Pages

▼

Wednesday, 4 November 2026

રામચરિતમાનસ અનુસાર ચાર સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ.

 

રામચરિતમાનસ અનુસાર ચાર સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ.

 

ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત 'શ્રી રામચરિતમાનસ' માત્ર એક ધાર્મિક ગ્રંથ જ નહી પરંતુ તે માનવજીવન માટે નીતિ,આચાર-વિચાર અને સંસ્કારોનો અખૂટ ભંડાર છે.રામચરિતમાનસમાં શ્રીરામના આદર્શો દ્વારા મનુષ્યને સાચા અને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપવામાં આવી છે.આ ગ્રંથમાં સમાજ અને પરિવારમાં સ્ત્રીઓના સન્માન અને સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

 

કિષ્કિંધા કાંડમાં ભગવાન શ્રીરામ વાલીનો વધ કર્યા પછી તેને નીતિનો મહાન ઉપદેશ આપતાં ચાર પ્રકારની સ્ત્રીઓ વિશે જણાવે છે.રામચરિતમાનસ અનુસાર દરેક સંજોગોમાં આ ચાર સ્ત્રીઓનું સન્માન કરવું એ દરેક પુરુષનો પરમ ધર્મ છે.રામચરિતમાનસની પવિત્ર ચોપાઈ અને તેનો અર્થ જોઇએ..

 

અનુજ બધૂ ભગિની સુત નારી,સુનુ સઠ કન્યા સમ એ ચારી

ઇન્હિહ કુદ્રષ્ટિ બિલોકઇ જોઈ,તાહિ બધેં કછુ પાપ ન હોઈ

 

હે મૂર્ખ વાલી ! નાના ભાઈની પત્ની,બહેન,પુત્રની પત્ની-પુત્રવધૂ અને પોતાની પુત્રી-આ ચારેય સ્ત્રીઓ સમાજ અને ધર્મની દ્રષ્ટિએ પુત્રી સમાન હોય છે.જે મનુષ્ય આમના પર કુદ્રષ્ટિ કરે તેમનું અનાદર કરે છે તેનો વધ કરવાથી પણ કોઈ પાપ લાગતું નથી.

 

આ ચાર સ્ત્રીઓનું મહત્વ અને સંબંધિત પૌરાણિક ઘટનાઓ..

 

રામચરિતમાનસમાં નાના ભાઈની પત્નીને પોતાની પુત્રી સમાન સ્થાન આપવામાં આવ્યું છે.જે રીતે એક પિતા પોતાની પુત્રીનું રક્ષણ કરે છે તે જ રીતે મોટા ભાઈએ પોતાના નાના ભાઈની પત્નીની મર્યાદા અને સન્માનની રક્ષા કરવી જોઈએ.

 

પૌરાણિક સંદર્ભ-વાલી અને રૂમાનો પ્રસંગ..કિષ્કિંધાના રાજા વાલીએ પોતાના નાના ભાઈ સુગ્રીવ સાથે વૈર બાંધી તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યો હતો અને સુગ્રીવની પત્ની રૂમાને બળજબરીથી પોતાના અધિકારમાં કરી લીધી હતી.આ કૃત્ય ધર્મ અને કૌટુંબિક મર્યાદાની વિરૂદ્ધ હતું.જ્યારે ભગવાન શ્રીરામે વાલી પર બાણ ચલાવ્યું ત્યારે વાલીએ શ્રીરામને પ્રશ્ન કર્યો કે તેમણે છુપાઈને તેનો વધ કેમ કર્યો? ત્યારે શ્રીરામે આ ચોપાઈ કહીને સ્પષ્ટ કર્યું કે નાના ભાઈની પત્ની પર કુદ્રષ્ટિ નાખવી એ મહાપાપ છે.આ જ પાપની સજા રૂપે વાલીનો વધ ધર્મસંમત હતો.

 

પુત્રવધૂ ઘરની લક્ષ્મી અને પિતા સમાન શ્વસુર માટે પુત્રી સમાન હોય છે.પુત્રવધૂના માન-સન્માનની રક્ષા કરવી એ સમગ્ર પરિવાર અને ખાસ કરીને શ્વસુરનો પરમ ધર્મ છે,તેની સાથે ખરાબ વર્તન કરવું કે તેનું અનાદર થતું જોઈને ચૂપ રહેવું એ પણ પાપનું ભાગીદાર બનાવે છે.

 

પૌરાણિક સંદર્ભ-રાવણ અને રંભાનો પ્રસંગ..પૌરાણિક કથાઓ અનુસાર એકવાર સ્વર્ગની અપ્સરા રંભા કુબેરના પુત્ર નલકૂબરને મળવા જઈ રહી હતી.રાવણે કામવશ થઈને તેને અટકાવી.રંભાએ રાવણને વિનંતી કરી કે તે નલકૂબરની વાગ્દત્તા-ભાવિ પત્ની હોવાથી સંબંધમાં રાવણની પુત્રવધૂ સમાન છે છતાં રાવણે અહંકાર અને વાસનામાં આવી તેનું અપમાન કર્યું.રંભા અને નલકૂબરના શ્રાપને કારણે રાવણના વિનાશના બીજ વવાયા.પુત્રવધૂ સમાન સ્ત્રી પર અત્યાચાર એ રાવણ જેવા મહાપ્રતાપી રાજાના સર્વનાશનું મુખ્ય કારણ બન્યો.

 

પોતાની પુત્રી એ પિતાના સ્નેહ,સંસ્કાર અને ઘરની પ્રતિષ્ઠાનું પ્રતીક છે.પુત્રીનું રક્ષણ કરવું તેને યોગ્ય સંસ્કાર આપવા તથા દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેની સાથે ઊભા રહેવું એ દરેક પિતાનો નૈતિક અને ધાર્મિક ધર્મ છે.

 

નીતિ અને પરિણામ..પોતાની દીકરી પ્રત્યે ખરાબ ભાવના રાખવી,તેનું શોષણ કરવું કે તેને દુઃખ આપવું એ સૃષ્ટિના નિયમો વિરુદ્ધનું અત્યંત નિકૃષ્ટ પાપ છે.આવું કૃત્ય કરનાર વ્યક્તિ ગમે તેટલા જપ-તપ કે દાન-પુણ્ય કરી લે તો પણ તે પોતાના પાપમાંથી મુક્ત થઈ શકતી નથી.આવા મનુષ્યને આ લોક અને પરલોકમાં અસહ્ય કષ્ટ ભોગવવા પડે છે.

 

રામચરિતમાનસ અને વૈદિક પરંપરામાં બહેન સાથેનો સંબંધ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર નાની બહેનને પુત્રી સમાન અને મોટી બહેનને માતા સમાન આદર આપવો જોઈએ.જે ભાઈ પોતાની બહેનના સુખ-દુઃખમાં સહભાગી બનતો નથી તેના માન-સન્માનની રક્ષા નથી કરતો કે પોતાના સ્વાર્થ ખાતર તેનું અપમાન કરે છે,તેની ગણના રાક્ષસી પ્રવૃત્તિ ધરાવતા મનુષ્યમાં થાય છે.બહેનની રક્ષા કરવી એ ભાઈની નૈતિક ફરજ છે અને બહેનનો આત્મા દુભાવનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સંતોષ કે શાંતિ મેળવી શકતી નથી.

 

આદર્શ સમાજના નિર્માણમાં રામચરિતમાનસનું મહાન યોગદાન છે.તુલસીદાસજીએ રામચરિત માનસમાં દર્શાવેલી આ નીતિ માત્ર પ્રાચીન સમય પૂરતી મર્યાદિત નથી પરંતુ આજના આધુનિક યુગમાં પણ એટલી જ પ્રાસંગિક છે.આજના સમયમાં જ્યારે સમાજમાં સ્ત્રી સુરક્ષા અને સન્માન એક ગંભીર વિષય બન્યો છે ત્યારે રામચરિતમાનસની આ ચોપાઈ આપણને કૌટુંબિક મર્યાદાઓ અને નૈતિક મૂલ્યોનું ભાન કરાવે છે.

 

પરિવારમાં નાના ભાઈની પત્ની,પુત્રવધૂ,દીકરી અને બહેન-આ ચારેય સ્ત્રીઓને યોગ્ય આદર અને સ્નેહ આપવાથી જ ઘરમાં સમૃદ્ધિ,શાંતિ અને ધર્મનો વાસ થાય છે.જે સમાજમાં આ ચાર સ્ત્રીઓનું સન્માન થાય છે તે સમાજ સદા ઉન્નતિ અને કલ્યાણના માર્ગે અગ્રેસર રહે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment