Pages

Sunday, 7 June 2026

લગ્ન પ્રસંગે બોલાતા સપ્તપદીના સાત વચનોનો ભાવાર્થ..

 

લગ્ન પ્રસંગે બોલાતા સપ્તપદીના સાત વચનોનો ભાવાર્થ..

 

સપ્તપદીના શ્ર્લોકો બ્રાહ્મણ બોલતા હોય છે એના દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના વચન અપાય છે.લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબધ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે સપ્તપદી. જેમાં કન્યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા કન્યા પોતાના પતિને સર્વસ્વ ગણે છે અને આ સૌભાગ્યના પ્રતિક પોતાના કપાળે ચાંલ્લો કરવાનું શરૂ કરે છે.

 

સપ્તપદીની બીજી પ્રતિજ્ઞામાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃધ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે તેમજ ઉપલબ્ધ સાધન સંપન્નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે.અહી પરિવારના દરેક સભ્યોને પ્રેમ,લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે.તદઉપરાંત તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે,જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે.જે સરવાળે સમગ્ર પરિવારને નુકશાનકર્તા નિવડે.

 

જયારે ત્રીજી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિની આમન્યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે પરંતુ ઘેર પત્નિ દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે.

 

સપ્ત પદીની ચોથી પ્રતિજ્ઞામાં વધુ સારા શણગાર,શૃંગાર સજી મન,ભાવ,વિચારવાણી,શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે.શરીરની સ્વચ્છતા શણગાર..શૃંગાર વગેરે સ્ત્રીના વ્યક્તિત્વને ભવ્યતા બક્ષે છે.આથી સ્ત્રી  તેના પતિનું આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે.અહી પત્નિ બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

 

જયારે પાંચમી પ્રતિજ્ઞામાં કન્યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.

 

સપ્તપદીના છઠ્ઠી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા- પિતાની સેવા કરશે તેમજ અન્ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે.પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે.આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્યેની જ નહી,પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

 

સાતમી અને છેલ્લી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદઉપરાંત ધા‍ર્મિક,આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે.અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે,પરંતુ અહિં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેવાની ખાત્રી આપે છે.આમ, સપ્તમપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તીત કરવાની ખાત્રી આપે છે.

 

શાસ્ત્રોક્ત રીતે સપ્તપદીની વિધિ દ્વારા કન્યા દુલ્હારાજાનો પોતાના પતિ તરીકે સ્વીકાર કરે છે.બીજી રીતે જ્યાં સુધી સપ્તપદીની વિધિ પાર પાડવામાં ન આવે ત્યાં સુધી કન્યાને પરણેતર નહીં પણ કુંવારી જ માનવામાં આવે છે.લગ્નપ્રસંગ સામાજિક રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધ બાંધતા બે પરિવારો માટે એક ઉત્સવ હોય છે. વર પક્ષ અને કન્યા પક્ષ એમ બે પરિવારો વચ્ચેના આ નવા સંબંધ દ્વારા એક નવું સામાજિક ઘુ્વીકરણ રચાય છે.વર-વઘુને માટે તો આ પ્રસંગ મહાઉત્સવ અને નવજીવનના મહાયજ્ઞ સમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રી અને પુરુષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ તેમનો બીજો જન્મ હોય છે. જેમાં પુરુષે અને સ્ત્રીએ એકબીજાના વ્યક્તિત્વને સમજી જાણીને પરસ્પર પ્રેમ દ્વારા એકમેક પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ પાર પાડવાની હોય છે.આ જવાબદારીઓને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સપ્તપદીની સાત શરતોમાં આવરી લેવાઈ છે.

 

લગ્ન પ્રસંગે હસ્તમેળાપ બાદ વર અને કન્યા પવિત્ર અગ્નિ સમક્ષ સાત ડગલા ચાલીને પરસ્પર પ્રેમ દ્વારા એકબીજા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાના શપથ ગ્રહણ કરે છે.આ શાસ્ત્રોક્ત વિધિને સપ્તપદી એવું સુંદર નામ આપણા શાસ્ત્રોએ આપ્યું છે.પ્રત્યેક સ્ત્રી અને પુરુષ માટે લગ્ન જોડાણ બાદ સુમેળભર્યા જીવન નિર્વાહ માટે આ વિધિ અત્યંત આવશ્યક છે.

 

વિવાહ સંસ્કારથી પવિત્ર વર-વધૂ પોતાના ગૃહસ્થજીવનમાં કામ,ક્રોધ,લોભ,મોહ,મદ, અને મદત્સર એ ષડ્ રિપુઓને વ્રતાચરણો ધ્વારા મહાત કરીને બદલામાં પ્રેમ અને સંતોષ પ્રાપ્ત કરે છે એટલે જ લગ્ન ધ્વારા મનુષ્યને ઋણમુક્ત થવાનું ધર્મશાસ્ત્ર સૂચવે છે.આ સંસ્કારનો હેતુ જીવને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે.સદાચરણ અને સમ્યક ચારિત્ર્યથી સંસારને માણીને પુરુષે પોતાની પત્ની સાથે પરમપદને પંથે સંચરવાનું છે.

 

લગ્ન વખતે કન્યાને માતા-પિતાએ ત્રણ વસ્તુઓ દહેજમાં આપવા જેવી છેઃપતિપ્રેમ,પોતાના પતિના કુટુંબ પ્રત્યે ત્યાગભાવના અને સહનશક્તિ.

 

લગ્નનો અર્થ છે તન બે પણ મન એક.ગૃહસ્થાશ્રમ એ અદ્વૈત(એક)નું પહેલું પગથિયું છે.પતિ-પત્નીનો સ્વભાવ એક હોવો જોઈએ.મતભેદ હોય તો બંનેને શાંતિ મળતી નથી.બંનેના મન એક હોય બંનેનું લક્ષ્ય એક હોય તો સંસાર દીપે છે.ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે તો આવો લગ્ન સમયે કન્યા દ્વારા કંઇ સાત પ્રતિજ્ઞાઓ (સપ્તપદી) લેવામાં આવે છે તે વિશે લેખ જોઇએ.

આ લેખ છપાય તો સમાચારપત્રની પીડીએફ મોકલવા નમ્ર વિનંતી છે.

No comments:

Post a Comment