન થઇ જાય છે.આ સમયે સાધકે પૂર્ણ સાવધાનીની સાથે ઉપાસના કરવી જોઇએ.પોતાની તમામ ધ્યાનવૃત્તિઓ એકાગ્ર કરીને સાધનાના માર્ગ ઉપર આગળ વધવું જોઇએ.તેમના ચિત્ર કે મૂર્તિમાં જોઇએ તો ભગવાન સ્કંન્દજી બાળકરૂપમાં તેમના ખોળામાં બેઠેલા હોય છે.

સ્કંન્દમાતૃસ્વરૂપિણી દેવીને ચાર હાથ છે.તેમના જમણી તરફના ઉપરના હાથથી ભગવાન સ્કંન્દને ખોળામાં બેસાડી પકડેલા છે અને જમણી તરફનો નીચેનો હાથ કે જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે.ડાબી બાજુનો ઉપરવાળો હાથ આર્શિવાદ આપતી મુદ્રામાં તથા નીચેનો હાથ કે જે ઉપરની તરફ ઉઠેલો છે તે હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે.તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે.તે કમળના આસન ઉપર બિરાજમાન છે તેથી તેમને પદ્માસના-દેવી પણ કહેવામાં આવે છે.સિંહ તેમનું વાહન છે.

નવરાત્રીના પાંચમા દિવસે સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ મૃત્યુલોકમાં જ તેમને પરમશાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે.મોક્ષનું દ્વાર તેમના માટે સુલભ થઇ જાય છે.સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી બાળસ્વરૂપ સ્કંન્ધ ભગવાનની ઉપાસના આપોઆપ થઇ જાય છે.સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના લીધે તેમનો ઉપાસક અલૌકિક તેજ તથા ક્રાંતિથી સંપન્ન થાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્યભાવથી હંમેશાં તેમની ચારે બાજુ પરીવ્યાપ્ત રહે છે.આ પ્રભામંડળ પ્રતિક્ષણ સાધકના યોગક્ષેમનું નિર્વહન કરે છે એટલે અમારે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને ર્માં ની શરણમાં આવવાનો પ્રયત્ન કરવો જોઇએ.ઘોર ભવસાગરના દુઃખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સુલભ કરવાનો આનાથી ઉત્તમ કોઇ ઉપાય નથી.

છઠ્ઠા નોરતે ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરવામાં આવે છે.

 

ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના

કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની..

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ ર્માં કાત્યાયની દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં સંયમ-સાધનાને ધારણ કરનાર દરેક સ્ત્રી કાત્યાયની રૂપ છે,  

આદ્યશક્તિ ર્માં દુર્ગાનું નામ કાત્યાયની દેવી પડવાની કથા પુરાણોમાં વર્ણિત છે. કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા.તેમના પૂત્ર ઋષિ કાત્ય થયા. આ કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા. તેમને ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી ઘણી જ કઠીન તપસ્યા કરી.તેમની તપસ્યાથી પ્રસન્ન થઇ માતા ભગવતીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા.મહર્ષિ કાત્યાયનની ઇચ્છા હતી કે ર્માં ભગવતી તેમના ઘેર પૂત્રીના રૂપમાં જન્મ લે.ર્માં ભગવતીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. મહર્ષિ કાત્યાયનના ત્યાં આદ્યશક્તિ ર્માં દુર્ગાજીએ પૂત્રીના રૂપમાં જન્મ ધારણ કર્યો હતો તેથી તેમનું નામ પડ્યું કાત્યાયની દેવી પડ્યું છે.ર્માં કાત્યાયની અમોઘફલદાયિની છે.

બીજી અન્ય કથા એવી છે કે જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી ઉપર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રિદેવે પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરનો નાશ કરવા માટે એક દેવીશક્તિને ઉત્પન્ન કર્યા.મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી હતી.ર્માં કાત્યાયની દેવીએ મહિષાસુરનો વધ કરીને ત્રણે લોકને તેના અત્યાચારથી બચાવ્યા હતા. 

