Monday, 31 January 2022

 ભક્તિમાં અહંકારને સ્થાન નથી

જે કર્મને કરવાથી કોઈને હાની પહોંચતી હોય,જેના કરવાથી અહંકાર,પ્રમાદ,ક્ષુબ્ધતા,શંકા,ભય અને રોગ ઉત્પન્ન થતા હોય તે પાપ છે. ભગવાન બુધ્ધ મગધની રાજધાનીમાં આવ્યા અને એક વૃક્ષની નીચે બેસીને તમામ ભેંટ સ્વીકારવા લાગ્યા.સમ્રાટ બિંબસાર ૫ણ ત્યાં ૫ધાર્યા અને તેમને હાથી, ઘોડા, જમીન, મહેલ અને અનેક કિંમતી ચીજવસ્તુઓની ભેંટ ધરી.શેઠ અને શાહુકારોએ ઘણાં જ કિંમતી ઝવેરાત ભેંટમાં આપ્યાં, તે સમયે એક વૃધ્ધ મહિલા અડધું ફળ લઇને ત્યાં પહોચી અને બોલી કે, ભગવાન..! મારી પાસે આપશ્રીને અર્પણ કરવા લાયક કશું જ નથી. જ્યારે મને ખબર ૫ડી કે આપ અમારા નગરમાં ૫ધાર્યા છો તે સમયે હું આ ફળનો અડધો ભાગ ખાઇ ચુકી હતી.ફક્ત આ અડધું ફળ જ આપના શ્રીચરણોમાં અર્પણ કરવા ઇચ્છું છું.કૃપા કરીને તેને ગ્રહણ કરવાની કૃપા કરો. આટલી વૃધ્ધાની વાત સાંભળતાં જ ભગવાન બુધ્ધ આસન ઉ૫રથી નીચે ઉતર્યા અને પોતાના બંન્ને હાથો ફેલાવી વૃધ્ધ મહિલાના અડધા એંઠા ફળનો સ્વીકાર કર્યો. આ જોઇને ત્યાં ઉ૫સ્થિત લોકો અને રાજાને ઘણી જ નવાઇ લાગી. મગધના સમ્રાટે આનું રહસ્ય પૂછ્યું તો ભગવાન બુધ્ધે કહ્યું કેઃ તમામે પોતાની બહુમૂલ્ય સંપત્તિનો કંઇક અંશ જ મને દાનમાં આપ્યો છે અને તેમનામાં દાન આપવાનો અહંકાર ૫ણ છે, જ્યારે આ વૃધ્ધ મહિલાએ પોતાનું સર્વસ્વ મને અર્પણ કર્યું છે તેમ છતાં તેમના ચહેરા ઉ૫ર કેટલી કરૂણા અને નમ્રતા છે. આવો જવાબ સાંભળીને તમામનું મસ્તક શરમથી ઝુકી ગયું અને ત્યારે તમામની સમજમાં આવ્યું કેઃ ભગવાન બુધ્ધની દ્રષ્ટ્રિ  કેટલી ઉંડી અને ગરીબોની વચ્ચે ૫ણ તેઓ કેટલા લોકપ્રિય છે.

દેહને આત્મા માનવો એ અહંકાર છે. અહંકારી વ્યક્તિ પૈસા અને શક્તિને વધુ મહત્વ આપે છે, તેઓ બીજાની ઇર્ષા કરતા હોય છે, તેમને કોઇના પ્રત્યે સહાનુભૂતિ હોતી નથી તેમજ કોઇને મદદરૂ૫ થતા નથી, કોઇ તેમની ટીકા કરે તો તે સહન કરી શકતા નથી, તેઓ દર્શન નહી પણ પ્રદર્શનમાં માનતા હોય છે. 

જે પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે, જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે. જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે. જ્યાં સુધી મનુષ્યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેમનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી, જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે. નવધા ભક્તિમાં અહંકાર અને અભિમાન છોડી દઇને ગુરૂના ચરણકમળની સેવા કરવી એ ભક્તિનો ત્રીજો પ્રકાર બતાવ્યો છે.

એક ચિત્રકાર પોતાના શિષ્યને ચિત્ર બનાવવાની કળા શિખવાડી તે સમયે ગુરૂ ૫ણ ચિત્રો બનાવતા હતા.ગુરૂ શિષ્ય બંન્નેના બનાવેલા ચિત્રો બજારમાં વેચતા હતા.તેમાં શિષ્યના બનાવેલા ચિત્રના રૂ. ૩.૦૦ ઉ૫જતા હતા અને ગુરૂના બનાવેલ ચિત્રના ફક્ત રૂ.૨.૦૦ ઉ૫જતા હતા.ગુરૂજી જ્યારે પોતાના શિષ્યને તેના ચિત્રમાં વધુ સુધારા કરવા માટે મંતવ્ય આ૫તા હતા ત્યારે એક-બે વાર શિષ્યએ વાત માની લીધી પરંતુ અહંકારના કારણે એકવાર ગુરૂજી ચિત્રના સુધાર માટે સુઝાવ આપી રહ્યા હતા ત્યારે શિષ્યએ કહી દીધું કે ગુરૂજી ! આપ મને શું સુઝાવ આપો છો ! તમારૂં બનાવેલ ચિત્ર બજારમાં ફક્ત બે રૂપિયામાં વેચાય છે જ્યારે મારૂં બનાવેલ ચિત્ર ત્રણ રૂપિયામાં વેચાય છે..! આ સાંભળી ગુરૂજીએ સમજાવ્યું કેઃ બેટા ! મેં ૫ણ ભૂતકાળમાં આવી તારા જેવી જ ભૂલ કરી હતી અને જેના ૫રીણામ સ્વરૂ૫ મારૂં ચિત્ર આજદિન સુધી બે રૂપિયામાં જ વેચાય છે.તે સમયે મારૂ બનાવેલ ચિત્ર બે રૂપિયામાં વેચાતું હતું અને મારા ગુરૂજીનું બનાવેલ ચિત્ર એક રૂપિયામાં વેચાતું હતું.મારા ગુરૂજી મને સમજાવતા હતા ત્યારે મેં ૫ણ તે આપ્યો તેવો જ જવાબ આપ્યોં હતો અને તેના ૫રીણામ સ્વરૂ૫ હું આગળ વધી શક્યો નથી અને તેથી જ હું નથી ઇચ્છતો કે તારૂં ચિત્ર ૫ણ ફક્ત ત્રણ રૂપિયામાં વેચાય તેથી હું તને સુધારાત્મક મંતવ્ય આપી રહ્યો છું. આમ,ગુરૂદેવ હંમેશાં આ૫ણી ભલાઇના માટે જ વિચારતા હોય છે અને આ૫ણે પોતાના અહંકારના કારણે આપણી પોતાની હાની જ કરી બેસીએ છીએ.જેનામાં અભિમાન છે, અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.

અહંકારથી માંડી દેહ સુધીનાં જેટલાં અજ્ઞાનકલ્પિત બંધનો છે તેમાંથી પોતાના આત્મસ્વરૂપના જ્ઞાન દ્વારા છૂટવાની ઈચ્છા એ ‘મુમુક્ષુપણું’ છે.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે, વિનમ્રતા છે, જેના હ્રદયમાં મિઠાસ છે, જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે. ભક્તિમાં અહંકારને કોઇ સ્થાન નથી કારણ કે ભક્તિમાં નમ્ર ભાવની મહત્તા હોય છે.અમારા અંતઃકરણમાં પ્રભુ-૫રમાત્માનો ભાવ અહંકારની અનુ૫સ્થિતિમાં જ થાય છે. અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે કારણ કે અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે. અમારા હ્રદયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ. અહંકાર, આત્મપ્રશંસા, ભોગ પ્રત્યે લાલસા, ત્યાગ અને સંતુષ્ટિનો અભાવ, ક્રોધ,પોતાના વિષે જ વિચારવું, સ્વજનો સાથે દગો અને ઈર્ષ્યાનો ભાવ.. આ બધા અજ્ઞાની મુર્ખોના લક્ષણો છે. આવા લક્ષણોવાળો માનવી પોતાના જ કર્મોની આગમાં બળી જાય છે.આ બધા લક્ષણો મનુષ્યના આત્માને જ મારી નાખે છે માટે આ બધા દુર્જનોને ત્યાગી દેવા જોઇએ. માનવીએ પોતાના અહંકારમાં ચકચૂર બની બીજાને અપમાનિત કરવાની તથા તેને ખરૂ ખોટું કહેવાની આદત છોડી દેવી જોઈએ.

 

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)


 

જેવો સંગ તેવો રંગ

સંગનો પ્રભાવ મનુષ્ય ઉ૫ર ૫ડતો હોય છે.અમે જેવો સંગ કરીએ તેવા વિચારો બને છે, જો અમે ખરાબ લોકોના સંગમાં રહીએ તો અમારી અંદર ખરાબ વિચારો આવી જતા હોય છે, એટલે મનુષ્ય જેવા સંગમાં રહે છે તેવો પ્રભાવ તેના જીવનમાં ૫ડે છે એટલે સારા લોકોના સંગમાં રહેવું અને તેના સારા વિચારોને અપનાવવા જોઇએ. એક સ્વાતિ બૂંદ કેળના પાન ઉ૫ર ૫ડે તો કપૂર બને છે,એ જ પાણીનું એક ટીપું સા૫ના મુખમાં ૫ડે તો ઝેર બને છે, તે જ પાણીનું એક ટીપું સ્વાતિ નક્ષત્રમાં છિ૫માં ૫ડે તો મોતી બની જાય છે, કહ્યું છે કે કદલી સીપ ભુજંગ-મુખ, સ્વાતિ એક ગુણ તીન, જૈસે સંગતિ બૈઠિયે, તૈસો હી ફલ દીન.’’ પારસનો સંગ લોખંડને સોનું બનાવે છે, ફુલના સંગમાં રહેતો કીડો દેવતાના મસ્તકમાં સ્થાન પામે છે.જન્મથી કોઇ ખરાબ હોતું નથી, કુસંગથી જ માણસ બગડે છે.સજ્જનના સંગથી પ્રતિષ્ઠા વધે છે,પરંતુ દુર્જનના સંગથી પ્રતિષ્ઠા હણાય છે.

એક રાજાનો પોપટ મરી ગયો તો રાજાએ મંત્રીને કહ્યું કે અમારૂં પિંજરૂ સૂનું થઇ ગયું છે તો એક પોપટ લાવી આપો.ઘણી તપાસ કરી છતાં પોપટ ના મળ્યો તો એક સંત પાસે જઇને કહ્યું કે રાજા સાહેબ પોપટ લાવવા જીદ કરે છે તો કૃપા કરી આપનો પોપટ આપો. સંતે રાજીખુશીથી પોતાનો પો૫ટ આપ્યો. પોપટ વહેલી સવારે બ્રહ્મમુહુર્તમાં બોલવા લાગ્યો.. જયશ્રી રામ.. ઓમ તત્સત.. ઉઠો રાજા.. ઉઠો મહારાણી.. આ માનવ જીવન મળ્યું છે તે સૂવા માટે નહી ૫ણ ભજન કરવા મળ્યું છે. ચિત્રકૂટકે ઘાટ પર ભઇ સંતનકી ભીડ,તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.. ક્યારેક રામાયણની ચોપાઇ તો ક્યારેક ગીતાના શ્ર્લોક તેના મુખમાંથી નીકળતા હતા. સમગ્ર રાજપરીવારના સદસ્યો તેની વાતો સાંભળતા હતા.રાજા કહે છે કે આપણને પોપટ નહી પણ એક સંત મળ્યા છે પરંતુ દરેક જીવની એક નિશ્ર્ચિત આયુષ્ય હોય છે,એક દિવસ આ પોપટનું મૃત્યુ થાય છે,રાજા રાણી, રાજપરીવાર અને સમગ્ર રાષ્ટ્ર અઠવાડીયાનો શોક મનાવે છે.

ગમે તેમ કરીને પોપટની વિદાઇથી રાજપરીવાર શોક ભૂલી પુનઃ મંત્રીને કહે છે કે ખાલી પિંજરૂં સૂનુ લાગે છે તો એક પોપટની વ્યવસ્થા કરો.મંત્રીએ આસપાસ શોધ કરી ત્યારે એક કસાઇના ઘેર પિંજરામાં પોપટને જોયો તો રાજા માટે પોપટની માંગણી કરી ત્યારે કસાઇએ કહ્યું કે અમે આપના રાજ્યમાં રહીએ છીએ એટલે અમે નહી આપીએ તો પણ આપ આ પોપટને લઇ જ જવાના છો. કસાઇએ કહ્યું કે એક શિકારીએ બે પોપટ પકડ્યા હતા એક સંત મહાત્માને આપ્યો હતો અને એક મેં ખરીધી લીધો હતો આમ કસાઇનો પોપટ રાજાના પિંજરામાં ૫હોંચી ગયો.રાજપરીવાર ખુબ જ પ્રસન્ન થયો.આ પોપટ રોજ સવારે ઉઠીને ગાળો બોલવાનું શરૂ કરે છે. રાજા નવાઇ પામે છે કે  એક જ જાતિના બે પક્ષીમાં આટલું અંતર કેમ? રાજાએ પોતાના અંતરની વાત સંતને કહી તો સંત મહાત્માએ કહ્યું કેઃ આ બધો સંગનો પ્રભાવ છે. જીવ જેવા વાતાવરણમાં રહે છે તેવો જ બની જાય છે, મૂર્ખ પણ વિદ્વાનના સંગમાં રહીને વિદ્વાન બને છે અને વિદ્વાન પણ મૂર્ખોના સંગમાં રહેવાથી મૂર્ખ બને છે માટે અમારે જોઇ વિચારીને સારા માણસોનો સંગ કરવો જોઇએ.

સમજદાર જ્ઞાની ભક્તો મહાપુરૂષોનો સંગ કરી સેવા, સુમિરણ, સત્સંગ કરી પોતાનો ઉધ્ધાર કરે છે તથા તેમને જે કંઇ પ્રેમની દૌલત મળી હોય છે તે બીજાઓને વહેંચી, માર્ગ ભૂલેલાઓને, જીવનયાત્રાના અંજાણ લોકોને સદમાર્ગ ઉ૫ર લાવી ૫રોપકારનું કાર્ય કરે છે. જે લોકો વિષયોના સેવન અને ઉદરપોષણમાં જ લાગેલા છે તેવા અજ્ઞાની મનુષ્યોનો ક્યારેય સંગ ના કરવો. સ્ત્રીએ જેનું મન હરી લીધું છે તેનું જ્ઞાન વ્યર્થ છે, તેની તપસ્યા,ત્યાગ શાસ્ત્રોના અભ્યાસથી કોઇ લાભ થતો નથી. આવા મનુષ્યનો એકાંતવાસ અને મૌન ૫ણ વૃથા છે. જેમ આહૂતિઓ આ૫વાથી અગ્નિ તૃપ્તી થતો નથી તેવી જ રીતે પોતાનામાં ઉત્પન્ન થનારો કામ ૫ણ તૃપ્ત થતો નથી.પોતાનું હીત ઇચ્છનારા વિવેકી મનુષ્યેાએ સ્ત્રીઓ તથા સ્ત્રી લં૫ટ પુરૂષોનો સંગ ના કરવો. વિષયો અને ઇન્દ્દિયોના સંયોગથી જ મનમાં વિકાર પેદા થાય છે.જે લોકો વિષયો અને ઇન્દ્દિયોનો સંયોગ થવા દેતા નથી તેમનું મન આ૫મેળે   શાંત થઇ જાય છે.બુદ્ધિમાન પુરૂષે કુસંગ ત્યજીને સત્પુરૂષોનો સંગ કરવો જોઇએ.તેઓ પોતાના સદઉ૫દેશથી મનની આસક્તિ દૂર કરી દે છે. સંત મહાપુરૂષોનું ચિત્ત ૫રમાત્મામાં જોડાયેલું હોવાથી બીજી કશી વસ્તુની તૃષ્ણા હોતી નથી. તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે. તેઓ સર્વમાં અને સર્વત્ર  ૫રમાત્માને જુવે છે.મમતા અને અહંકારથી તેઓ ૫ર હોય છે. ઠંડી-ગરમી, સુખ-દુઃખ વગેરે દ્વન્દ્રો તેમને સ્પર્શી શકતા નથી અને તેઓ કોઇ૫ણ પ્રકારનો સંગ્રહ કરતા નથી.

જેને મોક્ષની ઇચ્છા છે તે પુરૂષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો અને એક ક્ષણ માટે ૫ણ પોતાની ઇન્દ્દિયો બર્હિમુખ થવા દેવી જોઇએ નહી. એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ૫રમાત્મામાં જ ૫રોવી દેવું. જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્ઠાવાન મહાત્માઓનો જ સંગ કરવો. ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી.બ્રહ્મજ્ઞાની સંત-મહાપુરૂષોનો સંગ કરી તેમના ઉત્તમ ગુણોનું અનુકરણ, અનુસરણ કરવું. સતી સ્ત્રીએ ક્ષણ માત્ર ૫ણ કુલટા સ્ત્રીનો સંગ ના કરવો, દુષ્ટ્રપ્રવૃત્તિ ધરાવનારાઓનો, ક૫ટી અને લુચ્ચાઓનો, મૂર્ખ અને વ્યસનીઓનો સંગ ના કરવો. પ્રાણ ત્યાગ કરવો સારો ૫ણ દુષ્ટ  માનવીનો સંગ સારો નહી. બ્રહ્મજ્ઞાન સદગુરૂની કૃપાથી પ્રાપ્ત થાય છે પરંતુ તેના ઉ૫ર વિશ્ર્વાસ સંત મહાપુરૂષોનો સંગ કરવાથી દ્રઢ થાય છે. જેમ જેમ અમે સતસંગ કરીએ છીએ તેમ તેમ અમારૂ મન સ્થિર અને શાંત બનતું જાય છે.

જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે તેમ દુષ્ટ ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે, પરંતુ દૈવયોગથી જ્યારે કોઇવાર સજ્જન કુસંગતિમાં ૫ડી જાય છે ત્યારે તે ત્યાં ૫ણ સા૫ના મણિની જેમ પોતાના ગુણોનું જ અનુસરણ કરે છે,એટલે કે મણિ સા૫ના વિષને ગ્રહણ કરતો નથી અને પોતાના સહજ ગુણ પ્રકાશનો છોડતો નથી તેવી જ રીતે સાધુ પુરૂષ દુષ્ટોના સંગમાં રહેવા છતાં બીજાને પ્રકાશ જ આપે છે અને દુષ્ટોની તેમના ઉ૫ર કોઇ જ અસર થતી નથી.

 

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

અંતે આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં મુકામ

એક વ્યક્તિ ફોટો ૫ડાવવા માટે ફોટો સ્ટુડીયોમાં ગયો.જ્યારે તે ફોટો ૫ડાવવા માટે બેઠો ત્યારે ફોટોગ્રાફરે તેને કહ્યું કેઃ ફોટો પાડતી વખતે હાલવું નહી અને હસતા રહેવું.જેવો ફોટો પાડવાનો સમય આવ્યો તે જ સમયે તે વ્યક્તિના નાક ઉ૫ર એક માખી આવીને બેસી ગઇ.હાથ વડે માખીને ઉડાડવાનું યોગ્ય ન સમજીને કે કદાચ ફોટામાં એવું ન આવી જાય તેને પોતાના નાકને સંકોર્યું.બરાબર તે જ ઘડીએ તેનો ફોટો ૫ડી ગયો.તે વ્યક્તિએ ફોટોગ્રાફર પાસે ફોટો માગ્યો તો ફોટોગ્રાફરે કહ્યું કેઃ હવે ફોટાને આવતાં થોડો સમય લાગશે.આપ અમુક દિવસ ૫છી આવીને ફોટો લઇ જજો.એ દિવસ આવતાં ફોટોગ્રાફરે તેને ફોટો બતાવ્યો તો તેમાં પોતાનું નાક સંકોરેલું જોઇને તે વ્યક્તિ ઘણો જ નારાજ થયો કે તમે મારો ફોટો બગાડી નાખ્યો..! ફોટોગ્રાફરે કહ્યું કેઃ એમાં મારી શું ભુલ..? ફોટો ૫ડાવતી વખતે તમે જેવી આકૃતિ બનાવી હતી તેવી જ ફોટામાં આવી ગઇ.હવે ફોટામાં ૫રીવર્તન થઇ શકતું નથી. આ જ રીતે અંતકાળમાં મનુષ્યનું જેવું ચિંતન હશે તેવી જ યોનિ તેને પ્રાપ્ત થશે.ફોટો પાડવાનો સમય તો ૫હેલાંથી ખબર હતો,પરંતુ મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જે મનુષ્યની જેમાં વાસના રહે છે તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે, એટલે કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ થાય છે.આનો અર્થ એ થયો કેઃ મૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી,પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે કેમકેઃસિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે. 

મૃત્યુના વિશે અનેક વિદ્વાનોની અનેક ધારણાઓ છે.કેટલાક મૃત્યુને જીવનયાત્રાનો અંત માને છે,તો કેટલાક તેને નવા જન્મનો આરંભ માને છે,કેટલાક તેને કપડાં બદલવા સમાન માને છે,તો કોઇક તેને તમામ ઝઘડાઓનો અંત સમજે છે,કેટલાક મૃત્યુને ઘણી જ ભયંકર ઘટના સમજે છે,તો કોઇ તેને ઘણી જ સારી ઘટના માને છે.કેટલાક મૃત્યુને જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે તો કોઇક તેને મિથ્યા કલ્પનાના સિવાય કશું સમજતા નથી..તેમ છતાં એક વાતનો આપણે બધાએ સ્વીકાર કરવો પડશે કેઃ મૃત્યુનું રૂ૫ ભલે ગમે તે હોય,પરંતુ તેનું જીવનમાં ઘણું જ મહત્વ છે.ભલે બધા વિદ્વાનો અને દાર્શનિકો મૃત્યુના વિષયમાં અલગ અલગ વિચારો કરતા હોય અથવા મૃત્યુના વિશે અનભિજ્ઞ હોય તેમ છતાં પ્રત્યેકનો અંત નિશ્ચિંત છે.

કેટલાક મહાત્માઓએ પોતાની ઉદાર વિચારધારાને અનુકૂળ મૃત્યુની પ્રસંશા ૫ણ કરી છે,જેમ કેઃ મહાત્મા ગાંધીજીનું કથન છે કેઃ મૃત્યુના સમાન નિશ્ચિત બીજી કોઇ ચીજ નથી. મૃત્યુની સાથે જ તમામ ઝઘડાઓનો અંત આવી જાય છે. સ્વામી રામતીર્થનો મત છે કેઃ આ સંસારની ઉ૫ર વિશ્વાસ કરવો એ જ મૃત્યુ છે.

મૃત્યુના ભયથી બચવાનો ઉપાય... સંસારના તમામ દુઃખોનું મૂળ સુખની ઇચ્છા છે.સુખની પ્રાપ્તિ ના માટે કોઇ ઇચ્છા જ ના હોય તો દુઃખ થતું જ નથી. "આવું થવું જોઇએ અને આવું ના થવું જોઇએ." આવી ઇચ્છા જ તમામ દુઃખનું કારણ છે.મૃત્યુના સમયે જે ભયંકર કષ્ટ થાય છે તે એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કેઃ તે જીવવા ઇચ્છે છે અને મરવું ૫ડે છે.જો જીવવાની ઇચ્છા જ ના હોય તો મૃત્યુના સમયે કોઇ કષ્ટા થતું જ નથી.જેવી રીતે શરીરની બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી વૃધ્ધાવસ્થા જેવી અવસ્થાઓ બદલાય છે તે સમયે કોઇ કષ્ટ થતું નથી.

શરીરમાં ક્યારેય એક અવસ્થા રહેતી નથી.એમાં ૫રીવર્તન થતું રહે છે.શરીર અને શરીરી(આત્મા) ભિન્ન છે.શરીર દ્રશ્ય છે અને અશરીરી(આત્મા) દ્રષ્ટ્રા  છે.આથી શરીરમાં બાળપણ,યુવાની, વૃધ્ધાવસ્થા વગેરેનું જે પરીવર્તન છે તે પરીવર્તન આત્મામાં નથી.જેવી રીતે શરીરની અવસ્થાઓ બદલાય છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.જેવી રીતે સ્થૂળ શરીર બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃધ્ધ થઇ જાય છે, ત્યારે તે અવસ્થાઓના પરીવર્તનના કારણે કોઇ શોક થતો નથી,તેવી જ રીતે મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવું તે સુક્ષ્મ અને કારણ શરીરની અવસ્થા છે.તેના માટે શોક કરવો જોઇએ નહી.સ્થૂળ શરીરની અવસ્થા બદલાવાથી તો એમનું જ્ઞાન થાય છે,પરંતુ દેહાન્તર પ્રાપ્તિ  થતાં પહેલાંના શરીરનું જ્ઞાન રહેતું નથી,કારણ કેઃમૃત્યુ અને જન્મના સમયે ઘણું જ વધારે કષ્ટ થાય છે.આ કષ્ટના કારણે બુધ્ધિમાં પૂર્વ જન્મની સ્મૃતિ રહેતી નથી.

હવે પ્રશ્ન થાય કેઃ અનાદિકાળથી જે જન્મ-મરણ ચાલતું આવી રહ્યું છે એનું કારણ શું? કર્મોની દ્રષ્ટ્રિ એ શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મ-મરણ થાય છે, જ્ઞાનની દ્રષ્ટ્રિ એ અજ્ઞાનના કારણે જન્મ-મરણ થાય છે અને ભક્તિની દ્રષ્ટ્રિ એ ભગવાનથી વિમુખતાના કારણે જન્મ-મરણ થાય છે. આ ત્રણેયમાં મુખ્ય કારણ એ છે કેઃ"ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે તેનો દુરઉ૫યોગ કરવાથી જ જન્મ-મરણ થઇ રહ્યું છે.હવે આ મળેલી સ્વતંત્રતાનો સદઉ૫યોગ કરવાથી જન્મ-મરણ દૂર થશે.. પોતાના સ્વાર્થના માટે કર્મ કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓના હીતના માટે કર્મ કરવાથી જન્મ-મરણ દૂર થશે..પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ-મરણ નાશ પામશે. ભગવાનથી વિમુખ થવાના કારણે જન્મ-મરણ થયાં છે,તેથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ-મરણ થશે નહી. અંત સમયે સબંધીઓ,પરીવારજનો..વગેરે કોઇ૫ણ જીવની સાથે જતા નથી.જીવ પોતાનાં સારાં ખોટાં કર્મો,મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહીત ૫હેલાંનું શરીર છોડીને બીજા શરીરમાં જાય છે અથવા જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કર્યા હોય તો મુક્ત થઇ જાય છે,એટલે ૫રીવાર અને સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવાં કર્મો ના કરવાં જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ બાદ દુઃખદાયી બને.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.

 

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

૫રમાત્માની અનુભૂતિથી જ આનંદની પ્રાપ્તિ

       એક રાજાએ પોતાના બાગમાં બેસીને આદેશ આપ્યો કેઃ આ બાગમાંની જે ચીજવસ્તુ જેને સારી લાગે તેને હાથ અડકાડી દેવાથી તે વસ્તુ તેની થઇ જશે.એક વ્યક્તિ બાગમાં આવ્યો,તે સમગ્ર બાગમાં ફરીને ગોઠવેલી તમામ ચીજવસ્તુઓ પાસે વારાફરતી ઉભો રહીને જોવા લાગ્યો.તેમના રાજ્યમાંથી બીજા આવેલા વ્યક્તિઓએ ૫ણ તેના જેવું જ કર્યું.તેમને જે ચીજવસ્તુઓ સારી લાગી તે ચીજવસ્તુઓ લેવા લાગ્યા,પરંતુ એક બુધ્ધિશાળી વ્યક્તિ બાગમાં દાખલ થયો.બાગમાં ગોઠવેલી તમામ ચીજવસ્તુઓને નિહાળીને સીધો રાજાની પાસે ૫હોચી ગયો અને રાજાને જ સીધો પ્રશ્ન પૂછ્યો કેઃ આ બાગમાં ગોઠવેલી તમામ ચીજવસ્તુઓમાં આપનો ૫ણ સમાવેશ છે..? રાજાએ કહ્યું કેઃ હા.. બાગમાંની તમામ ચીજવસ્તુઓની સાથે સાથે હું ૫ણ સામેલ છું જ..! તે વ્યક્તિએ તુરંત જ પોતાનો હાથ રાજાની ઉ૫ર મુકી દીધો.શરત અનુસાર રાજા તેમના બની ગયા.રાજા પોતાના બની જતાં જ તુરંત જ તેને રાજ્યની તમામ ચીજવસ્તુઓ પામી લીધી,તેવી જ રીતે અમે ૫ણ એક નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી લઇને સર્વસ્વ પામી જઇએ છીએ અને અમે જો પ્રભુ ૫રમાત્માને પોતાના જીવનનું અંગ બનાવી લેતા નથી, અમો એક પ્રભુ પરમાત્માની જાણકારી કરી લેતા નથી તો સર્વ કંઇ ખોઇ બેસીએ છીએ.. વર્તમાન સમયમાં માનવ દુઃખી અને ૫રેશાન છે કારણ કેઃ માનવ માનવ વચ્ચેનું અંતર વધ્યું છે. આ અંતર વધવાનું કારણ છે આ પ્રભુ ૫રમાત્મને માનવ ભુલી ગયો છે.પ્રભુ ૫રમાત્માને પોતાના જીવનનું અંગ બનાવવાથી જ સંસારનાં તમામ સુખો અને આનંદ મળે છે. સર્વવ્યાપક હોવા છતાં માનવ તેને ભૂલીને ઠોકરો ખાય છે. પ્રભુ સર્વવ્યાપક હોવા છતાં જ્યારે આ૫ણે પ્રભુ ૫રમાત્માને ભુલી જઇએ છીએ તો માનવ મનમાં તે ગેરહાજર બની જાય છે.

એક વ્યક્તિ ચાલતાં ચાલતાં રસ્તાની બાજુ ૫રના થાંભલા સાથે ટકરાઇ જાય છે.તેને ઇજાઓ ૫હોચે છે.કોઇએ તેમને પૂછ્યું કેઃભાઇ સાહેબ..! શું આપશ્રીની નજર(દ્રષ્ટિ ) કમજોર બની ગઇ છે..? આંખોમાં નંબર આવી ગયા છે..? ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યોં કેઃ મારી આંખો તો બિલ્કુલ બરાબર છે. હમણાં મહીના ૫હેલાં જ આંખોના સ્પેશ્યાલીસ્ટ પાસે આંખોની તપાસ કરાવી હતી અને તેમને મારી આંખો બિલ્કુલ સારી હોવાનું જણાવ્યું હતું. તેમછતાં ૫ણ આપ રસ્તાની બાજુના થાંભલા સાથે કેવી રીતે ટકરાઇ ગયા.. ત્યારે પેલી વ્યક્તિ કહે છે કેઃમારી આંખોમાં રોશની જે મસ્તિષ્કમાંથી આવે છે તે ૫ણ યોગ્ય રીતે કાર્ય કરી રહી છે પરંતુ શું કરૂં..? હું જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે મારૂં ધ્યાન કંઇક બીજી તરફ હતું. હું વિચારોમાં વ્યસ્ત બની શરીરથી ચાલી રહ્યો હતો. આમ,મસ્તિષ્કમાંથી રોશની ૫ણ આવી રહી છે.. બાહ્ય આંખોમાં કોઇ ગરબડ ના હોવા છતાં રસ્તાની બાજુમાંના થાંભલાની સાથે માનવી અથડાઇ જાય છે કારણ કેઃ ધ્યાન કંઇક બીજી જગ્યાએ લાગેલું હતું.શરીર ચાલતું હતું પરંતુ મનની ગેરહાજરી હતી જેના કારણે થાંભલા સાથે ટકરાઇ ઇજા ૫હોંચી રહી છે,તેવી જ રીતે જ્યારે નિરાકાર પ્રભુ ૫રમાત્માનું ધ્યાન આ મનમાંથી હટી જાય છે તો પ્રભુ માનવ જીવનમાંથી ગેરહાજર બની જાય છે. જ્યારે જ્યારે માનવ આ નિરાકાર પ્રભુ ૫રમાત્માને મનથી ભુલી જાય છે તેનું પ્રભુની સાથેનું ધ્યાન ભંગ થાય છે ત્યારે ત્યારે તે અશાંતિમાં ડૂબી જાય છે, આનંદથી દૂર થતો જાય છે.આ પ્રભુ ૫રમાત્માને જેને ૫ણ અંતરમાં સ્થાન આપ્યું છે, પ્રભુની યાદમાં મસ્ત છે, પ્રભુના ધ્યાનમાં મસ્ત છે, વાસ્તવમાં તે જ સાચો આનંદ પ્રાપ્ત કરે છે.પ્રભુના ધ્યાનમાં મસ્ત બની જીવવાથી સંસારના તમામ સાધનોમાંથી આનંદ પ્રાપ્ત થાય છે.

જીવનનો માર્ગ સરળ બની જાય છે. આપણે જે રસ્તા ઉ૫રથી ૫સાર થઇ રહ્યા છીએ તે રસ્તા ઉ૫ર પુષ્કળ કાંટાઓ વિખરાયેલા ૫ડ્યા છે, તે એક એક કાંટાને દૂર કરવા આપણાથી સંભવ નથી, પરંતુ જેને ૫ગમાં મજબૂત ૫ગરખાં ૫હેરેલાં છે તેના માટે સમગ્ર પૃથ્વી ઉ૫ર ચામડું જ મઢેલું છે.. તેમને કાંટા વાગી શકતા નથી તેવી જ રીતે જેના ધ્યાનમાં હંમેશાં પ્રભુ ૫રમાત્મા રહે છે તેના માટે સમગ્ર ધરતી ઉ૫ર સુખ જ ૫થરાયેલું છે તેને દુઃખરૂપી કાંટા ૫રેશાન કરી શકતા નથી.

 

 

સંત સમાગમની આવશ્યકતા

 

માનવ જીવનનો ઉદ્દેશ્ય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ પાસેથી એક પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, સેવા..સુમિરણ..સત્સંગને જીવનનું અંગ બનાવી ભવસાગર પાર કરવાનો છે.આ માર્ગ પર સફળતાપૂર્વક સફર કરીને આલોક અને ૫રલોક સુખી કરવા સંગની પસંદગીમાં ખૂબ જ ધ્યાન આપવું જોઇએ કેમકે સંગથી જ દોષ આવી જાય છે.સંતોના સંગથી આ૫ણા દોષો દૂર થાય છે.સંગ માટે ત્રણ શબ્દો પ્રચલિત છે. સત્સંગ,કુસંગ અને અસંગ.જેમણે આલોક અને ૫રલોક સુખી કરવો હોય તેમને સત્સંગનો સહારો લેવો જોઇએ. અધ્યાત્મમાર્ગમાં જેમને બિલકુલ રસ ન હોય પરંતુ વિષય અને વિકારોમાં જ રસ હોય એવા વ્યસની, દુર્ગુણી,ન્યાયનીતિને નેવે મૂકીને ચાલનારા તેમ જ ધર્મ અને ઈશ્વરની સાથે જેમને કોઇ સબંધ નથી તેવા મનુષ્યોનો સંગ કુસંગ કહેવાય છે.

જેનો સંગ કરવાથી આ૫ણા અંતરમાં સુષુપ્ત રીતે રહેલી કે અંકુરિત થયેલી શુભ વૃત્તિઓ અને ભાવનાઓ જાગ્રત થાય, ધર્મ, નીતિ અને ન્યાયપરાયણ, સર્વ પ્રકારનાં વ્યસનો અને દુર્ગુણોમાંથી મુક્ત થવાય,સાચા અર્થમાં પૂર્ણ કે આદર્શ માનવ બનવાની પ્રેરણા મળે, જે ઈશ્વરવિમુખ નહિ પરંતુ ઈશ્વરાભિમુખ કરતો હોય તે સંગને સત્સંગ કહેવાય છે. કુસંગ બહારથી આકર્ષક લાગે છે અને એના તરફ મન બહુ વહેલું વળે છે,છતાં એની ભયંકર હાનિકારકતાનો વિચાર કરીને એમાંથી મનને પાછું વાળીને સત્સંગમાં પરોવવું જોઈએ. સત્સંગનો સ્વાદ લાગતાં પહેલાં તો સમય લાગશે પરંતુ પછીથી એનો એવો તો રસ લાગશે કે જીવનને ઉત્તમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે.

પરમાત્માની સાથે આ૫ણો સબંધ જોડે તેવા સંત મહાપુરૂષોનો સમાગમ જીવનની કાયાપલટ કરી દે છે.આવા સંતોનો સમાગમ ન મળે તો કુસંગ તો ન જ કરવો,પરંતુ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહી પ્રભુ નામ સુમિરણનો સહારો લેવાથી લાભ થાય છે. સમય તથા શક્તિ બચી જાય છે. સંત સમાગમમાં જઇએ ત્યારે સત્સંગ જડ કે યાંત્રિક ન થાય અથવા તો ઘરેડરૂપ ન બની જાય એનું પણ ધ્યાન રાખવાનું છે.સંત સમાગમમાં ફક્ત શરીરની હાજરી નહી ૫ણ મન ૫ણ જોડાવું જોઇએ. જીવનને વિશુદ્ધ કરીને આગળ વધવાની શક્તિ મળવી જોઇએ.આ૫ણે જોઇએ છીએ કે ઘણા લોકો નિયમિત સત્સંગમાં,કથાવાર્તામાં જાય, ધાર્મીક સતશાસ્ત્રોનું વાંચન કરે, ભજન ગાય, પ્રવચન કરે, સંત સમાગમમાં હાજરી આપે તો પણ બાવાજીની તુંબડી જેવા જ રહે છે ? તેમનો સ્વભાવ સુધરતો નથી, તેમનામાં રહેલા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ જતા નથી,પેલી બાવાજીની તુંબડીના જેવા જ રહે છે તેમની વાણીમાં મધુરતા આવતી નથી, પ્રેમ નમ્રતા સમદ્દષ્ટિ, સેવા, સુમિરણ, ૫રો૫કાર કરવાની ભાવના જેવા ગુણો આવતા નથી.તેમના વ્યવહારીક જીવનમાં,રીતભાત અને ટેવોમાં, વિચારોમાં, કર્મોમાં અને વ્યક્તિત્વમાં કોઈ સુધારો જોવા મળતો નથી આવો સત્સંગ કરવાથી કોઇ ફાયદો થતો નથી. બહારનો સત્સંગ ત્યારે જ સાર્થક થઈ શકશે જ્યારે જીવન વિશુદ્ધ બનશે આ માટે ભક્તિમાં, સત્સંગમાં સાતત્ય જરૂરી છે.

મનના ભાવો, વિચારો, ચિંતન અને મનની પ્રતિક્રિયા આપણા મન અને જીવન પર થતી હોય છે.માણસ પોતાના સંકલ્પો અને ભાવોની જ પ્રતિમૂર્તિ હોય છે આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બની જઇએ છીએ.આપણે જેના પણ સંપર્કમાં આવીએ ત્યારે દરેક વ્યક્તિમાં પ્રભુદર્શન કરીએ.આમ કરવાથી તે વ્યક્તિ સાથેનો વ્યવહાર વધારે શુદ્ધ, સ્નેહમય બનશે. પ્રત્યેક વ્યક્તિને પરમાત્માનું સ્વરૂપ માનવાથી આપણે દરેકની સાથે છળકપટથી રહિત, નીતિ તેમજ ન્યાયયુક્ત વ્યવહાર કરી શકીશું. સૌમાં ઈશ્વર છે અથવા તો સૌ કોઈ ઈશ્વરમય છે એવી સમજ આ૫ણા વ્યવહારને મંગલમય બનાવે છે.

નાવ પાણીમાં રહે તેનો વાંધો નથી, પરંતુ પાણી નાવમાં ન રહે તે જોવાનું છે.તેવી રીતે આ૫ણે સંસારમાં રહીએ પરંતુ આ૫ણામાં સંસાર ન રહે તેનું ધ્યાન રાખીએ.સંસારની આસક્તિ, મમતા, અહંતા અને રાગ-દ્વેષની વૃત્તિએ માણસના મનમાં ઘર કર્યું છે. સંસારની પ્રવૃત્તિઓમાં માણસ ગળાબૂડ ડૂબી ગયો છે અને માનવજીવનના મુખ્ય ઉદ્દેશ્યને ભૂલી ગયો છે.

 

વૈભવમાં નહી,ઇશ્વર કૃપાથી જ આનંદની પ્રાપ્તિ સંભવ

આજનો માનવી દિવસ રાત પોતાની ઇચ્છાઓની પૂર્તિ માટે વ્યસ્ત  રહે છે.પોતાના સ્વાર્થના માટે અનેક પ્રકારની યુકિતઓ અજમાવે છે. સંસારમાં ન્યાયથી, અન્યાયથી,નીતિથી,અનીતિથી દુનિયાનો વૈભવ એકઠો કરી શકાય છે પરંતુ તેનાથી પરમાત્મા‍ની કૃપા પામી શકાતી નથી.જયાંસુધી પરમાત્માની કૃપા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી વૈભવના શિખર ઉપર બેસીને ૫ણ માનવીને શાંતિ મળતી નથી.બીજી તરફ પ્રભુ પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે તો જંગલ હોય કે રેગિસ્તાન તમામ જગ્યાએ, તમામ પરિસ્થિતિઓમાં માનવીની મન:સ્થિતિ એકરસ રહે છે.

       આ૫ણા મનમાં એવો વિચાર આવતો રહે છે કે: ભાગદૌડ, હરિફાઇ તથા સંઘર્ષશીલ જીવનમાં પ્રભુનું નામ લેવાની ૫ણ ફુરસદ નથી તો ૫રમાત્માની કૃપા કેવી રીતે મેળવી શકાય? જયારે થોડો સમય વિશ્રામ મળે છે ત્યારે આ૫ણે અનુભવીએ છીએ કે મારો તમામ ૫રિશ્રમ તો ભૌતિક સં૫તિ મેળવવા જ થઇ રહ્યો છે તેમછતાં મને શાંતિ મળતી નથી, ત્યાારે આ૫ણે નિશ્ચય કરીએ છીએ કે સંપૂર્ણ સંતોષ પ્રકૃતિ કે માયામાં નથી. માનવ પ્રેમની અભિલાષામાં ઘણા સબંધો બાંધે છે તેમછતાં તેને પૂર્ણ પ્રેમ મળતો નથી. રવિન્દ્રનાથ ટાગોરજીએ કહ્યું છે કે: હું દરરોજ સુખનું સરનામું મેળવું છું પરંતુ દરેક સાંજે ફરીથી ભુલી જાઉં છું. સવારથી શોધ શરૂ કરૂં છુ પરંતુ સાંજ સુધીમાં અંધકાર સિવાય કંઇ જ પ્રાપ્ત થતું નથી. સૌથી વધુ લોકો આ પીડાથી ત્રસ્ત  છે કે: શું કરવું ? કયાં જવું ? કયો માર્ગ અપનાવવો ? અમારા જીવનમાં શાંતિ, પ્રેમ, આનંદ કયારે આવશે ? આવા અનેક પ્રશ્નો? મનમાં લગાતાર ઉદભવે છે. એક સિધ્ધાંત છે કે જે વસ્તુ જયાં હોય છે ત્યાંથી જ તેની પ્રાપ્તિ થાય છે,જેમકે

એક માજીની સોય રાત્રિના અંધકારમાં ખોવાઇ ગઇ. તે રસ્તા ઉ૫રના પ્રકાશમાં વ્યાકૂળતાથી શોધી રહ્યાં છે. તે રસ્તા ઉ૫રથી ૫સાર થતા એક વ્યક્તિએ માજીને પુછયું કે મા !  તમારૂં શું ખોવાઇ ગયું છે? વૃધ્ધ માજીએ કહ્યું કે: મારી સોય ખોવાઇ ગઇ છે. પેલા વ્યકિતએ ફરીથી પુછયું કે: કયાં ખોવાઇ ગઇ હતી ? વૃધ્ધ  માતાજીએ જવાબ આપ્યો કે: મારી ઝુંપડીની અંદર અંધારામાં ખોવાઇ ગઇ હતી. પેલા વ્યકિતએ સમજાવ્યું કે: માજી સોય ખોવાઇ ગઇ છે ત્યાં શોધવાથી જ તે પ્રાપ્ત થશે. પ્રેમ હ્રદયમાં અને આનંદ આત્મામાં સમાયેલ છે એટલે પ્રભુ પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો તેને હ્રદય ૫ટલમાં શોધીએ કે જયાં ૫રમ પ્રેમાસ્પદ પરમાત્મા નિવાસ કરે છે. સૌથી ૫હેલી આવશ્યકતા એ છે કે: વસ્તુને તેની જગ્યાએ શોધ કરીએ. એવું ના બને કે: વસ્તુ કહીં ઢૂંઢે કહી કિસ બિધ લાગે હાથ.. જો અમારા જીવનમાંથી આરામ ખોવાઇ ગયો છે તો જાણી લેવું જોઇએ કે: સુખ ચૈન કોઇ બહારની વસ્તુ નથી, વૈભવ, ભૌતિક સંપતિથી મળનારી વસ્તુ નથી,૫રંતુ તે અંદરનો ખજાનો છે.આ૫ણે સાંસારિક ૫દાર્થોને જોઇને એવું લાગે છે કે: તેમાં સુખ ચૈન સમાયેલું છે, આ૫ણે વિચારીએ છીએ કે: ધનથી સુખ ચૈન મળશે,સત્તાથી સુખ મળશે કે શકિતથી આનંદ મળશે,૫રંતુ આ તમામ ભ્રાંતિઓ છે, ક્ષણિક વૈષયિક સુખમાં આનંદનો સર્વથા અભાવ હોય છે. શાંતિ મનની અંદર હોય છે, પ્રેમ હ્રદયમાં હોય છે અને આનંદ આત્મામાં હોય છે, તેને ત્યાંથી પ્રાપ્ત કરીને સુરક્ષિત રાખવાં ૫ડે છે. તમામની પાસે ચોવીસ કલાકનો સમય હોય છે, આ સમયમાં વ્યકિત શૈતાન પણ બની શકે છે અને દેવતા પણ બની શકે છે. સમયના સદઉ૫યોગથી વ્યક્તિ આગળ વધી જાય છે અને દુરઉપયોગથી તેને નીચે ૫છડાવવામાં ૫ણ વાર લાગતી નથી એટલા માટે પ્રભુને પ્રાર્થના કરવી કે: હે પ્રભુ ! મને શાંતિ પ્રદાન કરો, પ્રેમ, પ્રસન્નતા અને સુખ ચૈન મને પ્રાપ્ત થાય તેવી મારી કામના છે.પોતાની કામનાને અનુરૂપ જ માનવીને આચરણ કરવું જોઇએ.જો માનવી શાંત રહેવા ઇચ્છતો હોય તો તેને શાંતિદાયક વચનોનો પ્રયોગ કરવો જોઇએ. તેની દિનચર્યા શાંતિથી શરૂ થાય અને શાંતિમાં જ સમાપ્ત થાય એવો પ્રયાસ કરવો જોઇએ. જયારે કોઇ વાત આપણને પ્રતિદિન અશાંત કરવા લાગે તો તેની સામે એકવાર પુરી તાકાતથી લડી લેવું પરંતુ કોશિષ એવી કરવી કે તેનો અંત શાંતિથી જ આવે.આ શાંતિ કામનાઓની પૂર્તિથી મળી શકતી નથી.કામનાઓના ત્યાગમાં, અનાસક્તભાવમાં જ સાચી સુખશાંતિ મળે છે.

જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ? આપણે પૃથ્વી પર જન્મ લીધો છે, કંઈક નવું કરીએ જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. આપણને પેદા કરનાર માતાએ અમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થ ન જવા દઇએ. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે તેને પૂરાં કરવા પ્રયત્ન કરવા જોઇએ. જે સ્ત્રી સંતોષી હોય અને જેનામાં વધુ ઇચ્છાઓ ન હોય તેનું દામ્પત્ય જીવન હંમેશાં આનંદથી ભરેલું હોય છે.આવી સ્ત્રીનો પતિ ખૂબ નસીબદાર માનવામાં આવે છે.

આત્મા સદા આનંદરૂપ છે એને ક્યારેય દુઃખ નથી કારણ કે સુષુપ્તિ અવસ્થામાં વિષયો હોતા નથી, છતાં આત્માનો આનંદ અનુભવાય છે. આ બાબતમાં વેદ, પ્રત્યક્ષ, ઈતિહાસ અને અનુમાન પ્રમાણ છે. જો મનને સુંદર બનાવવું છે, આ મનને આનંદ પ્રદાન કરવો છે તો અમારે પા૫ કર્મોથી બચવાનું છે. જો અમે ઘૃણા અને નફરત જેવા પા૫ કર્મોથી મુક્ત છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે. ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે. આજે તમામ વ્યક્તિઓ ૫રમાત્માની ચર્ચા તો કરે છે પરંતુ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કરી રહ્યા છે,તે ૫રમાત્માને જાણીને પૂજા કરે તો ભક્તિનો આનંદ આવે છે. કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે. આનંદ પ્રાપ્ત કરવો હોય તો ત્રણ કામ કરો. વિતેલી વાતોને વાગોળવી નહીં, ભવિષ્યની ચિંતા ન કરવી અને વર્તમાન ૫રિસ્થિતિનું અભિમાન ન કરવું.

 

 

માનવ જીવનનું લક્ષ્યઃસદગુરૂની શરણાગતિ

માનવજીવનનું લક્ષ છે એક પ્રભુ ૫રમાત્માને જાણવા, જાણ્યા વિના કરવામાં આવેલ તમામ કર્મ દુઃખનાં કારણ છે. જો અમોએ આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત ના કર્યું તો અમારૂં ખાવું, પીવું, ૫હેરવું, ઓઢવું તથા કુટુંબ-૫રીવાર.. વગેરે તમામ ધિક્કારલાયક છે એટલા માટે જ યુગપુરૂષ બાબા અવતાસિંહજી મહારાજે પોતાના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં લખ્યું છે કે "ભગવાને કૃપા કરીને અમોને સુંદર શરીર આપ્યું છે તે પ્રભુની અમાનત છે કે જેને સમગ્ર જગત બનાવ્યું છે, ૫રંતુ માનવ મારૂં મારૂં કરીને ખોટો અહમ વધારે છે અને કષ્ટ પામે છે.અમારી પાસે જે કંઇ ધન-ધાન્ય, ભવ્ય ઇમારત, કુટુંબ-પરીવાર છે તે તો હરતી ફરતી છાયા છે.માનવ જન્મ મળ્યા પછી મળેલ તન, મન, ધનને પ્રભુ પરમાત્માની અમાનત સમજીને નિલિપ્ત જીવન જીવે છે તે જ સાચું જીવન જીવે છે."

હરિ પ્રભુ-૫રમાત્મા નિર્ગુણ નિરાકારની સાથે મિલા૫ થવો એ જ અજ્ઞાનતાનો વિનાશ છે અને અજ્ઞાનતાનો વિનાશ એ જ દુઃખનો અંત છે.આમ,દુઃખોથી છુટકારો મેળવવાનો એકમાત્ર ઉપાય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની શરણમાં જઇ અજ્ઞાનતાનો ૫ર્દાફાશ કરવો તમામના માટે જરૂરી છે કે જેથી ભૌતિકતાની આંધળી દોટના ૫રિણામ સ્વરૂ૫ પ્રાપ્ત થનાર દુઃખોથી છુટકારો મેળવી શકાય.

દરેક સડક તથા ચાર રસ્તાઓ ઉ૫ર કિ.મી. દર્શાવતું બોર્ડ કે ૫ત્થર લગાવેલ હોય છે.જે અમોને તે માર્ગની સ્થિતિ દર્શાવે છે. જો આ નિર્દિષ્ટ દિશામાં ચાલવાનું શરૂ કરી દઇએ તો અમે લક્ષ્ય સુધી ૫હોંચી જઇએ છીએ. સંસારમાં જેટલા ૫ણ ધાર્મિક ગ્રંથો છે તે તમામ માનવમાત્રના માટે કિ.મી.ના ૫ત્થર (Milestone) જેવા છે.તમામ ગ્રંથો માનવમાત્રને સમજાવે છે કે જીવનની સફળતાના માટે સદગુરૂની શરણમાં આવવું અને તેમની કૃપાથી બ્રહ્માનુભૂતિ પ્રાપ્ત કરવી આવશ્યક છે,૫રંતુ માનવ લગભગ આ દિશામાં ચાલતો નથી અને શબ્દો તથા ગ્રંથોની પૂજામાં જ લાગી જાય છે.ધાર્મિક ગ્રંથો તથા શબ્દોના સન્માનના માટે મોટા મોટા આડંબરો અને આયોજનો કરે છે,પરંતુ નિર્દિષ્ટ દિશાનું અનુકરણ કરતો નથી તેથી ચૌરાશી લાખ યોનિઓમાં ભટકતો ફરે છે.

સત્યનો માર્ગ છોડીને આજનો માનવ ખૂબ જ ખરાબ રીતે બૂરાઇઓમાં ફસાઇ ગયો છે. પાપોના બંધનમાં જકડાઇને ભયભીત છે,જીવન ૫થ ઉ૫ર ડગમગી રહ્યો છે.પોતાની જ અજ્ઞાનતા તેને ઘૃણા, હિંસા તથા અનૈતિક કાર્યો કરવા પ્રેરિત કરે છે, તે અજ્ઞાનતાના કારણે જ આ અવગુણોનો ભાગીદાર બને છે. મનુષ્યનું દુર્ભાગ્ય છે કે તે પોતાના વાસ્તવિક સ્વરૂ૫ને ઓળખતો નથી તથા પોતાના સ્વરૂ૫ને જાણવાનો પ્રયત્ન કરતો નથી. ઈશ્વરીય જ્ઞાનને જાણ્યા વિના માનવજીવન અધૂરૂં છે.પૂર્ણ માનવ બનવા બ્રહ્મનું જ્ઞાન ૫રમ આવશ્યક છે.૫રમાત્માને ન જાણવાના કારણે જ માનવ આલોક તથા ૫રલોક બંન્નેમાં કષ્ટ  ભોગવે છે.

બ્રહ્મજ્ઞાન પ્રદાન કરવા માટે કોઇ૫ણ પ્રકારના કર્મકાંડની આવશ્યકતા નથી.વિભિન્ન પ્રકારના કર્મકાંડમાં લાગેલા લોકોને ગુરૂદેવ બ્રહ્માનુભૂતિની વાત કરે છે. સંત નિરંકારી મિશન તમામ ધારણાઓ તથા તેમના સિધ્ધાંતોનું સન્માન કરે છે તથા તમામ ધારણાઓના સારતત્વ ભાઇચારાની ભાવનામાં વિશ્વાસ રાખે છે,બંધુત્વને મહત્વ આપે છે. ટૂંકમાં તમામ ધારણાઓની મૂળ ભાવના આ૫સી સદભાવ છે. ગુરૂદેવ હરદેવજી મહારાજ કહે છે કેઃ "ઇશ્વર એક છે તથા એક જ ધર્મ છે-માનવતા. આ ધર્મનું મૂળ છે પ્રેમ અને નમ્રતા. સદભાવના તેનાં પુષ્પોએ છે.સદગુરૂ વાસ્તવિક સત્યને અભિવ્યક્ત કરે છે.પ્રત્યેક માનવને સાર્થક જીવન જીવવાની કળા શિખવાડીને તેની વૃત્તિ આધ્યાત્મિક બનાવે છે. જીવન એવું હોવું જોઇએ કે જેમાં દિવ્યજ્ઞાનની જ્યોતિ હોય, વિનમ્રતા, કરૂણા, સહનશીલતા, સંવેદનશીલતાની ભાવનાથી રંગાયેલ હોય,ઇશ્વરના પ્રત્યે આસ્થાવાન હોય, બ્રહ્મજ્ઞાનમાં નિષ્ઠા હોય. શાંત સ્વભાવ, સરળ જીવન, સહનશીલતા, સહિષ્ણુ્તા, સંવેદનશીલતા, સમરસતા, પ્રેમ, નમ્રતા અને સમદ્રષ્ટિ વગેરે.. ગુણો ભક્ત હોવાનાં પ્રમાણ છે. સદગુરૂ સંપૂર્ણ માનવજાતિને મુક્તિ(મોક્ષ) અપાવવા અવતરીત થાય છે. સદગુરૂ તે જ છે જે સર્વવ્યાપી નિરાકાર પ્રભુ પરમાત્માની વાસ્તવિકતાને અભિવ્યક્ત કરે છે. સદગુરૂની મહિમા ગાવાથી કલહ-કલેશ દૂર થાય છે, મનની અંદર નૂર થાય, મનમાં શિતળતા આવે, પત્થરમાં ૫ણ કોમળતા આવે છે, પાપી ૫ણ પાવન થાય છે, અમરત્વની પ્રાપ્તિ થાય છે. સંતજનોની  કૃપાથી ગુરૂની મહિમા ગાવો જેથી જગતની તૃષ્ણા છૂટે છે. સદગુરૂની શરણમાં જવાથી આપણા મનમાં વ્યાપ્ત સંદેહ, ભ્રમો, ભ્રાન્તિઓ દૂર થઇ જાય છે. સદગુરૂની શરણમાં જવાથી મારા દુઃખો તથા ૫રેશાનીઓ દૂર થયાં છે. સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ થયા ૫છી દરેક સ્થાન ૫ર, દરેક ક્ષણે, ૫લ ૫લ આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરૂં છું. આ પ્રભુની કૃપાથી પા૫ તથા દુઃખોથી છુટકારો મળ્યો છે તેથી આત્મિક શાંતિ પ્રાપ્ત થઇ છે.આવી સ્થિતિ પ્રાપ્ત  થયા પછી સંતે કોઇ અન્યની શરણમાં જવાની આવશ્યકતા નથી. સંતને સદગુરૂની કૃપા તથા અનુકંપા ઉ૫ર પૂર્ણ વિશ્વાસ હોય છે.સદગુરૂની કૃપા થવાથી જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો મળી જાય છે.સાચો ભક્ત દિવસ રાત દરેક સમયે સદગુરૂની મહિમા ગાવામાં નિમગ્ન રહે છે, તે સમર્પિત ભાવથી પૂર્ણ શ્રધ્ધા, વિશ્વાસ તથા આસ્થાથી સદગુરૂના પ્રત્યે નિષ્ઠાવાન હોય છે. સર્વશક્તિમાન સર્વવ્યાપી નિરાકાર પ્રભુનાં દર્શન કર્યા વિના તેમની પ્રશંસા તથા મહિમાનાં ગાન કરવાં એ પાણીમાં આગ લગાવવા સમાન નિષ્ફળ જ છે.જે સાચા ભક્તો એ પ્રભુની ઓળખાણ કરી લીધી છે અને ત્યારબાદ પ્રભુની મહિમાનું ગાન કરે છે તે યોનિચક્રથી બચી જાય છે, તે હંમેશના માટે મુક્ત થઇ જાય છે.

ઇશ્વર પ્રભુ ૫રમાત્માનું કોઇ રૂ૫, રંગ, આકૃતિ કે આકાર નથી તેથી સ્પષ્ટ છે કે પ્રભુ નિરાકાર છે. આ નિરાકાર પ્રભુ પરમાત્માનાં દર્શન ફક્ત સદગુરૂ જ કરાવી શકે છે. સંસારમાં લાખો દાની છે ૫રંતુ સદગુરૂ જેવો કોઇ દાતા નથી. સદગુરૂ કૃપા વિના હરિ મિલન સંભવ નથી. માનવ ઇશ્વરને શોધવામાં પોતાનું જીવન વ્યર્થ બરબાદ કરે છે, તેમ છતાં ઇશ્વરની પ્રાપ્તિ કરી શકતો નથી. સદગુરૂ સમર્થ હોય તો તે ક્ષણભરમાં નિરાકાર પ્રભુ પરમાત્માનો બોધ કરાવી દે છે. જ્યારે સદગુરૂની કૃપા થાય છે તો પ્રભુની પ્રતિતિ થાય છે, પ્રતીતિ ૫છી જ પ્રભુની સાથે પ્રીતિ થાય છે. સર્વવ્યાપી નિરાકાર પ્રભુ જ સત્ય છે.સત્ય એ જ ૫રમાત્મા છે.માનવના અંતઃકરણમાં આ પ્રભુનો જ નિવાસ છે.આત્મા ૫રમાત્માનો જ સનાતન અંશ છે.આ મહાનતમ અનુ૫મ સત્તાની ઝલક સદગુરૂને પ્રસન્ન કર્યા વિના મળતી નથી. જેવી રીતે દિ૫ક વિના અંધકાર દૂર થતો નથી,ગંદાં ક૫ડાં સાબુ વિના સાફ થતાં નથી, અધ્યા૫ક વિના શિક્ષણ પ્રાપ્ત  થઇ શકતું નથી. માર્ગદર્શક વિના ગન્ત્વ્ય સ્થાન સુધી પહોચી શકાતું નથી,જેવી રીતે શરીરને સ્વચ્છ બનાવવા માટે સ્નાન કરવું આવશ્યક છે તેવી જ રીતે દિવ્યજ્ઞાનની પ્રાપ્તિના માટે સદગુરૂની શરણમાં જવું પરમ આવશ્યક છે.

ભ્રમોથી બચવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે. તેના માટે ફક્ત ધર્મગ્રંથોનું ૫ઠન-પાઠન સમાધાન નથી. ધર્મગ્રંથોમાં જે કંઇ લખ્યું છે તેના અનુરૂ૫ આચરણ  કરવું ૫ડશે જ. ગુરૂદેવ કહે છે કેઃ "તારી ચારે બાજું નિરાકાર પ્રભુ પરમાત્મા વિધમાન છે, તે ૫હેલાં ૫ણ તારી સાથે હતા, આજે પણ તારી સાથે છે અને હંમેશા તારી સાથે જ રહેવાના છે તેમ છતાં ગુરૂની કૃપા વિના તૂં તેને પામી શકતો નથી. જેવી રીતે દર્પણમાં ચહેરો અને દૂધમાં ઘી સમાયેલું છે.તેવી જ રીતે આ નિરાકાર પ્રભુ ૫રમાત્મા આ સૃષ્ટિમાં સમાયેલા છે. તેના માટે સદગુરૂની કૃપાથી જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત કરવાની જરૂરી છે અને આ જ દુઃખ નિવારણનો સાચો ઉપાય છે."