ભગવાન શ્રીકૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે વ્રજની ગોપીઓએ કાલિન્દી(યમુના) નદીના કિનારે તેમની પૂજા કરી હતી.ર્માં કાત્યાયની વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે.તેમનો વર્ણ સોના જેવો તેજસ્વી અને દિવ્ય છે.તેમને ચાર હાથ છે.માતાજીનો જમણી તરફનો ઉપર તરફનો હાથ અભયમુદ્રામાં તથા નીચે તરફનો વરમુદ્રામાં છે.ડાબી તરફના ઉપરના હાથમાં ચંદ્રહાસા નામની તલવાર તથા નીચે તરફના હાથમાં કમળ-પુષ્પ સુશોભિત છે.

દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.યોગસાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે.આ ચક્રમાં સ્થિત મનવાળા સાધક ર્માં ના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે.પરીપૂર્ણ આત્મ સમર્પણ કરનાર ભક્તોને સહજ રીતે ર્માં કાત્યાયનીનાં દર્શન થાય છે.ર્માં કાત્યાયની દેવીની ભક્તિ અને ઉપાસના દ્વારા ભક્તોને ઘણી જ સુગમતાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ-આ ચાર પુરૂષાર્થની પ્રાપ્તિ થાય છે, તે આલોકમાં સ્થિત રહેવા છતાં પણ અલૌકિક તેજ અને પ્રભાવથી યુક્ત બની જાય છે.તેમના રોગ શોક સંતાપ ભય વગેરે કાયમના માટે વિનષ્ટ થઇ જાય છે.જન્મ-જન્માંતરના પાપોનો નાશ કરવા માટે ર્માં ની ઉપાસનાથી અધિક સુગમ અને સરળ માર્ગ બીજો કોઇ નથી.તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે એટલે અમારે સર્વભાવથી ર્માં ના શરણાગત બનીને તેમની પૂજા-ઉપાસના કરવી જોઇએ.કુમારીકાઓએ મનગમતો જીવનસાથી મેળવવા અને સુખી લગ્ન જીવન માટે નોરતાના છઠ્ઠા દિવસે આદ્યશક્તિ ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરવી જોઇએ.માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે આ દિવસે લાલ રંગના કપડાં પહેરીને માતાને મધ ચઢાવીએ.

સાતમા નોરતે ર્માં કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે.

 

 

એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા,

લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી

વામ્પાદોલ્લસસલ્લોહલતાકણ્ટકભૂષણા

વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના સાતમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના સાતમા સ્વરૂપ ર્માં કાલરાત્રિ દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને જીતી લેનાર સ્ત્રી કાલરાત્રી સમાન છે.

કાલરાત્રી દેવીના શરીરનો રંગ ગાઢ અંધકાર જેવો એકદમ કાળો છે.માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે.તેમને ત્રણ નેત્ર છે.આ ત્રણે નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે.જેમાંથી વિદ્યુત સમાન ચમકીલા કિરણો નીકળી રહ્યા છે.તેમના નાકમાંથી નીકળતા શ્વાસ-પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળે છે.તેમનું વાહન ગધેડો છે.

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું.શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે.ર્માં કાલરાત્રિનું મુખ્ય મંદિર કોલકાતાના કાલિઘાટપર આવેલું છે. 

જમણી બાજુના ઉપર તરફના હાથ વરમુદ્રાથી તમામને વરદાન આપી રહ્યા છે અને નીચે તરફનો હાથ અભયમુદ્રામાં છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં ખડગ અને નીચે તરફના હાથમાં વજ્ર છે. ર્માં કાલરાત્રીનું સ્વરૂપ જોવામાં ભયંકર લાગે છે પરંતુ તે હંમેશાં શુભ ફળ આપનાર છે.માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રિને શુભઙ્કરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

દુર્ગાપૂજાના સાતમા દિવસે ર્માં કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત હોય છે.તેમના માટે બ્રહ્માંડની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલવા લાગે છે.આ ચક્રમાં સ્થિત સાધકનું મન પૂર્ણતઃ ર્માં કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે.તેમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યના તે ભાગીદાર બને છે.તેમના તમામ પાપો-વિઘ્નોનો નાશ થાય છે.તેમને અક્ષય પુણ્યલોકોની પ્રાપ્તિ થાય છે.

ર્માં કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે.દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણમાત્રથી ભયભીત થઇને ભાગી જાય છે.ર્માં કાલરાત્રિ ગ્રહ-બાધાઓ દૂર કરનાર છે.તેમના ઉપાસકને અગ્નિ જળ જીવ જંતુ શત્રુ વગેરેનો ભય ક્યારેય થતો નથી.તેમની કૃપાથી ઉપાસક ભયમુક્ત બની જાય છે.

ર્માં કાલરાત્રિના સ્વરૂપને પોતાના હ્રદયમાં ધારણ કરીને મનુષ્યએ એકનિષ્ઠ ભાવથી તેમની ઉપાસના કરવી જોઇએ.યમ-નિયમ અને સંયમનું પૂર્ણ પાલન કરવું જોઇએ.મન-વચન અને શરીરની પવિત્રતા રાખવી જોઇએ.તે શુભઙ્કરી દેવી છે.અમારે નિરંતર તેમનું સ્મરણ-ધ્યાન અને પૂજન કરવું જોઇએ.ર્માં કાલરાત્રિ સંસારના અંધકારને નષ્ટ કરી જ્ઞાનનું બીજ વાવે છે.જે તેમની ઉપાસના કરે છે તેને કાળનો ભય રહેતો નથી.

ર્માં કાલરાત્રિને ગોળની બનાવેલી વાનગીનું નૈવેદ્ય ધરાવાથી પીડા દુર થાય છે અને ભયમુક્તિના આશિષ પ્રદાન કરે છે.ર્માં કાલરાત્રીના પૂજન સમયે કૃષ્ણ કમળ કે કોઇ નીલા રંગનું પુષ્પ દેવીને અર્પણ કરવું.માતાજીને ફળના પ્રસાદ રૂપે ચિકુનો ભોગ ધરાવવો જોઇએ.દેવીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે કેસરી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ.આ વસ્ત્ર ધારણ કરવાથી સાધકને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થશે.

આઠમા નોરતે ર્માં મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે..

 

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના આઠમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના આઠમા સ્વરૂપ ર્માં મહાગૌરી દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. સ્ત્રીના માટે તેનું કુટુંબ જ તેના માટે સંસાર હોય છે.સંસાર ઉપર ઉપકાર કરવાથી તે મહાગૌરી બની જાય છે.

ર્માં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે.તેમનો વર્ણ પૂર્ણતઃ ગોરો છે.આ ગૌરતાની ઉપમા શંખ-ચંદ્ર અને કસ્તુરી મોગરાના ફુલ સાથે કરવામાં આવે છે.તેમનું આયુષ્ય આઠ વર્ષનું માનવામાં આવે છે અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી. તેમના તમામ વસ્ત્રો અને આભૂષણ વગેરે શ્વેત છે એટલે શ્વેતાંબરધરા તરીકે પણ ઓળખાય છે.તેમને ચાર હાથ છે.તેમનું વાહન વૃષભ છે તેથી તેમને વૃષારૂઢ તરીકે ઓળખાય છે. દૈવી મહાગૌરી રાહુ ગ્રહનું સંચાલન કરે છે.

જમણી બાજુનો ઉપર તરફનો હાથ અભય મુદ્રામાં અને નીચે તરફના હાથમાં ત્રિશૂળ છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં ડમરૂ અને નીચે તરફનો હાથ વરમુદ્રામાં છે.તેમની મુદ્રા અત્યંત શાંત છે.પોતાના પાર્વતીરૂપમાં તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘણી જ કઠોર તપસ્યા કરી હતી.

ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમને ભગવાન શિવને વરવા માટે કઠોર સંકલ્પ લીધો હતો..

જન્મ કોટિ લગિ રગર હમારી, બરઉં શંભુ ન ત રહઉં ર્કુંઆરી..

આ કઠોર તપસ્યાના કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું.તેમની તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઇને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું ત્યારે તે વિદ્યુત-પ્રભા સમાન અત્યંત ક્રાંતિમાન ગૌર બની ગયું હતું ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું હતું.મહાગૌરીનું વ્રત નવરાત્રીમાં આસો સુદ આઠમના દિવસે કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે.

દુર્ગાપૂજાના આઠમા દિવસે દેવી મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે.તેમની શક્તિ અમોઘ અને તરત જ ફળ આપનારી છે.તેમની ઉપાસનાથી ભક્તોના તમામ પાપો ધોવાઇ જાય છે.તેમનાં પૂર્વનાં સંચિત પાપો નષ્ટ થઇ જાય છે.ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુઃખ ક્યારેય તેમની પાસે આવતાં નથી. ગ્રહદોષ દૂર થાય છે.તે તમામ પ્રકારથી પવિત્ર અને અક્ષય પુણ્યોનો અધિકારી બની જાય છે.તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમમાં વધારો થાય છે, ભય-નિરાશા અને ચિંતા દૂર થાય છે.જીવનમાં આવતા સંઘર્ષોનો સામનો કરવાની શક્તિ મળવાથી સાધકનું મન કર્તવ્ય-માર્ગથી વિચલિત થતું નથી.

મહાગૌરી માતાજીનું ધ્યાન-સ્મરણ, પૂજન-આરાધના ભક્તોના માટે કલ્યાણકારી છે.અમારે હંમેશાં તેમનું ધ્યાન કરવું જોઇએ.તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.મનથી અનન્યભાવ અને એકનિષ્ઠાથી મનુષ્યએ હંમેશાં તેમના ચરણારવિંદોનું ધ્યાન કરવાથી તે ભક્તોના કષ્ટ દૂર કરે છે. તેમની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્યો પણ સંભવ બની જાય છે એટલે તેમના ચરણોની શરણ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ.પુરાણોમાં તેમની મહિમાનું પ્રચુર આખ્યાન કરવામાં આવ્યું છે તેનું પઠન-શ્રવણ કરવું જોઇએ.ર્માં મહાગૌરી મનુષ્યોની વૃત્તિઓને સત્યની તરફ પ્રેરીત કરીને અસતનો વિનાશ કરે છે. અમારે પ્રપત્તિભાવ(શક્તિના શરણે જવાના ભાવ)થી હંમેશાં તેમની શરણાગતિ સ્વીકારવી જોઇએ..

નીચેનો મંત્ર બોલી તેમની સ્તુતિ કરવામાં આવે છે.

या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

આ દિવસે માતા દુર્ગાને નારીયળનો ભોગ લગાવવો જોઇએ.

નવમા નોરતે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે..

 

સિદ્ધગંધર્વયક્ષા ઘૈરસુરૈરમરૈરપિ

સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની..

(દેવી સિદ્ધિદાત્રી કે જેમની સિદ્ધ ગંધર્વ યક્ષ દેવતાઓ વગેરે દ્વારા પૂજા કરવામાં આવે છે,જેમના હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ છે,જે તમામ સિદ્ધિઓની દાતા ર્માં સિદ્ધિદાત્રી મને શુભતા એટલે કે કલ્યાણ પ્રદાન કરો.)

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના નવમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં સિદ્ધદાત્રીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. દુનિયાને છોડીને પરમધામ પ્રયાણ કરતાં પહેલાં સંસારમાં પોતાના સંતાનોને સિદ્ધિ એટલે કે તમામ સુખ-સંપદાનો આર્શિવાદ આપનારી દરેક સ્ત્રી સિદ્ધિદાત્રી બની જાય છે.

ર્માં દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે.તે તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી દેવી છે. માર્કણ્ડેયપુરાણ અનુસાર અણિમા(સૂક્ષ્મરૂપ ધારણ કરી શકાય છે), મહિમા(વિશાળરૂપ ધારણ કરી શકાય છે), ગરિમા(એક વિશાળ પર્વતની જેમ બની શકાય, લધિમા(પોતાનું વજન હળવું કરી શકાય,એક ક્ષણમાં ગમે ત્યાં જઇ શકે), પ્રાપ્તિ(કોઇપણ વસ્તુ તુરંત પ્રાપ્ત કરી શકાય,પશુ-પક્ષીની ભાષા સમજી શકાય અને આવનાર સમયને જોઇ શકે), પ્રાકામ્ય (પૃથ્વીના ઉંડાણમાં નીચે સુધી જઇ શકાય,આકાશમાં ઉંડી શકે,જ્યાં સુધી ઇચ્છે ત્યાંસુધી પાણીમાં રહી શકાય,સદાય યુવાન રહેવાય,કોઇપણ શરીર ધારણ કરી શકે અને લાંબા સમય સુધી કોઇપણ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે), ઇશિત્વ(દૈવીશક્તિઓની પ્રાપ્તિ થાય,મૃતજીવને જીવિત કરી શકાય) અને વશિત્વ(જીતેન્દ્રિય અને મનને નિયંત્રિત કરી શકાય)-આ આઠ સિદ્ધિઓ છે.

બ્રહ્મવૈવર્ત્તપુરાણના શ્રીકૃષ્ણજન્મ ખંડમાં સિદ્ધિઓની સંખ્યા અઢાર બતાવવામાં આવી છે.જેના નામ છેઃ અણિમા, લધિમા,પ્રાપ્તિ, પ્રાકામ્ય,મહિમા, ઇશિત્વ-વશિત્વ, સર્વકામાવસાયિતા,સર્વજ્ઞત્વ,દૂરશ્રવણ, પરકાયા પ્રવેશન, વાક્ સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના અને સિદ્ધિ..

ર્માં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ તમામ સિદ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે. દેવી ભાગવત પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં ભગવાન શિવે સૃષ્ટિની રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી હતી.આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ્યા.આમ ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રી..

ર્માં સિદ્ધિદાત્રીને ચાર હાથ છે.તેમના જમણી બાજુના ઉપર તરફના હાથમાં ગદા અને નીચે તરફના હાથમાં ચક્ર છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં કમળનું પુષ્પ અને નીચે તરફના હાથમાં શંખ છે.તેમનું વાહન સિંહ છે.તે કમળ-પુષ્પ ઉપર આસિન છે.

નવરાત્રી પૂજનના નવમા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂર્ણ નિષ્ઠાથી સાધના કરનાર સાધકને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્તિ થાય છે.સૃષ્ટિમાં કશું જ તેમના માટે અગમ્ય રહેતું નથી.સમગ્ર બ્રહ્માંડ ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમનામાં આવી જાય છે.

પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેમને ર્માં સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરંતર આરાધના કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.તેમની કૃપાથી અત્યંત દુઃખરૂપ સંસારથી નિર્લિપ્ત રહીને તમામ સુખોનો ભોગ કરતાં કરતાં મોક્ષને પ્રાપ્ત કરે છે.

નવદુર્ગાઓમાં ર્માં સિદ્ધિદાત્રી અંતિમ છે.અન્ય આઠ દુર્ગાઓની પૂજા-ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનથી કરીને ભક્તો દૂર્ગાપૂજાના નવમા દિવસે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે.ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી લૌકિક અને પારલૌકિક તમામ પ્રકારની કામનાઓની પૂર્તિ થાય છે આમ હોવા છતાં સિદ્ધિદાત્રી ર્માં ના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઇ એવી કામના શેષ રહેતી નથી જેને તે પૂર્ણ કરવા ઇચ્છતા હોય.તે તમામ સાંસારીક ઇચ્છાઓ-આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠીને માનસિકરૂપથી ર્માં ભગવતીના દિવ્યલોકોમાં વિચરણ કરતાં કરતાં ર્માં ની કૃપા-રસ-પિયૂષનું નિરંતર પાન કરીને વિષયભોગ-શૂન્ય બની જાય છે.ર્માં ભગવતીનું પરમ સાનિધ્ય જ તેમના માટે સર્વસ્વ હોય છે.આ પરમપદને પ્રાપ્ત કર્યા બાદ તેમને અન્ય કોઇ વસ્તુની આવશ્યકતા રહેતી નથી.

ર્માં ભગવતીના ચરણોનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે અમારે નિરંતર નિયમનિષ્ઠ રહીને ઉપાસના કરવી જોઇએ.ર્માં ભગવતીનું સ્મરણ-ધ્યાન અને પૂજન અમોને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદની તરફ લઇ જાય છે.

નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપવાથી મૃત્યુના ડરથી રાહત મળે છે અને  દુર્ઘટનાઓથી બચી જવાય છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment